રા' ગંગાજળિયો/માંડાળિકનું મનોરાજ્ય

← ચૂંદડીની સુગંધ રા' ગંગાજળિયો
માંડાળિકનું મનોરાજ્ય
ઝવેરચંદ મેઘાણી
ગંગાજળિયો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ પાંચમું
માંડળિકનું મનોરાજ્ય

"ગિરનારની આસપાસ રાસમંડળ રમતી હોય એવી ડુંગરમાળામાંથી આજે જેને દાતારનો ડુંગર કહેવામાં આવે છે તેની તળેટીમાં એક જુવાન પુરુષ એક બુઢ્ઢા આદમીથી જુદો પડતો હતો. અજવાળી સાતમનો ચંદ્રમા એ વૃદ્ધની રૂપેરી લાંબી દાઢીને પોતાના તેજમાં ઝબકોળતો હતો અને આ જુવાનના કમ્મર સુધીના અધખુલ્લા દેહની છાતી ઉપર ઝળહળતાં રત્નો સાથે કટારના ખેલ પણ કરતો હતો.

"કાંઈ અંદેશો તો નથી ને રા'?" બુઢ્ધાએ દાઢી પર પંજો પસારીને હસતાં હસતાં પૂછ્યું.

"નહિ સાંઈમૌલા," જુવાને જવાબ દીધો. "મારામાં સત હશે ત્યાં સુધી હું અંદેશો શા સારુ રાખું? બાકી તો જમાનાનાં પૂર હું કેમ કરીને ખાળી શકીશ? તમે તમારે સુખેથી રહેઠાણ કરો, તમે તમારો ધર્મ પાળો, હું મારો પાળીશ."

"ધરમ એક જ છે રા' ! ઇન્સાનિયત; ઈન્સાનની ચાકરી."

"બસ, બસ, અમારા બ્રાહ્મણો ને સાધુઓ એ જ ધરમને ચૂક્યા છે. આજ સુધી કોઢીઆં અને પત્તીયાં સડેલાં શ્વાનોની માફક વાઘવરૂને અને દરિયાનાં મગર માછલાંને ફેંકાઈ જતાં, તમે તેમની ખિદમત આદરી છે. તમારી પાસેથી ભલે અમારા હિંદુઓ એટલી માણસાઈ શીખતા."

"આંહી આવતા જતા રહેશો ને?"

"આવીશ. મને તમારી ધર્મ ચર્ચા કરવાની સુલેહભરી રીત ગમે છે, દાતાર જમીયલશા!"

"ખમા. પધારજો."

જુવાનના પગની મોજડીઓ એ રાતની ખાડા ટેકરાવાળી ધરતી પરથી ઠરેલાં પગલાં ભરતી ગઈ. એની ગરદન ઉપરથી ખભાની બેઉ બાજુ ઝૂલતા દુપટ્ટાના બેઉ છેડા એના ગોઠણનાં વારણાં લેતા ગયાં. એની મોખરે મોટે કાકડે બળતી હેમની મશાલ ચોખા દીવેલ તેલની સોડમ ફેલાવતી હતી. એની પાછળ પાછળ હથિયારધારી લોકોનું એક ટોળું ચાલતું હતું. બુઢ્ઢા સાંઇની ઝૂંપડી ફરતા દુલબાગને જોતો જોતો એ પુરુષ બાગની બહાર આવીને ઘોડા પર છલાંગી બેઠો. એની બાજુમાં બીજો ઘોડેસવાર હતો. એની ઉમ્મર પિસ્તાલીશેકની હોવી જોઇએ. એનો લેબાસ બાલાબંધી લાંબા અંગરખાનો હતો ને એના શિર ઉપર મધરાશી મોળીયું હતું.

જુવાને એ આધેડ સાથીને પૂછ્યું :" સાંઇ લાગે છે સુજાણ."

"હોય જ ને બાપુ. લઆંબે પંથેથી આવેલ છે. પારકો પરદેશ ખેડવો એટલે સુજાણ તો થવું જ પડે ના!"

"ક્યાંથી આવે છે?"

"સિંધના નગરઠઠ્ઠાથી."

"કેવો રક્તપીતીયાંની ચાકરી કરી રહ્યો છે ! આપણા હજારો જોગંદરો ગિરનારમાં પડ્યા પાથર્યા છે. પણ એ કોઈને કેમ આ પરદેશી સાંઈની જેમ કોઢ પીતની ઔષધિ ગોતવાનું ન સૂઝ્યું? આપણા બ્રાહ્મણોને દામાકુંડની દક્ષિણા ઊઘરાવતાં જ આવડ્યું કે બીજું કાંઈ?"

"પારકા પરદેશમાં પેસવાની વિદ્યા આવડવી જ જોવે તો બાપુ!"

"એમ કેમ મર્મમાં બોલો છો વીશળ કામદાર?"

"ના, સવળું જ બોલું છું મહારાજ ! આ ફકીર તો ઘેર ઘેર ઘોડીયાં બંધાવવામાં ય પાવરધો છે."

"આપણા જોગી જતિઓએ ને બ્રાહ્મણોએ જ લોકોને એ ચાળે ચડાવ્યાં છે ને? મેં તો સાંભળ્યું છે કે તમારે ત્યાંથી ય શેર માટીની ખોટ પુરાવવા સાંઈને મલીદો પહોંચ્યો છે."

સાથી ચૂપ રહ્યો.

"કેમ સાચું ને કામદાર?" એમ બોલતો યુવાન થોડું હસ્યો.

"ઠીક છે મહારાજ ! એ બધી વાતો તો જાવા દઈએ, બાકી આપણે પરદેશીઓથી સંભાળવું."

"હું તો કહું છું કામદાર, કે આપણે આપણી જાતથી સંભાળવું. જો ફોડકી થાય તો માખી બેસે ને?"

દામાકુંડથી આણેલા પાણીનું માથાબોળ સ્નાન કરીને આ જુવાન જ્યારે ઉપરકોટના રાણીવાસની અટારી ઉપર ચડવા લાગ્યો ત્યારે નગારે દાંડી પડી, શંખ ફુંકાયા, અએ છડીદારે નકીબ પોકારી "ઘણી ખમ્મા સોરઠના ધણી ગંગાજળીયા રા' માંડળિકને"

ઓરડા પછી ઓરડા ઓળંગતો એ ત્રિપુંડધારી જુવાન અંતઃપુરમાં દાખલ થતો હતો ત્યારે એની બે ય બાજુએ ઊભેલી વડારણોની હારમાંથી

એને માથે ફૂલોના, ગુલાબજળના, અક્ષત અને ચંદનના છાંટણાંના મેહુલા વરસી રહ્યા. ઓવારણાં લઇ લઇને એ રમણીઓ મેડી ઊતરી ગઇ; ને રા' માંડાળિકને કાને, છેલ્લા ખંડમાંથી ધીરી ધીરી તાળીઓના તાલે જડાએલા સૂર સંભળાયા-
તમસું લાલા ! તમસું લાલા !

તમસું લાગી તાળી રે
નંદના કુંવર કાન મુંને
તમસું લાગી તાળી રે

ગાતી ગાતી, તાળીઓ પાડતી ને ગોળ કુંડાળે એકલી રાસ ખેલતી, ઘેરદાર ઘાઘરાની દરિયા-લેરે હીંચતી એ જુવાન રાજપુતાણી રા' તરફ ફરી; ને રા'એ પૂછ્યું "કોણસું લાગી રે?"

"તમસું લાગી, તમસું લાગી - હાથ ધરો - તમસું લાગી -" એમ ગાતે ગાતે એણે રા'ના ખુલ્લા પંજામાં સામી તાળીઓ દીધી, ને રા'ની કમ્મરે જમણો હાથ કમ્મર બંધની માફક લપેટી લીધો. પછી રા'ને પોતાની સાથે ફુદડી ફેરવતી દેરવતી ગાતી રહી -

<poem>

"કંકાવટીમાં કેસર ઘોળ્યાં

"વીસરી ગઈ થાળી રે

"ખીચડીમાં તો ખાંડ નાખી ને

"સેવ કીધી ખારી રે

"તમસું લાગી, તમસું લાગી

"તમસું લાગી તાળી રે

"તમસું................. રા'એ એને તેડીને અદ્ધર ઊંચકી પૂછ્યું.

"ભાન ભૂલી ગયાં છો કુંતાદે?"

"તમસું લાગી-" એ ગાતી રહી.

"આવું ભાનભૂલાવણ ગીત કોણ શીખવી ગયું?"

"ભાન વિનાનું અમારૂં સ્ત્રીપણું જ શીખવી ગયું."

"ના, ના, કહો તો ? આ તો ભારી મસ્ત ગીત છે."

"તમારા માનીતા રાવણના શિવ-તાંડવના કરતાં ય? શું ઓલ્યું બોલોછો ને રોજ? લટા કટા, જટા, ફટા, ધગદ્ ધગદ્ ધગદ્ વિલોલ વીચિ વલ્લરી ! એના કરતાં ય વધુ ભાનભૂલાવણ?"

"એમ ન કહો. રૂદ્રની એ સ્તુતિ સાથે તો કોઇ ગીતને ન સરખાવો."

"તમારૂં એ રૂદ્રનું, તોઇ આ મારા મુરલીધરનું."

'મુરલીધર પણ મારો તો વડવો છે ને?"

"બસ ત્યારે, આ ગીત પણ તમારા જ કંઠમાં આરોપું છું ને?"

ફરી ગાતી ગાતી જાણે એ ગીતની ફુલમાળા રા'ના ગળામાં આરોપતી ગઇ-

ચોળી પે'રી ચણિયો પે'ર્યો,

ભૂલી ગઇ સાડી રે
નાક કેરી નથડી મેં તો
આગળીએ વળગાડી રે

તમસું લાલા ! તમસું કાના !

તમસું લાગી તાળી રે

"પણ કોણે બતાવ્યું?"

ઊપરકોટની ઊંચી અટારી પરથી એણે નીચે ફળીએફળીયું દેખાતા શહેર પર આંગળી ચીંધી-

"આજ અત્યાર લગી વાટ જોતી બેઠી હતી. તેવામાં, જો ત્યાં દૂર એક ખડકી દેખાય છે ને, ત્યાંથી આ સૂર આવ્યા. ગળું તો પુરુષનું જ લાગ્યું, પણ કોઇક ગાંડોતૂર થઇને ગાતો હતો. મશાલ બળતી હતી. તેને અજવાળે અમે બાઇઓ લઇએ તેવા રાસ પુરુષો લેતા હતા. ને એ કુંડાળાની અંદર કડતાલ બજાવતો એક ત્રીશેક વર્ષનો જુવાન ગાતો હતો." રા'નું મુખ મલક્યું.

"ઓ હો! નાગરનો છોકરો નરસૈયો કે? એ છોકરો ગામ ગાંડું કરતો કરતો તમારા સુધી પણ આવી પહોંચ્યો ને શું? મારે તમારા પર ચોકી બેસારવી પડશે."

બીજા ઓરડામાં ભોજનની થાળી લેવા જતી કુંતાદે 'તમસું લાગી'નાં તાન મારતી જતે હતી. થાળી લઇને પાછી આવતે પણ એનો દેહ એ જ તાલમાં થનગનતો હતો ને એનો ચણીયો જમણે પડખે ઝોલે ચડી પાછો ડાબી બાજુ ઝોળ ખાતો હતો.

થાળી મૂકીને એ બોલી : "શા માટે ચોકી?"

"એટલા માટે કે એ નાગરના ફૂલફૂલ છોકરાનાં નૃત્યગીતમાં ગામની નારીઓ પણ ખેંચાતી ચાલે છે."

"તો કાં અમને નારીઓને ગાતી અટકાવી દીધી? અમારાં હૈયાં કાંઇ તમારા 'લટા, કટા, જટા, ફટા, ને ધગ ધગદ'થી ન સંતોષાય. અમારે તો 'તમસું લાગી તાળી રે......."

"સાચોસાચ ચોકી બેસારવી જ પડશે."

બીજાને ભરોસે રહેવા કરતાં પોતે જ બેસો, પોતે." એમ કહી કુંતાદી રા'નો કાન આમળ્યો.

"પછી ધીંગાણે કોણ જાશે?"

"ધીંગાણા શીદ કરો છો?"

"સોરઠના ખંડિયાઓ તમારા નરસૈયાના તાળોટાથી વશ થાય તેવા નથી ને? તેના તો ફાડવા જોવે બરડા - આ રૂદ્રની કૃપાણને ઝાટકે ઝાટકે."

બોલતે બોલતે એની જમણી ભુજા સોમનાથના સાગર તીર તરફ લાંબી થઈ. અને તેલના દીવાની જ્યોત એના કાંડાની ઉપસેલી નસો ઉપર રમવા લાગી.

"એવી અક્કડ ભુજાઓ આંહી મારા ઓરડામાં નહિ પોસાય." એમ કહીને કુંતાદી લણ્બાએલા હાથને પોતાના ગળા ફરતો વીંટી લીધો ને પતિના મોંમાં ભોજનનો પહેલો કોળીઓ મૂક્યો.

"ધરાઇને ધાન તો ખાઓ, નીકર ભુજાઓ કૃપાણ પકડી કેમ શકશે?"

"તમને એક ખબર આપું?" રા'એ ગંભીર ચહેરો કરીને કહ્યું." વળી પાછાં કહેશો કે પહેલેથી કીધું ય નહિ ! તમારા પીયર હાથીલા નગરને માથે જ મારી કૃપાણનો કાળ ભમે છે."

"શું છે તે?" કુંતાદે હાથીલાના ગોહિલ રાજકુળની દીકરી હતી. "તમારા કાકા દુદાજીની ફાટ્ય વધી છે. ઠેઠ અમદાવાદ સુધીની લૂંટો કરનાર એ રાજપૂતી હવે તો મારા ઉપર કાળી ટીલી બેસારવાની થઇ છે. પાદશાહનો સંદેશો આવેલ છે કે મારે એની ફાટ્ય ઠેકાણે આણવી."

"તમારે શા માટે?"

"હું સોરઠનો મંડળેશ્વર મૂવો છું ને? મારા ખંડિયાઓને કબજે ન રાખું તો પાદશાહને તો બહાનું જ જોવે છે. ગઝનવીએ તોડ્યું સોમનાથ, તઘલખે તોડ્યું, ખીલજીએ તોડ્યું, હજીય તોડવાનો લાગે જોવે છે સુલતાન એહમદશાહ. એને તોડવા સ્હેલ છે, આપણે ફરી ફરી બંધાવવા દોયલાં છે. રાજાઓને તો લૂંટારા ને ડાકુ થઇ પોતપોતાનાનાં અમન ચમન સાચવવાં છે, પણ હું ઠર્યો ગંગાજળિયો, હું એકલો આડા હાથ દઇને ક્યાં સુધી ઊભો રહું?"

નિઃશ્વાસ નાખતા રા'ના તાજા સ્નાને ભીના ખંભાઢળક કેશમાંથી, મહેશને માથે જળાધારીમાંથી ટપકે તેવું એક જળ-ટીપું ઝર્યું.

"હા!હા!" કુંતાએ ય ઊંડો નિસાસો નાખ્યો : "આજ એ એક હોત-તો એક હજારાં થઇ રહેત."

"કોણ?"

"મારા કાકા હમીરજી."

"હમીરજી ગોહિલ તો શંભુનો ગણ થઇ ગયો દેવડી! એની શી વાત?" બોલીને રા'એ ફરીવાર સોમૈયાજીની દિશામાં હાથ જોડી લલાટે અડાડ્યા. "કલૈયો હમીરજી ! એને ને મારે વધુ નહિ, ફક્ત પચીશેક વર્ષોનું છેટું પડી ગયું. હું એટલો વહેલો કાં ન જન્મ્યો? એની વાત સાંભળી છે ને?" "ત્રૂટક ત્રૂટક, ચોરીછૂપીથી, કોઇ કોઇ વાર. કારણ કે કાકાબાપુ હાથીલામાં કોઇને એ કથા કહેવા દેતા નથી."

"ન જ દિયે તો. હમીરજીની પરાક્રમ-કથામાં દુદાજીની તો હીણપત ભરી છે ખરી ને? એના પગની કેડી તો સાવઝ-કેડી છે, કુંતા ! એ મારગ સોરઠ ખાતે સદાને માથે ઉજ્જડ પડ્યો છે. અમે કોઇ એ પંથે પગલું દેનારા રહ્યા નથી. અમારું દૈવત આથમી ગયું."

જમી કરીને રા'એ પોતાનો નાનકડો સતાર લીધો. "બેસ દેવડી ! હમીરજીને બિરદાવીને પછી જ સૂવું છે આજ તો."

એક પગ ઉપર બીજો ટેકવીને રા'એ સતાર પોતાના ખોળામાં ગોઠવ્યો. કુંતાદી રા'ની એક આંગળીમાં નખલી પહેરાવી.

ઉપરકોટની એ જ એ ગોખ-બારી, જ્યાં બેસીને એક રાતે માંડાળિકના વડવા રા' કવાટે બીન બજાવ્યું હતું; હરણાંનાં વૃદેવૃંદ એના બીનને સૂરે ખેંચાઇ આવીને ગોખ ઉપર કૂદાકૂદ કરતાં હતાં; ને રા'ની હત્યા કરવા એ મહેલમાં છુપાએલા મારાઓએ પ્રકટ થઇને તલવારો કવાટના ચરણોમાં નાખી દીધી હતી, એ જ આ બારીમાં વર્ષો વીત્યે ફરી સતારના ઝંકારો બોલી ઊઠ્યા. ઝંકારે ઝંકારે માંડળીકના ગાલ ઉપર ટશરો ફૂરી. ઝંકારે ઝંકારે ગોહિલોની કુમારી કુંતાદેના હૈયાએ રસિયા, વીર અને ભક્ત હ્રદય રા'નાં છાનાં વારણાં લીધાં. ચણીઆનો ઘેર એના સોટા સમા દેહની આસપાસ પથરાઈ પડ્યો હતો. ચૂંદડીની કસૂંબી એના દેહ ફરતી ફુલવેડી સમી વીંટળાઇ વળી હતી.

સતાર કોઇ કોઇ બજવૈયાના હાથમાં જીવતું જાગતું માનવી બની જાય છે. હાજરાહજુર હોંકારા દેતો સતાર રા'નાં ટેરવાંને રડું રડું કરાવી રહ્યો. ને રા'ના કંઠમાંથી શબ્દો રેલ્યા

વેલો....ઇ.....આવે વીર
સખાતે સોમૈયા તણી
હી...લો....ળવા... હમી....ર
ભાલાંની અણીએ ભીમાઉત !

"ભીમજી ગોહિલ તારો ડાડો, દેવડી ! ડાહ્યો ને ચતુર સુજાણ રાજપૂત. ભડલી વાળા રા' કાનની કુંવરીને પરણેલો. કુંવરી એક ફકીરની સાથે અવળપંથે પળેલી. મૂળ તો એ ફકીર નહિ, પણ દિલ્હી બાજુનો અમીર હેબતખાન. ભડલીને પાદર નીકળ્યો હશે. ને કુંવરીમાં લોભાઇ નદીને સામે કાંઠે દરવેશ બની ઝૂંપડી બાંધી બેસી ગયો હશે. કુંવરી રોજ રાતે ભોજન-થાળી લઇને જાતી'તી. વાત પ્રગટ હતી. તારો ડાડો એને નો'તો તેડતો. ઘરમાં ડાહી ફુઇ રાજપૂતાણી : કહ્યું, બાપ ! બહુ વરસ વીત્યાં. મનાવીને તેડી આવ. ભીમજી ગોહિલ તેડવા જાય છે. એને સૂતો મેલીને કુંવરી કાળી મેઘલી મધરાતે થાળ લઇને ચાલી નીકળે છે. અણઝંપ્યો ભીમજી તલવાર સંભાળે છે, પાછળ પાછળ લપાતો ચાલે છે. ઝૂંપડીએ પહોંચેલી કુંવરીને ફકીર 'કેમ મોડી આવી' કહી સોટા ખેંચે છે. તોય પ્રેમમાં અંધી કુંવરી પાલવ પાથરે છે. નદીએ પાણી લેવા જાય છે. પાછળ ભીમજી ફકીરને ઝાટકે દે છે. ફરી છૂપાય છે. કુંવરી આવીને મૂવા સાંઇને મોઢે પાણી મેલે છે કે તારા મારતલને મોત ભેળો કરાવીને હું છાશ ફેરવીશ. તારા જીવને ગત કરજે."

"ભયંકર ! ભયંકર ! ભયંકર નારી ! હાથીલા પાછો વહ્યો આવનાર ભીમજી ફુઇને આ ભયંકર કથા વર્ણવે છે. ત્યારે ફુઇ કહે છે કે બાપ, એના પેટના કેવા પાકે ! કેવા સાવઝ પાકે ! જાતી રાજપૂતીને રાખે હો બાપ ! તેડી આણ, ને રાજપૂતીનાં રતન પકવ્ય એના ઓદરમાં. "એ ઉદરમાં પાકેલું રતન તારો કાકો હમીરજી. દેવડી ! એ ઉદરમાં, ત્રણે ભાઇઓમાં સૌથી નાનેરો કાચો કલૈયો. તારો બાપુ અરજણજી ને કાકાબાપુ દુદોજી આંહી જુનાગઢ મારા બાપની ચાકરીમાં રોકાયા હતા. હમીરજી એકલો ઘેરે. સાંભળે છે કે સોમનાથને તોડવા પાદશાહી ત્રીજી વાર આવે છે. ને કોઈ કરતાં કોઇ રાજબીજ દેવોના ય દેવ મહેશ્વરની મદદે કાં ન ચડે ! પોતે એકલો નીકળે છે. ભેળા એકલોહીયા, થોડીક માટીના ઘડેલા, થોડાક મરણીયા જોદ્ધા છે. માર્ગે કોઇ ક્ષત્રી? કોઇ રાજબીજ ? કોઇ હિન્દુ ? ના, ના, ના, દેવડી ! તારો કાકો એકલવીર : સૂના પંથનો એક જ સાવઝ : મોં ઉપર મોતના સોહાગ માણવાની મીઠાશ : જીવતરના પ્રભાતને પછવાડે ઠેલતો, મોતની સંધ્યાને માણતલ, ગોહેલ હમીર જ્યારે ચાલી નીકળ્યો છે, ત્યારે દુદાજીની રાણી તારી કાકીએ નથી હાથમાં શ્રીફળે ય દીધું, નથી કપાળે ચાંદલો ય ચોડ્યો, નથી એક આશિષનો ય બોલ ઉચ્ચાર્યો, ઘરમાંથી મડું કાઢે તેમ દેવરને કાઢ્યો. તું તો તે દિ' ઘોડીએ હોઇશ."

"મા કહેતી'તી એક દિ' કે છેલ્લી વેળાએ કાકા મને બચી કરીને એક હીંચોળો નાખતા ગયેલા."

"એ બચી હું તારા મોં માથે આજ પણ લીલી ને લીલી નિરખું છું કુંતાદે. એવાં વહાલનાં ને એવી વિદાયનાં અમી સૂકાય નહિ કેદિ. એના પંથમાં રાજપૂત ભાઇઓની બથભરી ભેટો નહોતી, ચારણોના ખમકારા નહોતા, વસ્તીનાં વળામણાં નહોતા, તરઘાયાની ડાંડીઓ કે શરણાઇના સિંધુડા નહોતા; બ્રાહ્મણોના આશિર્વાદો નહોતા, સોરઠની વાટ સુલ્તાનની ફાળ ખાધેલી વરાળે સળગી ઊઠી હતી. માનવી માત્ર ચકલ્યાંની જેમ મહેલે ને કૂબે સંતાઇ બેઠાં હતાં - હાય જાણે પાદશાહ પાછળથી બાતમી કાઢીને વીણી વીની ધાણીએ પીલશે. એને પગલે વારણાં લેતું'તું મોત, મોત, એકલું ટાઢુંબોળ એકલું મોત. એ મોતની મીઠી લાવણી એણે મારગને કાંઠે સાંભળી. નાનકડા એક નેસડામાંથી , પરોડને પહેલે પહોરે એને કાને કોઇક નારી-કંઠના મરશીયા પડ્યા. એણે ઘોડો થંભાવ્યો. ધરાઇ ધરાઇને રોણું સાંભળ્યું. રોણું પૂરૂં થયે એણે ઘોડો નેસમાં લીધો. પૂછ્યું "કોણ ગાતું'તું મરશીયા?"

"બાપ, હું હતભાગણી ગાતી'તી. અપશુકન થયાં તું વીરને? આંસુ ભીંજેલી એક ડોશીએ ઓસરીમાં આવીને કહ્યું.

"ના આઇ ! સાચાં શુકન સાંપડ્યાં. જોગમાયાનાં બાળ છો?"

"હા બાપ, રંડવાળ્ય અને વાંઝણી ચારણ્યોનો અવતાર છે મારો."

"કોના મરશીયા કહેતાં'તાં આઇ?"

"છોકરાના. પેટના પુતરના. પંદર જમણ પૂર્વે પાછો થીયો છે. એકનો એક હતો."

"જીવતે લાડ લડાવનારી મા ! મૂવા પછી ય શું તું બાળને આટલો લડાવી જાણ છ?"

"માનો તો અવતાર જ એવો કરી મૂક્યો છે ને ભાઇ!"

"આઇ ! મારા ય એવા મીઠા મરશીયા કહેશો ? મારે સાંભળતા જાવું છે."

"અરે મારા વીર ! તારા મરશીયા ? તું જીવતે? તને જો મુવો વાંછું તો ચારણ્ય આવતે ભવે ય દીકરો પામું ખરી કે?"

"મા, હું જીવતો નથી. જગતે મને મૂવો જ ગણ્યો છે. હું તો મસાણને મારગે જાતું મડું છું. હું એવે ઠેકાણે જાઉં છું, કે જ્યાંથી જીવતા પાછા આવવાનું નથી. મોતને તેડે જાઉં છું." "ક્યાં?"

"સોમૈયાની સખાતે."

એ નામ કાને પડતાંની વારે જ ત્યાં ભોળું થયેલું ગામ તેતરનો ઘેરો વીંખાય તેમ વિખરાઈ ગયું. બુઢ્ઢી ચારણી એકલી પોતાના ફળીમાં ઊભી ઊભી આ જુવાનનએ જોઇ રહી. 'તું ! તું એકલ ઘોડે ! સોરઠ બાધી ય બ્હીને ઘરમાં બીઠલ છે, તે ટાણે તું એકલો? મા, બાપ, બેનડી, ભાઇ, ભોજાઇ, કે ચૂંદડિયાળી રજપૂતાણી, કોઇ કરતાં કોઇએ તુંને રોક્યો નહિ?'

'રોકનારૂં કોઇ નથી. હોત તો યે જનારને રોકનાર કોણ? આઇ ! ઝટ મને મારા મરસિયા સંભળાવો. મને મોત મીઠું લાગે એવું કરો. મારે ને સોમૈયાને છેટું પડે છે મા!'

'પણ તું કોણ છો?'

'ગોહિલ છું.'

'ગોહિલ ? મોરલીધરનો ઉપાસી તું મહાદેવને કારણ મરવા જાછ?'

'હું શાસ્તર ભણ્યો નથી આઇ! દેવ દેવ વચ્ચેના ભેદનો ભરમ મેં જાણ્યો નથી. જાણીને કરવું છે ય શું?'

'કયું ગામ તારું?'

'હાથીલાનો હું ફટાયો : નામ હમીરજી.'

'ભીમજીનો પુતર?'

'હા મા, મારા મરસિયા ભણો.'

ચારણી થોથરાઇ. 'પાદશાથી બીતાં હો, તો નહિ હો મા.'

'બીઉં છું, પણ પાદશાથી નહિ.'

'સમજ્યો છું આઇ ! મારા ભાઇઓથી.'

'ન સમજ્યો બાપ ! ફોડ પડાવ મા. અટાણે તો તું તારે જા, ને ચારણીનું વેણ લેતો જા, કે તું દેવપાટણમાં જુદ્ધ કરતો હોઇશ તયેં મારા મરસિયા સાંભળતો, સાંભળતો જ મોતને ખોળે પોઢીશ. આજ તો મને માફ કરજે બાપ' ચારણીએ ખોળો પાથર્યો.

'સમજાણું હવે. વાણી તમારી ખોટી પડે એ બ્હીકે.'

'ખમા, ખમા બાપ હમીરજી. વાણીની આબરૂ વસમી છે. એ આબરૂનો કાંટો આખરી ઘડીએ જ તોળાય છે. ને ભલભલેરા એ અંતની પળે જ ભૂંડા દેખાતા હોય છે. મોતની વાતું તો વીર, સોયલી છે. પણ મોત સામું આવીનેઊભું રે' છે તયેં......'

'તમે સાચું કહ્યું માડી, તમારી વાણીને હું જોખમમાં નહિ મૂકાવું, હવે તો વચન પાળજો, ને હું સાંભળું તેમ કહેજો હો! મોડું ન થાય હો મા!'

'વિશ્વાસે રે'જે.'

'ને પછી તો દેવડી ! દેવ પાટણના દરવાજા આડા ઓડા બાંધીને સુલતાની સેનાને ભાલાની અણીએ હીલોળતા તારા કાકાનું મોત એ જ ચારણ્ય ડોશીના આ મરસિયાથી અમીયલ બન્યું હતું.'

સુતારના ઝંકારે ઝંકારે રા'ને કંઠેથી સોરઠા નિગળવા માંડ્યા-

વેલો-વેલો-વેલો આવ્યે વીર
સખાતે સોમૈયા તણી.

 હી લો ળ વા હ મી ર
ભાલાંની અણીએ ભીમાઉત !

હે ભીમજી પુતર, વહેલો આવ, વહેલો આવ, વહેલો આવી પહોંચ.

પાટણ આવ્યાં પૂર
ખળહળતાં ખાંડા તણાં
શેલે માંહી શૂર
ભેંસાસણ શો ભીમાઊત.

સુલતાની ખડગોનાં ધસમસતાં પૂર દેવપાટણ ઉપર આવ્યાં, તેની અંદર ઓ મારા વીર હમીર, જંગી પાડા જેવડા શૂરો જાણે તું શેલારા દેતો દેતો તરતો ધૂમે છે.

વેળ તુંહારી વીર
આવીને ઉવાંટી નહિ
હાકમ તણી હમીર
(આડી) ભેખડ હુતી ભીમાઉત !

પણ ઓ વીરા મારા ! તારા શૂરાતનની સાગર-વેળ ત્યાં આવીને ઓળંગી ન શકી. કારણ કે આડે સુલતાનની પ્રચંડ ફોજ રૂપી ભેખડ ઊભી હતી.

'આખરે તો પડવાનું જ હતું. તારા કાકાનું શિર પડ્યું, ધડ લડ્યું, ધડા પડ્યું, ઘોડો પડ્યો, અને એ ભેળું પણ કોણ કોણ પડ્યું? દેવડી ! ન કોઇ રાજા, ન કોઇ બ્રાહ્મણ, ન કોઇ જતિ સતી, શંભુના નામે બે હજાર ગામડાંનો ગરાસ ખાનારા ને ગુલતાન કરનારા કોઇ કરતાં કોઇ દાઢી મૂછ ના ધણી નહિ, પણ

 તું પડતે પડિયા
હર, શશીયર, હીમાપતિ
છો ચૂડા ચડિયા
ભજે તોય ભાંગ્યે ભીમાઊત !

તારા પડવા ભેળા જ પટકાઇ પડ્યા, એક શંભુ પોતે, બીજો શંભુનો વરદાનધારી ચંદ્રમા, ને ત્રીજા હીમાચળના ધણી પ્રજાપતિ પોતે. એક તારી ભુજાઓ ભાંગતે તો એ ત્રણેની સ્ત્રીઓના છ યે હાથના ચૂડા ભાંગ્યા. ત્રણે રાંડી પડી,

 વન કાંટાળાં વીર!
જીવીને જોવાં થીયાં
આંબો અળવ હમીર
મોરીને ભાંગ્યો ભીમાઊત !

ઓ મારા વીરા ! તારા જેવો આંબો, શૂરાતનની શીતળ ઘટા પાથરવા જેવડો થાય તે પહેલાં, જ્યાં મોર બેઠા ત્યાં જ ભાંગી પડ્યો. હવે મારે સંસારમાં શો સ્વાદ રહ્યો ? હવે આંબાનાં દર્શન ક્યાં પામવાં છે? હવે તો જીવવું છે ત્યાં સુધી કાંટાળા ઝાડવાંથી ભરેલાં જંગલો જ જોવા રહ્યાં છે. હવે તો સોરઠની ધરા માથે ઊભાં છે એકલાં ઝાળાં ને ઝાંખરાં.

'દેવડી !' રા'એ સતાર ધીરેથી નીચે મૂક્યો ને કહ્યું, 'તારા કાકા જેવું મંગળ મોત કોને મળશે? આજ કાલ કોનાં પ્રારબ્ધમાં આબરૂભેર અવસાન પણ રહ્યાં છે ? હે રૂદ્ર ! મસાણના સ્વામી હે મહેશ ! તારે ખોળે...' 'અત્યારે તો મારે ખોળે....' કુંતાદી રા'ને પોતાની છાતીએ ખેંચી લઇને કહ્યું; આબરૂભેર જીવતર તો જીવી લ્યો.'

પછી એ રાત્રિના ચોથા પહોરે જ્યારે ચોઘડીઆં બજવા લાગ્યાં, ત્યારે રા' અને કુંતાદે ગોખની બારીએ ડોકાં કાઢીને કોઇક ગગનગામી ગળાના પ્રભાતી-સૂર સાંભળી રહ્યા હતા:-

નિરખને ગગનમાં કોણ ઘૂમી રીયો
કો...ઓ...ણ ઘૂ...મી રીયો...નિ...ર...ખ...ને-
* * *
'બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે

'નિરખને' એ બોલે કોઇક કાકલૂદી કરતુંહતું. 'કોણ ઘૂમી રેયો' એ સુરો આકાશમાં એક વિરાટનું આલેખન કરતા હતા. અને માંડળિક પોતાના બોલથી રખે જાણે સંગીતબાંધી હવાને આંચકા લાગશે એવી બ્હીકે હળવાફુલ અવાજે કહેતો હતા-

'દેવડી ! નાગર જુવાન નરસૈયો ગાય છે.'

'હોય નહિ. આ તો બુલંદ સૂર ને ગંભીર શબ્દો...'

'એ જ છે કુંતા. એ બાયડિયો, નાચણકૂદણીયો ને કેવળ કરતાલીઓ નથી. એ બ્રહ્મજ્ઞાની છે, જોગી છે. મેં એને ઓળખ્યો છે. નથી ઓળખતાં એને એનાં જ રાસઘેલડીયાં ટોળાં.'