← એકલો યુગવંદના
હસતું પંખી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
સાગર રાણો →




હસતું પંખી


પિંજરના પંખીને હસવું બહુ આવે :
મૂરખ જન મારી દયા લાવે !
માનવીઓ, હો, શીદને મલકાતાં !

હું તો મુજ બંધનના સળિયા કરડું છું;
પાંખો ફફડાવતું રડું છું —
માનવીઓ, હો, શીદને મલકાતાં !

તમને તો જંજીરના ઝળકાટો વા'લા;
પહેરી પહેરીને ફરો લાલા !
માનવીઓ, હો. શીદને મલકાતાં !

ઊભી રે' બહેની કુળવંતની કુમારી !
કે'તી જા અશ્રુકથા તારી —
માનવીઓ, હો, શીદને મલકાતાં !

કહો જી માલિક તણા કદમો ચૂમનારા !
જડિયાં શાને જબાન-તાળાં —
માનવીઓ, હો, શીદને મલકાતાં !

કલમી! તુજ કલમો હર અક્ષરે ચિંકાર :
'ક્યાં લગ રડવું અસત્ય-ધારે ?' —
માનવીઓ, હો, શીદને મલકાતાં !

જનજનનાં હૈયાં પર જંજીર ઝણકારે;
ઘરઘર બંધન-કથા પુકારે —
માનવીઓ, હો, શીદને મલકાતાં !

મારું નાનું, તમારું ભવ્ય કેદખાનું :
છો ને રડતાં જ તમો છાનું! —
માનવીઓ, હો, શીદને મલકાતાં !