રાસચંદ્રિકા/દૂરના સૂર
← રસગાથા | રાસચંદ્રિકા દૂરના સૂર અરદેશર ખબરદાર |
નાચ → |
દૂરના સૂર
♦ કામણ દીસે છે અલબેલા તારી આંખમાં રે. ♦
સખિ, જો ! દૂરથી દૂરથી સંભળાય સ્વરો મુજ શ્યામના રે :
તે મુજ કામના રે.—
સંધ્યા સ્નેહભરી જો આવી,
નવનવલા રંગો કંઇ લાવી,
સંદેશા મુજને કહેતી સુખધામના રે :
તે મુજ કામના રે. ૧
શ્યામ રૂડો અમીદેશ સુહાવે,
મીઠલડી નિજ બંસી બજાવે;
સ્વર તેના ઝીલે જન ઠામે ઠામના રે :
તે મુજ કામના રે. ૨
એ સ્વરની લગની લાગી,
ભવની ભારી ભાવટ ભાંગી,
ગીતડાં ગાઉં એ વહાલા ગુણગ્રામનાં રે :
તે મુજ કામના રે. ૩
તારક્દીપજડ્યા આવાસે
શ્યામતણા એ સૂર પ્રકાશે :
ક્યારે હું એ સમજું મમ તમામના રે ?
તે મુજ કામના રે. ૪
માનવના મંદિરમાં સરતા,
ડગલે ડગલે રસરસ ભરતા,
રેલંતા એ સૂર મધુર સુરધામના રે :
તે મુજ કામના રે. ૫
સખિ ! ઉરમાં એ સૂર ઉતારું,
હૈયું ધબધબ ધબકે મારું,
રાગ રચું નવલા વહાલાના નામના રે :
તે મુજ કામના રે. ૬
સખિ ! સંધ્યા જો, રંગ મચાવી,
એ સ્વરમાં નિજ ઉર સમાવી,
જોવા ચાલી દીવા દિવ્ય મુકામના રે :
તે મુજ કામના રે. ૭
એ સંધ્યા સંગે હું જાઉં,
શ્યામુરે રસપૂર સમાઉં :
વહાલે સૂર સદા ઝીલું વિશ્રામના રે !
તે મુજ કામના રે. ૮