રાષ્ટ્રિકા/ભારતના જવાંમર્દને

← સ્વાધીનતા રાષ્ટ્રિકા
ભારતના જવાંમર્દને
અરદેશર ખબરદાર
સ્વપ્ન →





ભારતના જવાંમર્દને


• લાવણી •


કેમ તને જીવવું ભાવે, હો જવાંમર્દ ભારતના ?
કહેની, જવાંમર્દ ભારતના !
સો સો ટુકડા થઈ રહ્યા આ જોની તારી પતના !
બાબા ! પહાડ પડે આફતના !--

ધગધગતા અંગાર ઝરે ને ઊડે રાખ ને રેતી,
જોની, ઊડે રાખ ને રેતી :
ફાટી આંખે જોઈ રહ્યો શું આ તુજ ટેકફજેતી ?
બાબા ! શું તું જોય મજેથી ? ૧

ક્રોડો દિવસ ગયા કે ડૂબ્યા, ક્રોડો આવી રાતો ;
પૂઠે ક્રોડો આવી રાતો ;
પણ આ ધરણી ધસતી ન હારે, ઉગવે નવાં પ્રભાતો :
બાબા ! હાર્યાની શી વાતો ? ૨


પડ્યા મોખરે વીર ઘવાઈ, એ તો ધન્ય વધાઈ,
આવી એ તો ધન્ય વધાઈ ;
મૂછે હાથ દઈ ઠેકીને, ઝટ પૂરી દો ખાઈ !
બાબા ! એ જ ખરી સરસાઈ ! ૩

હું-તું કરતાં કાળ વહે ને ઝાળ વધે હીણપતની,
ચહુદિશ ઝાળ વધે હીણપતની ;
પાંચાલીનાં ચીર છૂટે ત્યાં આ શી રાઢ મમતની ?
બાબા ! રાખો પત ભારતની ! ૪

કીર્તિતણાં મુડદાં પડીને શું બળશે ઘોર મશાણે ?
ધગધગ બળશે ઘોર મશાણે ?
નહિ, નહિ : ભારત જીવે તે નહિ મરવાથકી આ ટાણે !
બાબા ! જીતો ધસી ધિંગાણે ! ૫

વાણીઝઘડા તે શા વીરને ? વીરના ઝઘડા રણમાં,
સાચા વીરના ઝઘડા રણમાં !
શેરમર્દ હો તો ઊછળીને ઝૂઝો સમરાંગણમાં !
બાબા ! શું ખપશો બીકણમાં ? ૬

હિંમત, દૃઢતા, સંયમ, નિશ્ચય : એ જ વીરની જ્યોતિ :
ઝળકે એ જ વીરની જ્યોતિ :
આશ રહે ન રહે પણ વીર ન આંખ બતાવે રોતી :
બાબા ! લાખ યુક્તિ લે ગોતી ! ૭


દુનિયા એમ જ વહેતી ચાલે, હાર જીતને દાવે ;
વિધવિધ હાર જીતને દાવે ;
સહેવું ને વીર રહેવું, એ છે કેવું પ્રૌઢ પ્રભાવે !
બાબા ! વીર જ ધર્મ બજાવે ! ૮

કેમ જોઈ રહેવું ફાવે, હો જવાંમર્દ ભારતના ?
ઊઠની, જવાંમર્દ ભારતના !
દિશદિશ હાક પડી, જા ધસતો ! વીર અદલ હો સતના !
બાબા ! પ્રભુ રક્ષક તુજ પતના ! ૯