← હાલીગોરી રાસચંદ્રિકા
પારણું
અરદેશર ખબરદાર
ઝૂલણું →




પારણું

♦ ગરબી*[]


નીંદરડી આવીને મારા બાગમાં પેઠી;
નીંદરડી તું તો છે ફૂલ-ચોર :
હાં રે પોઢે મારો કનૈયો. ૧

નીંદરડી આવીને મારા વાસમાં પેઠી;
નીંદરડી તું તો છે તેજ -ચોર :
હાં રે પોઢે મારો કનૈયો. ૨

નીંદરડી ! તો કનૈઆની આંખમાં પેઠી;
નીંદરડી ! તું તો છે કીકી-ચોર
હાં રે પોઢે મારો કનૈયો. ૩

નીંદરડી ! કનિયાને તું લોલજે બેઠી !
કનૈયો તું જેવો દૂધ-ચોર :
હાં રે પોઢે મારો કનૈયો. ૪

નીંદરડી ! તું કનૈયાને રહેજે રે ભેટી !
કનૈયો છે પૂરો હૈયા-ચોર :
હાં રે પોઢે મારો કનૈયો. ૫

નીંદરડી ! કનૈયો મારા પ્રાણની પેટી:
જાળવજે મારે એ અમૃત-ચોર !
હાં રે પોઢે મારો કનૈયો. ૬


  1. *આ ગરબી નવી રચી છે.