← અનુક્રમણિકા રા' ગંગાજળિયો
નિવેદન
ઝવેરચંદ મેઘાણી
જુદા કેડા →


નિવેદન

તિહાસિક નવલકથા આલેખવાની પહેલી હિંમત ગયા વર્ષે 'સમરાંગણ'થી કરી. વાચકોએ અને સાહિત્યકારોએ એનો જે સત્કાર કર્યો તે મારા પગને આ નવી ભૂમિ પર સ્થિર કરનાર નીવડ્યો. આ વખતનું સાહસ જો વાચકોને સફલ લાગે તો તેનો જશ એ રીતે તેમને જ મારા એ નવીન સાહસના પ્રોત્સાહકો તરીકે જશે.

દોઢ દોઢ દાયકા સુધી સ્મૃતિના ગોખલામાં સચવાઇ રહેલી એક લોકકથાની કણિકાએ મને ગયા વર્ષે 'સમરાંગણ' સરજવાની દિશા સૂચવી. આ વખતે પણ આઇ નાગબાઇના પૂર્વસંસારની ને વીજલ વ'જાના રક્તકોઢની જે ઘટના પર મેં આખી કથાની માંડણી કરી છે, તે બે ચાર ઘટનાઓ પણ લોકકથાની કણિકાઓ રૂપે જ મારી યાદદાસ્તના એકાદ કોઈ ગોખલામાં સંઘરાઇ રહેલી. લોકસાહિત્યની ચીંથરીઓએ આજે મને આવો ઉજ્જવળ અવસર દેખાડ્યો છે છતાં આ નવી રસાયન-ક્રિયા રૂપે એ મારે શિરેથી ઘટવાને બદલે વધે છે. લોકસાહિત્યનું સંશોધન ને પરિશીલન સીધી રીતે સંજોગવશાત છૂટી ગયું છે છતાં આ નવી રસાયણ-ક્રિયા રૂપે એ મારી નસોમાં સજીવન છે. ચીંથરીમાં સચવાઈ રહેલી આ નાની નાની સોના-કણીઓએ મને ઐતિહાસિક કથાઓનું આદિધન પૂરૂં પાડીને ઇતિહાસ તરફ અભિમૂખ કર્યો છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ જેટલો કંઇ શોધાયો છે, તેની અંદર લાંબી વાર્તાને પૂરપાટ ઘોડે રમવાનું મેદાન મેં જોયું છે. ભલેને આ મેદાન પર બીજી કેટલીક કલમો રમી ગઇ, તેથી મેદાન કંઇ ખૂટી ગયું નથી. નવી દૃષ્ટિ લઇને ઝૂકાવનારી નવીન ક્લમો માટે આંહી બહોળી ક્રીડાભોમ પડી છે.

એકલા સોરઠી ઇતિહાસનું જ ક્ષેત્ર જો ઘૂમ્યા કરી તો Perspective ની દૃષ્ટિ પ્રમાણ હારી બેસે, નવીનતા લુપ્ત થાય. પણ મારે સુભાગ્યે પેલી તેજ-કણીઓએ મને ગૂજરાતની તવારીખ તરફ પ્રકાશ દેખાડ્યો. ગૂજરાત અને સૌરાષ્ટ્રની ઈતિહાસ-નદીઓનાં સંગમ-સ્થાનો નજરે પડ્યાં. મેદાન વિસ્તરી ગયું. સીમાડા પહોળા થયા. બેઉ તવારીખોનાં વાસીએ પાત્રોનો પણ જંગી સમૂહ જોયો. બેઉના ગુણદોષો, સંકુચિત ને ઉદાર મનોદશાઓ, ખામીઓ, ને ખુબીઓ, વગેરેની તુલનાત્મક દૃષ્ટિ એ બે નદીઓનાં સંગમ તેમજ સંઘર્ષણનાં બિંદુઓ નિહાળવાનો ઉઘાડ પામી. ગૂજરાતના ઇતિહાસની પાર્શ્વભૂમિ પર સોરઠી ઇતિહાસની લીલા નિરખવાનો નવીન આહ્‌લાદ મળ્યો.

જુનાગઢના રા' માંડળિક છેલ્લાનો ઈ.સ. ૧૪૩૩ થી ૧૪૭૩નો લીલાકાળ, એ ગૂજરાતની નવી સુલતાનીઅતના બે ત્રણ સુલતાનોનો સમકાલ હતો. આ નવી ગૂજરાતી સુલતાનીઅત જે જે ચડતી પડતીઓ અનુભવી રહી હતી તેનો ખ્યાલ મેં 'મિરાતે સિકંદરી' અને 'મિરાએ અહમદી' જેવી પ્રમાણમાં વિશ્વશનીય મુસ્લિમ તવારીખો પરથી મેળવીને વાર્તામાં ગૂંથેલ છે. મુસ્લિમ રાજરંગોની રંગભૂમિ ઉપર માંડળિકનું વ્યક્તિત્વ મેં ઊભું કરેલ છે. એની વિભૂતિનો આખરી અફળાટ યુવાન સુલતાન મહમદ બેગડાની સમશેર સાથે થયો ત્યાર પહેલાંની પ્રારબ્ધ-તૈયારી તો લાંબા કાળથી ચાલતી હતી. ગૂજરાતની ઇસ્લામી રાજવટનો ભાગ્યપ્રવાહ મેં એટલા માટે જ જોડાજોડ બતાવ્યો છે.

ગૂજરાતના ઈતિહાસ-રંગોમાં આસમાની (Romance) નથી એવી એક નિરાધાર માન્યતા ચાલી રહી છે. ઇસ્લામી સમયનું ગૂજરાત પણ રોમાંચક ઘટનાઓથી અંકિત હતું, ને એ રોમાંચક કિસ્સા તો મેં -મિરાતે સિકંદરી' ના આધારે બેશક - વધુ કલ્પનારંગો પૂર્યા વગર જ આંહી આલેખેલા છે. એ કિસ્સા - અને 'સમરાંગણ'માં મૂકેલ યુવાન મુઝફ્ફર નહનૂના પ્રસમ્ગો, કોઇ પણ ગૂજરાતી યુવાનને ગૂજરાતના ઇતિહાસના અધ્યયનની લગની લગાડે તેવા છે. ગૂજરાતની સંસ્કાર - ચૂંદડી પર સુલતાનીઅતની તવારીખે એક ન ઉવેખી શકાય તેવી ભાત્ય ઉપાડી છે.

માંડળિક છેલ્લો ગંગાજળિયો કહેવાતો, એ પૂર્વાવસ્થામાં બધી વિદ્યાઓમાં પ્રવીણ અને વીર હતો, એના પિતાએ એને ઉચ્ચ તાલીમ આપી હતી, વગેરે ઉલ્લેખ ઇતિહાસમાં છે. ( History of Kathiawad by Wilberforce Bell : પ્રકરણ સાતમું) માંડળિકનાં લડાયક પરાક્રમો ઇતિહાસ-પાને ઉજ્જ્વલ છે. અને પાછળથી માંડળિકનો નૈતિક અધઃપાત થયો તેનો વીશળ પ્રધાનની પત્ની બાબતનો કિસ્સો, મિરાતે સિકંદરી, સોરઠી તવારીખ, ભગવાન લાલ સંપતરામના ઇતિહાસ વગેરેનાં પાનાં પર ટાંકેલ છે. (મિરાતે સિકંદરીમાં પ્રધાનનું નામ વીશળ નહિ પણ તનહલ છે) આમ માંડળિકનો નાશ તે એક સદાત્માનો અધઃપાત હોઈ મને એમાંથી Tragedy - કરૂણરસાન્તક કથાનાં આવશ્યક તત્ત્વો મળી ગયાં. એટલે જ મેં કથાની માંડણી કરી. જો માંડળિક પહેલેથી જ દુરાત્મા હોત તો હું એને આવી કથાનો પાત્ર નાયક ન બનાવત. શરૂથી આખર સુધી એકધારો દુષ્ટ અથવા ખલ વાર્તાનાયક કદાપી Tragedy ના આલેખનને લાયક નથી. કેમકે તેના પ્રત્યે કરૂણા નિષ્પન્ન થઈ શકે નહિ. તેના મનોવ્યાપારોનાં અધોગામી પરિવર્તનો આલેખવામાં કલમ અનુકમ્પાનાં અશુઓ ટપકાવી શકે નહિ.

માંડાળિક બે સ્ત્રીઓને પરણેલો તે પણ ઐતોહાસિક માહેતી છે. કુંતાદે હાથાલા (અરઠીલા)ની રાજકુમારી ખરી, પણ સોરઠી ઇતિહાસોમાંથી દોહન કરી સર્વ વાતો લખનાર કેપ્ટન બેલ એને ભીમજી ગોહિલની દીકરી કહી ઓળખાવે છે અને એનો ઉછેર એના કાકા દુદાજી ગોહિલના ઘરમાં દેખાડે છે. વસ્તુતઃ ભીમજી ગોહિલના તો હમીરજી, દુદાજી ને અરજણજી ત્રણે દીકરા હતા. કુંતાદે કોની દીકરી, તે વિષેની મારી માહેતીને વહીવંચાના ચોપડાનો આધાર છે કે કેમ તે મેં જોયું નથી, પણ દુદાજી જો કુંતાનો કાકો થતો હોય તો એ અરજણજીની જ દીકરી હોઇ શકે એવો તોડ ઉતારીને મેં હમીરજીને એનો કાકો બતાવેલ છે. એ કુંતાદેએ રા' માંડાળિકના જીવનમાં ભજવેલ આખોય ભાગ તો મારી કલ્પનાનું જ આલેખન છે.

રા'ના ગંગોદક-સ્નાનના પ્રભાવે ઊનાના વીજા વાજાનો કોઢ ટળ્યો એટલી વાત ભગવાનલાલના ઇતિહાસમાંથી મળે છે. સોમનાથના મંદિરમાં માંડળિકને પડેલો પ્રસંગ મારો કલ્પેલ છે. નાગબાઇના પૌત્ર નાગાજણ ચારણ સાથે રા'ની દોસ્તી, દોસ્તીનું તૂટવું, તૂટવાનાં કારણો, વગેરેને લોકકથાઓનો જ આધાર છે. માંડળિકને અમદાવાદ જઇ મુસલમાન બનવું પડ્યું, ત્યાં એ પોક મૂકીને એકાંતે રડતો હતો, એનું મુસ્લિમ નામ ને એની કબર - વગેરે વાતોને મિરાતે સિકંદરીનો આધાર છે. માંડળિક વટલ્યો હતો તે તો સર્વસ્વીકૃત છે.

ખરો ખુલાસો ભીલકુમારના પાત્ર સંબંધે કરવોઇ રહે છે. હમીરજી ગોહિલની કથા ઇતિહાસમાન્ય છે, એ ઇતિહાસમાં એક નાનકડું વાક્ય આ છે:

'હમીર તેની (ભીલકન્યાની) ભેળો એક રાત રહ્યો, તેથી તે બાઇને ઓધાન રહ્યું. વાઘેરમાં દીવ પરગણે જે કોલિઓ છે તે પોતને આ મિશ્ર ઓલાદમાંથી ગણાવે છે.' [ સૌ. દેશનો ઇતિહાસ - ભગવાનલાલ સં]

મારે માટે આ એક જ ફકરો બસ થઈ પડ્યો. હમીરજીનો પુત્ર હમીરજીની પાછળ જન્મ્યો હોવો જોઈએ ને એના વંશવારસો રાજકુળમાંથી કે રાજભાગમાંથી વંચિત રહી શુદ્રપણાને જ પામ્યા હોવા જોઇએ. સોમનાથને ખાતર એકલવાયા મરનાર રાજકુમારનું ભીલબાળ જો આખરે શુદ્રનો જ વંશ-વેલો વહાવનાર રહ્યું હોય, ને ઇતિહાસને ચોપડે નામકરન ન પામ્યું હોય, તો તેને આ કરુણકથના ઉજ્જવલ પાત્ર બનવાનો હક્ક છે.

નાગબાઇનો પૌત્ર નાગાજણ મહમદ બેગડાના રાજદરબારના ઉંચું પદ પામ્યો હતો ને ત્યાં એણે પોતાના શુદ્ધ હિંદુત્વ પાળનાર સાથી રાજદે ચારણ પર તર્કટ કરી રાજદેને પેટમાં કટાર પહેર્યે પહેર્યે બાંગ દેવાની સ્થિતિમાં પણ મૂકેલ હતો, એ કથા ચારણો જ કહે છે. એ કથામાંથી નાગાજણના પાત્રને છેલ્લી શોચનીય અવસ્થાનું સૂચન મળે છે.

નરસૈ મહેતાનુંપાત્ર તો સર્વમાન્ય છે. એના નામે ચાલતી આવેલી ઘટનાઓના ચિત્રણનો ઉપયોગ મેં એ પાત્રની કરુણતાના રંગો માંડળિક પર પાડવા પૂરતો જ કરેલો છે. શરૂમાં દેખાતો એક ચારણ, વીજલ વાજો, ભાટણ્ય, વગેરે જે કેટલાંક નાનાં પાત્રો આવી આવી ને અદૃશ્ય થઇ જાય છે, તેમનો ઉપયોગ ફક્ત માંડળિકના ચારિત્ર્યના ઘડતર પૂરતો જ કર્યો છે.

ચારણીની ચૂંદડી, વીજાનો કોઢ, ભૂંથા રેઢને મળેલી સુંદરી, ભૂંથાના શરીર પરથી કપડાંનું બળી જવું, વગેરે ઘટનાઓ જે થોડું ચમત્કારનું તત્વ ચમકે છે તેનો ખુલાસો બીનજરૂરી છે. એ તો છે લોકકથાઓની સામગ્રી. એનો સીધો સંબંધ મન પર પડતી અસરો સાથે છે. એમાં ઊંડો ઊતરવા મને અધિકાર નથી, કેમકે હું ઇલ્મી પણ નથી, વૈજ્ઞાનિક પણ નથી.

નરસૈ મહેતાના જીવનમાં તો હું પરચા જોતો જ નથી. એને મળેલી સહાયો પ્રભુસહાયો જ હતી, અને તે પ્રભુપરાયણ માણસો દ્વારા પહોંચી હોવી જોઇએ એવું ઘટાવવામાં કશી જ નડતર મને લાગતી નથી. ફક્ત રતનબાઇનો પ્રસંગ મેં સ્હેજ બદલી વધુ વિજ્ઞાનગમ્ય બનાવ્યો છે. રતનબાઇને બદલે પ્રભુ નહિ પણ મૂવેલી રતનબાઇનો વાસનાદેહ જ પાણી પાવા આવે તે વધુ વાસ્તવિક ગણાશે.

ઝવેરચંદ મેઘાણી

રાણપુર તા. ૨૦ : ૪ : ૩૯