← વંદન રાસચંદ્રિકા
ભરતીનાં નીર
અરદેશર ખબરદાર
વિસર્જન →




ભરતીનાં નીર

♦ રોક્યો પનઘટ રસિયા રાજ હો. પાણીડાં કેમ ભરીએ ? ♦


આજે આવ્યાં શાં ભરતીનાં નીર હો,
વહાલીડાં, દિલદરિયે ?
એની ઊડે શી છાકમછોળ,
વહાલીડાં, દિલદરિયે !
ઝીણી ઝીણી લહર જ્યાં લહેરતી,
વહાલીડાં, દિલદરિયે,
ક્યાંથી આવ્યા ત્યાં ભરવંટોળ,
વહાલીડાં, દિલદરિયે ?

ચંદ્ર ઊગે ઊગે ને આથમે,
વહાલીડાં, દિલદરિયે ;
એને વચ્ચે વાદળની વાડ,
વહાલીડાં, દિલદરિયે ;
એવાં આવ્યાં શાં અમી અજવાળિયાં,
વહાલીડાં, દિલદરિયે,
આજે ઊપડે આ ઊર્મિના પહાડ,
વહાલીડાં, દિલદરિયે ?


પામ્યો સેવાનાં ભાગ્ય અધૂરકાં,
વહાલીડાં, દિલદરિયે ;
એને ઊંડા અબોલ વિધિડંખ,
વહાલીડાં, દિલદરિયે ;
આજે તોય ઉછાળો શાં છાંટણાં,
વહાલીડાં, દિલદરિયે,
વીચિ વીચિ ઝુલાવો એના અંક,
વહાલીડાં, દિલદરિયે ?

મીઠા મધુરસ અરપું આત્મના,
વહાલીડાં, દિલદરિયે ;
વધું ઘટું, તોય સિંધુનો ચંદ,
વહાલીડાં, દિલદરિયે ;
ભરું ભરું ને કુંભ મુજ ઠાલવું,
વહાલીડાં, દિલદરિયે ;
એ જ અદ્દલ જીવનઆનંદ,
વહાલીડાં, દિલદરિયે !