← બંસરી રાસચંદ્રિકા
ગોવાળિયો
અરદેશર ખબરદાર
ગોપિકા →
હું રે ગોવાલણ રે ગોકુળ ગામની




ગોવાળિયો

♦ હું રે ગોવાલણ રે ગોકુળ ગામની. ♦


આવો ગોવાળિયા રે મારે આંગણિયે !
આંગણ અજવાળતા આવો !
ગોવાળિયા રે મારે આંગણિયે ! -

તમારે પાવલે રે રજકણ સર્જનની:
મારે તે ચોકમાં જડાવો !
ગોવાળિયા રે મારે આંગણિયે ! ૧

તમારાં વાછરૂ રે સોના રૂપાતણાં :
આભની ગભાણે ગંઠાવો!
ગોવાળિયા રે મારે આંગણિયે ! ૨

તમારી ગાવડી રે દેવોની પૂતળી:
મધુવનવ્યોમે વળાવો!
ગોવાળિયા રે મારે આંગણિયે ! ૩


તમારો વાઘજી રે ભાનુ ઉતાપિયો:
સોનાખીલે તે બંધાવો !
ગોવાળિયા રે મારે આંગણિયે ! ૪

સુધાને દૂધલે રે જગને ઝંખાવતી
ચંદ્રશિંગી કામધેનુ લાવો !
ગોવાળિયા રે મારે આંગણિયે ! ૫

કેસરિયા વાઘા રે રેલાતા રંગમાં:
મારી અટારી ઝબકાવો !
ગોવાળિયા રે મારે આંગણિયે ! ૬

અંતરની બારીએ રે ફોરાવું ફૂલડાં:
સૂનાં મંદિરિયાં જગાવો !
ગોવાળિયા રે મારે આંગણિયે ! ૭

મારી યે ધેનુઓ રે લાખેણા ભાવભરી :
લીલી આ કુંજે ચરાવો !
ગોવાળિયા રે મારે આંગણિયે ! ૮

ગેડી દડૂલીઆ રે રમો મારાં રત્નથી:
સુરનદીતીરનો શો દાવો?
ગોવાળિયા રે મારે આંગણિયે ! ૯

તમારી વેણુનાં રે વીંધ વીંધ વેધતાં:
વીંધવા આતમ મારો આવો !
ગોવાળિયા રે મારે આંગણિયે ! ૧૦