રાસચંદ્રિકા/ફૂલડાં
← સ્નેહીને | રાસચંદ્રિકા ફૂલડાં અરદેશર ખબરદાર |
દિવ્ય રથ → |
ફૂલડાં
♦ ગરબી [૧] ♦
મારે માંડવડે પધારો, મહારાજ,
ફૂલડાં વીણિયે રે લોલ !
મારે આંગણિયે પધારો, રસરાજ,
ફૂલડાં વીણિયે રે લોલ !—
માંડવડે વેરાઇને, પડ્યાં અમોલાં ફૂલ;
સુરવન સમો પ્રસારતાં મધુર સુવાસ અતૂલ:
કંચનછાબ ધરો, છબીલા મારા રાજ,
ફૂલડાં વીણિયે રે લોલ !
ફૂલડાં તોરણિયાં, રસીલા મારા રાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ! - મારે૦ ૧
આંગણિયે અનુપમ પડે પરમ તાતનાં તેજ;
રૂડલાં ફૂલડાંમાં ભરે સુંદર શોભા એ જ:
હસતાં લોચનિયાં લોભાવો, રંગરાજ,
ફૂલડાં વીણિયે રે લોલ :
મારાં આંગણિયાં શોભાવો, રંગરાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ! - મારે૦ ૨
શીતળ સૌમ્ય સુધા સમી માંડવડાની છાય;
આંગણિયાં અજવાળવા, દોરો પાવન પાય:
પગલાંને રસિયાં ખેલાવો, રૂડા રાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ;
પગલે કુંગનિયાં રેલાવો, રૂડા રાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ! - મારે૦ ૩
મોંઘેરી મીઠડી સરે રમતીલી શીળી લહેર;
અમીકરમાં કર લઈ ગૂંથો ઉરઉરમણિની સેર !
હૈયાં ઉજળિયાં દીપાવો, ઉરરાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ;
મારાં આંગણિયાં ઝબકાવો, ઉરરાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ! -
મારે માંડવડે પધારો, મહારાજ,
ફૂલડાં વીણિયે રે લોલ ! - મારે૦ ૪
- ↑ આ ગરબી નવી રચી છે. એના ઓઓર કંઇક આ પ્રમાને છે:
સા-સા-ની (ખ)-સા-રિ-ગ- રિ-મ-ગ-મ-રિ || સા-રિ-ગ-મ-ગ-રિ-સા-ગ-રિ-સા-સા
આમાં ની ખરજ છે તથા ગ બધા કોમળ છે, બીજા બધા શુદ્ધ સ્વર છે.
'રાજ' અને "વીનીયે" એ બંનેમાંના 'રા' અને 'વી' લુપ્ત સ્વર છે