રાસચંદ્રિકા/બાળશો ના
← મોતીના છોડ | રાસચંદ્રિકા બાળશો ના અરદેશર ખબરદાર |
દુઃખની દેવી → |
બાળશો ના
♦ ક્યા માગું રે મેં ક્યા માંગું. ♦
બાળશો ના, કોઈ બાળશો ના,
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! -
ઊંડા જ્વાળામુખી કંઇ પડ્યા છે જૂના,
ઊના ઊના કરી ઊકાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૧
તપી તપી ઉચાટે આવ્યાં જળઘાટે,
વાટે વાટે ફરી ઉછાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૨
દિલમાંના દૈત્યો જે સૂતા દિલ ફોલી,
ખોળી ખોળી તેને પંપાળશો ના !
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૩
દુઃખના તે પહાડમાંથી ગંગા ઉતારી,
વારી વારીને પાછી વાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૪
જ્યોતિ જ્યોતિમાં બાળી કુંદનની કાયા,
માયા માયા કહી આડું ભાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૫
ભૂત ભિડાયાં પાછળ, ઊઘડે મહાભાવિ,
આવી આવી તે શમણાં ખાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૬
ભસ્મે ઢાંક્યા અંગારા જીવનના મૂકી,
ફૂંકી ફૂંકી તેને પ્રજાળશો ના :
જગતઝાળમાં બળ્યાંને વધુ બળશો ના ! ૭