← ભરત સમાજની ભક્તિ રાષ્ટ્રિકા
હિન્દનો વિજયડંકો
અરદેશર ખબરદાર
હિંદનું ઊગતું પ્રભાત →





હિન્દનો વિજયડંકો


• ગઝલ[]

વિજયડંકા કરો આજે, મળ્યા બહુ હિન્દના જાયા !
મળ્યા સહુ હિન્દના જાયા, શૂરા ! ઝળકાવજો કાયા ! – વિજય.

મુસલમિન, પારસી, હિન્દુ, વળી શિખ ખ્રિસ્તિ ઈન્દુ :
મળી સૌ એક આત્માએ દીપાવો હિન્દ હરખાયા ! – વિજય.

તજો નિજ સ્વાર્થ આઘો, સજો પરમાર્થનો વાઘો;
થઇ લીન દેશભક્તિમાં રહો રસ એહ લપટાયા ! – વિજય.

બીજી જેના સમી નહોતી, બની તે આજ ક્યમ રોતી ?
નથી શુ માતૃપ્રેમી અહી શૂરા, વિદ્વાન, મુનિ, રાયા ? – વિજય.

“અમારી એ, અમારી એ, અમારી જ માત એ, “ વદિયે!
“અમે જીવતા છતાં શું એ રડે ?” – સમરિયે જ અકળાયા ! – વિજય.


ધરો ઉત્સાહ હે આર્યો ! કરો અદ્‌ભૂત સબળ કાર્યો !
કહો શું કાયરા બળહીન તમે જગમાં ન કહેવાયા ? — વિજય.

બનો સહુ એક રહી સંપે, પછી શું નહિ જગત કંપે ?
વિદારી હિન્દનાં દુ:ખો રહો સુખસંગ રંગાયા ! — વિજય.

ફરજ એ આપણી આજે, વિના તે પુત્ર શા કાજે ?
ખુદા, અલ્લા, હરિ સ્મરીને કરો દૃઢ હિન્દના પાયા ! — વિજય.

ઊઠો ત્યારે સહૂ ગાવો ! ઉદયજયરંગ ઉડાવો !
અદલ પ્રિય હિન્દમાતાને વધવો રે સપુત ડાહ્યા ! — વિજય.


  1. ઈ.સ. ૧૯૦૨. આગલા કાવ્યની નીચેની નોંધ જોવી.