રાસચંદ્રિકા/ગુર્જરી રાસે ઘૂમે રે
← દિવ્ય દેશનાં પંખીડાં | રાસચંદ્રિકા ગુર્જરી રાસે ઘૂમે રે અરદેશર ખબરદાર |
વિશ્વદેવીનું ગાન → |
ગુર્જરી રાસે ઘૂમે રે
♦ આશાભર્યાં તે અમે આવીયાં ♦
ઘૂમે ગગન, ઘૂમે આંગણાં,
ને ઘૂમે દિશા દિશાના ગોખ રે :
ગુર્જરી રાસે ઘૂમે રે.
ઘૂમે નક્ષત્રોની તારલી,
ને ઘૂમે ચૌદે ભૂવનનાં લોક રે !
ગુર્જરી રાસે ઘૂમે રે. ૧
બોલે જ્યાં બ્રહ્મ નવબોલડા,
ત્યાં આ ડોલે બ્રહ્માંડના હિંડોલ રે;
ગુર્જરી રાસે ઘૂમે રે.
રેલે હલક એના રાસની,
ત્યાંતો બ્રહ્મ અને બ્રહ્માંડ લે હિલોલ રે;
ગુર્જરી રાસે ઘૂમે રે. ૨
ઊડતા કલ્લોલબોલ એહના
વીંધે ઊંચેરી આભની નોક રે ;
ગુર્જરી રાસે ઘૂમે રે.
દિશ દિશ વેરાય દેવફૂલડાં,
તેવા ઊતરે ફરી તે ઉરચોક રે !
ગુર્જરી રાસે ઘૂમે રે. ૩
નમણૂં ઝૂલે ધનુ મેઘનું,
એવી નમણી ઝૂલે અંગવેલ રે;
ગુર્જરી રાસે ઘૂમે રે.
મૉરી કળાએ કરડાળીઓ
એની હીંચે વસંતે લચેલ રે;
ગુર્જરી રાસે ઘૂમે રે. ૪
પાલવની કોર સંકોરતાં
એનાં કંકણના થાય ખખડાટ રે;
ગુર્જરી રાસે ઘૂમે રે.
આંખે રસાંજન આંજતી
રાખે પાવન એ રસના ઘાટ રે;
ગુર્જરી રાસે ઘૂમે રે. ૫
ધરણી ધમકતી પાયથી,
જાણે ખેલે રણે રણવીર રે;
ગુર્જરી રાસે ઘૂમે રે.
પડતા પ્રચંડ પડછંદ ત્યાં,
જેવાં ધમકે સાગરનાં નીર રે.
ગુર્જરી રાસે ઘૂમે રે. ૬
તાળીએ તાળીએ સાધતી
એના આત્માની ઊંડી લહેર રે;
ગુર્જરી રાસે ઘૂમે રે.
ઝબકે ચમકતી વીજળી,
એવી ફરતી ઘૂમે ચોમેર રે;
ગુર્જરી રાસે ઘૂમે રે. ૭
છલકે છટા એના રાસની,
ત્યાં તો મળતાં ત્રિવેણીનાં મૂલ રે;
ગુર્જરી રાસે ઘૂમે રે.
રાસે ઘૂમે જ્યારે ગુર્જરી,
ત્યારે દુનિયા બને બધી ડૂલ રે !
ગુર્જરી રાસે ઘૂમે રે. ૮
આવો, જુઓ, રસ જોગવો :
ક્યાંથી મળશે એ લાખેણા લહાવ રે ?
ગુર્જરી રાસે ઘૂમે રે.
ભર્યું જગત અદ્દલ ઘૂમતાં,
નહીં પામો એ ભાવના જમાવ રે !
ગુર્જરી અમ્મર ઘૂમે રે. ૯