રાષ્ટ્રિકા/સૌની પહેલી ગુજરાત

← રાષ્ટ્રિકા/હો ગુજરાત ! હો ગુજરાત ! રાષ્ટ્રિકા
સૌની પહેલી ગુજરાત
અરદેશર ખબરદાર
સદાકાલ ગુજરાત →
અગ્નિશિખા છંદ[]



ગુણીયલ હો ગુજરાત


અગ્નિશિખા છંદ[]

કાળાં ઘોર ચડ્યાં જ્યાં વાદળ ઘેરી અંતર ને આકાશ,
ભર વંટોળ બધે ફૂંકાયા જાણે કરતા સર્વવિનાશ ;
ભેરી મ્રુત્યુતણી જ્યાં વાગી ,
સૌ ભય પામી જતાં જ્યાં ભાગી ,
ત્યાં આ કોણ પ્રથમ ઝૂકવવા ઊઠ્યું ત્યાગી આશનિરાશ ?
કોણે હોમાવી નિજ જાત ? --
સૌની પહેલી ગુજરાત !
સૌની પહેલી ગુજરાત !
ગુજરાત જ રે ગુજરાત !


જ્યારે ભડભડતી ભઠ્ઠીમાં બળતું નભ ધરણીની સાથ ,
જ્યારે શીશ ધડોધડ ફૂટતાં જ્યાં ત્યાં દાનવદળને હાથ ;
જ્યારે અન્ય ઊભાં મુખ ભીને ,
ત્યારે ભય સૌ ઘોળી પીને
કોણે ત્યાં નિજ આહુતિ આપી ભીડી ભીષણ આતમબાથ ,
ને દીપાવી નિજ મહોલાત ? --
સૌની પહેલી ગુજરાત !
સૌની પહેલી ગુજરાત !
ગુજરાત જ રે ગુજરાત !


દેશે યજ્ઞ જળાવ્યો દિલમાં ત્યારે લાગ્યું સર્વ સ્મશાન ,
મંદિર મેડી ભૂમિ તજીને જીવતાં સૂવું કબરસ્તાન :
એવા ત્યાગ કડક જ્યાં માગ્યા ,
ત્યારે કોના ખેડૂત જાગ્યા ?
કોણે દંગ કીધી દુનિયાને દઇ નિજ તનમનધનનાં દાન ?
એવી કોણ કરે ખેરાત ? --
સૌની પહેલી ગુજરાત !
સૌની પહેલી ગુજરાત !
ગુજરાત જ રે ગુજરાત !


કોણે વાઘતણા મુખમાં મૂક્યો નિજ હાથ નિડર ભરટેક ?
કોણે કારાગૃહ સ્વીકાર્યું હસ્તે મુખ કરતાં અહાલેક ?
કોણે સત્ય અહિંસા માટે
ઝીલ્યા ઘા જ્યાં પથ્થર ફાટે ?
કોનાં નરનારી ને બાળક ઊભાં વીર બની પ્રત્યેક ?
કોણે અસુર કીધા સૌ મહાત ? --
સૌની પહેલી ગુજરાત !
સૌની પહેલી ગુજરાત !
ગુજરાત જ રે ગુજરાત !


કાયર, ડરકણ, બીકણ, ભીરુ : હાકે ધ્રુજતાં જેનાં હાડ ;
નબળા, ઢીલા, પોચા, જડસા : સહેજે તૂટતી જેની નાડ :
એવા સૌમાં જે બોલાતા ,
એવા પુત્રતણી જે માતા ,
તેણે એ પુત્રોની સાથે કેવી પ્રથમ પડાવી ત્રાડ ?
કોણે કીધી પ્રાણબિછાત ? --
સૌની પહેલી ગુજરાત !
સૌની પહેલી ગુજરાત !
ગુજરાત જ રે ગુજરાત !



પ્યાલાં ઝેરતણાં છે પીવાં મૌન મુખે ધારી વ્રતઘોર ,
વહાલાં સ્વજન જવાં છે છોડી કરી નિજ અંતર વજ્રકઠોર :
ભારતઝંડાને જાળવવા ,
જગમાં શાંતિસુધા ઠાલવવા ,
કોણ કૂદી પડશે આગળ ધરી ભારતભાગ્યતણી કરેદોર ?
છે એ કોણ વીરોની માત ? --
સૌની પહેલી ગુજરાત !
સૌની પહેલી ગુજરાત !
ગુજરાત જ રે ગુજરાત !


વાગે ડંકા સમરાંગણમાં કરતા ચેતનના રણકાર ,
જાગે જ્વાળ પ્રલયની જ્યારે સુણતાં મુક્તિતણા ટંકાર ;
જ્યારે આતમકુંદન તાવી
જ્યોતિ ભરે ભારતનું ભાવી ;
ભરભર ભાદરવાનાં પૂર સમાં ત્યાં ધસવા તેણી વાર
ઝુકવે કોણ અદલ ભલી ભાત ? --
સૌની પહેલી ગુજરાત !
સૌની પહેલી ગુજરાત !
ગુજરાત જ રે ગુજરાત !


  1. આ છંદ નવો રચ્યો છે. ૧-૨-૫ ચરણે ૩૧ માત્રાનાં છે, અને ૧-૩-૫ એમ એકી માત્રાએ સાધારણ તાલ આવે છે, પણ એ સવૈયા જેવાં બોલાતાં નથી, કેમકે અમાં ૨૦ માત્રા પછી યતિ આવે છે, અને ૫-૧૩-૨૧ને ૨૯ માત્રાએ મહાતાલ ઠોક સાથે આવે છે, એટાલે પહેલી ૪ માત્રામાં સંધિ પછી ૮-૮ માત્રાના ૩ સંધિ ને છેલ્લો સંધિ ૩ માત્રાનો આવે છે. આથી આ છંદનો લય સવૈયા એકત્રીશાથી તદન જુદો પડે છે. ૩-૪ ચરણો ૧૬ માત્રાનાં છે, તથા ૬ઠું ચરણ ૧૫ માત્રાનું છે, ત્યા પણ તાલ-મહાતાલ એમ જ આવે છે. ૭-૮-૯ ચરણો ૧૩ માત્રાનાં છે, ત્યાં મહાતાલ ૩ જી ને ૧૧ મી માત્રાએ છે.
  2. આ છંદ નવો રચ્યો છે. ૧-૨-૫ ચરણે ૩૧ માત્રાનાં છે, અને ૧-૩-૫ એમ એકી માત્રાએ સાધારણ તાલ આવે છે, પણ એ સવૈયા જેવાં બોલાતાં નથી, કેમકે અમાં ૨૦ માત્રા પછી યતિ આવે છે, અને ૫-૧૩-૨૧ને ૨૯ માત્રાએ મહાતાલ ઠોક સાથે આવે છે, એટાલે પહેલી ૪ માત્રામાં સંધિ પછી ૮-૮ માત્રાના ૩ સંધિ ને છેલ્લો સંધિ ૩ માત્રાનો આવે છે. આથી આ છંદનો લય સવૈયા એકત્રીશાથી તદન જુદો પડે છે. ૩-૪ ચરણો ૧૬ માત્રાનાં છે, તથા ૬ઠું ચરણ ૧૫ માત્રાનું છે, ત્યા પણ તાલ-મહાતાલ એમ જ આવે છે. ૭-૮-૯ ચરણો ૧૩ માત્રાનાં છે, ત્યાં મહાતાલ ૩ જી ને ૧૧ મી માત્રાએ છે.