← રક્ષાબંધન રાસચંદ્રિકા
બાપુજી
અરદેશર ખબરદાર
બંસરી →
મારી માને કહેજો તે આણાં મોકલે રે




બાપુજી

♦ મારી માને કહેજો તે આણાં મોકલે રે. ♦


ગાજે સિંધુ ગંભીર ઘેરાં ગીતડે રે,
ગાજે ઊંડો ઊંડો ઘૂઘવાટ:
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે.
મોજાં ઊછળે ઊંચે ને પાછાં ઊતરે રે
એવા ઊતરે ચઢે ઉકળાટ:
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે. ૧

એને બોલે બોલે બોધ ઊતરે રે,
જેવા વરસે શીળા વરસાદ:
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે.
ઊગી ઝૂલી રહે બાળઉર લીલુડાં રે,
બધું જીવન બને આબાદ:
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે. ૨


એના ઉર પર તરે ઝાઝાં નાવડાં રે,
સદા વહી રહે સંસારનો ભાર;
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે.
ઊંચે ખભે બેસાડીને આનંદમાં રે
એ તો સૌને ઉતારે તરીપાર:
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે. ૩

એનાં નેનથી હજાર હેત નીતરે રે,
પૂરે નવસેં નદીઓનાં નૂર:
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે.
એનાં દૂધથી યે નીર મોંઘા દેખિયે રે,
ભરી દે સૌ ભાવે ભરપૂર:
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે. ૪

એને હૈયે છે મોતી મોંઘા મૂલ્યનાં રે,
જાણે દીપે કો દેવ કેરા દેશ:
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે.
એને અંતર છે અમૃતના ધોધવા રે,
એને દીથે ટળ દિલક્લેશ:
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે. ૫


એ તો આપે આપે ને રીઝે રીઝવી રે,
એનું કીધું ન કોઈથી કરાય:
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે.
વહાલે બાઅરે બતાવી ધીમે વાંકને રે,
પેટે દાબી બધું એ ભૂલી જાય !
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે. ૬

એ છે સિંધુ કે વડલો કુળવાસનો રે,
એની છાંયે સમાન કુળસેન:
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે.
એનું દિલડું ના કો પણ દુભાવશો રે,
પાય પૂજજો એના દિનરેન !
ગાજે મોંઘા બાપુજીના બોલડા રે. ૭