રબારણ
અજ્ઞાત
(ઢાળ : હું રે મહિરાયણ રે ! ગોકુળ ગામની)



રબારણ

આવો રબારણ હો ! મ્હારે નેસલડે,
હૈયાનાં પાવું અમીડાં રે :
રબારણ હો ! મ્હારે નેસલડે.

મ્હારો નેસલડો હો! કે વનની વચ્ચે, રબારણ !
જાને છે કોક જાણનાર :
રબારણ હો ! મ્હારે નેસલડે.

ઘમ્મર વલોણાં હો! કે નેસને ગર્ભે, રબારણ !
તાણે છે કોક તાણનાર :
રબારણ હો ! મ્હારે નેસલડે.

ચમકાવે ચાંદની હો ! કે મ્હારાં મહીડાં, રબારણ !
જાને છે કોક જાણનાર :
રબારણ હો ! મ્હારે નેસલડે.

મોંઘા માખણિયાં હો! ઉતારવા ઘૂમો, રબારણ !
લ્હાણે છે કોક લ્હાણનાર :
રબારણ હો ! મ્હારે નેસલડે.

સ્વાદ અનબોટ્યો હો ! અંતરના રસનો, રબારણ !
માણે છે કોક માણનાર :
રબારણ હો ! મ્હારે નેસલડે.