← જુદા કેડા રા' ગંગાજળિયો
પંડિતની સ્ત્રી
ઝવેરચંદ મેઘાણી
ચારણીનું ત્રાગું →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ બીજું
પંડિતની સ્ત્રી

"વાજા ઠાકર, અંબવન, ઘર ઘર પદમણરા ઘેર : રેંટ ખટૂકે વાડીયાં, ભોંય નીલો નાઘેર :" ઠાકોરો જ્યાં વાજા શાખના રાજ કરતા, વનરાઈ તો જ્યાં આંબાઓની જ ઝૂકી રહી હતી, ઘેરે ઘેરે-ઓ ભાઈ, કોઈક કોઈક વિરલાને ઘેરે નહિ પણ હર‌એક ઘરને આંગણે જ્યાં પદમણી શી રૂપવંતી સ્ત્રીઓના ઘેરા લ્હેરો લઈ રહ્યા હતા, એવા સદાય નીલા, અહોનિશ હરિયાળા નાઘેર નામના સોરઠી કંઠાળ મુલકમાં ઊના દેલવાડાનાં બે ગામ લગોલગ આવેલ છે. 'ઘર ઘર પદમણરા ઘેર' હતા ખરા, પણ રાજેશ્વર બારોટની સ્ત્રીનું રૂપ તો શગ ચડાવતું હતું. ભાટવાડામાં એ રૂપ સમાતું નહોતું. એની છોળો કાંઠા માથે થઈને છલી જતી હતી.

પણ રાજેશ્વર બારોટને ખબર નહોતી કે રૂપને સચવાય કઈ જુક્તિએ. પ્રૌઢ ઉમરે પહોંચી ગયા પછી પરણ્યો હતો. પરણી કરીને ઘર સ્ત્રીને ભળાવ્યું હતું. પેઢાનપેઢીથી સાચવેલા ક્ષત્રિય યજમાનોની વંશાવળીના ને શૂરવીરોની બિરદાવળીના અમૂલખ ચોપડાના પટારાની ચાવીઓ એણે પરણ્યાની પહેલી જ રાતે પત્નીને સોંપી હતી. ઘરાણાં, લૂગડાં, રોકડ નાણું, જે કાંઇ ઘરમાં હતું તેની માલિક એણે સ્ત્રીને બનાવી હતી. એ ચાવીઓના ઝૂડાએ આવતી નારને કેવીક રીઝવી હતી ? રાજેશ્વર ભાટને ગતાગમ નહોતી. ઘોડીને માથે વંશાવળીના ચોપડાનો ખલતો લાદીને વિદ્વાન રાજેશ્વર યજમાનવૃત્તિ કરવા ગામતરાં ખેંચતો હતો. જ્યાં જ્યાં જ‌ઇ ઊતરતો ત્યાંથી મહિનો મહિનો, બબે મહિના સુધી યજમાનો એને ખસવા ન દેતા. મીઠી મીઠી એની વાણીને માથે યજમાનો મોરલી ઉપર ડોલતા નાગ જેવા મંડાઈ રહેતા. રાજેશ્વર બારોટના ચોપડામાં દીકરા દીકરીનાં નામ મંડાવવામાં ઠાકોરો ગર્વ લેતા.

"વિદ્વાનની વહુ : પંડિતની પત્ની : દુનિયામાં ડહાપણની જેની શગ ચડે છે એની તું અર્ધાંગના, બાપ ! વાહ પંડિત ને વાહ પંડિતરાણી : જોડલું તો જુગતે મેળવ્યું છે માતાજીએ."

આવાં અહોગાન જ્યારે રાજેશ્વર બારોટને આંગણે રોજે રોજ સવાર ને સાંજ સંભળાવા લાગતાં ત્યારે રાજેશ્વર બારોટની સ્ત્રી પાણીના બેડાને મસે ઘરની બહાર નીકળી પડતી, ને પાણી-શેરડે એકલવાયા આરા ઉપર અસુર સવાર ઊભી રહી અંતરના ફિટકાર આપતી. "આગ મેલાવ એ વિદ્વતામાં, એ ચોપડાઓના પટારામાં, ને એ પંડિતાઈની પ્રશંસામાં જીભ ખેંચાઈ જાવ એ વખાણ કરનારાઓની."

મછુંદરી નદીનો આરો નિર્જન હતો. પાણી પીવા થોભતાં ગાધણને ગોવાળીઆઓ પોતાના પાવાના સૂર પણ સાથોસાથ પાતા હતા. બકરાં ગાડરનાં વાઘ (ટોળા)માં તાંબડી લઈને ગોવાલણો દોવા માટે ઘૂમતી હતી. અને સીમમાં, ઘ‌ઉંની કાપણી કરીને પાછાં વળતાં મજૂર મૂલીનાં જોડલાં ફરકતે પાલવડે ને ઊડ ઊડ થતે છોગલે ગાતાં હતાં.

"જોબનીયું કા....લ્ય જાતું રે'શે !

"જોબનીયું આજ આવ્યું ને કાલ્ય જાશે
"જોબનીયું કાલ્ય જાતું રે'શે.


"જોબનીયાને પાઘડીના આંટામાં રાખો
"જોબનીયું કાલ્ય જાતું રે'શે.

"જોબનીયાને ચૂંદડીના છેડામાં રાખો
"જોબનીયું કાલ્ય જાતું રે'શે.

"જોબનીયાને હાથની હથેળીયુંમાં રાખો
"જોબનીયું કાલ્ય જાતું રે'શે.

"જોબનીયાને નેણના ઉલાળામાં રાખો
"જોબનીયું કાલ્ય જાતું રે'શે.

"જોબનીયું આજે આવ્યું ને કાલ્ય જાશે
"જોબનીયું કાલ્ય જાતું રે'શે.

ભાટની વહુઆરૂનો ઠીકરાનો ઘડો મછુંદરીનાં પાણીમાં ભખ ભખ ભખ અવાજ કરે છે, પણ ભરાતો નથી. હાથ થીજી ગયા છે.

ટીંટોડીના તી-તી-સૂર કોઈની હાંસીના અવાજને મળતા આવે છે.

ભાટની વહુવારૂ પાણીમાં પોતાનો પડછાયો જોઇ રહી. પંડિતની પરણેલીએ પોતાના બેઉ હાથ આંગળીના નખથી લઈ કોણી લગી ધીરી ધીરીને નિરખ્યા. વિદ્વાનની વહુએ વહેતાં નીરમાં પોતાનું જોબન ડૂબતું, ભાગતું, તણાતું, ભાંગતું ને વિખરાતું જોયું. વિદ્વતા ને પંડિતાઈ એ જોબનને બચાવી લેવા આવ્યાં નહિ.

આવતો હતો એક જુવાન અસ્વાર. સીમમાંથી ગામ ઢાળો આવતો હતો. રોજ આવતો હતો. રોજ જોતી હતી. રોજેરોજ જ્યાં એ પાણી ભરતી ત્યાં આ ઘોડો ઘેરતો. પણ રોજ એ ઘૂમટો કાઢતી. આજ ન કાઢ્યો.

"ભાભી, લાજ કાઢ્ય, ઝટ લાજ કાઢ્ય." પાસે ઊભેલી નણંદે ભોજાઈને ચેતાવી. "આપણા ગામના ઠાકોર છે." ભોજાઇના કાન એની આંખોમાં ઊતરી ગયા હતા. આંખો આવતા અસ્વારને ચોંટી છે. નણંદના સૂર એને પહોંચતા નથી. એ તો ફાટ્યે મોંયે અસ્વારને જોવે છે.

ઠાકોર વીંજલ વાજાએ ઘોડો નદીમાં ઘેરવા માંડ્યો. ઓરતને એણે ઘૂમટા વગરની જોઈ. આજ પહેલી જ વાર ઘૂમટાની મરજાદ ફગાવીને પાણી ભરતી આ કોણ છે જુવાનડી ?

"ભાભી, લાજ કાઢ." નણંદે ભોજાઈને હાથ ઝાલી હડબડાવી.

"જોઇ લેવા દેને બાઈ ! ધરાઇને જોઈ તો લેવા દે ! જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે..."

એ ગાવા લાગી.

વીંજલ વાજો આ બોલ પકડતો હતો. એ શરમાઈ ગયો. ઘોડો હાંકીને ગઢમાં ચાલ્યો ગયો.

ભૂતનો વળગાડ લાગ્યો હોય તેવી બ્હાવરી બનીને ભાટની વહુ મછુંદરીની ભેખડ ચડી. પાછળ નણંદ ચડી. ચડતી ચડતી બોલતી ગઈ : "ભાનભૂલી ભાભી ! લાજી નહિ ? વેદવાનનું ખોરડું......."

"અંગારો મેલાવ વેદવાનને ખોરડે, જોબનીયું આજ આવ્યું ને..." ગાવા લાગી, "કેવો રૂડો આદમી હતો !"

"રૂડો લાગ્યો હોય તો માંડને એનું ઘર."

"નણંદ, તું મારી મોટેરી બેન. તું બોલી તે હું કર્યે રહીશ."

એમ કહીને એ બેડા સાથે ઠાકોરના ગઢ તરફ વળી.

ને પછીની વાત તો ટૂંકી જ છે. રાજેશ્વર ભાટની રૂપસુંદરીની હેલ્ય ઠાકોર વીંજલ વાજાએ ઊતરાવી લીધી. એ બનાવને આજ પાંચેક દિવસ થયા હતા. પહેલા બે દિવસ ઊનાની ભાટની ન્યાતે ઠાકોર વીંજલજી સાથે વિષ્ટિમાં ગાળ્યા હતા. ભાટોએ પાઘડી ઉતારી હતી. વીંજલજીએ જવાબ વાળ્યો હતો કે "હું હરીને નથી લાવ્યો. બાઈ એની જાણે આવી છે. હેલ્ય ન ઊતરાવું તો મને બ્રહ્મહત્યા આપવા તૈયાર થઈ હતી. હજી ય માને તો પાછી તેડી જાવ."

બાઈએ ગઢના ઊંચા ગોખેથી કહેવરાવ્યું કે 'મારે વેદવાન પંડિત ધણીની કીર્તિનું આગ-ઓઢણું ઓઢવાના કોડ નથી. મારે તો 'જોબનીયું આજ આવ્યું ને કાલ જાશે,' એવા જોબનીયાને સાચવી લેવું છે.'

ભાટોની કાકલૂદીને રાજ વીંજલે ગણકારી નહિ. ભાટવાડો આખો શહેરથી બહાર નીકળી ગયો. પાદરમાં લબાચા પાથર્યા. દરવાજાની સામે ત્રિશૂળ ને ભલકાં (ભાલા) રોપ્યાં. કાળો કકળાટ બોલ્યો. માતાઓને થાનોલે વળગેલાં કૂણાં કૂણાં છોકરાંને ભાટોએ માની છાતીએથી ઊતરડી લીધાં, લઈ લઈને હાથમાં હીલોળ્યાં, ને હીલોળી હિલોળી ભલકાં પર ફગાવ્યાં. જીવતાં પરોવાતાં એ બચ્ચાંની ચીસો જનેતાઓની ચીસોએ ઝીલી. નાનાં મોટાં ભાટોએ ભેંકાર ધા દીધી અને નિર્દોષોનાં લોહી નગરના ઝાંપા ઉપર છંટકોર્યાં. "લે ભોગવ બાપ ! લે માણી લે ગોઝારા રાજા. જોગમાયાએ લીધો જાણ ! બોકડો લે એમ લીધો જાણ. પાડો પીવે એમ પીધો જાણ."

ઝાપો બંધ થયો છે. ને ઊંચા ઊંચા ગઢમાં ઠાકોર વીંજલ વાજો ભાટ્યણ રાણી સાથે મોજ ભોગવે છે. ચાર દિવસ થઈ ગયા છે. ભાટોનાં છોકરાં ખૂટવા લાગ્યાં છે. મૂંગા છોકરાંને ચડાવી દીધા પછી પોતાનો વારો આવવાનો છે એ બ્હીકે મોટેરાંનાં દિલ ઊંચાં થયાં છે. કેટલાંક પલાયન કરી ગયાં છે, કેટલાંક તૈયારીમાં છે. આખું શહેર આ બાળહત્યાનાં પાપની બ્હીકે સુનસુનકાર થઈ ગયું છે.