રસધાર ૨/કરપડાની શૌર્યકથાઓ/વિસામણ કરપડો
સૌરાષ્ટ્રની રસધાર ૨ ઝવેરચંદ મેઘાણી |
શું કરતો હતો ? પોતાની પછેડીની ફાટમાં ધરતીની ધૂળ ભેગી કરતો હતેા.
સામે કાંઠેથી સ્વર આવ્યો : “ ફકીરા કરપડા ! મરતી વખતે ચાળો ઉપડ્યો કે શું ? ”
આ કાંઠેથી જવાબ ઊઠયો : “ ના, બાપ ! આ તો મારા ધણીની ધરતીને મરતે મરતેય બાંધી જાઉ છું. ત્યાં જઈને કહીશ કે મારા ધણી ! મરતાં મરતાંયે તારી જમીન લીધી છે, દીધી નથી.”
લીધી પણ દીધી નહિ, ધણિયુંવાળી ધરા,
કીધી કરપડા, ફતેહ આંગત ફકીરિયા !
ફકીરાના રામ ઊડી ગયા. મૂળુ ખાચરે એના પગ પાસે બેસીને આંસુ પાડ્યાં. એણે પ્રતિજ્ઞા લીધી કે ઉબરડાની ચપટી માટી પણ મારે હવે ન ખપે.
ફકીરા કરપડાની ખાંભી અત્યારે મચ્છુને કાંઠે મોજુદ છે.
ધણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની ત્રીજી પેઢીએ ઉબરડામાં વિસામણ કરપડો થયો, અને વેળા ખાચરની ત્રીજી પેઢીએ ભેાજ ખાચર થયા, છ વરસના અને એકના એક વહાલા દીકરા ભોજનું કાંડું વૃદ્ધ વિસામણાને ભળાવીને ભેાજના બાપ દેવ થઈ ગયા. ભેાજની મા તો વહેલાં ગુજરી ગયેલાં. ભેાજને સાંભરતુંયે નહિ હોય કે માનું માં કેવું હશે.
ભેાજને એક કમરીબાઈ નામે બહેન હતાં. તે જામનગર તાબે દહીરા ગામમાં દરબાર શાદૂલ ધાધલના ઘરમાં હતાં. લેાકેા કહેતા હતા કે કમરીબાઈ તે આઈ વરૂવડીનો અવતાર છે.
બાપુ ગુજર્યાના ખબર પડતાં કમરીબાઈ એ શાદૂલ ધાધલને કહ્યું, “કાઠી, મારા બાપનું ગામતરું છે અને ભાઈ ભેાજના મોઢામાં હજી દૂધિયા દાંત છે ! એને મારા પિતરાઈઓ જીવતે નહિ રહેવા આપે, માટે હાલે, આપણે ઉબરડે જઈને રહીએ.”
ત્યાં તો બહેનને પણ સ્વર્ગોપરનું તેડું આવ્યું; બહેન મરવા સૂતાં પણ જીવ કેમેય જતો નથી. આપા વિસામણે ઢોલિયા પાસે બેસીને પૂછયું : “બહેન, તું તો વરૂવડીને અવતાર : અને જીવ કેમ જાતો નથી ?”
બહેને જવાબ દીધો : “ કાકા, મારા ભેાજનું શું થાશે?”
“કાં માડી ! ભેાજની ફિકર શેની ! એની રખેવાળી કરનારા એના બે કાકા બેઠા છે ને !”
વિસામણ કાકા, ભેાજ મરે તેનો ગરાસ કોને જાય ?”
“એના કાકાને.”
“બસ ! સમજ્યા, બાપ ?”
“સમજ્યો, બેટા ! લે ત્યારે સાંભળ. ભેાજ જે દી મરશે તે દી સ્વર્ગાપરને મારગે ઉબરડાનો એકેએક કરપડો બે ડગલાં ભેાજની મોઢા આગળ માંડશે. માટે, મારા બાપ ! તારા જીવને સદ્ગતિ કર.”
કમરીબાઈના પ્રાણ એટલું સાંભળીને છૂટી ગયા. પણ આ બધી વાતો ભેાજ ખાચરના પિતરાઈઓના કાને ગઈ. એ બધાને પગથી માથા સુધી ઝાળ થઈ ભેાજને ટૂંકો જ કરવા એવો મનસૂબો ઘડાયો.
બહેન ગઈ એટલે તે દરબારગઢ ઝાંખો પડી ગયો. વિમાસણ ડોસાએ એારડામાં આવીને જોયું તેા એાળીપો બગડી ગયેલો, ચાકળા-ચંદરવા વીંખાઈ ગયેલા અને માંડયનાં વાસણ કાળાં પડેલાં.
“મારા બાળારાજાના એારડા આમ રઝળતા કેમ રખાય ! ગઢની આબરૂના કાંકરા થઈ જાય ને!” એમ વિચાર કરીને એણે આઠ વર્ષના ભેાજનો વિવાહ કર્યો. ગોસળ ગામની ચૌદ વરસની રંભા જેવી કાઠિયાણી આણી. જુવાન કાઠિયાણી પાતાના ઘરમાં માંડછાંડ કરવામાં તલ્લીન બની ગઈ. ધણી કેવડો છે એ ધ્યાન કરવાનું ભાન એને રહ્યું નહિ.
એંશી એંશી વરસના બે કરપડાને આપા વિસામણે ડેલીએ ચોકી કરવા બેસાડ્યા. રોજ સવારે ગઢમાંથી વડારણ આવીને લોટના બે શગભર્યા સૂંડા ડેલીએ મૂકી જાય, ને બેય કરપડા આખો દિવસ સાધુ-બ્રાહ્મણને છાલિયું લોટ આપે. ગઢમાં એક કૂતરું પણ બે બુઢ્ઢા કરપડાની રજા વગર પેસી ન શકે.
વિસામણ કરપડાને જીવો નામે એક દીકરો હતો. એ જીવો અને કરપડાના બીજા સત્તર તેવતેવડા જુવાને સવાર પડે ત્યારથી ભોજભાઈને વીંટી ૯યે. તે રાતે સૂવાટાણે નેાખા પડે.
પિતરાઈએાને તો હજાર વાતે પણ વેર કરવું હતું. પોતાનાં ઘેાડાં લઈને ભેાજની સીમ એ ભેળવવા માંડયા, એટલે એક દિવસ વિસામણ કરપડાએ એ બધાં ઘોડાં બાંધી દીધાં.
પિતરાઈએાએ ધ્રાંગધ્રાના રાજસાહેબ પાસે જઈને લાલચ દીધી કે 'જો ભેાજને ઠેકાણે કરે, તે અમારો અરધો ગરાસ તમને આપીએ.”
રાજ મનુભા વિસામણ કરપડાને “ વિસામણ કાકા” કહી બેાલવતા. મોરબી અને ધ્રાંગધ્રા વચ્ચે મીઠાના અગર માટે જ્યારે તકરાર પડી હતી ત્યારે રાજસાહેબને જો કેાઈ એ જિતાવ્યા હોય તો તે વિસામણ કાકાએ વિસામણ કાકા કરપડાએાનાં માથાં લઈને રાજસાહેબની વહારે ગયેલા. પણ
સૌરાષ્ટ્રની રસધાર ૨ ઝવેરચંદ મેઘાણી |
ગરાસની લાલચે બધા ગુણ ભુલાવી દીધા.
રાજસાહેબે વિસામણ કાકાને ધ્રાંગધ્રે તેડાવી લીધા. કાકાની ઘેાડીને ગઢની માંહ્યલી ઘોડારમાં બંધાવી દીધી. ડેલીની મેડી ઉપર જ કાકાને સીસમનો ઢોલિયો ઢળાવી દીધો. પોતાની થાળીમાં જ કાકાને જમાડવા મંડ્યા. કોઈ રાજાના જેવી કાકાની ચાકરી થવા લાગી. પણ કાકાને ક્યાંય રેઢા ન મૂકે. કાકા કેદી બન્યા.
બીજી તરફથી રાજસાહેબે ત્રણસો બંદૂકદારોને તૈયાર કરી, એક દિવસ સેાપો પડ્યે ઉબરડામાં પેસાડી દીધા. બંદૂકદારો ભેાજના પિતરાઈની ડેલીમાં સંતાઈ ગયા.
સવાર પડયું. ખળાવાડમાં તલનાં એાથડાં ખંખેરવાનાં હતાં તેથી ભોજભાઈને પટેલ ખળાવાડે પધારવાનું કહી ગયો. અઢાર જુવાનજોધ કરપડાની વચ્ચે વીંટાઈને ભેાજ ખળાવાડે ગયો. ગામ ખાલી થયું. દૈવને કરવું હશે તે સવારે વહેલો એક બાવો ભોજના પિતરાઈઓની ડેલીએ લોટ માગવા ગયો. ત્યાં એણે દાઢીવાળા ત્રણસો બંદૂકદાર દેખ્યા. ખળાવાડે જઈને એણે બાતમી દીધી.
વિસામણ કાકાનો સપૂત જીવો કરપડો આખી રમત કળી ગયો. ભેાજ ખાચરના માગણિયાત ખેાડા રાસળિયાને બોલાવ્યો. બે ઘોડાં મગાવ્યાં. રાસળિયાને કહ્યું : “ભેાજભાઈને તાબડતોબ ગોસળ પહોંચાડી એના સસરાને સોંપી આવ. જોજે હો, તારો ધણી છે.”
ખોડો ભેાજ બાપુને લઈ ગેાસળ ચાલ્યો. ગોસળ સાયલાનું ગામ હતું.
પોતાના સત્તરે ભેરુબંધોને ખબરદાર કરીને જીવો પાછલી બારીએથી પોતાના ફળિયે આવ્યો. પોતાની ફળી અને ભોજ ખાચરની ફળી વચ્ચે એક બારી હતી, તેમાં થઈને ભેાજભાઈની ડેલીએ આવ્યો. આવીને એંસી વરસના બેય કરપડાના કાનમાં વાત કહી : “ત્રણસો બરકંદાજ આવી પહાંચ્યા છે. ભોજભાઈને તો ગેાસળ ભેગા કર્યા, પણ આઈનું શું થશે ? આઈ ને મારે એારડે લઈ જઈને ગેાસળ મોકલાવી દઉં ? ભલે પછી એ કમજાતો આવીને ગઢના ગાભા વીંખવા હોય તો વીંખી જાય.”
બેય બુઠ્ઠાએાએ ધોળાં ધોળાં માથાં ધુણાવ્યાં. બેય જણા બેલ્યા : “ના રે, બાપ ! બાપડી આઈ એ આટઆટલી મહેનતે એારડા શણગાર્યા એ કાંઈ રેઢા મેલાય ? આઈ બાપડી અાંસુડાં પાડી-પાડીને અરધી થઈ જાય ને !”
“પણ હું છું ને ! આઈને હું લઈ જાઉં છું.”
તરવાર ખેંચી લાલચાળ અાંખ કરી એંશી વરસના બે ડેાસા બેાલ્યા : “જીવા, અમને અાંહી તેં નથી બેસાડ્યા; તારે બાપે બેસાડ્યા છે. એ આવશે ને કહેશે તો ઊઠશું. બાકી તો અાંહી જ મરશું. ગઢમાંથી એક માટલું પણ બીજે કયાંય નહિ ફેરવવા દઈએ. એંશી વરસે શું અમે દાઢીમાં ધૂળ ઘાલશું ?”
જીવો ચાલ્યા ગયો. હવે ધીંગાણા વિના બીજો ઉપાય ન રહ્યો. અઢારે જણા વરરાજા બનીને ઉઘાડી તરવારે ગામમાં ચાલ્યા. મોખરે જીવો ચાલતો હતો ત્યાં તો સત્તર જણામાંથી એક સાવજ જેવો જુવાન દોડીને મોઢા આગળ થયો. જીવો કહે : “કેમ, ભાઈ ? ”
“કેમ શું વળી ? તું મોટો ને હું શું નાનો છું ? પહેલી ગેાળી તો હું જ ઝીલીશ.”
ત્યાં તો ધડિંગ ધડિંગ કરતી ત્રણસો ગાળીઓ. સામેથી વછૂટી. પણ રામ રાખે એને કેાણ ચાખે ? અઢાર જણામાંથી એક લાખાને પગે જ જખમ થયો. એક ગાય અને એક પનિહારી ઘવાયાં, બાકીના સત્તરે મરદોએ એ ધુમાડાના ગોટેગોટની અંદર ઉઘાડી તરવારે દોટ મૂકી. ત્રણસો બરકંદાજોને ડેલીએ દાબી દીધા. ફરી વાર બંદૂકો ભરાય ત્યાં તો અઢારે તરવારો પાકલ શેરડી જેવા વેરીએાને વાઢવા માંડી. ડેલીમાં એક સીદી ને જીવો કરપડો મંડાણા ને ડેલી બહાર લાખો એક સિપાઈને પછાડી માથે ચડી બેઠો. દુશ્મનોનો સોથ વળી ગયો. બચ્યા તે ભાગી છૂટયા.
ઘવાયેલા વાઘ જેમ વકરી જાય, તેમ લાખો પણ ઝનૂને ચડ્યો. એ દોડયો દુશ્મનેાના એારડા ઉપર. એારડાની ઓસરીમાં દુશ્મનોનાં બે છોકરા કિનખાબનાં ઘોડિયાંમાં સૂતાં હતાં. બીજા સાદાં. મેલાં ઘોડિયાંમાં વડારણોનાં બે છોકરાં સૂતેલાં લાખાની ત્રાડ સાંભળીને કાઠિયાણીઓ તો એારડામાં ભરાઈ ગઈ, પણ રંગ છે દાસીઓને ! એમણે તરત જ પોતાના છોકરાએાને કિનખાબનાં ઘોડિયામાં સુવાડી દીધા, અને દરબારના કુંવરોને પોતાના છોકરાની જગ્યા એ સુવાડયા.
કાળભૈરવ જેવો લાખો ત્યાં પહોંચ્યો, જઈને કિનખાબનાં ઘોડિયાંમાં પોઢેલા બાળકોને છેદી નાખ્યા. કાઠિયાણીઓ અને દાસીએાની રડારોળ થઈ રહી. એ કાળી કિકિયારી સાંભળીને જીવો કરપડો દોડતો આવ્યો. છોકરાને હણાયેલ જોઈને જીવાએ કહ્યું : “ ધિક, લાખા ! લોહીનો આટલો બધો તરસ્યો? આ આપણી માયું નથી? એનાં છોકરાં આપણાં ભાંડું નહિ? આ તેં કોને મારી નાખ્યા? ભાગી જા, પાપિયા !”
લાખાને બહાર કાઢયો ત્યાં સુધી દાસીએાએ આંસુ રોકી રાખ્યા હતાં, પણ પછી ન રહેવાયું. પોતાનાં બે ગભુડાંને મરેલાં ભાળીને એમણે છાનું રોઈ લીધું.
જીવો કહે : “રંગ છે તમને! તમે જ સાચી ક્ષત્રીજનેતા. બહેનો, હવે ફડકો રાખશો મા હું ઊભો છું.”
એ જ વખત વેલડાં જોડાવીને જીવાએ એ બધી બાઈ ઓને બગડ મોકલી દીધી. ત્યાર પછી આ વંશ બગડમાં જ ચાલ્યો છે, પાછા ઉબરડે આવ્યા જ નથી.
ધ્રાંગધ્રાના બરકંદાજો ભાગી નીકળ્યા, પછી કરપડાએાને બીક લાગી કે હમણાં ધ્રાંગધ્રાની તોપો આવી પહોંચશે; તેથી ઉબરડું છોડી અઢારે જણા ગોસળ ચાલ્યા ગયા.
૨
હવે જે રાત્રે ધ્રાંગધ્રાના બરકંદાજો ઉબરડામાં દાખલ થયા તે રાત્રે ધ્રાંગધ્રામાં શું બન્યું ? ડેલીને માથે મેડી ઉપર મખમલના ગાદલામાં વિસામણ કરપડો સૂતેલ છે; પણ એને ઊંંઘ આવતી નથી. એના મનમાં આફરડા આફરડા થડકારા થવા લાગ્યા. મનમાં થયું કે અત્યારે ને અત્યારે ચડી નીકળું.
પણ એની ઘેાડી કયાં ? દરવાજે દરબારના જીવા જમાદારની ચોકી હતી. જીવાને એણે કહ્યું : “મારી ઘોડી લાવો.”
“વિસામણ કાકા, હવે રામરામ કરો.”
“કાં, બાપ?”
“ઘેાડીયે મળે નહિ, ને તમારાથીયે નીકળાય નહિ. મારો રોટલો તૂટે, મારા હાથમાં બેડી પડે.”
વિસામણ કરપડાએ જીવાને મોંએથી બધી વાત જાણી. અત્યાર લગીમાં તો ઉબરડાનો બાળધણી જમદ્વારે પહોંચ્યો હશે, એવી ગણતરી એણે કરી લીધી. બુઢ્ઢાની અાંખમાં ઝળઝળિયાં આવ્યાં. કપાળમાં મોતની કરચલીઓ પડી ગઈ.
“એ જીવા! એ બાપ ! કેમેય કરીને મને જાવા દે. મારું જીવ્યું ધૂળ થઈ જાય છે !”
“ બને જ નહિ.”
ડેાસો કરગરવા લાગ્યો. એના હૈયામાં નિમકહલાલી રોતી હતી. જીવાએ નિમકહલાલી અનુભવી હતી. ડોસાના કાલાવાલા એ એની છાતી પણ પિગળાવી. પોતાના ભાણેજને બોલાવીને એણે પોતાનો ઘેાડો મંગાવ્યો. વિસામણ કરપડાને ઘોડે બેસાડી લગામ ભાણેજના હાથમાં સોંપી. જ્યાં સવાર પડે ત્યાં કરપડાને નીચે ઉતારી તાબડતોબ પાછા આવવાની ભાણેજને ભલામણ કરી.
"કાકા, જોજો હો, મારાં છોકરાં ન રઝળાવતા.”
"હો બાપ !”
વિસામણ કરપડો ચાલ્યો. સવાર પડયું એટલે ડોસાને નીચે ઉતારીને ઘોડો પાછો વળી નીકળ્યો. પણ હજી તો ઉબરડું ક્યાંય આઘું રહ્યું. એંશી વરસનો ડોસો આજ આફતના ખબર સાંભળીને જ અરધો તો મરી ગયો છે, ફડકો પડવાથી એની કેડ ભાંગી ગઈ છે. વળી ઉપર ભાલું, તરવાર અને અફીણના ખડિયાનો ભાર છે. હાલતો જાય છે, નિસાસો નાખતો જાય છે, ને ઘડી ઘડી પોરો ખાતો જાય છે.
વચમાં સુંદરી ગામ આવ્યું. સુંદરીમાં પોતાનો એાળખીતો એક ચારણ રહેતો હતો. ચારણને એણે ખૂબ ખવરાવેલું. ત્યાં એ ઘેાડું માગવા ગયો. ચારણે ઘોડું તો ન દીધું, પણ ઉલટે જાકારો દીધો. દુ:ખી કાઠી ચાલી નીકળ્યો.
રસ્તામાં એક વાણિયો ને એક ગરાસિયો મળ્યા. વાણિયાની રાંગમાં ગરાસિયાની ઘોડી રમતી આવતી હતી. ગરાસિયે કહ્યું :
“ અરે વિસામણ કાકા ! આમ પગપાળા કાં ?”
“ બાપ, ઘેાડી મને પાડીને ભાગી ગઈ મને વાગ્યું છે. ચલાતું નથી. સામે ગામ પહોંચાય તો ઘેાડું લઈ લઉં.”
ઘોડી ગરાસિયાની હતી. ગરાસિયો કહે : “શેઠ, ઊતરો; કાકાને સામે ગામ પહોંચાડવા પડશે.”
ઘોડી ઉપર રાંગ વાળીને વિસામણે ઘોડીના ડેબામાં એડી મારી ઘોડી ચાલી નીકળી. રજપૂતનું મેાં ફાટયું રહ્યું; એ બેાલ્યો : “કાકા, દગો ?”
ચાલતી ઘોડીએ ડોસો કહેતો ગયો: “બા, ફિકર કરશો મા. કાલ સવારે તમારી ઘોડી પાછી પહોંચાડીશ. આ તો દગો કહો, તો દગો !”
એમ કહીને વિસામણ કરપડે ઘેાડી વહેતી મૂકી. બપોરે ઉબરડે આવ્યો. બધા સમાચાર લઈને ગેાસળ ગયો. ત્યાંથી અઢારે જુવાનોને લઈ ગીરમાં ગયો. ત્યાંથી જેતપુર દરબાર મૂળુ વાળાની મદદથી ધ્રાંગધ્રા સામે બહારવટું માંડયું.
કરપડાના બહારવટાએ ધ્રાંગધ્રાને ડોલાવી નાખ્યું. આખરે જીવા જમાદારે વિચાર કર્યો : “આ પાપ મારે માથે છે. મેં એને જીવતો જાવા દીધો ત્યારે આમ બન્યું ને ! એની વાંસે મારે જ મરવું જેઈએ.”
જીવો જમાદાર ઘોડે ચડ્યો. રાજસાહેબે ઘણો સમજાવ્યો, પણ જીવો માન્યો નહિ. પોતાની ફોજ સાથે એ ઉબરડે જઈ રાત રહ્યો. સવારમાં પડાવ ઊપડયો ત્યારે ગાયોનું ધણ પહર ચરીને ઝાંપામાં દાખલ થતું હતું. ગાયોની ધકબકને લીધે ઘેાડેસવારેના ઘેાડા થંભી રહ્યા. ગાયો ઘેાડાંને શિંગડે મારવા લાગી એટલે સવારો ભાલાં લઈને ગાયોને મારવા લાગ્યા. આ નિર્દયતા જોઈ ગોવાળની અાંખમાં લોહી વરસ્યું. એ બોલ્યો :
“ ગાયનાં શીંગ નથી ખમાતાં, તો કરપડાનાં ભાલાં શેં ખમાશે? આ પડ્યા તમારા કાકા આ – આ સીમાડાની તળાવડીએ. જાઓ ને મરદ હો તો !”
ગોવાળને ખૂબ માર મારીને ફોજ તલાવડી તરફ ચાલી નીકળી, રાતે માવઠું થયેલું, એટલે બહારવટિયાના સગડ તેા ચેાખ્ખા હતા. તલાવડીએથી એ ટુકડી નીકળીને ગઈ હતી. નીકળીને સુદામડાને પડખે ભમરાના ડુંગરામાં આશરો લઈ લીધેા હતેા. એ ડુંગરમાં એક ઊંંડું નેરું છે. ઉપરવાસ થઈને એ નેરામાં દાખલ થવાય છે. બીજો રસ્તો નથી. બેય કાંઠે ભયંકર ઊંંચી ભેખડો ઊભી છે. નિરાધાર બહારવટિયાઓને આશરોલેવા માટે જ જાણે કુદરત માતાએ આ જગ્યા બનાવી હશે.
સત્તર જણા એ નેરામાં બેસી ગયા. અઢારમો લાખેા કરપડો નેરાને કાંઠે એક ધાર ઉપર ચાડીકો બનીને બેઠો. ત્યાં તો આઘેથી ધ્રાંગધ્રાની ગિસ્તની ખેપટ ઊડતી દેખાણી. લાખાને એકલા લડીને જશ લેવો હતો તેથી એણે પોતાના સાથીને કહ્યું : “જા, નેરામાં જઈને હેાકેા ભરી આવ.”
ગિસ્ત આવી તેને લાખાએ કાંઠે જ થંભાવી દીધી. જીવો જમાદાર એકલો અંદર ઊતર્યો. હાથમાં ભરેલી બંદૂક હતી. જીવો કરપડો ઘોડી પર ચડીને હેઠવાશ ભાગવા મંડ્યો અને કહેવા લાગ્યો : “જીવા જમાદાર, તે મારા બાપને તે દી બચાવ્યો છે. આજ શીદ એ ગણ ભૂલવછ? શું મોઢું લઈને હું તારા ઉપર ઘા કરું ?”
જીવા જમાદારે પડકારા કર્યા : “જીવા, જે કાળે જે ધરમ ! હવે ભાગ મા; હમણાં તારી ઘેાડીનો ગાભ નીકળી પડશે. ”
“તારી પાસે ભરી બંદૂક છે એટલે ડરાવતો હોઈશ, કાં ?”
“આ લે, બંદુક !” કહીને જીવા જમાદારે બંદૂક ફેંકી દીધી. બેય જીવા બરછીએ આવ્યા. કરપડાનો ઘા બરાબર જીવા જમાદારના પેટમાં વાગ્યો. ઘોડી ઉપરથી એ લથડ્યો, પણ એક પગ પેંગડામાં ભરાઈ રહ્યો; ઘેાડી અાંટા ફરવા મંડી. જમાદાર ઢસડાણો. કરપડે નીચે ઊતરીને જમાદારને છૂટો કર્યો ત્યારે જમાદાર બોલ્યો : “જીવા, હું સૈયદ છું. મારી કાયા ઢસડાણી તેમ તારું બહારવટુંયે ઢસરડાશે. હું તો મરું છું પણ ભાઈ, મારો છોકરો હાલ્યો આવે છે, એને બચાવજે તારા બાપને બદલે મારો દીકરો દેજે.”
જીવો જમાદાર મરી ગયો : એના દીકરાને કરપડા અડકયા નહિ. જીવાની દફનક્રિયા કરીને કરપડા ગીરમાં ઊતરી ગયા.
આખરે જેતપુરના મૂળુ વાળાએ રાજસાહેબ સાથે વિષ્ટિ કરીને કરપડાએાનું બહારવટું પાર પડાવ્યું. કરપડાને એક સો સાંતીની જમીન મળી અને ભેાજ ખાચરને પણ એનો ગરાસ પાછો સોંપાયો. અત્યારે કરપડા પોતાની જમીન ખાય છે. પણ ભેાજ ખાચર બીજી પેઢીએ નિર્વંશ ગયા, એટલે ધ્રાંગધ્રાએ ઉબરડાનો ગરાસ ઊંચકાવી લીધો છે.