રાસચંદ્રિકા/આવજો, જોગીડા !
← નવચેતન | રાસચંદ્રિકા આવજો, જોગીડા ! અરદેશર ખબરદાર |
ત્રિકાલ → |
આવજો, જોગીડા !
♦ હીંચ : પાલવડો મારો મેલો, મોહનજી. ♦
ડુંગરે ડુંગરે દેવોની દેરડી,
સીમડે સીમડે દેવોની વાટ ;
વગડે વગડે દેવોના ડાયરા,
નદીએ નદીએ દેવોના ઘાટ :
આવજો જોગીડા ! ૧
લૂમખે ઝૂમખે લહેરે છે આંબલા,
લૂંબડે લૂંબડે ઝૂલે છે મૉર ;
ટહુકી ટહુકી કોયલ હલકારતી,
આભને આંગણે છાયા બપોર :
આવજો જોગીડા ! ૨
ઢૂંઢતાં ઢૂંઢતાં વિલાતી આંખડી,
હીંડતાં હીંડતાં વધતી દિગંત ;
આભલે આભલે ઝબૂકતી વીજળી :
આભલે ઊડતાં આવે ક્યાં અંત ?
આવજો જોગીડા ! ૩
ડુંગરે ડુંગરે ખાડાને ટીંબલા,
સીમડે સીમડે બળતી મસાણ ;
વગડે વગડે ધગધગતા વાયરા :
આવજો, જોગીડા ! દઈએ એંધાણ :
આવજો જોગીડા ! ૪
પગલે પગલે દેવોની વાટડી,
નયને નયને દેવોનાં હાસ,
આતમે આતમે દેવોના ગોખલા,
હૈડી હૈડે દેવોના વાસ !
આવજો જોગીડા ! ૫