રાષ્ટ્રિકા/ગરવી ગુજરાત
← રળિયામણી ગુજરાત | રાષ્ટ્રિકા ગરવી ગુજરાત અરદેશર ખબરદાર |
ગુજરાતની લીલા → |
ગરવી ગુજરાત
• ધ્વનિત •
ગરવી ગુજરાત ! અહા, મુજ જન્મભૂમિ !
વીર માત મીઠી વિરલા નર કૈકતણી !
મુજ જન્મભૂમિ ! - નિત્ય એ પ્રિય શબ્દધ્વનિ
મધુરા ભણકાર કરે મુજ ઉર ઘૂમી !
પ્રિય માત ! રીઝું તુજ પાય સદાય ચૂમી :
મુજ જીવનસાર્થક હું રહું એ જ ગણી ;
શુભ હિન્દની વાડી ! તુંમાં ભમી વેળ ઘણી
મધુરાં ફૂલડાં સૂંઘતઓ રહું રે ઝઝૂમી !
તુજ સુંદરતાનભમાં બહુ વાદળિયો
ચઢી આવી પસાર થતી બહુ વાર દીઠી ,
પણ તુજ પ્રતાપપ્રકાશ નહીં ચળિયો ,
તુજ પુણ્યપ્રભાવ જ એ, મુજ માત મીઠી !
તુજ વાડીતણાં ફૂલપાન વિષે ભળિયો
કરૂં ગાન, ન જે જગથી કદી જાય ફીટી !