રાષ્ટ્રિકા/અમારી ગુજરાત
← ગુણીયલ હો ગુજરાત | રાષ્ટ્રિકા અમારી ગુજરાત અરદેશર ખબરદાર |
હો મારી ગુજરાત → |
અમારી ગુજરાત*[૧]
• રાગ પીલુ. •
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ?
અમારી ગુજરાત હો જીવનની મહોલાત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? -
પગલે પગલે જ્યાં મોતી વેરાયાં,
સ્નેહે ધૂમે માતજાયાં સજાત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૧
નવ ખંડ ગાજે ચેતન અવાજે,
લહાવો લેવો એ તો આજે ઉદાત્ત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૨
આત્માને ભોગે જોગ જમાવશું,
માને મંદિર અમ પ્રાણની બિછાત !
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૩
જઇશું જગતને ચારે ખૂણાએ,
ગુજરાત અમારી, ગુજરાતી અમ જાત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૪
તપશું એ તાપે, જપશું એ જાપે :
એ અમ 'અહંબ્રહ્મ' ગુજરાત માત !
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૫
દુનિયા ડોલાવશું, સાગર શોષાવશું :
મોંઘા અમ પ્રાણની એ મોંઘી મિરાત :
કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ? ૬
- ↑ *“નાહીંં બનશેજી પ્રીતિના મોતીનું મૂલ”, એ ચાલ.