← સવારમાં જળ ભરવા રાસચંદ્રિકા
વસંતના ભણકા
અરદેશર ખબરદાર
ફૂલડાંની છાબ →
પાલવડો મારો મેલો, મોહનજી




વસંતના ભણકા

♦ પાલવડો મારો મેલો, મોહનજી. ♦


થનગન વનમાં નાચે વસંત હો !
હૈયાની કુંજ મારી હૂલે-ઝૂલે;
ઊંડેરી એક તહીં બોલે કોયલડી,
ડોલે વસંત ત્યાં ફૂલે-ફૂલે.
થનગન વનમાં. ૧

ઉજળા આકાશમાં ઉઘડે વસંત હો !
દિન દિન રંગ કંઈ નવલા ઝરે;
રંગે રંગે મારી ચમકે આંખલડી,
ઠમકે વસંત એ ધરણી પરે.
થનગન વનમાં. ૧


રસ રસ કરતી રેલે વસંત હો !
તરસી જગત અમીબિંદુ ઝીલે;
હૈયે મારે ધારા કૂટે મીઠલડી;
લૂંટે વસંતડી, છલકે -ખીલે.
થનગન વનમાં. 3

ઝાડીના ઝુંડમાં હીંચે વસંત હો !
પાને પાને કાળી મીંચાઈ હસે;
ઘેલી ઘેલી મારી અલગે વાતલડી,
જાગે વસંતડી નસે નસે.
થનગન વનમાં. ૪

લીલા લલિત નવી લાવે વસંત હો !
ઘેરાંઘેરાં મારામ્ નયણાં ફરે,
હૈયે નવલ મ્હેકે મ્હેકે રસિકડી,
લ્હેકે વસંતડી શમણે સરે.
થનગન વનમાં. ૫

ઝીણું ઝીણું કંઈ ગુંજે વસંત હો !
ઊંડા ઊંડા ઉર ભણકા ઢળે;
આઘે આઘે સખિ! વાજે વસંતડી,
આજે વસંતડી એ શું છળે?
થનગન વનમાં. ૬