રા' ગંગાજળિયો/સોમનાથના મંદિરમાં
← આઇ નાગબાઇ | રા' ગંગાજળિયો સોમનાથના મંદિરમાં ઝવેરચંદ મેઘાણી ૧૯૩૯ |
અનાદર → |
"ઉપલો બનાવ બની ગયાંને પચીશેક વર્ષ વીત્યાં છે. દાતાર ડુંગરાની તળાટીમાં આવેલી મઢીમાંથી છાનોમાનો એક મ્યાનો નીચે ઊતરે છે. મ્યાનામાં બેઠેલા એક બિમાર આદમીને એક જૈફ દરવેશ વિદાયનો બોલ કહે છે : 'જાવ મેરે પ્યારે, હિંદુ તરીકેની તમારી ફર્જ છે કે પોતાના જ દેવસ્થાના પાસે હાજર થઈ, તમને મળેલી નવા બદનની બક્ષીસ બદલ ઈશ્વરના શુકર ગુજારવા. રગતપીતનો રોગ તમને મેં નથી મિટાવ્યો, તમારા જ સાચા દેવે મિટાવેલ છે. એનાં જ પેદા કરેલા આ આબોહવા છે : એણે જ દુનિયાના કલેજામાં આ રોગ મિટાવનાર પાણીના ઝારા મૂકેલ છે. એની દુવા ગાઓ, ને ઈન્સાનીઅતનો માર્ગ ફરીવાર કદી ના ચૂકો.'
એવી વિદાય દેનાર વૃદ્ધ દરવેશ દાતાર જ્મીયલશા હતા. મ્યાનામાં બેઠેલ આદમી વીજો વાજો હતો. ગરવા દેવ ગિરનારની વનૌષધિ અને દાતાર-તળેટીનાં ઝારાનાં જળની એની સારવારના બાર મહિના પૂરા થયા હતા. એને લઈને રા' જાતે સોમનાથ જતા હતા. રાણી કુંતાદેને પણ વેલમાં જોડે લીધાં હતા.
ચાલશો ને ?' રા'એ કુંતાદેને કહ્યું : 'તમારે ય ગઢ જૂનાની ગાદીનો વારસ જોશે ને? માગજો માગજો સોમૈયાજીની પાસે.' આ વેણ અણધાર્યું ઉચ્ચારાઇ ગયું. કુંતાદેના પેટમાં રા'ના આ બોલથી ફાળ પેઠી. એને પહેલી જ વાર ભાન થયું કે રા'ની ને પોતાની વચ્ચે શેર માટીની ખોટ જ થોડુક અંતર રોકી રહી છે. આ વેણનું જાણે અંતરમાં એક ધારૂં પડ્યું.
રસ્તે જતાં સાંજે એક જર્જરિત બુઢ્ઢો, નખશીખ નગ્ન, અને વાળ દાઢીના વધેલાં ભીંસરવાળો, ચીસેચીસ પાડતો રા'ના રસાલાની આડેથી ઊતરીને ઝાડીમાં સંતાઈ ગયો. રા'ને બુઢ્ઢા ચોકીદારોએ ઓળખાણ પાડી: 'બાપુ, એજ મર્હુમ મોટા રા'નો દસોંદી ચારણ ભૂથો રેઢ. ગાંડો થઇને મલક પાર ઊતરી ગએલો. ઘણાં વર્ષે પાછો દેખાણો. હજુ ય એના અંગ ઉપર લૂગડું એકે ય રહેતું નથી. ભડકો થઈને સળગી જાય છે.'
'કેમ ભલા ?'
'ઘરની બાયડીને સંતાપી હતી. દેવીનો કોપ થયો.'
'એનો કોપ આપણું ગંગાજળ કે આપણા સોમનાથ ન ટાળે ? એને ઝાલીને લઇ જાઈએ.'
હવે એ ઝલાય નહિ. વાંદરા જેવો છે. ક્યાંનો ક્યાં નીકળી જશે હમણાં.'
એ નગ્ન માણસની કીકીયારીઓ રા'નાં કાનમાં પડતી હતી. સ્ત્રીને સંતાપવાથી મળેલા એ નતીજા પર રા'નું મન વિચારે ચડી ગયું.
'એની સ્ત્રી કોણ ?'
'નાગબાઈ નામે ઓળખાય છે. આપણા મોણીઆ ગામની અંદર રહે છે. બીજું ઘર કર્યું છે. પણ નવો ઘરવાસ નથી ભોગવ્યો. આગલા ઘરનો વેલો હાલે છે. આગલા ઘરના દીકરા ખૂંટકરણ ન્યાત - પટેલ છે. દીકારોનો દીકરો ય જુવાન થયો છે.'
'નામ ?'
'નાગજણ. વાતું ભારી રૂડીયું કરે છે. અપ્સરાઉંની વાતું જમાવે છે ત્યારે તો બાપુ, આકાશમાં નજરોનજર અપ્સરાઉં ભાળીએ.'
'વળતાં મોણીયું જોતા જાશું.'
માંડળિકનો કાફલો જયારે દેવપટ્ટણને માર્ગે હતો, ત્યારે સોમનાથના મંદિરમાં એક રમખાણ મચ્યું હતું. રમખાણ મચવાનું કારણ નવીન જ હતું. એ પ્રભાતે એક ઓરત અને એક જુવાન ત્યાં આવીને દરવાજાની અંદર અને દરવાજાની બહાર ઘણા બધા ખોડેલા પથ્થરોમાં ઘૂમીઘૂમી બે પથ્થરોની ઓળખાણ મેળવવા મથતા હતા.
'આ બે ખાભીયું ક્યાં ગઈ !' ઓરત વિમાસતી હતી. પંદર વરસ ઉપર હું આંહી આવેલી ત્યારે તો બેય હતી. મેં સિંદોર પણ ચડાવેલો ને શ્રીફળ પણ વધેરેલું.'
એમ બોલતી બોલતી એ સ્ત્રી પ્રત્યેક પથ્થરને જાણે પૂછતી હતી કે તમે તો નહિ ના ? તમે અમારાં બે સગાંની ખાભીયું નહિ ? તમમાંથી કોઈક તો કહો.'
પણ એકેય પથ્થર એ અગાઉ દીઠેલ ખાંભીઓની આકૃતિ દાખવાતો નહોતો.
દરવાજામાંથી બ્રાહ્મણોની કતાર અંદર આવજા કરતી હતી. પહોળી રેશમ પટ્ટીના ધોતિયાં, બહુરંગી હીર-મુગટા, કોઈના હાથમાં સોના રૂપાના લોટા, કોઈની હથેળી ઉપર પુષ્પપાત્રો : કોઈ અરધા માથે ઘારીવાળા, કોઈ આખે શિરે લાંબા ચોટલા ઝૂલાવતા, કોઈ સ્વચ્છ તોલે મૂંડાએલા, તો કોઈ બ્રહ્મરંધ્ર સુધી પોણા માથે ટાલ ચમકાવતા : કોઈ પાતળી કટિના, કોઈ ભરાવદાર, કોઈ મેદ-ભારે લચકી પડતા અદોદળા :-
અંદર ભાતભાતના ઘંટારવ થાય છે. તેને સાંભળી સાંભળી 'શંભો ! હર હર મહાદેવ ! જય સોમ !' એવા સિંહનાદ કરતા દોડ્યા જાય છે.
'મા, કોઈક ભળશે, ઊઠને.' એવું કહેતો પુત્ર ઊભો છે. ને પથ્થરો પાસે નીચે નમેલી માતા થોડીવાર આ મૃત્યુલોકથી જુદા જ કોઈ જગતના હોય તેવા ફુટડાં, રૂપાળાં, લાલમલાલ માનવીઓની કતારથી અંજાયા પછી હિમંત ધરીને કોક કોકને પૂછે છે 'હેં બાપા ! આમાં ઓલી બે ખાંભીયું....'
પણ એ ડોશી જેવી દેખાતી કાળવી કોઈ શૂદ્ર ઓરતના સવાલનો જવાબ વાળવા કોઈ કરતાં કોઈ ત્યાં થોભતું નથી.
ફૂલોના સૂંડલા મઘમઘી રહ્યા છે. ચંદન કાષ્ટોના ભારા ને ભારા અંદર જતા જતા મહેક મહેક કરે છે : ઘીના કૂડલા ને કૂડલા ફોરમો વેરતા અંદર દાખલ થાય છે. છોકરો એ સર્વ સુગંધો સામે મો ને નાકનાં ફોરણા ફુલાવી જાણે આ સર્વ ફૂલો, ફળો, ઘી અને ચંદનના લાકડાંને પણ એકસામટાં ખાઈ જાઉં એવી લોલૂપતા અનુભવતો ઊભો છે. ને મા હજુ ઊઠી ઊઠી હર એક જતા આવતાને પૂછે છે કે 'એ બાપ ! ઓલી બે ખાંભીયું આંહી હતી ને ?"
એના સવાલની મૂંગી હાંસી કરતી મ્યાનાઓ ને પાલખીઓની કતારો આવી. એમાં બિરાજ્યા હતા તીર્થના અધિપતિઓ, આચાર્યો, વેદપ્રવીણ પંડિતો ને ધૂર્જટીના દિગમ્બર અવધૂતો. મ્યાનાઓની મોખરે સોનારૂપાની છડી ધારણ કરનારાઓ નામ દઈ દઈને નેકી પોકારતા આવે છે, પાછળ ભેરી-ભૂંગળો વાગતી આવે છે, અને સર્વ સૂરોના વિરામના વચગાળામાં સંભળાય છે દરિયાના ઝાલર-ઝણકાર: સોમનાથના નવા મંદિરની પાછલી દીવાલે જગદંબાનું જાણે કે ઉદધિ-વલોણું ચાલી રહ્યું છે. સાગરની ગોળીમાં જોગમાયા પ્રકૃતિ છાશ ઘૂમાવી રહ્યા છે. માખણની કણીઓ શા પારંપર ફીણ દરિયાના વલોવાતાં પાણી ઉપર તરતાં થયાં છે. વિરાટનો રવાયો ફરે છે.
'ખાભીયું તો અંહીથી ખસી ગઇ લાગે છે બેટા !' માએ છોકરાને એ ખબર દેવામાં ખૂબ મહેનત અનુભવી.
છોકરો તો સોમનાથ મહાદેવના આગણમાં પથરાતા આ પુષ્પ, ફળ, ફૂલ ને મનુષ્યના અવર જવરમાં ડઘાઈ ગયો હતો. એણે ખાંભીઓના ખબરમાં બહુ જીવ પરોવ્યો નહિ. એણે આ પછી શાસ્ત્રધારી રાજપૂતોના જૂથ અંદર જતાં જોયા. પોતે આ જુથમાં પોતાનું સ્થાન સમજીને ભેળો ભળી ગયો. માં પણ પુત્રને સાચવવા પાછળ પાછળ ચાલી.
સમુદ્ર-સ્નાન કરી કરીને આવેલા એ ક્ષત્રિયો ઠેકઠેકાણે ઘસાઈ રહેલા ચંદનની છીપરો પાસે જતા હતા, ઘસેલા ચંદન લીપની સુવર્ણ કુંડીઓમાંથી આંગળીઓ બોળી બોળી એકબીજાના હાથમાંથી આરસીઓ ઝૂંટવતા લલાટ પર ત્રિપુંડ તાણતા હતા. ને ત્રિપુંડ તાણતે તાણતે વાળની લટો અને દાઢી મુછના મરોડો પણ સમારી લેતા.
આ જુવાનની આંખો વધુમાં વધુ આ ત્રિપુંડોના લલાટ-ચિહ્નો પર મોહી પડી. એના કપાળે કોઈક દિવસ સિંદૂર ભાળ્યું હશે. ત્રિપુંડને માટે એનું કપાળ તલપી ઊઠયું. માણસના લલાટને આખા દેહથી નિરાળું પોતાનું એક રૂપ છે, શોભા છે, શણગાર છે, તેની એને જાણે ખબર જ નહોતી. એ બધાની ભીડાભીડમાં તો ન પેઠો, પણ લેપની કુંડીઓ કાંઇક નવરી પડી ત્યારે એણે પોતાના આંગળા ઝબોળવા હાથ લંબાવ્યો.
સુખડ ઘસતા માણસોમાંથી એકનું ધ્યાન જતાં એણે આ જુવાનનું કાંડું ઝાલ્યું. પૂછ્યું 'કેવાં છો ?'
જુવાનનો હાથ લબડી રહ્યો. એના આંગળા પરથી સુખડનાં લેપ-ટીપાં પાછાં કુંડીમાં ટપકી રહ્યા. ને એ નીચો વળેલો હોવાથી એના માથા પરના મોરપીચ્છનો ગુચ્છો પેલા હાથ પકડનારના કપાળ પર ઝૂલી રહ્યો.
'કેવાં છો ?' પરદેશી છો ? ક્યાંથી આવો છો ? પૂછ્યા ગાછ્યા વગર સુખડની કુંડીમાં હાથ કેમ બોળો છો ?'
'પણ ભાઈ, તમારો સવાલ શી બાબતનો છે ?' જુવાને છોભીલા પડયા છતાં હસતે હસતે કહ્યું : ' મારે આ સૌ કરે છે એમ કપાળે કરવું છે.'
'શું કરવું છે એ નામ પણ નથી આવડતું ને !' સુખડ ઘસનારે ટોંણો માર્યો : 'શુદ્ર જ હોવો જોઈએ.'
'તમે કેવા છો ?'
'અમે છીએ-દેવની સુખડ ઘસનારા છીએ છતાં ય જોતો નથી ? છે અમારે કપાળે ત્રિપુંડ ? અમેય કોળી છીએ.'
'હું ભીલ છું.'
'હાઉં ત્યારે. ત્રિપુંડ તાણવા જોગ તારૂં તાલકું નહિ ગાગા ! તારૂં નસીબ બહુ બહુ તો આ ચંદન ઘસવાનું.' એક કહીને એણે આ જુવાનનો હાથ ઝટકાવી બધું ચંદન પાછું લઇ લીધું.
રજપૂતોનું પણ એક ટોળું વળી ગયું. તેમણે વધુ પૂછપરછ કરીને વિશેષ ટોણા માર્યા;
'ભીલડાંને ય ભગવાન સોમનાથના પહેલા ખોળાના થઇ જવું છે. ભાઈ ! સૌ નીચ વર્ણો પણ ક્ષત્રિમાં ખપવું છે.'
'એ ભૂલી જાય છે કે આ સોમનાથજીને માટે લીલા માથા આપનાર વડવા તો અમારા હતા. આજ પણ દેવને ધૂપેલીઆંનાં ગામ અમારાં વડવાઓએ દીધેલ જ હાલ્યાં આવે છે.'
'વળી આવતી કાલ પણ મોકો આવશે તે દિ' અમારાં જ માથાના શ્રીફળ આંહી ચડવાના છે.'
'હાલી મળ્યા છે જુવોને હવે આ તીરકામઠાંવાળા ને ઘો તેતર મારી ખાનારા અનાર્યો.'
આ મેણાં ટોંણાની સામે જવાબ વાળવા માટે તલપાપડ થતી જીભ જુવાનના મોંમાં સમાતી નહોતી. એ બોલતો બોલતો 'મારા બાપુ -' એટલું જ ઉચ્ચારે છે ત્યાં એની માએ આવીને એના મો ઉપર હાથ મૂકી દીધા. એને બથમાં લઇ ત્યાંથી ખસેડી ગઈ. એની પાછળ શબ્દો સંભળાયા.
'તાણવું'તું ગગાને ત્રિપુંડ !'
એ શબ્દોનો જવાબ વાળવા પાછો ફરવા મથતો જુવાન માતાના હાથની ઝાકડમાંથી છૂટી ના શક્યો.
એ પછવાડે કતરાતો રહ્યો. કાળી રાતે પણ જંગલમાં ઝગારા મારનારી એ રાતીચોળ ભીલ-ચક્ષુઓ પોતાનું અપમાન કરનારાઓ તરફ ઘૂમીને પછી સામે ઊભેલા સોમનાથ-મંદિરના પડથારથી જોવું શરૂ કરી છેક ઉપર ટોચ સુધી ચાલી. પણ ટોચે એણે શુ જોયું ! એણે જોયું મોયલા ભાગના મથાળ પરનું શંકુ આકારનું શિખર તૂટેલું હતું. એ શિખરના પથ્થરો ઢગલાબંધ નીચે પડયા હતા. એ જ રીતે એણે દીઠું-ગર્ભદ્વારના સુવિશાળ ઘૂમટનું ગગન-અડકતું શંકુ-શિખર પણ જાણે કાળની સમશેરના એક ઝાટકે મસ્તક જવું ઉડી ગયેલું હતું. નીચે એ બધા ટુકડા પડયા હતા.
ભીલ-પુત્ર તાજો જ વનરાઇમાંથી આવતો હતો. ગીરમાં એણે પહાડો ખૂંદ્યા હતા. પહાડોના રૂપનો એ ચિરસંગી હતો. પહાડના શૃંગોને એણે સંધ્યાએ ને સુપ્રભાતે, સળગતા મધ્યાહ્ને ને મધરાતની રૂમઝુમ ચાંદનીમાં દીઠાં હતા. સોમૈયાજીના મંદિરના છેદાએલાં શૃંગો પ્રત્યે, એટલે જ, આ પહાડના પુત્રને પ્રેમને કરુણા પ્રકટી ઊઠયા. એ પોતાને થએલા અપમાનની લાગણીને, આ સાગર-ખોળે ઊભેલાં છપ્પન થાંભાળા મંદિરનો અપમાનિત વિરાટ દેહ દેખી ભૂલી ગયો. એણે આ મહાકાય મંદિરમાં જીવતો જાગતો ને હાજરાહજુર એજ, પ્રાણ જોયો, જે પ્રાણને એણે ગીરના ડુંગરાની ટૂંકે ટૂંકે ઘોરતો દીઠેલો.
મા એને મંદિરની પાછલી બાજુ લઇ ગઇ. પાછળની ગઢરાંગ પાસે એ તૂટેલાં બંને શિખરોના ટુકડે ટુકડા વેરાયા હતા. અને આ ટુકડાઓ પર માણસની ચામડી પર ત્રોફેલાં છૂંદણા જેવી શોભીતી શિલ્પની કારીગીરી હતી. ભીલ બાળકને માટે આ શિલ્પની બીજી ખુબીઓ તો સમજાવી સહેલ નહોતી, પણ પોતાના ને પોતાની માતાના હાથ પગના છૂંદણાં આ પથ્થરો પરની નાક્સીની સાચી સમજ પાડતાં હતાં. છૂંદણાવાળી પોતાની ભૂજાઓ સમા, આ નીચે પડેલા પાષાણો શિલાઓ પણ શું આ દેવળ એક દિવસનાં જીવતાં ધબકતાં ને રૂધિરવંતાં અંગો હશે ! આ દેરૂં તૂટેલું પડ્યું છે છતાં આ બધા રંગરાગ ને ખાનપાન કેમ ? ઘરમાં મડું પડ્યું હોય ત્યાં લાગી આપણે ઉત્સવો ક્યાં કરીએ છીએ ? ત્યારે આ બધું શુ !
'આ કોણે તોડ્યા હે મા ?' એણે માને પૂછ્યું.
'તારા બાપુ જેની સામે ખપી જવા આંહી આવેલા તે પાદશાએ.'
પહેલી જ વાર આ યુવાન પોતાના બાપના મોતનો મહિમા સમજી શક્યો. આજ સુધી એને જયારે જયારે બાપની 'સોમનાથની સખાત'ની વાતો સાંભળેલી ત્યારે બાપના શૂરાતનને એ સમજેલો, પણ હમેશાં મનમાં વિમાસણ પામેલો કે મારા આવા વીર બાપુ, એક જ રાત રહીને આવી મારી મા જેવી માને છોડી દઇ, મારા જેવા બાળકની કલ્પનાને પણ કચરી નાખી કોના સાટુ મોતના મોંમાં ઓરાવા ગયા ? આજ જ્યારે આ સાગરના સંતાન સમા દેરાના શિરચ્છેદનું એણે દર્શન કર્યું, ત્યારે પિતાનો તલસાટ એણે પોતાની અંદર અનુભવ્યો. મારા બાપુ આવા એક જીવતા જાગતા દેવની કતલ આડે ઊભા ઊભા મૂવા હશે. ને આ દેરાનાં છેદાતા અંગોમાં કેવી કાળી બળતરા હાલી હશે ! આ દેરું કેમ હજી તેદુનું માથા વગરના ધડ જેવું ઊભેલ છે ! આ દેરાના પાણકે પાણકાને હું ઠેકાણાસર ગોઠવી દઉં, એક વાર એના સમસ્ત દેહના દિદાર કરી લઉં, એક વાર એના સામે લળી લળી નમણ્યું કરું એવું થાય છે.