રાસચંદ્રિકા/ચાંદની
← તારકડી | રાસચંદ્રિકા ચાંદની અરદેશર ખબરદાર |
રૂપેરી ચાંદની → |
ચાંદની
♦ વનમાં બોલે ઝીણા મોર. ♦
આભલે થાળીભર છલકાય
કે ઊજળી ચાંદની રે લોલ,
હૈડાં ઊજળેરાં ઉભરાય,
કે લ્યો લ્યો ચાંદની રે લોલ ! -
આભલે ચંબેલીના વેલા
કે ફૂલડે લચી રહ્યા રે લોલ,
ફૂલે ફૂલે કિરણના રેલા
કે જગને સીંચી રહ્યા રે લોલ. ૧
આભલે દૂધે સીંચ્યો ખીલ્યો
કે એક બટમોગરો રે લોલ :
એની પાંખડીએ છે ઝીલ્યો
રે સુરભૂમિનો ઝરો રે લોલ ! ૨
ઝીલો ઝીલો એ અમીની ધારા
કે સુર લોકથી સરે રે લોલ !
ઊજળી આંખોના અણસારા
કે ઊજળાં હૈયાં કરે લોલ ! ૩
ઝીલે મોગરાને અંબેલી
કે ખીલવે પાંખડી રે લોલ !
ઝીલે ગુલછડી કો અલબેલી,
કે કુમુદની આંખડી રે લોલ. ૪
ઝીલે વાદળી, સરિતા, સિંધુ,
કે હંસ ને મોરલા રે લોલ;
ઝીલી ચાંદનીપૂર્યાં બિંદુ,
કે મોતીડાં ધરે કલા રે લોલ ! ૫
આવો, આવો સૌ ઝીલનારાં !
કે ઝીલતાં કાળપ જશે રે લોલ;
ઊજળાં હાસ્ય એ વિધિનાં ન્યારાં
કે ઊજળે હૈયે વસે રે લોલ ! ૬
રસ રસ ચાંદની રે રેલાય
કે પરમ પ્રસાદની રે લોલ :
અમૃત ઊજળેરાં ઉભરાય :
કે લ્યો લ્યો ચાંદની રે લોલ ! ૭