રસધાર ૩/નિવેદન
સૌરાષ્ટ્રની રસધાર ૩ ઝવેરચંદ મેઘાણી |
'દિલાવર સંસ્કાર' નામનો લાંબો પ્રવેશક આ પુસ્તકમાંથી બાદ દઈને, લોકસાહિત્યના મારા તમામ વિવેચન-લેખોના જે બે સંગ્રહો 'લોકસાહિત્ય' તથા 'ધરતીનું ધાવણ' નામે મેં જુદા પાડેલા છે, તેમાંના બીજામાં મૂકી આપેલ છે, 'રસધાર' વગેરે વાર્તાઓના વાચન પછી, સોરઠી સંસ્કાર જીવનનું અને લોકસાહિત્યનું હાર્દ પકડવા માટે તેમ જ ઉચ્ચ અભયાસ માટે એ બેઉ અલગ સંગ્રહો વાંચવા મારી સૌને ભલામણ છે.
"આઆવૃત્તિમાં પણ વધુ પુનઃ સંસ્કરણ કરવાનું ચાલુ રહ્યું છે. દરેક વાર્તાને ફરી તપાસી, શૈલીની કઠોરતા તેમ જ વિચારની અતિશયતા દૂર કરી છે. પ્રવેશકમાંથી પણ આવેશીલા લાગતા કેટલાક ફકરા બાદ કર્યા છે.
સનાળીવાળી ચારણ - સ્નેહી શ્રી ગગુભાઈને મેં સદાને માટે ગુમાવ્યા છે. પણ આમાંની કેટલીક વાર્તાઓ ફરી તપાસતાં એમનું સ્મરણ ફરી લીલુંછમ થાય છે.
'રસધાર'ના સમગ્ર સાહિત્ય માટે જે આદર જન્મ્યો છે તેમાં આ ત્રીજી ધારાને ભાગે સર્વથી અધિક લોકાદર જમા થયાની વાતનો સ્વીકાર કરતાં અંત:કરણ વાચક-જનતા પ્રતિ આભારભીનું બને છે, મુદ્રણની મુશ્કેલીઓ ન નિવારાય તેવી હોવાથી છેલ્લા એક વર્ષથી આ બીજી આવૃત્તિની છપાઈ ઠેલાયે જતી હતી, અને વાચકોની ઉત્સુકતાને ધક્કા મારવા પડતા હતા, છેવટે અત્યારે, શૈલી અને સામગ્રીનું બન્યું તેટલું શુદ્ધીકરણ કરીને, જાહેર પ્રજા સન્મુખ આ નવી આવૃત્તિ ધરી શકાઈ છે.
આટલો આદર મળ્યાની પ્રતીતિ થયા પછી પણ હું આ સંગ્રહની ત્રુટીઓ વિષે, ઘણું કરીને તો, ભ્રમણામાં નથી જ પડી રહ્યો. કેટલીએક સ્વતઃ સૂઝેલી તેમ જ કેટલીએક ટીકાકારોએ સૂચવેલી ત્રુટીઓનું નિવારણ મને જેટલું જરૂરી લાગ્યું તેટલું હું કરતો જ આવું છું – તેમ હવે પછી પણ, વિના શરમે, કરતો જ રહીશ. મારા આલેખનની તેમ જ વિવેચનની અંદર નવી અને જૂની યુગદૃષ્ટિની અથડાઅથડીનું જ્યાં જ્યાં મને ભાન થતું જાય છે, ત્યાં ત્યાં મેં શબ્દરચનાને નિર્દોષ બનાવવાની સાવધાની વાપરી છે. ધૂળમાંથી ખોદી યથામતિ સાફ કરેલી આ ધાતુ શાણા વાચકોના વિવેકની ભઠ્ઠીમાં તવાઈને શુદ્ધ કંચન બને તે જ મારો કોડ છે. મારું શોધેલું હોવાને કારણે એ સોનું જેવું મે રાખ્યું તેવું મેલું જ રહેવું જોઈએ – એવા અહંભાવથી બચવા હું સતત પ્રયત્નશીલ છું.
'દિલાવર સંસ્કાર'વાળો મારો પ્રવેશક આજથી ત્રણ વર્ષ પૂર્વે લખાયો છે. અને એ લાંબો હોવા છતાંયે અપૂર્ણ જ છે. કેવળ આ કથાઓમાંથી જ નહિ, પણ રાસ, ભજનો, વ્રતો, મર્મભાષિતો, રીતરિવાજો, કલાકારીગરી ઇત્યાદિ સાહિત્ય તેમ જ જીવનનાં તમામ અંગોની છણાવટથી જ સોરઠી સંસ્કૃતિના ગુણદોષનું નવનીત વલોવી શકાય. આવો એક પ્રયાસ કરવાનો મનેારથ મનમાં ઘોળાય છે.[૧]* પરંતુ અત્યારે તો, મારા જુદા જુદા સંગ્રહની અંદર જુદા જુદા જ પ્રવેશકો મૂકી શક્યો છું – અને તેમાં પણ મુખ્ય દોર ભાવના જાગ્રત કરવાનો રહે છે. એ રીતે, આ પુસ્તકો માંહેલા
- ↑ *આવા પ્રયાસરૂપે મેં 'લોકસાહિત્ય : ધરતીનું ધાવણ' એ નામના મારા પ્રવેશકો તેમ જ ઇતર લેખોના બે ખંડો પ્રકટ કરેલ છે.
પણ તપાસી જાય એટલું માગું છું; સમગ્રતાની દૃષ્ટિ પકડવા માટે આટલું આવશ્યક ગણું છું.
માગશર પૂર્ણિમા : સં. ૧૯૮૫
દરેક વખતે લખાતાં નામોમાં આ વખતે એક પ્રિય નામ ઉમેરવાનું બને છે : ગઢવીશ્રી ગગુભાઈ રામભાઈ નીલાનું. સૌરાષ્ટ્રના નાનકડા કાઠી-સંસ્થાન વડિયા-તાબે સનાળી ગામ, જે આ 'રસધાર' માંહેલા વીર રાઠોડ ધાધલની શેષ યુદ્ધલીલાની યશભૂમિ છે, ત્યાંના રહીશ આ શ્રી ગગુભાઈ ગઢવીએ મારા પ્રત્યે શુદ્ધ સ્નેહભાવથી પ્રેરાઈને મને કેટલીએક વાર્તાઓ આપી છે, અને કાઠી જાતિની સંસ્કૃતિનો વિશેષ પરિચય કરાવ્યો છે. એમની ખ્યાતિ જેતપુર પંથકનાં કાઠી રાજ્યોમાં સારી છે. એમની રસભરી વાર્તાશૈલીનો આસ્વાદ 'ગુજરાત મહાવિદ્યાલય'નાં બહેન બધુંએાએ લીધો છે ને હજી એ સ્મૃતિ જાળવી છે. એમના પૂર્વજ કશિયાભાઈ ગઢવી તદ્દન નિરક્ષર તથાપિ કોઈ સંતની કૃપા પામીને ધુરંધર ચારણ કવિ થયા હોવાનું પ્રસિદ્ધ છે. સોરઠના ચારણ કવિઓનો ઇતિહાસ લખીશ તે વેળા કશિયાભાઈનો સંપૂર્ણ પરિચય કરાવીશ. શ્રી ગગુભાઈની છાપ તો ભવિષ્યના ભાગોમાં પણ પડતી જ આવશે.
બીજું નામ હડાળા દરબાર શ્રી વાજસુર વાળા સાહેબના આશ્રિત ગઢવી શ્રી જલાભાઈનું છે. પોતાની ઠાવકી અને વ્યવહારુ બુદ્ધિ વડે એમણે કાઠી ઇત્યાદિ કોમોના રીતરિવાજ, ખાનપાન, વસ્ત્રાભૂષણ વગેરેની સમજ પાડી સોરઠને વધુ ઓળખાવ્યા છે.
પ્રથમ ભાગમાં કોઈ ચોક્કસ ભાષાશૈલી નહોતી સ્વીકારી. બીજા ભાગમાં સોરઠી પરિભાષા તથા વાક્યરચના લાવવાની શરૂઆત થઈ. ત્રીજા ભાગમાં એ અસલી ભાષાશૈલીને જરા જોર અપાયું છે, જેની જીવનકથાઓ આલેખાય છે તેઓની જ ભાષા યોજાવી જોઈએ – નહિ તો ભાવો માર્યા જાય છે, ને અસલી જીવનની જોરદાર છાપ ઊઠતી નથી, અને ભાષા તો જીવનની તસવીર છે, માનવ-ઇતિહાસની જિહ્વા છે : એને ન ઓળખીએ તો જીવનની સાચી ઓળખાણ ક્યાંથી ? આજનો માનવી સ્વાભાવિક જીવનથી દૂર ચાલ્યો ગયો છે; તેટલે દરજ્જે અસલી ભાષાનું જોર એ હારી બેઠો છે. કૃત્રિમતાના લોચા વાળતી આપણી જીભ અને નિશ્ચેતન વર્ણસંકરી વાણીને ટેવાયેલા આપણા કાન અવશ્ય પુરાણી શુદ્ધ ભાષાને જલદી ઝીલી નહિ શકે, તથાપિ, અસલી વીર-જીવનના સાચા પડછંદા ઝીલવા હોય તો થોડી મહેનત લઈ એ જૂની ભાષામાં પ્રવેશ કરવો. પણ આ યુગમાં એ સહુને માટે સહેલ નથી. શબ્દકોશ વગેરે સાધનો વાટે આપણે પરસ્પર મહેનત કરવી રહી.
જન્માષ્ટમી : સં. ૧૯૮૧