રાષ્ટ્રિકા/હરિપુરા મહાસભાએ
← હિંદનું ઊગતું પ્રભાત | રાષ્ટ્રિકા હરીપુરા મહાસભાએ અરદેશર ખબરદાર |
દેવીનું ખપ્પર → |
આવો રે આવો રે મોંઘાં ભારત ભાંડુડા સર્વે,
આવો રે ગુણવંતી ગુજરાતે હો જી !
કોડભર્યા ક્રોડ હૈયાં ઝંખે તમ સેવા કાજે,
આજે હૂંફ લઈશું દિલની વાતે હો જી. ૧
હરિધામ જેવી હરીપુરાની આ ઝૂંપડીએ
ભારતમાતાનું રુદિયા ધબકે હો જી :
જુગજુગના દબાયા ભાવો સિંધુશા ઊછાળા નાખે,
આંખે લાખ વીજળીઓ ઝબકે હો જી ! ૨
ગીતાના કહાનાની ભૂમિ, દયાનંદ સ્વામીની ધરણી,
દાદાની ગાંધીની ગરવી જનની હો જી :
ધન ધામ ધારા જેના પુત્રોએ વીરત્વે ત્યાગી
રાખી છે લાખેણી લાજ વતનની હો જી. ૩
ધર્મધજા માતાની આ આભે ફરી ઊડી રહી,
ક્હાનાની બંસરી ફરી બાજે હો જી :
ગામોગામના હો તમે આવો રે ગોવાળિયાઓ,
માતાના મોંઘેરા ઓચ્છવ કાજે હો જી ! ૪
નંદનવનમાં આજે પાછાં રાધાજી રમવાને આવે,
ધેનું દોહી દૂધ તાજાં પાશે હો જી;
ગોપ અને ગોપીઓના રાસ કૈં રચાશે નવા,
ક્હાનુડો નવેલી બંસી વાશે હો જી ! ૫
રામમોહને દયાનંદે સ્મરાવ્યા ભૂલેલા સૂરો,
દાદા ઉઘાડી ઢાંકી આંખો હો જી;
બેઝંટે ટિળકે મહમદઅલીએ ખોલાવ્યાં મુખો,
ગાંધીએ ઉડાવી પ્રાણપાંખો હો જી ! ૬
એક પછી એક પીધા ઝેરના કટોરા ઝાઝા,
ઝેરમાંથી અમૃત નિચોવ્યાં હો જી;
આજે તો આઝાદી કેરાં રણશિંગા ફૂંક્યાં બધે,
પ્રાણે પ્રાણે સેવાવ્રત પરોવ્યાં હો જી. ૭
વહાણેલાં વાયાં છે તોય સૂરજ નથી રે ઊગ્યા,
હજી છે દિગંતે વાદળ ઘાડાં હો જી,
પાંખે પાંખ પ્રાણે પ્રાણ મેળવી ઘસો સૌ સાથે,
વિખેરી દ્યો વાદળ પડ્યાં આડા હો જી ! ૮
સંતોએ વીરોએ તાપ તાપ્યાં છે હજારો, તોયે
હજી યે ન થયાં પ્રાછત પૂરા હો જી :
ભરો રે ભાંડુડા ! હજી ખપ્પર એ કાળકેરાં,
સતની રે કઢાએ પડો શૂરાં હો જી ! ૯