← વિશ્વદેવીનું ગાન રાસચંદ્રિકા
નંદનવનનો મોરલો
અરદેશર ખબરદાર
તલાવડી દૂધે ભરી રે →
. લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો .




નંદનવનનો મોરલો

♦ લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો. ♦


નંદનવનનો રે કે મોરલો નંદનવનનો :
મોહનજનનો રે કે મોરલો નંદનવનનો. -

પુષ્પે પુષ્પે પાંદડે નાચે જેવી વસંત,
નાચે નટવર મોરલો એવો નંદનવનમાં અનંત :
મોરલો નંદનવનનો. ૧

નીલો એનો કંઠ છે સ્વર્ગલીલાની ભોમ;
જગત બધું ઝબકારતા એની આંખોના સૂર્ય ને સોમ :
મોરલો નંદનવનનો. ૨

થનગન એના નાચનું છે સૌંદર્ય અમાપ;
વિશ્વ અનંત સમાવતો એનો ઊઘડે પિચ્છકલાપ :
મોરલો નંદનવનનો. ૩


પિચ્છે પિચ્છે તારકો પ્રગટે વિશ્વવિવેક;
અણગણ અકલિત સૃષ્ટિની મહીં ઝબકે આંખ અનેક :
મોરલો નંદનવનનો. ૪

થનગન નાચે મોરલો, ઉર આનંદ અપાર;
પણ નિજ પદ નિરખે ત્યહાં વહેતી આંખે તો આંસુની ધાર !
મોરલો નંદનવનનો. ૫

ઠુક ઠુક, પ્રિય મોરલા ! એ જ પરમ આનંદ :
નીચું નિરખી રોવું શ ? સદા ઉર્ધ્વનયન સુખકંદ :
મોરલો નંદનવનનો. ૬

નાચી લે, પ્રિય મોરલા ! તુજ મોહનજન પાસ :
પ્રિયજન દીધું સૌ ભલું : એક સ્નેહે જ અદ્દલ ઉલ્લસ :
મોરલો નંદનવનનો ! ૭