← દીપિકા રાસચંદ્રિકા
પૂજન
અરદેશર ખબરદાર
રસગાથા →
. અલબેલી રે અંબે માત, જોવાને જઇએ.




પૂજન

♦ અલબેલી રે અંબે માત, જોવાને જઇએ. ♦


જયજય હો જગની માત ! પૂજીએ પ્રાણ ભરી :
કીધું સકળ જગત રળિયાત : પૂજીએ પ્રાણ ભરી. —

પળપળ પૂજીએ, કલકલ કૂજીએ, ગરબે ઝૂઝીએ સર્વ રે;
મા ! તુજ શરણે મંગલ સ્મરણે, સફળ બને આ પર્વ :
પૂજીએ પ્રાણ ભરી.

તુજ નંદન-આંગણિયે તો, મા ! પર્વ સદા ઉજવાય રે;
ઘૂમતી તારલિયોની આંખે તારાં તેજ પુરાય :
પૂજીએ પ્રાણ ભરી.


મા તુજ ગરબો ભરતો આભે ચેતનના અંબાર રે;
અમ ગરબામાં પણ આજે, મા ! પૂરજે તુજ ઝબકાર !
પૂજીએ પ્રાણ ભરી .

રસના રાસ રમી તુજ ચોકે, જગત ખીલે ચોમેર રે :
એ રસમાં રસમય બનતાં સહુ ઝીલીએ, મા તુજ મહેર !
પૂજીએ પ્રાણ ભરી.

વિરાટ તુજ પગલીપગલીએ અદ્દલ ઝરે તુજ ઓજ રે :
તુજ આંગણ અમ પગલી પણ, મા ! ઠમકી રહો એમ રોજ !
પૂજીએ પ્રાણ ભરી.

જયજય હો જગની માત  ! પૂજીએ પ્રાણ ભરી :
બની ભક્તિરસે રળિયાત, પૂજીએ પ્રાણ ભરી.