← સુમનવાડી રાસચંદ્રિકા
આમંત્રણ
અરદેશર ખબરદાર
સંદેશ →
.ઓધવજી, સંદેશો કહેજો શ્યામને.




આમંત્રણ

♦ અઓધવજી, સંદેશો કહેજો શ્યામને. ♦


આવો, વહાલાં, આજ અમારે આંગણે !
છે આનંદભર્યા આ અમ આવાસ જો -
અમ ઊજળા ઉરઆવાસ જો;
આત્મૌજાસ પૂર્યા અંતરમણિમંડપે,
સુંદર સ્નેહસુમન વેર્યાં ચ્પાસ જો :
આવો, વહાલાં, આજ અમારે આંગણે ૧

ગૂઢ અલૈકિક ઊડતી કો દેવી તણાં
ઝડપી લીધેલાં મોંઘાં અમ ગાન જો -
અમ અધૂરાં મધુરાં ગાન જો :
સ્વર તેના ઝીલવાને રસિયાં ! આવજો,
દેજો તાલ શૂબી ઊંડી રસતાન જો !
આવો, વહાલાં, આજ અમારે આંગણે ૨


શોભાવ્યા ઇંદ્રે નિજ દ્વારકમાનમાં
ઝળગળતા ઊંડા ઘેરા બહુ રંગ જો -
નવનવલા કંઇ રસરંગ જો :
એ રંગે કંઇ ચીતર્યાં છે અમ બારણાં,
જોતાં મોહ્ય જગત એ જ્યોતિ સંગ જો :
આવો, વહાલાં, આજ અમારે આંગણે ૩

કોમળ કમળ સરિખડાં અમ ઉરબારણાં;
સંભાળે કંઇ રત્ન અલૌકિક માંહ્ય જો -
કંઇ રત્ન અમોલાં માંહ્ય જો :
ધીરાં રે ધીરાં, વહાલાં, ઉઘાડજો !
સૂક્ષ્મ પ્રભા સહેજે વેરાઈ જાય જો :
આવો, વહાલાં, આજ અમારે આંગણે ૪

આવો આવો તો કંઇ કંઇ નવલું આપશું;
અંતરમાં પૂરીશું અમ અમીધાર જો -
અમ સ્નેહઝરણ અમીધાર જો :
નભ ફેડી સુરવનમાં પાર ઉડાવશું :
આવો આવો, પ્રિય અમ કુંજાગાર જો !
આવો, વહાલાં, આજ અમારે આંગણે !
આવો, વહાલાં, રમ્ય અમારે આંગણે ૫