← અસ્પૃશ્યતાનિવારણ રચનાત્મક કાર્યક્રમ
દારૂબંધી
મોહનદાસ કરમચંદ ગાંધી
ખાદી →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


૩. દારૂબંધી

કોમી એકતા અને અસ્પૃશ્યતાનિવારણની માફક દારૂબંધીની બાબત રાષ્ટ્રીય મહાસભાના કાર્યક્રમમાં છેક ૧૯૨૦ની સાલથી સમાવવામાં આવી છે, છતાં એ અત્યંત જરૂરી સામાજિક તેમ જ નૈતિક સુધારાના કામમાં મહાસભાવાદીઓએ જે રસ લેવો જોઈતો હતો તે લીધો નથી. આપણે આપણું ધ્યેય અહિંસક પુરુષાર્થને રસ્તે મેળવવું હોય તો અફીણ, દારૂ વગેરે પદાર્થોના વ્યસનમાં સપડાયેલાં આપણાં કરોડો ભાઈબહેનોનું ભાવિ ભવિષ્યની સરકારની મહેરબાની કે મરજી પર લટકતું ન રાખીએ.

આ બદી દૂર કરવાના કાર્યમાં દાક્તર લોકો સૌના કરતાં અસરકારક તેમજ ઉપયોગી ફાળો આપી શકે. દારૂના તેમજ અફીણના પંજામાં સપડાયેલા વ્યસનીઓને તેમાંથી છોડાવવાના ઉપાયો તેમણે ખોળી કાઢીને અજમાવવા જોઈશે.

આ સુધારાના કાર્યને આગળ વધારવામાં સ્ત્રીઓને અને વિદ્યાર્થીઓને ખાસ તક છે. પ્રેમથી કરેલી સેવાનાં અનેક નાનાંમોટાં કાર્યો દ્વારા તે બંને વર્ગો વ્યસનીઓના દિલ પર એવો કાબૂ જમાવશે કે પોતાની ભૂંડી કુટેવ છોડવાને પોતાનાં આ પ્રેમાળ સેવકોએ કરેલી અરજ કાને ધર્યા વિના તેમનો છૂટકો નહીં થાય.

રાષ્ટ્રીય મહાસભાની સમિતિઓ આનંદ આપે તેવાં રંજનનાં મથકો કે વિશ્રાંતિગૃહો ઉઘાડે, જ્યાં થાક્યાપાક્યા મજૂરો પોતાનાં અંગોને આરામ આપી શકે, ચોખ્ખાં અને તંદુરસ્તી આપનારાં પીણાં કે સોંઘી નાસ્તાની વસ્તુઓ મેળવી શકે અને મનગમતી તેમજ અનુકૂળ રમત-ગમતો રમી શકે. આ બધું કામ મનને ખૂબ આકર્ષે તેવું ને હૃદયને કેળવીને ઊંચે ચડાવનારું છે. સ્વરાજ મેળવવાનો અહિંસાનો રસ્તો તદ્દન નવો છે, તે માર્ગે જૂનાં મૂલ્યોને ઠેકાણે નવા મૂલ્યો સ્વીકારવાના રહે છે. જૂની વાતોને નવી રીતે ઓળખવાની રહે છે. સ્વરાજ્યપ્રાપ્તિના હિંસાના રસ્તામાં આ જાતના સુધારાઓને કદાચ સ્થાન પણ ન હોય.

એ રસ્તાને વિશે શ્રદ્ધા ધરાવનારા લોકો સ્વરાજ્ય મેળવી લેવાની અધીરાઈને કારણે અથવા કહો કે પોતાના અજ્ઞાનને કારણે આવી બધી બાબતો મુક્તિ મેળવ્યા પછી સાધવાની છે એમ માનશે, અને તેથી તે દિવસ સુધી તેમનો અમલ મુલતવી રાખશે. પરંતુ એ લોકો એક વાત ભૂલી જાય છે; કાયમની અને એબ વગરની સાચી મુક્તિ અંતરમાંથી પ્રગટ થાય છે, એટલે કે આત્મશુદ્ધિથી મળે છે. રચનાત્મક કાર્ય કરનારા કાયદાથી કરવાની દારૂબંધીના કાર્યને રસ્તો નહીં પાડી આપે તોયે તેને સહેલું કરી શકશે અને તેની સફળતાને માટે ભૂમિકા તૈયાર કરી રાખશે.