રાષ્ટ્રિકા/એક વાર મરી ફીટો
← ધર્મને પંથે | રાષ્ટ્રિકા એક વાર મરી ફીટો અરદેશર ખબરદાર |
ગુજરાતનો યજ્ઞકુંડ → |
એક વાર મરી ફીટો
• રાગ કાફી - તાલ ત્રિતાલ [૧] •
એક વાર મરી ફીટો, ભૈયા, એક વાર મરી ફીટો !
મૃત્યુ નિચોવી મીટો, ભૈયા, એક વાર મરી ફીટો !
ભારત જેવો દેશ પૂજ્ય કો દુનિયાભરમાં દીઠો ?
ભારત માટે મરવામાં કંઈ સ્વાદ અજબ છે મીઠો !
ભૈયા,એક વાર મરી ફીટો ૧
ખદબદતા છૂંદાતા રહેશો શું કાદવના કીટો ?
ભારતનામ ગજાવી કૂદી વ્યોમે તાણો લીટો !
ભૈયા,એક વાર મરી ફીટો ૨
વસ્ત્ર સમી તમ કાય નથી કે લટકો ગ્રહી પરખીંટો :
ચેતનભર એ કાય ઝગાવો, નથી એ કો જડ વીંટો !
ભૈયા,એક વાર મરી ફીટો ૩
આત્મ રહ્યો અંતર તેને શી હોય માર ને પીટો ?
જોઈ કારમી કુરવાની તમ, લાજે અરિ પણ ધીટો !
ભૈયા,એક વાર મરી ફીટો ૪
સ્વાત્મ, સ્વદેશ, સ્વજન કાજે અહીં કોણ બને નહીં ધીટો ?
ભારતની મહેલાત ઊઠે ત્યાં અદલ બનો સૌ ઈંટો !
ભૈયા,એક વાર મરી ફીટો ૫
- ↑ તા. ૧૯-૦૮-૩૦.