← શેત્રુંજીને કાંઠે સૌરાષ્ટ્રની રસધાર ૫
રતન ગિયું રોળ!
ઝવેરચંદ મેઘાણી
બાળાપણની પ્રીત →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.




રતન ગિયું રોળ !

“ભણેં ચારણ્ય! જોઈ લે, આપડા મલકને માથે આષાઢની રીંછડિયું નીકળીયું ! જો, જો, મોળો વાલોજી સાચાં મોતીડાં જ વરસેં છે હો ! ખમા મોળી આઈને ! હવે તો ભીંસું હાથણિયું થાશે, ચારણ્યા હાલો આપડે દેશ.”

આષાઢીલા મેહુલાને પોતાના મુલક પર વરસતો નિહાળીને દુકાળ ઊતરવા માટે ગુજરાતમાં ગયેલા એક નેસવાડિયા ચારણનું અંતર આવા કલ્લોલ કરી ઊઠ્યું, અને પડખે જ પોતાની પાડીની ખરીઓ ઉપર તેલ ચોપડતી જુવાન ચારણી મરક મરક હસીને મર્મ કરે છે: “ભણેં ચારણ, ક્યાંય તોળી ડાગળી ખસેં જાતી નંઈ!”

“સાચેસાચ, ચારણ્ય, માલધારિયુંનાં મનડાં થર્ય ન રે' ઈમો ભલો મેં’ ત્રાટકતો સૅ, હો મોરલાનાં ગળાં આમાં કીમાં ગુંજતાં હશે ! આજ તો ગર્ય ગાંડી થે જાશે, હો!”

“જેવા ગાંડા મોરલા, એવી જ ગાંડી ચારણની જાત્ય. બેયનાં મન મેં’ દીઠ્યે ફટકે!”

“હાલો, ચારણ્ય, ઉચાળા ભરો ભીંસને માથે, હળુહળુ હાલત થાયેં.”

ગુજરાતના અધસૂકા તળાવડામાં પડીને કાદવમાં નાહતી અને માથે લાકડીઓના મે વરસે છતાં પણ માંણેથી ન ઊઠે તેવી મેંગલ ભેંસ ફક્ત ચારણીના મુખમાંથી ‘બાપ ! મેંગલ ! હાલો બાપ ! હાલો મલકમાં !’ એટલી ધીરી ટૌકાભરી બોલી સાંભળતાં તો ભુંભાડ દેતી એકદમ બેઠી થઈ ગઈ, અને શરીર ઉપર ચમરી ઢોળે તેમ પૂછડું ફંગોળીને દોડતી દોડતી ચારણના ઝૂંપડા પાસે આવી ઊભી રહી. ઘંટીના બે પડ, બે ગોદડાના ગાભા, ને બે-ચાર ઠામડાં, એક સિંદૂરની ડાબલી વગેરે જે થોડીક ઘરવખરી હતી તે ભેંસની પીઠ પર લાદીને ચારણ-ચારણી સોરઠને માર્ગે ચડી ગયાં. માથે કોઈક દિવસ ઝરમર ઝરમર, તો કોઈક દિવસ લુગડાં બોળી નાખે એવો વરસાદ વરસતો આવે છે, અને વળી પાછો ઉઘાડ થતાં જ પોતાની ભીંજાયેલી ઓઢણી ને ધણીની પલળેલી પાઘડી વગડામાં સૂકવતાં સૂકવતાં બેય જણાં ચાલ્યાં જાય છે. વાયરામાં ચારણીના માથાની વાંભ વાંભ લાંબી કાળી વાદળી-શી લટો ઊડી ઊડીને મોં ઉપર નાટારંભ કરે છે; અને એ ભીનલાવરણી વહુના ગાલ ઉપર, ગોરી રૂપવાળી સ્ત્રીઓને પણ આંટે એવી સુખની લહેરો પથરાતી દેખીને ચારણ હાંસી પણ કરતો આવે છે કે “આવાં રૂપ ને આવાં હસવાં કાંઈ ચારણ્યને અરઘે?”

“સાચેસાચ, ચારણ ! ન અરઘે. નેસમાં જાશું ત્યારે સોના ફુઈ ને જાનાં ફુઈ મને લાખ લાખ મેણાં મારશે.”

“મેણાં વળી કીમાંનાં !”

“બસ, મેણાં ઈ જ કે આવડ્યા બધાં રૂપ તે કાંઈ ચારણીની દીકરીને હોય? વેશ્યાને હોય. અને આવડું ખડ! ખડ! તે ક્યાંય હસાય? ચારણ્ય જુવાનડી હોય તોય બીજાનાં ભાળતાં મોહેં કીં મલકાવાય ! આવું આવું બોલી મારો જીવ કાઢે નાખશે.”

“તે કટંબમાં રિયા વન્યા હાલશે?”

“હુંયે કહું છું કે કટંબમાં રિયા વન્યા હાલશે? હું તો બીજું કીં કરું? મહેનત કરે કરેને મોટું કરમાવે નાખશ, અને હસવું રોકવા સારુ ગાલે ડામ દેશ.”

“અરરરર ભણેં ચારણ્ય! તું આ કીં ભણછ?” જાણે પોતાની તમામ માયામૂડી કોઈ ભૂત ભરખી જતું હોય તેમ ચારણ આંખો ફાડીને સ્ત્રીના મોં સામે જોઈ રહ્યો.

“બીજો ઉપા કીં, ચારણ ?”

“ના, તો આપડે નેસમાં નસેં જાવું. આસે થડમાં કો’ક ગામ આવે ત્યાં જ કૂબો કરે ને પડ્યા રે’શું. ઈમા કટંબમાં મેલે ને તિખારો!”

ટીકા કરતાં ચારેય જણા – બે માનવી ને બે ઢોર – ચાલ્યાં અને થોડા દિવસે ગીરની ઝાડીમાં ઊતર્યા. રાયણાં, ઊંબરાં અને ટીંબરવાનાં ઝાડ ઉપર ફળફૂલ ઝળુંબે છે, વાંદરા ઓળકોળાંબો રમે છે અને જાંબુડાં ખરી ખરીને નદીઓનાં પાણી જાંબુવરણાં કરી મૂકે છે. ડુંગરની ધારો ઉપરથી મોરલાને ગરદન ફુલાવીને ગહેકાટ દેતાં જેમ ચારણે જોયા, તેમ તો એનો પ્રાણ ગગન સુધી છલંગો મારીને છકડિયા દુહા ફેંકવા લાગ્યો:

આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘનઘોર,
તેજી બાંધ્યો તરુવરે, મધુરા બોલે મોર
 મધુરા બોલે મોર તે મીઠા
 ઘણમૂલાં સાજન સપનામાં દીઠાં,
કે’ તમાચી સુમરો, રિસાણી ઢેલ ને મનાવે મોર,
આષાઢ વરસે એલીએ, ગાજવીજ ઘનઘોર.

એમ છકડિયો પૂરો કરીને ચારણ પોતાની પડખે ચાલી આવતી ‘ઢેલડી’ સામે જુએ છે. બન્નેનાં મોં સામસામાં મલકે છે, અને સામેથી ચારણી દુહો ઉપાડે છે કેઃ

મોર મારે મદૈ[] થિયો, વહરાં કાઢે વેણ,
ગરી તેની ગહકે ગરવો ગજે, સૂતાં જગાડે સેણ.
સૂતાં જગાડે સેણ તે મોરલો ઊડી ગિયો,
વાલાં સાજણનો સંદેશો અધવચ રિયો,
પાંખો પીળી પોપટની ને કોયલ રાતે નેણ,
મોર મારે મદૈ થિયો ને વહરાં કાઢે વેણ.

એવાં ગીત લલકારાય છે, ને ડુંગરાના ગાળા સામે ગાવા લાગતા હોય તેમ ગુંજી ઊઠે છે. ધણી ને ધણિયાણી બન્ને ચારણઃ બન્નેની જીભે સરસ્વતી: બન્નેને મુખે કવિતાનાં અમૃત ઝરે છે.

"ચારણ્ય! કેમ જાણે અષાઢની રાતમાં આપણે વિખૂટાં પડીને ગાતાં હોઈએ, એવો રંગ મચ્યો છે, હો!”

“અરે ચારણ, આ તો પારકી વાણી: આમાં ઓલ્યો સાચો સંવાદ ન આવે – હું મરી ગઈ હોઉં ને તું મરશિયા ભણતો હતો, એવો સવાદ!”

“અરે, તું મરી જા તો તો હું ઝાડવાં રોવરાવું, ખબર છે? મરી તો જો એક વાર!” “હું મરીને પછી ક્યાંથી તારાં ઝાડવાંનાં રોણાં જોવા આવવાની હતી?”

એવા કિલ્લોલ થઈ રહ્યા છે, ત્યાં એક પહોળા પટવાળી નદી આવી. નદીમાં આછો આછો પ્રવાહ ચાલ્યો જાય છે, કાંઠે હાંડા જેવું રૂપાળું ગામડું શોભી રહ્યું છે, અને સાંજને સમયે પનિહારીઓ પોતાને માથે અધ્ધરપધ્ધર પાણીની મોટી હેલ્યો માંડીને નદીમાં ઊંચા ઊંચા ભેડાનો ચડાવ ચડી રહી છે. એ ચડાવના થાકથી રાતાચોળ થયેલા મોઢા ઉપર આષાઢના આથમતા સૂર્યની કેસૂડાંવરણી છાયા છવાય છે, અને ભેખડો ઉપર કોઈ અજબ જાતનાં ફૂલઝાડ સીધે સોટે એકસામટાં ઊગી નીકળ્યાં હોય એવો ઠાઠ મચી જાય છે.

ભેંસ પાણી પીએ છે, ચારણી એના ભીનલા પગના પોંચા ધોઈને કાદવ ઉખેડે છે, અને ચારણ નદીના કાંઠાના લોકને પૂછે છેઃ “ભાઈ, ગામના દરબાર કોણ છે?”

જવાબ મળ્યો કે “બાપુ પોરસો વાળો.”

“કેવાક માણસ છે?”

“ગુલાબી દિલના.”

“વાસ રાખશે?”

“માલધારીને કોણ ના પાડે ?”

“ઠીક, ચારણ્ય, તું આસેં વેકરામાં ઊભી રે’જે હો, ને ભીંસને સાચવજે. હું અબઘડી હડી કાઢતો ગામમાં જઈને દરબારને મોઢે થૈ આવું. જો હા પાડશે તો આપણે સહુ ગામમાં જિશું. નીકર સામે ગામ તોળાં માવતર છે તીસે પોગી જિશું.”

"ઠીક ચારણ, હું ઊભી સાં.”

“પણ જોજે હો, આસેં જ ઊભી રેજે. આઘીપાછી થાતી નૈ, નીકર હું બોકાસાં દેને કિસેથી બોલાવીશ? અને વળી અજાણ્યું ગામ છે.”

“ભલે, ચારણ, નઈ ખસાં.”

ફરી વાર ચારણે પાછા વળીને ભેખડ ઉપરથી સાદ કર્યો: “ભણે ચારણ્ય! ખસતી નૈ હો, અજાણ્યું ગામ છે.”  “એ...હો ! હો !”

“મોળા સમ છે!” એમ હળવેથી બોલતાં બોલતાં ભેખડેથી ચારણે પોતાની ગરદન ઉપર હાથની આંગળીઓ ફેરવી.

ચારણીએ ડોકું ધુણાવીને સોગંદ કબૂલી લીધા.

ચારણે દરબાર પોરસા વાળાની ડેલીએ જઈ છેટેથી દરબારને બિરદાવ્યા:

જવ જેટલાં જાળાં, વાળા મું દ્યો વતન,
તો આણી ઉચાળા, પાદર તમાણે પોરસા.

"હે પોરસા વાળા, મને બે-પાંચ વીઘાં જમીનનાં જાળાં કાઢી આપો તો હું આંહીં વતન કરીને મારી ઘરવખરી લઈ આવું.”

“આવો, આવો, ગઢવી! ક્યાંથી આવો છો?”

“બાપુ, ગુજરાતમાંથી દુકાળ ઉતારીને આવતો સાં. બે માણસનાં મૂઠી મૂઠી હાડકાં માય ને એક બકરી જેવડી ભીંસ બંધાય, એટલી જગ્યા આપો તો ગામ દીધાં બરોબર માનીશ. અટાણે તો અંતરિયાળ સાં.”

“ભલે, ઠાકર મા’રાજ દઈ રે’શે, ગઢવી ! કસુંબાપાણી તો લ્યો.”

ચારણના પેટમાં બે પ્યાલી લાલ કસુંબો પડ્યો, એટલે ચારણને ઇંદ્રાસન મળી ગયું લાગ્યું. દાયરામાં વાતોના ધુબાકા ઊપડ્યા હતા, એમાં ચારણ પણ ઊતરી પડ્યો. જાતનો દેવીપુત્ર: જીભમાં ભારી મીઠપ : કોઠામાં કવિતાના અખંડ દીવા બળે : આષાઢ જેવી મદમસ્ત ઋતુ અને એમાં પણ પોતે રસભરી ચતુર સુજાણ ચારણીનો જોબનવંતો કંથ ! પછી તો પૂછવું શું? ગીત-છંદોના ધમાકા મચ્યા. હોકાની ત્રણ ઘૂંટ લેતા ચારણને કેફ ઊપડ્યો. આંખો બન્ને ઘૂઘવતા પારેવાની જેમ લાલ ચણોઠી બની ગઈ. પોતાના ફૂલેલા ગળાને મોકળું મેલી ચારણે રાધા-કાનના વિજોગની બારમાસી ઉપાડી, અને દિશાઓ જેમ સજીવન બનીને સામા હોંકારો દેવા મંડી તેમ તો ચારણે, ભાંગતી રાતે કોઈ વિજોગી માનવી મરેલા કંથને સંભારી વિલાપનાં ગીત ગાતું હોય તેવાં સોરઠી ભેરુબંધોનાં વિરહ-ગીત ઉપાડ્યાં: 

ગરદે મોર જીંગોરિયા,
મો’લ થડકે માઢ,
વરખારી રીત વ્રણ્ણવાં,
આયો ઘઘૂંબી આષાઢ.

[પહાડ પર મોર ટહુક્યા, મહેલો ને મેડીઓ. થરથરી ઊઠ્યાં. ગર્જના કરતો આષાઢ આવ્યો, એવી વર્ષાની ઋતુ હું વર્ણવું છું.]

એટલો દુહો ઉપાડતાં તો સાચેસાચ દરબારની માઢ મેડી થર ! થર ! કાંપવા લાગી. અને ‘આયો ઘઘૂંબી આષાઢ’ આટલા આખરી વેણની દોઢ્ય વાળીને ચારણે આષાઢને આલેખ્યો:

આષાઢ ઘઘૂંબી લૂંબીય અંબર
વદ્દળ બેવળ ચોવળિયં,
મહોલાર મહેલીય, લાડગેહેલીય,
નીર છલે ન ઝલે નળિયં,
અંદ્ર ગાજ અગાજ કરે ધર ઉપર
અંબ નયાં સર ઊભરિયાં,
અજમાલ નથુ તણ કુંવર આલણ,
સોય તણી રત સંભરિયા,
જીય સોય તણી રત સંભરિયાં,
મુને સોય તણી રત સંભરિયા.

[આષાઢ ગાજે છે. આકાશ લૂંબીઝુંબીને ઢળી પડ્યું છે. વાદળાં બેવડાં ને ચોવડાં થર બાંધી ગયાં છે. મહેલાતો જાણે કે લાડઘેલી થઈ ગઈ છે. નીર એટલાં છલકાય છે કે નળિયાંમાં ઝલાતાં નથી. ધરતી પર ઇંદ્ર ગાજ્યા જ કરે છે. સરોવરમાં નવાં પાણી ઊભરાયાં છે. તેવી ઋતુમાં, હે અજમાલ. નથુના પુત્ર આલણ, તું મને યાદ આવે છે.]

એમ ત્રણ-ત્રણ ને ચાર-ચાર પલટા ખવરાવી છેલ્લા ચરણનું કલેજું ચીરનારું સંભારણું ગળામાં વારંવાર ઘૂંટે છે. અને ચારણની વાણી પર ફિદા બનીને દરબાર પોરસા વાળો પડકાર આપે છે કે “વાહ વા ! વાહ વા, ગઢવા ! પ્રાણ વીંધી નાખ્યા ! હાં મારો ભાઈ ! હવે શ્રાવણ ભલે થઈ જાય ! જો, સામા મોરલા ગહેકે છે ! જો, છંદ હેઠો ન પડી જાય !”

એમ ભલકારા સાંભળતાં તો ચારણે શ્રાવણનું રૂપ બાંધ્યું:

નવખંડ નીલાણીય પાવન પાણીય,
વાણીએ દાદૂર મોર વળે,
શવદાસ ચડાવણ પૂજાય શંકર,
શ્રાવણ માસ જળે સજળે.
પ્રષનાર કરે નત નાવણ પૂજાય,
શંકરરાં વત સદ્ધરિયાં,
અજમાલ નથુ ત્રણ કુંવર આલણ,
મુને સોય તણી રત સંભરિયા,
મુને સોય તણી રત સંભરિયા.

[નવેય ખંડ નીલા થઈ ગયા છે. પાણીથી પવિત્ર બન્યા છે. દેડકાં ને મોરને મુખેથી નવી વાણી ફૂટે છે. શિવના ભક્તો શંકરને પૂજા ચડાવે છે. શ્રાવણ માસ જળમય બની ગયો છે. પુરુષો ને નારીઓ નિત્ય નાહીને શંકરના વ્રત ઊજવે છે. તે વખતે, હે મિત્ર આલણ, તું મને સાંભરે છે.]

“રંગ ગઢવા ! સંભરિયા સંભરિયા ! કેમ ન સાંભરે? ઋતુએ ઋતુના હિલોળા ભાળીને મરેલો ભેરુ ન સાંભરે તો બીજો કોણ સાંભરે? વાહ વા ! હવે ભાદરવોય ભલે થઈ જાય ! જો, દોર તૂટે નહિ. આભામંડળે સૂર સંધાઈ ગયા છે, હાં ગઢવા!”

અને ગઢવે ભાદરવાના રંગ આલેખ્યાઃ

રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ સતોય,
રંગ નીલંબર શ્વેત રજે,
ફળફૂલ અપ્રબ્બળ, કમ્મળ ફેલીય,
વેલીય નેક અનેક વજે,
પરિયાં દન સોળ કિલોળમેં પોખત,
કાગરખી મુખ ધ્રમ્મ કિયા,
અજમાલ નથુ તણ કુંવર આલણ,
સોય તણી રત સંભરિયા.

[ભાદ્રપદ મહિનાની શ્યામ ઘટા બંધાઈ ગઈ છે. આસમાન પર વીજળીના રાતા, આસમાની ને શ્વેત રંગો છવાતા જાય છે. અપરંપાર ફળફૂલ ફાલે છે. કમળો ખીલે છે. અન્ય વેલડીઓ પણ કૉળે છે. શ્રાદ્ધના સોળ દિવસ સુધી પિતૃઓ પોષણ પામે છે. લોકો ઋષિઓના અવતારરૂપ કાગડાઓને શ્રાદ્ધનું અન્ન ખવરાવી ધર્મ કરે છે. તેવી ઋતુમાં તું મને સાંભરે છે, હે મિત્ર !]

ભલે ! ભલે ! મારો ભાઈ ! હવે ભેગાભેગો આસો માસ ગાઈને વિજોગીના ભેટ કરાવી દેજે, હો !

“અરે બાપુ ! મરેલાંના ભેટા તો થઈ રહ્યા ! આ તો મરશિયા છે. આસોમાં તો વિજોગના દુઃખની અવધિ આવી રહી: સાંભળો –"

‘સાંભળો’ શબ્દ ચારણના મોંમાં રહ્યો, અને આસોના વિજોગનું પહેલું ચરણ ઉપાડવા જાય છે ત્યાં તો –

‘પાણી આવ્યું ! પાણી આવ્યું ! ખસી જાવ ! એ બાઈ, ખસી જા ! એવા ચસકા થયા, અને હડુડુડુ ! પૂર આવ્યાની ગર્જના ચારણને કાને પડી. ચારણ ભરનિદ્રામાંથી ઝબક્યો હોય એમ એની જીભ થંભી ગઈ. ત્યાં તો બીજી વાર રીડિયા સંભળાણાં: ‘ઓ જાય ! ઓ ભેંસ, પાડી ને એક બાઈ તણાતી જાય... ઓ ચૂંદડી વરતાય ! અરે હાય હાય ! કોક બાપડાનું ઘર ભાંગ્યું !’

ચારણના મોં પર લોહીનો છાંટોયે ન રહ્યો. દાયરો ચારણની આ ઓચિંતી દશા જોઈ ચોંકી ઊઠ્યો અને ‘મોળી ચારણ્ય ! મારી ચારણ્ય તણાણી !’ એવા ચસકા દેતો ચારણ દોટ દઈને પાદર પહોંચ્યો. નદીકિનારે જાય ત્યાં તો બેય કાંઠે આસમાન સામા છલંગો મારતા લોઢ ઊછળી રહ્યા છે. મોજાંની થપાટે થપાટે બેય કાંઠાની ભેખડો ફસકવા લાગી છે, અને અંતરનાં તોફાન ધરતી ઉપર નિતારીને આકાશ તો કોઈ અજાયેલ સરખા સંતના આત્માની માફક ઉઘાડ કરતું કરતું ચાર મેઘધનુષ્યો ખેંચી રહ્યું છે.

“એ...ઓલી ભેંસને પડખે બાઈની રાતી ચૂંદડી તણાતી જાય ! એ દેખાય !” કાંઠે ઊભેલ માણસોએ આંગળી ચીંધીને ઉત્તર દીધો.

“એ ચારણ્ય ! એ જ મારી ચારણ્ય ! ઊભી રે’ ! એલી ઊભી રે’ ! એકલી ક્યાં..” એટલું કહેતો જ ચારણ દોટ કાઢીને પૂરમાં પડવા જાય છે ત્યાં તો માણસોએ એને બાવડે ઝાલીને રોકી રાખ્યો. સહુ સમજાવવા લાગ્યાં કે “ગઢવા, હવે તો એ જીવની ગઈ, હવે તું એને ક્યાં આંબતો'તો?”

“જાય નૈ ! ચારણ્યને મેં ભેખડ માથેથી મોળા ગળાથ દીધા’તા અને ડોકું ધુણાવ્યું’તું ! એમ તે કાંઈ મારી ચારણ્ય જાય? મેલે દ્યો મને ! હમણાં આંબી જીસ. મેલો !”

માણસો સમજી ગયાં કે ચારણનું ચિત્ત ફટકી ગયું. કાંઠે એક બાઈ ઊભી હતી. એણે કહ્યું: “અરે! ભાઈ, તું સમ દઈ ગ્યો’તો એટલે જ એ બિચારી નદીના પટમાંથી ખસી નૈ !”

“નો’તી ખસી? સાચેસાચ નો’તી ખસી કે! એક ડગલુંય નો’તી ખસી ને, બો’ન?”

ચારણ એ રીતે લવારીએ ચડવા લાગ્યો. દરબાર પોરસા વાળાએ લોકોને પૂછ્યું: “શું થયું, ભાઈ? આ ગજબ શી રીતે થઈ ગયો?”

“જુઓ બાપુ! આ વટેમાર્ગુ ક્યાંકથી નદીમાં ઊતર્યાં. ચારણ્યને ભેંસ પાસે ઊભી રાખીને ચારણ તમ પાસે આવ્યો. ઠેઠ પાદર સુધી કહેતો ગયો કે “ખસીશ મા! ખસીશ મા! અને પછી હડેડાટ પૂર આવ્યું. રૂપાળી રાતીચોળ ચૂંદડીનો લાંબો ઘૂમટો તાણીને, ઊડ્ય ઊડ્ય થાતી લટે બાઈ તો બાપડી મલકતે મોઢે આ નદી અને આભની શોભા નીરખતી’તી. લીંબુની જેવી મોટી અને કાળી ભમ્મર તો બેય આંખ્યું હતી. અમે તો સહુ જોઈ જ રહ્યાં’તાં. ત્યાં તો પૂર આવ્યું. હડેડાટ ઢૂકડો સંભળાણો, અને ઉપરવાસથી ચહકા કરતાં માણસો દોડ્યાં આવ્યો કે “ભાગો ! પાણી આવ્યું !” અમે સહુ તો દોડીને કાંઠે ચડી ગયાં, પણ બાઈ તો આરસની કંડારેલ પૂતળી હોય એવી એમ ને એમ રહી. અમે રીડ્યું દીધી કે ‘હાલ્ય !’ પણ એ તો જોગમાયા જેવી હસતી જ ઊભી રહી.”

સાંભળીને સહુ શ્વાસ લઈ ગયા. દરબાર પોરસા વાળાએ ઊંડો નિસાસો મેલીને ચારણના ઉજ્જડ મોં સામે મીટ માંડી, પણ નજર ઠેરવી ન શકાણી. ચારણનું મોં તો જાણે પલકવારમાં ધરતીકંપથી દરિયો શોષાઈ ગયો હોય એવું થઈ ગયું હતું. "ગળી ગિયું મારી ચારણ્યને, પોરસા ! તારું કામણગારું પાદર જ ગળી ગિયું !” એવું બોલીને ચારણે બુદ્ધિ બુઝાયાનાં ચિહ્ન બતાવ્યાં.

ચારણે ચિત્તભ્રમમાં દુહા ઉપાડ્યાઃ

મેં આવી ઉતારો કર્યો, જબ્બર વસીલો જોય,
(પણ) કામણગારું કોય, પાદર તારું પોરહા !

[હે પોરસા વાળા, તારા સરખો મોટો આશ્રયદાતા જોઈને મેં ઉતારો કર્યો. પણ તારા ગામનું પાદર તો કામણ કરીને મારી સ્ત્રીને સંતાડી બેઠું છે.]

હૂતું તે હરાવિયો, ખજીનો બેઠો ખોય,
(એવું) કામણગારું કોય, પાદર તારું, પોરહા !

[હે પોરસા વાળા, તારું પાદર તો કામણગારું, એવું જાદુ કરનારું કે મુજ ગરીબની જે મૂડી હતી તે હું અહીં ગુમાવી બેઠો. મારા જીવનનો ખજાનો ચોરાઈ ગયો.]

હૂતું કામળની કોર, છેડેથી છૂટી ગિયું,
રતન ગિયું રોળ, પાદર તારે, પોરહા !

[અરે પોરસા વાળા, મેં અભાગીએ મારા એકના એક રત્નને કામળીની કોરે ગાંઠ વાળીને બાંધ્યું હતું. પણ ઊનની કામળીની ગાંઠ કાંઈ વળે? ને વળે તો કેટલી ટકે છેડે વાળેલ ગાંઠ છૂટી પડી, ને રત્ન રોળાઈ ગયું. મેં રત્ન જેવી ચારણીને કાળજી કરીને સાચવી નહિ. નદીના પટમાં ઊભી રાખી. મારી બેકાળજીથી હું એને આજ તારા પાદરમાં ગુમાવી બેઠો.]

સાથે લે સંગાથ, વછિયાત આવ્યાં વરતવા,
રાખ્યાં રણમાં રાત, પાદર તારે, પોરહા !

[અમે વિદેશી વટેમાર્ગુ, જીવતરની સંગાથી સ્ત્રીને સાથે લઈ તારે આંગણે ગુજારો કરવા આવ્યાં, ત્યાં તો, ઓ પોરસા વાળા, તારા પાદરમાં જ અમને તો અંતરિયાળ રાત રાખી દીધાં.]

ઓચિંતાં આવે, મધરાતે વાદળ ગળ્યાં,
રતન ગયું રેલે, પાદર તારે, પોરહા !

[જીવતરની અધરાત થઈ ગઈ છે, તે ટાણે ઓચિંતા જાણે વાદળ વરસ્યાં, ને મારું રત્ન તણાઈ ગયું.]

કાયા કંકુની લોળ, સાચવતાં સોનાં જીં,
પડ્યાં રાંકને રોળ, પાદર તારે, પોરહા !

[કંકુની પૂતળી સરખી એ પ્રિયતમાની કાયાને હું સોના સરખી મહામૂલી ગણીને જાળવતો હતો. ત્યાં તો હું ગરીબ આદમી તારા પાદરમાં લૂંટાઈ ગયો. મારું સાચવેલું ધન રોળાઈ ગયું.]

બેઠેલ બઢ્ય કરે, સાંસલેલ સાંસા જીં,
(ત્યાં તો) ફડક્યું લે ફાળે, પાદર તારે, પોરહા !

[હે પોરસા વાળા, શિકારીથી ત્રાસીને નાસેલ, શ્વાસભર્યું સસલું જેમ પોતાની નાની-શી બખોલ કરીને તેની અંદર શિકારીઓથી છાનું પડ્યું રહે, તેમ હું પણ મારી ચારણ્યરૂપ ગરીબ બખોલમાં છાનોમાનો વિસામો લેતો હતો. એમાં કાળરૂપી શિકારીની ફળ પડી, મારું વિસામાનું ધામ છૂટી ગયું ને હું હવે એ કાળને મોખરે શિકારીની આગળ નિરધાર સસલો દોડે તેમ ઘેડી રહ્યો છું.]

દલને ડામણ દે, ઊભલ ઊંટ વારે,
રિયું રાડ્યું દ્યે, પાદર તારે, પોરહા !

[હે પોરસા વાળા, બીજી તને ખબર છે? તે ટોળામાંથી છૂટા પડી ગયેલા ઊંટડાને વિલાપ કરતું જોયું છે? બીજું કોઈ પશુ પોતાના સંગાથીઓથી વિખૂટું પડીને જે વેદના પામે તે તો વિખૂટા પડેલા ઊંટની વેદના આગળ કંઈ વિસાતમાં નથી. એનાં વલખાં ને એના વિલાપ તો દીઠાં ને સાંભળ્યાં ન જાય એવાં. એમાં પણ એને પગે ડામણ બાંધેલી હોય એટલે એ હાલીચાલી પણ ન શકે; ઊભું ઊભું અહોરાત ગાંગર્યા જ કરે. એવી દશા અત્યારે મારા અંતઃકરણની થઈ રહી છે.]

કૂવાને કાંઠે, દલ મારું ડોકાય,
(પણ) જોયે તરસ્યું ન જાય, પીધા વિણની, પોરહા!

[તરસ્યો માનવી કૂવાને કાંઠે ઊભો રહીને પાણીમાં ડોકિયાં કરે, તેથી એની તરસ કદી છીપતી નથી. તેવી રીતે, હે પોરસા વાળા, મારું હૃદય તરસે વલવલતું, એ પ્રિયાના મરણરૂપી કૂવામાં ડોકિયું કરે છે; પરંતુ એના રૂપગુણનાં નીરને પીવાનો તો વખત તો હવે ચાલ્યો ગયો.]

બાવળ ને ઝાડ જ બિયાં, વાધે નીર વન્યા,
કેળ્યું કોળે ના, પાણી વણ્યાની, પોરહા !

[અરે હે પોરસ વાળા, બાવળ જેવાં બળવાન અને કઠોર ઝાડ તો પાણી વિના ઊઝરે. પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન જોઈએ. એવી રીતે અન્ય અનેક જોરાવર હૃદયનાં માનવી પ્રેમ સિવાય જીવી શકે, પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ. મારી સ્ત્રી વગર શી રીતે જીવું? અથવા તો – ]

વવારીએં વાળા, તળિયે ટાઢક જોય,
(પણ) કેળ્યું કોળે ના, પાણી વણની, પોરહા !

[હે વાળા દરબાર, તું કહે છે કે હું ફરી વાર પરણું. મારા સ્નેહરૂપી ઝાડને તું કાંઈ ટાઢું પાણીવાળું તળ જોઈને એટલે કે કોઈ સ્નેહભર્યું પાત્ર જોઈને, રોપવા માગે છે. પણ હે બાપ, મારો સ્નેહ તો કેળના રોપા સરીખો કોમળ છે. એને ઉપરથી પાણીના સિંચન વિના કોળાવી નહિ શકાય. એનો તો મરનાર એ ચારણીનું જ પ્રેમજળ પીવા જોઈએ.]

સૂતલ સખ કરે, કણકણ કુંજાં જી,
માર્યું મધરાતે, પાદર તારે, પોરહા !

[હે પોરસા વાળા, કુંજ પક્ષીઓની રીત છે કે રાતે ક્યાંઈક આખું વૃંદ ઓથ ગોતી આરામ કરે અને ચાર કુંજડાં વારાફરતી ચોકી રાખે. સૂતાં સૂતાં કુંજડા લહેરથી ઝીણું ઝીણું કણક્યા કરે. આવી લહેરથી મારું હૃદય-પક્ષી પણ પોઢ્યું હતું. ત્યાં તો બરાબર મધરાતની ભરનિદ્રામાં શિકારીએ માર્યું.]

વાછરડું, વાળા, ભાંભરતું ભળાય,
(પણ) થર આતમ નો થાય, પરસ્યા વણનો, પોરહા !

[હે પોરસા વાળા, ગાય પોતાના વાછરડાને પોતાની સન્મુખ જ બાંધેલું જોતી હોય, છતાં પણ એને પોતાની જીભથી સ્પર્શ કર્યા વગર માતાનો જીવ ઠરતો નથી, તેમ મારા હૃદયને પણ મારી પ્રિયાના સ્મરણમાત્રથી જ શાંતિ નથી વળતી.]

ઊડી મન આંબર ચડે, ચકલાં જીં સદાય,
કફરી રાત કળાય. પો’ ન ફાટે, પોરહા !

[સંધ્યાકાળથી જ વિખૂટા પડીને નદીના સામસામા કિનારા પર બેઠેલા ચક્રવાક પક્ષીનાં નર-માદા જેમ વારંવાર ઊડી ઊડીને ઝાડ પર ચડીને જોયા કરે કે સૂરજ ઊગ્યો છે? પ્હો ફાટી છે? એ રીતે મારું હૃદય-ચકવું પણ વારે વારે નજર કરે છે કે આ વિયોગ-રાત્રીનો અંત છે ખરો? પણ મારે તો મિલનનું પ્રભાત પડતું જ નથી.]

અમારા ઊડે ગિયા, અધ્ધર ઉચાળા,
(હવે) વીસમશું વાળા, પેલા ભવમાં, પોરહા!
તરસ્યાં જાય તળાવ, (ત્યાં તો) સરોવર સૂકે ગિયાં,
અગનિ કીં ઓલાય, પીધા વિણની, પોરહા !

[હે પોરસા વાળા, તરસ્યાં થઈને અમે તો સરોવર-તીરે આવ્યાં ત્યાં તો છલોછલ ભરેલું સરોવર અમારી આંખો સામે પલકવારમાં મૂકાઈ ગયું. હવે પાણી પીધા વગર મારા અંતરની પ્યાસની જ્વાળા શી રીતે ઓલવાય?]

દેયું દિયાડે, સાંચવતાં સોનાં જીં,
રોળાણી રાખોડે, પાદર તારે, પોરહા !

[દિવસોદિવસ અમે જે પ્રિય દેહને સોનાની માફક સાચવતાં હતાં, તે આજ તારે પાદર રાખમાં રોળાઈ ગઈ. ઓ પોરસા વાળા!]

સુઘડ હેતાળી સુંદરી, સુખની છાકમછોળ,
(હવે) ધોખા ને ધમરોળ, પાદર તારે, પોરહા !

[એવી ચતુર અને સ્નેહાળ સુંદરીના સાથમાં મારે સુખની છોળો છલકતી. પણ હવે સ્ત્રી મરતાં તો, હે પોરસા વાળા, તારા પાદરમાં મારે જીવતરભરના ક્લેશ અને કષ્ટના ધમપછાડા જ રહ્યા.]

તરિયા ગઈ, તૃષણા રહી, હૈયું હાલકલોલ,
રતન ગિયું રોળ, પાદર તારે, પોરહા !

[હવે તો હે પોરસા વાળા, જીવતરમાંથી જન્મસંગાથી સ્ત્રી ચાલી ગઈ. મનમાં સંસારસુખની વાંછના હતી તે અણપૂરી રહી ગઈ. અંતઃકરણ આ ભવસાગરમાં તૂટેલ નૌકા સરીખું ડામાડોળ સ્થિતિમાં પડી ગયું. કેમ કે તારા પાદરમાં મારું અમુલખ રત્ન રોળાઈ ગયું. હવે બાકી શું રહ્યું?]

બધીયે શૂધબૂધ ગુમાવીને ચારણ આવા દુહાઓ લવવા લાગ્યો. તે દિવસથી પોરસા વાળાની ડેલીએથી ગાન, તાન અને ગુલતાન અટકી પડ્યાં છે. જટાધારી ચારણ ડેલીએ પડ્યો પડ્યો અને નદીના વેકરામાં ચારણીનાં પગલાં પડેલાં તે શોધતો શોધતો રોજ આવા છાતી ફાટ દુહાઓ નવા નવા રચ્યે જાય છે, અને ચોધાર આંસુડે રોતો રોતો દુહા ગાયા કરે છે. દુહા સાંભળી સાંભળીને આખો દાયરો શોકમાં ડૂબી જાય છે, પણ ચારણના ચિત્તભ્રમ ઉપર કોઈ દવા કામ કરતી નથી.

દરબાર પોરસા વાળાને અચાનક એક દિવસ વિચાર આવ્યો. એણે દાયરામાં પૂછપરછ કરી કે “બા, આમાં કોઈ આ ગઢવાનાં સગાંવહાલાંનો જાણકાર છે?”

“હા બાપુ, અમે સહુ ઓળખીએ છીએ.”

“બાઈનાં માવતર કિયે ગામ?”

"આ. પડખેના નેસમાં.”

“એને બીજી એકેય દીકરી છે?

“હા બાપુ, જુવાન દીકરી છે. સારું ઠેકાણું ગોતાય છે.”

“ત્યારે બોલાવો એ બાઈના બાપને.”

ચારણનો સસરો હાજર થયો. દરબારે વાત કાઢી કે “જો ભાઈ, ભાણેજનું ચિત્ત ખસી ગયું તેનું કારણ તારી દીકરી ઉપરની એની પ્રીતિ છે. ગાંડપણ વિજોગનું છે. હવે જો એ વિજોગમાંથી ફરી વાર સંજોગ બને તો એના અંતરમાં પડી ગયેલી ગાંઠ કદાચ છૂટી પડે. મને એક જુક્તિ સૂઝે છે.”

“બોલો, બાપુ ! કહો એમ કરવા તૈયાર છું.”

“તો હવે બરોબર આષાઢ મહિને તારી મારી દીકરીને આંહીં લઈને આવજે.”

“બહુ સારું.”

એમ આસો મહિનો ગયો. કારતક માગશરની ટાઢો ગઈ, ઉનાળો પણ ઊતર્યો, અને જે ઘડીએ ઓતરાદી દિશામાં મેઘરાજાની શેડ્યો ફૂટવા લાગી ને ઉપરવાસ વરસાદ મુશળધારે ત્રાટકવા લાગ્યો, તે ઘડીએ ચારણ પોતાની દીકરીને તેડીને હાજર થયો. દરબાર બોલ્યા કે “ઓલી મરનાર બોનનાં જેવાં જ લૂગડાં અને પહેરાવો.” વસ્ત્રો પહેરાવ્યાં.

“હવે ઓલી તણાઈ ગઈ એવી જ ભેંસ ને હેઠ એક પાડી આપણા ખાડુંમાંથી દોરી લાવો. એને માથે ચારણની ભેંસ પર હતી તેવી ઘરવખરી લાદો. એ સહુને નદીના વેકરામાં ઊભા રાખો: જે જગ્યાએ પોર ઓલી ચારણી ઊભી’તી તે જગ્યાએ. અને હવે બાઈને કહી રાખો કે ચારણ દોડ્યો આવીને પૂછે ત્યારે પોતે જ એની પહેલી વારની પરણેતર છે એવા જ રંગઢંગ બતાવે.”

દરબારે કહ્યા મુજબની બધી તૈયારીઓ થઈ ગઈ. બરાબર એક વરસ પહેલાંનો દિવસ આવ્યો અને બપોરનું એ જ ટાણું થયું તે વખતે દરબારે યુક્તિ ગોઠવ્યા પ્રમાણે પાદરથી રીડિયા પડ્યા કે “દોડજો ! ભાગજો ! પાણી આવે છે !”

રીડિયા સાંભળતાંની વાર જ ચારણના કાન ચમક્યા. ‘મારી ચારણ્ય ! મારી ચારણ્ય !’ બોલતો નદીકાંઠે દોટ કાઢીને પહોંચ્યો. જઈને જુએ તો કાંઠે નીકળીને લાલ ચૂંદડીવાળી ચારણી ઊભેલી દીઠી : એ જ ભેંસ : હેઠ એ જ પાડી ને એ જ અણસારની નમણા મોંવાળી ચારણ્ય : ચૂંદડીના છેડા ફરકી રહ્યા છેઃ છટાથી ઘૂમટો ખેંચ્યો છે: લટો ઊંડઊડ થાય છે અને ભીનલાવરણું મોં મરક મરક હસે છે.

દોટ મેલીને ચારણીનું કાંડું પકડવું. અને એના મોં સામે નીરખી ગઢવો પૂછવા લાગ્યો: “ચારણ્ય ! આંસે જ ઊભી છો ને?”

“ઊભી જ હોઉં ને, ચારણ ! તું ગળાના સમ દઈને ગ્યો’તો ને!”

“ત્યારની ઊભી જ છો?”

"ત્યારની એટલે ક્યારની? હજી તો હમણેં જ તું ગામમાં ગ્યો’તો!”

ચારણની ઘેલછા ઊડવા લાગી. પોતે જાણે કસુંબાના કેફમાં કાંઈક ઝોકે આવી ગયો હોય એવું હૈયે બેસવા લાગ્યું : મોં મલકાવીને ચારણીએ પૂછ્યું: “કેમ, ચારણ ! કાંઈ નીંદર કરીને ઊઠ્યા છો?”

“હા માળું! આંખ મળી ગઈ હતી ને મને કાંઈક સોણું આવી ગયું લાગે છે.” “શેનું સોણું?”

“અરે ભયંકર સોણું ! જાણે તું તણાઈ ગઈ, ને હું વરસ-દીથી રોયા કરું છું!”

“કસુંબો કાંઈક વધુ લેવાઈ ગયો હશે!”

આંખો ચોળીને ચારણે દુનિયા ઉપર દૃષ્ટિ ફેરવી. ઉચાળા લઈને યુગલ ગામમાં ગયું. ગઢવીને દરબારે સારો જોઈને ઉતારો કાઢી દીધો.

પછીયે કોઈ કોઈ વાર ચારણ રાત્રિના ચાંદરડાંને અજવાળે ચારણીના મોં ઉપર મીટ માંડીને પૂછ્યા કરતોઃ “હે ચારણ્ય ! સાચેસાચ તું ત્યાં જ ઊભી’તી?”


🐦🙕❀🐦🙕❀🐦

  1. 1. દુશ્મન