← નવી તાલીમ અથવા પાયાની કેળવણી રચનાત્મક કાર્યક્રમ
પ્રૌઢશિક્ષણ
મોહનદાસ કરમચંદ ગાંધી
સ્ત્રીઓ →


૮. પ્રૌઢ શિક્ષણ

મહાસભાવાદીઓએ આ કામ તરફ નહીં જેવું ધ્યાન આપ્યું છે. જ્યાં આ વિષયમાં તેમણે થોડું ઘણું ધ્યાન આપ્યું છે ત્યાં વગર ભણેલા લોકોને માત્ર લખતાંવાંચતાં શીખવીને સંતોષ માન્યો છે. મોટી ઉંમરના સ્ત્રીપુરુષોને કેળવવાનું કે ભણાવવાનું કામ જો મારે હસ્તક હોય તો હું મારા વિદ્યાર્થીઓને પોતાના મુલકનો વિસ્તાર અને તેની મહત્તાનો ખ્યાલ આપીને તેમની કેળવણીની શરૂઆત કરું. આપણાં ગામડાંઓનાં વતનીઓને મન પોતાનું ગામ તે જ પોતાનો આખો દેશ. તે લોકો જો પરગામ જાય તો ત્યાં પોતાનું ગામ એ જ જાણે પોતાનો આખો મુલક કે વતન હોય તેવી વાત કરે છે. હિન્દુસ્તાન શબ્દ તેમને મન કેવળ ભૂગોળની ચોપડીઓમાં વપરાતો બોલ છે. આપણાં ગામડાંઓમાં કેવું ઘોર અજ્ઞાન વસે છે તેનો આપણને ખ્યાલ સરખો નથી. આપણાં ગામડાંનાં ભાઈઓ ને બહેનો આપણા દેશ પર ચાલતી પરદેશી હકૂમત કે તેનાં માઠાં ફળ વિશે કશું જાણતાં નથી. આમતેમથી જે કંઈ થોડું જાણવાનું મળે છે તેને લીધે પોતાના પરદેશી રાજકર્તાઓનો તેમના દિલ પર ધાક બેસી ગયો છે. એટલે પરદેશીઓથી ને તેમની હકૂમતથી તે ડરે છે પણ તેને અંતરમાં ધિક્કારે છે. એ હકૂમતની બલામાંથી કેમ છૂટવું તેની તેમને સમજ નથી. વળી તેમને એ વાતનો પણ ખ્યાલ નથી કે પરદેશીઓની અહીં હકૂમત ચાલે છે તેનું એક કારણ તેમની પોતાની જ નબળાઈઓ કે ખામીઓ છે, અને બીજું એ પરદેશી અમલની બલાને કાઢવાને પોતાનું જે સામર્થ્ય છે તેનું તેમને ભાન નથી. તેથી મોટી ઉંમરનાં આપણાં ભાઈબહેનોની કેળવણીનો સૌથી પહેલો હું એવો અર્થ કરું છું કે મોઢાના બોલથી એટલે કે સીધી વાતચીતથી તેમને સાચી રાજકીય કેળવણી આપવી. આ કેળવણી ક્રમે ક્રમે કેવી રીતે આપવી તેનો નક્શો પહેલેથી દોરી રાખેલો હશે એટલે તે આપવામાં કોઈ જાતનો ડર રાખવાનું કારણ નથી. મારું એવું માનવું છે કે સરકારી અમલદારો તરફથી આ જાતની કેળવણીના કામમાં દખલગીરી થાય એ જમાનો વહી ગયો છે. પણ ધારો કે એવી દખલગીરી થાય તો પોતાનાં ભાઈબહેનોને ભેગાં કરીને વાતોચીતો દ્વારા તેમને સાચી કેળવણી આપવાના આ સૌથી મૂળ હકના અમલને માટે લડી જ લેવું, કેમ કે એ મૂળભૂત હક વિના સ્વરાજની સિદ્ધિ નથી. બેશક મેં આ કેળવણીને વિશે જે કંઈ સલાહ અહીં આપી છે તેમાં બધું કાર્ય ખુલ્લંખુલ્લા થશે એ વાત મેં માની લીધેલી છે. અહિંસાની પદ્ધતિમાં ડરને જરાયે અવકાશ નથી ને તેથી છૂપાપણાને પણ અવકાશ નથી. આ મોઢાની કેળવણી સાથે જ લખવાવાંચવાનું ભણતર પણ ચાલે. આ કામમાં ખાસ આવડતની જરૂર છે. એને અંગે ભણતરનો ગાળો બને તેટલો ટૂંકો કરવાને ખાતર અનેક પદ્ધતિઓ અજમાવવામાં આવે છે. મારી ભલામણ એવી છે કે આ કામમાં નિષ્ણાત ગણાતા લોકોનું એક કાયમનું અથવા કામચલાઉ મંડળ કાર્યવાહક સમિતિએ નીમવું, જે અહીં મેં જે વિચાર દર્શાવ્યો છે ને પ્રૌઢશિક્ષણ કેવું હોવું જોઈએ એ વિશે જે ખ્યાલ રજૂ કર્યો છે તેને ચોક્કસ યોજનામાં સમાવીને કાર્યકર્તાઓને દોરવણી આપે. હું કબૂલ કરું છું કે મેં આ ટૂંકા પૅરામાં જે કહ્યું છે તેનાથી કેવળ કામની દિશા બતાવાઈ છે, પણ એ કામ કેમ ચાલુ કરવું તેની સામાન્ય મહાસભાવાદીને વિગતે દોરવણી મળતી નથી. વળી ખાસ આવડતની અપેક્ષા રાખનારું આ કાર્ય કરવાને એકેએક મહાસભાવાદી લાયક પણ ન હોય. પણ જે મહાસભાવાદીઓ શિક્ષણનો વ્યવસાય કરે છે તેમને મેં અહીં જે સૂચનાઓ કરી છે તેમને અનુરૂપ ભણતરનો ક્રમ દોરી આપવામાં મુશ્કેલી ન લાગવી જોઈએ.