રાસચંદ્રિકા/પ્રાણનાં લહેણાં

← ફૂલડાંની છાબ રાસચંદ્રિકા
પ્રાણનાં લહેણાં
અરદેશર ખબરદાર
વહાલની વેણું →
અમરવાડીમાં ડંકો વાગે છે




પ્રાણનાં લહેણાં

♦ અમરવાડીમાં ડંકો વાગે છે . ♦


કોઈ લટકે ને મટકે આવે છે,
મારા પ્રાણનાં લહેણાં લાવે છે:
કોઈ લટકે ને મટકે આવે છે. ૧

મારું આપ્યું તો એણે છે રાખ્યું,
મારાભાગ્યનું જોણું છે ઝાંખ્યું :
કોઈ લટકે ને મટકે આવે છે. ૨

મારો આત્મા વિલાયો ને તરસ્યો,
મારું તન શોધ્યું ને ઘન વરસ્યો:
કોઈ લટકે ને મટકે આવે છે. ૩

મારાં લીધાં છે હીરા ને મોતી,
ભરી તેમાં છે અણમૂલ કો જ્યોતિ:
કોઈ લટકે ને મટકે આવે છે. ૪


મારાં ભાગ્યનાં કુંકુમ છે લીધાં,
તેનાં અજબ ઉદય ને અસ્ત કીધાં:
કોઈ લટકે ને મટકે આવે છે. ૫

મારાં ચૂંટ્યા સોહાગ ચંદ્ર ચૉડ્યા,
મારા પ્રારબ્ધના લેખ તારલે જોડ્યા:
કોઈ લટકે ને મટકે આવે છે. ૬

મારાં ઉડાવ્યાં સોણલાં વાદળિયે,
ફેમ્કી જીવનની રેખ કાળને તાળિયે:
કોઈ લટકે ને મટકે આવે છે. ૭

તોય ઝરે છે અમી એની આંખોમાં,
ભર્યા સર્જનના સાજ એની પાંખોમાં:
કોઈ લટકે ને મટકે આવે છે. ૮

જુઓ, જુઓ, કોઈ જોગી આવે છે,
જન્મો જન્મનાં લહેણાં લાવે છે:
કોઈ લટકે ને મટકે આવે છે. ૯