← ઉષાનું ગાન રાસચંદ્રિકા
ઉષા ને સંધ્યા
અરદેશર ખબરદાર
અમૃતપુરીની દેવીઓ →





ઉષા ને સંધ્યા

♦ ગરબી*[]. ♦


સખી ! પ્રાચીમાં આભને દ્વાર, ઉષાના ઓળા પડે,
સખી ! પશ્ચિમના પડદાની પાર, કે સંધ્યાના સોણાં જડે;
સખી ! કમળને પાંદડે દૂર, ઉષાના ઓળા પડે,
સખી ! કુમુદને ઉર નવનૂર, કે સંધ્યાનાં સોણાં જડે. ૧

સખી ! ઊડે નયનને ગોખ, ઉષાના ઓળા પડે,
સખી ! ઝળતે હૃદયને ચોક, કે સંધ્યાનાં સોણાં જડે.
સખી ! ગુલોશા ખીલતે કપોલ, ઉષાના ઓળા પડે,
સખી ! પાનીને પદ્મે અમોલ, કે સંધ્યાનાં સોણાં જડે. ૨

સખી ! અધરકટોરીન એપાળ, ઉષાના ઓળાપડે,
સખી ! કૂંળી અંગુલિઓને ડાળ, કે સંધ્યાનાં સોણાં જડે :
સખી ! ડાંખળીશા ઝૂલતે હાથ, ઉષાના ઓળા પડે,
સખી ! પગલીમાં કુંકુમની સાથ, કે સંધ્યાનાં સોણાં જડે. ૩

સખી ! અંગઅંગમાં કંઈ ઑર, ઉષાના ઓળા પડે,
સખી ! મૉર્યા કંઇ નવર્સ મૉર, કે સંધ્યાનાં સોણાં જડે;
સખી ! ઊઘડેલ અંતરને દ્વાર, ઉષાના ઓળા પડે,
સખી ! આત્માના પડદાની પાર, કે સંધ્યાનાં સોણાં જડે. ૪


  1. ** આ ગરબી નવી છે. "પાણીડાં કેમ ભરીએ ?" એ દયારામની ગરબીના ઢાળમાં પણ ગાઈ શકાશે.