← ફૂલવાડીનો મોરલો રાસચંદ્રિકા
કોયલ બહેનાં
અરદેશર ખબરદાર
લજામણીની વેલી →




કોયલ બહેનાં

♦ ગરબી*[]


મીઠી કોયલડી મધુ બોલ રે મારી કોયલ બહેનાં,
તારા કિલકિલિયા કલ્લોલ રે મારી કોયલ બહેનાં;
તારા અંતરમાં આનંદ રે મારી કોયલ બહેનાં,
તારા ઉરચલકતા છંદ રે મારી કોયલ બહેનાં. ૧

ઝીણા ઝીણા ઊડેનભ મેઘ રે મારી કોયલ બહેનાં,
તેવા તારી પાંખોના વેગ રે મારી કોયલ બહેનાં;
મીઠી ઘંટડી વાગે દૂર રે મારી કોયલ બહેનાં,
તેવા લાગે સરતા તુજ સૂર રે મારી કોયલ બહેનાં ! ૨

ઘન પાછળ જેમ છ્પાઈ રે, મારી કોયલ બહેનાં.,
રેડે ચંદા અમી સુખદાઈ રે મારી કોયલ બહેનાં;
લીલે પાંદડે જેમ ઢંકાઈ રે, મારી કોયલ બહેનાં,
પ્રસરાવે પરિમલ જાઈ રે, મારી કોયલ બહેનાં;— ૩


ભૂરે પહાડ ઉષા સંતાઈ રે, મારી કોયલ બહેનાં,
ઝીણું તેજ વેરે મહીંમાંહીં રે મારી કોયલ બહેનાં; -
એવી તારી સરે સૂરધાર રે મારી કોયલ બહેનાં,
ઘડી થોભી ઝીલુંટહુકાર રે મારી કોયલ બહેનાં ! ૪

મીઠો આવડો તે શો શોર રે મારી કોયલ બહેનાં ?
ચમકાવે હૈયાં અમ ઘોર રે મારી કોયલ બહેનાં.
ઊડતી ઊડતી દૂર જાય રે મારી કોયલ બહેનાં,
ખરતા તારાશા સૂર ટપકાય રે મારી કોયલ બહેનાં ! ૫

શીળી ચાંદનીમાં મદીનીર રે મારી કોયલ બહેનાં,
લહરી ઉભરાવે તીર રે મારી કોયલ બહેનાં,
તેમાં સરે રૂપેરી અાન રે મારી કોયલ બહેનાં,
તેવી ઉર સરે તુજ વાણ રે મારી કોયલ બહેનાં ! ૬

તુંને પૂછું એઅહીં એક વાત રે મારી કોયલ બહેનાં,
તારી રંગીલી પંખીજાત રે મારી કોયલ બહેનાં :
તારો હર્ષ વહે શો અખંડ રે મારી કોયલ બહેનાં,
કેમ દુઃખદ માનવપંડ રે મારી કોયલ બહેનાં ? ૭

તારું સ્વર્ગ રેલાવતું ગાન રે, મારી કોયલ બહેનાં,
કેમ શોક વસે અમ તાન રે મારી કોયલ બહેનાં ?
અમ હાસ્ય પૂઠે દુઃખછાંય રે મારી કોયલ બહેનાં,
તું તો નિત્ય હસી હસી ગાય રે મારી કોયલ બહેનાં ! ૮


તારા સરલ સુહૃદ ટહુકાર રે, મારી કોયલ બહેનાં,
અમ હૈયે શેં મદ-અંધાર રે મારી કોયલ બહેનાં ?
ભૂતભાવિ ભરે જન ચંચ રે મારી કોયલ બહેનાં,
પણ શાંતિ ન પામે રંચ રે મારી કોયલ બહેનાં ! ૯

દેશે તુજ ઉરનો ઉલ્લાસ કે, મારી કોયલ બહેનાં?
કહેશે ક્યાં અમ છે સુખવાસ કે મારી કોયલ બહેનાં ?
ઉર ભર તુજ સ્નેહ અમોલ રે મારી કોયલ બહેનાં !
મીઠી કોયલડી ! મધુ બોલ રે મારી કોયલ બહેનાં ! ૧૦

  1. ** * આ ગરબી નવી છે. એની ચાલ "અંજનીના જાયા હનુમાન રે" એના કંઈક છે, પણ તેથી જરા જુદી પડે છે.