← આમુખ રચનાત્મક કાર્યક્રમ
પ્રાસ્તાવિક
મોહનદાસ કરમચંદ ગાંધી
કોમી એકતા →


પ્રાસ્તાવિક


રચનાત્મક કાર્યક્રમને બીજી રીતે અને વધારે ઘટિત નામથી ઓળખાવીએ તો સત્ય ને અહિંસાનાં સાધન વડે પૂર્ણ સ્વરાજ એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતાની રચના કહી શકાય.

સ્વતંત્રતાને નામે ઓળખાતી વસ્તુની હિંસા વડે અને તેથી ખસૂસ અસત્યનાં સાધનો વડે થતી રચનાના પ્રયાસો કેટલા બધા દુઃખદાયક હોય છે તે આપણે બરાબર જાણીએ છીએ. હાલ ચાલી રહેલી લડાઈમાં રોજેરોજ કેટલી મિલકતની ને કેટલાં માણસોની ખુવારી થઈ રહી છે, ને સત્યનું કેવું ખૂન થઈ રહ્યું છે !

સત્ય ને અહિંસા વડે સંપૂર્ણ સ્વતંત્રતાની સિદ્ધિ એટલે ન્યાતજાત, વર્ણ કે ધર્મના ભેદ વિના રાષ્ટ્રના એકેએક ઘટકની, અને તેમાંયે તેના રંકમાં રંક ઘટકની સ્વતંત્રતાની સિદ્ધિ. આવી સ્વતંત્રતામાંથી કોઈનેયે અળગા રાખવાપણું ન હોય. અને તેથી રાષ્ટ્રની બહાર બીજાં રાષ્ટ્રો સાથેના અને પ્રજાની અંદર તેના જુદા જુદા વર્ગોના પરસ્પરાવલંબન સાથે એ સ્વતંત્રતાનો પૂરેપૂરો મેળ હશે. અલબત્ત, જેમ આપણે દોરેલી કોઈ પણ લીટી યુક્લિડની તાત્ત્વિક વ્યાખ્યાની લીટીના કરતાં અધૂરી હોય તેમ તાત્ત્વિક સિદ્ધાંતના કરતાં તેનો વહેવારમાં અમલ અધૂરો રહે છે. તેથી જેટલા પ્રમાણમાં આપણે સત્ય ને અહિંસાનો વહેવારમાં અમલ કરીશું તેટલા જ પ્રમાણમાં આપણે મેળવેલી સંપૂર્ણ સ્વતંત્રતા સંપૂર્ણ હશે.

વાચક આખા રચનાત્મક કાર્યક્રમનો નક્શો પોતાના મનમાં દોરી જોશે તો તે મારી વાત કબૂલ રાખશે કે, એ કાર્યક્રમનો સફળ અમલ થાય તો તેનું ફળ આપણને જે સ્વતંત્રતા જોઈએ છે તે જ હશે. ખુદ મિ.ઍમરીએ નથી કહ્યું કે, હિંદના મુખ્ય મુખ્ય પક્ષો જે સમજૂતી કરશે તેને માન્ય રાખવામાં આવશે ? મિ.ઍમરીની વાતને મારી ભાષામાં હું એવી રીતે કહું કે કોમી એકતા, જે રચનાત્મક કાર્યક્રમના અનેક મુદ્દાઓ પૈકીનો કેવળ એક મુદ્દો છે તેની સિદ્ધિ પછી થયેલી સર્વ પક્ષો વચ્ચેની સમજૂતીને બ્રિટિશ સરકાર માન્ય રાખશે. મિ.ઍમરીએ આ વાત સાચા દિલથી કરી છે કે નહીં તે વિશે શંકાકુશંકા કરવાની જરૂર રહેતી નથી કેમ કે, એ જાતની એકતા જો પ્રામાણિકપણે એટલે કે અહિંસા દ્વારા સધાય તો તે પછી થયેલી સમજૂતીની પોતાની અસલ તાકાત જ એવી થશે કે, સર્વ પક્ષોએ મળીને કરેલી માગણીનો સ્વીકાર કર્યા વિના કોઈનો છૂટકો નહીં થાય.

આથી ઊલટું હિંસા દ્વારા સિદ્ધ થયેલી સ્વતંત્રતાની કાલ્પનિક તો શું, સંપૂર્ણ કહી શકાય તેવી વ્યાખ્યાયે નથી. કેમ કે એ જાતની સ્વતંત્રતામાં રાષ્ટ્રનો જે પક્ષ હિંસાનાં સાધનોને સૌથી વધારે અસરકારક રીતે યોજી શકશે તેની દેશમાં હાક વાગશે, એ વાતનો સહેજે સમાવેશ થઈ જાય છે. એવા પૂર્ણ સ્વરાજમાં આર્થિક શું કે બીજી શું, કોઈ પણ પ્રકારની સંપૂર્ણ સમાનતાનો ખ્યાલ સરખો થઈ શકે તેવો નથી.

પરંતુ મારો આશય અત્યારે તો વાચકને એટલું જ ઠસાવવાનો છે કે, સ્વરાજ્યસ્થાપનાના અહિંસક પુરુષાર્થમાં રચનાત્મક કાર્યક્રમનો સમજીને અમલ કરવાની જરૂર છે; અને તેથી પૂર્ણ સ્વરાજની સિદ્ધિને માટે હિંસાનું સાધન જરાયે કામ આવે એવું નથી, એ મારી દલીલ તેણે સ્વીકારવાની જરૂર નથી. હિંસાની કોઈ યોજનામાં રાષ્ટ્રના રંકમાં રંક ઘટકની સ્વતંત્રતા પણ સમાવી શકાય એમ વાચકને માનવું હોય તો ખુશીથી માને; પણ તેની સાથે એટલું કબૂલ રાખવાનું બની શકતું હોય કે રચનાત્મક કાર્યક્રમનો બરાબર અમલ થાય તો તેમાંથી એ પ્રકારની સ્વતંત્રતા અચૂક નીપજે તો વાચકની સાથે તેની માન્યતા માટે મારે અત્યારે તકરાર કરવી નથી.

હવે આપણે રચનાત્મક કાર્યક્રમનાં જુદાં જુદાં અંગો તરફ વળીએ.