રચનાત્મક કાર્યક્રમ/કિસાનો
← આર્થિક સમાનતા | રચનાત્મક કાર્યક્રમ કિસાનો મોહનદાસ કરમચંદ ગાંધી |
મજૂરો → |
૧૪. કિસાનો
આ રચનાત્મક કાર્યક્રમમાં એકેએક વિગત આવી જતી નથી. સ્વરાજની ઇમારત જબરદસ્ત છે, તેને બાંધવામાં એંશી કરોડ હાથોએ કામ કરવાનું છે. એ બાંધનારાઓમાં કિસાનો એટલે કે ખેડૂતોની સંખ્યા મોટામાં મોટી છે. હકીકતમાં સ્વરાજની ઇમારત બાંધનારાઓ પૈકી મુખ્ય તે જ લોકો (ઘણુ ખરું ૮૦ ટકા) હોવાથી કિસાનો તે જ કૉંગ્રેસ, એવી સ્થિતિ હોવી જોઈએ. આજે તેમ નથી. પણ કિસાનોને જ્યારે પોતાની અહિંસક તાકાતનું ભાન થશે ત્યારે દુનિયાની કોઈ સત્તા તેમની સામે ટકી શકવાની નથી.
સત્તાનો કબજો લેવાને માટે ખેલાતાં રાજકારણમાં તેમનો કદી ઉપયોગ ન થવો જોઈએ. તેમના એ જાતના ગેરઉપયોગને હું અહિંસાની પદ્ધતિથી વિરોધી ગણું છું. કિસાનો અથવા ખેડૂતોનું સંગઠન કેમ કરવું તેની મારી રીત જેમને જાણવી હોય તેમને ચંપારણની લડતનો અભ્યાસ કરવાથી લાભ થશે. હિંદુસ્તાનમાં સત્યાગ્રહનો પહેલવહેલો પ્રયોગ ચંપારણમાં થયો હતો અને તેનું કેવું સારું પરિણામ આવ્યું હતું તે આખું હિન્દુસ્તાન બરાબર જાણે છે. ચંપારણની હિલચાલ આમસમુદાયની એવી લડત બની હતી જે છેક શરૂથી માંડીને છેવટ સુધી પૂરેપૂરી અહિંસક રહી હતી. તેમાં એકંદરે વીસ લાખથીયે વધારે કિસાનોને સંબંધ હતો. એક સૈકાથી ચાલતી આવેલી એક ચોક્કસ હાડમારીની ફરિયાદના નિવારણને માટે તે લડત ઉપાડવામાં આવી હતી. એ જ ફરિયાદને દૂર કરવાને પહેલાં કેટલાંયે હિંસક બંડો થયાં હતાં. ખેડૂતોને તદ્દન દબાવી દેવામાં આવ્યા હતા. અહીં અહિંસક ઇલાજ છ મહિનાના ગાળામાં પૂરેપૂરો સફળ થયો. કોઈ પણ જાતની સીધી રાજકારણી ચળવળ કે રાજકારણના સીધા પ્રચારની મહેનત વગર ચંપારણના ખેડૂતો રાજકારણની બાબતમાં જાગ્યા. પોતાની ફરિયાદ દૂર કરવામાં અહિંસાએ જે કાર્ય કર્યું તેની દેખીતી સાબિતી મળવાથી તે બધા
રાષ્ટ્રીય મહાસભામાં ખેંચાયા અને બાબુ બ્રજકિશોરપ્રસાદ તેમ જ બાબુ રાજેન્દ્રપ્રસાદની આગેવાની નીચે પાછલી સવિનયભંગની લડતોમાં તેમણે પોતાની તાકાતનો પૂરતો પરચો બતાવ્યો.
આ ઉપરાંત ખેડા, બારડોલી તથા બોરસદમાં ચાલેલી ખેડૂતોની લડતોનો અભ્યાસ કરવાથી પણ વાચકને લાભ થશે. કિસાન સંગઠનમાં સફળતાની ચાવી એ છે કે તેમની પોતાની અને તેમને સમજાતી હોય તથા કઠતી હોય તેવી ફરિયાદો દૂર કરાવવાના કામ સિવાય બીજા કોઈ પણ રાજકીય આશયથી તેમના સંગઠનનો દુરુપયોગ ન કરવો. કોઈ એક ચોક્કસ અન્યાય કે ફરિયાદના કારણને દૂર કરવાને માટે સંગઠિત થવાની વાત તેમને તરત સમજાય છે. તેમને અહિંસાનો ઉપદેશ કરવો નથી પડતો. પોતાની ફરિયાદોના એક અસરકારક ઇલાજ તરીકે તે લોકો અહિંસાને સમજીને અજમાવે અને પાછળથી તેમને જણાવવામાં આવે કે તમે જે અજમાવી તે જ અહિંસક પદ્ધતિ છે એટલે તરત તે લોકો અહિંસાને ઓળખી જાય છે ને તેનું રહસ્ય પામી જાય છે.
જે જે મહાસભાવાદીઓએને રસ હોય તે કિસાનોમાં તેમની સેવાને અર્થે કેમ કાર્ય કરવું તે ઉપર જણાવેલા દાખલાઓના અભ્યાસથી જાણી લે. મારું એમ માનવું છે કે કિસાન સંગઠનની જે પદ્ધતિ કેટલાક મહાસભાવાદીઓએ અખત્યાર કરી છે તેનાથી તેમને જરાયે ફાયદો થયો નથી. ઊલટું કદાચ નુકસાન થયું હશે. પણ ફાયદાનુકસાનની વાત જવા દઈને મારે એટલું તો કહેવું જ જોઈએ કે તેમણે અખત્યાર કરેલી રીત અહિંસાની નથી. આ કાર્યકર્તાઓમાંના કેટલાકને વિશે એટલું કહેવું જોઈએ કે અમે અહિંસક પદ્ધતિને માનતા નથી એમ તેઓ નિખાલસપણે કબૂલ કરે છે. આવા કાર્યકર્તાઓને મારી સલાહ છે કે તેમણે પોતાનું કામ કરવામાં મહાસભાનું નામ ન વાપરવું ને મહાસભાવાદીઓ તરીકે કાર્ય ન કરવું.
કિસાનો ને મજૂરોને અખિલ હિંદને ધોરણે સંગઠિત કરવાની જે ચડસાચડસી ચાલે છે તેનાથી હું કેમ અળગો રહ્યો છું તેનો વાચકને મારી આટલે સુધીની વાત પરથી ખ્યાલ આવ્યો હશે. આપણે બધા મળીને એક જ દિશામાં ખેંચીએ તો કેવું સારું! પણ આપણા જેવા મોટા દેશમાં એવું કદાચ બને નહીં. એ બધી વાત જવા દો. અહિંસાને રસ્તે કોઈના પર કોઈ જાતની જબરદસ્તી ન હોય એટલી વાત સાચી. અહિંસાની પદ્ધતિનું પ્રત્યક્ષ કાર્ય અને કેવળ તર્કથી સાબિત થાય તેવી દલીલો બંને મળીને પોતાનું કામ કર્યા વિના રહેવાનાં નથી.
મારો એવો અભિપ્રાય છે કે મજૂરોની માફક કિસાનો અથવા ખેડૂતોના ગણાય તેવા સવાલો વિશે કામ કરનારું એક ખાતું મહાસભાએ પોતાની દેખરેખ નીચે ચલાવવું જોઈએ.