રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/નર્મદા
← અક્કાદેવી | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો નર્મદા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
મદાલસા → |
१०७-नर्मदा
પ્રસિદ્ધ ભોજરાજાના સમયમાં ધારાનગરીમાં એક સુશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ સદા ઈશ્વરભક્તિમાં લીન રહેતો હતો. પરોપકારને માટે તેનું મન સમુદ્રની પેઠે ઉછાળા મારતું હતું; પરંતુ એની પાસે પોતાની ઈચ્છા પૂર્ણ કરવા જેટલું ધન નહિ હોવાથી મનના તરંગો મનમાં જ સમાવવા પડતા, છતાં પણ પોતાની શક્તિ મુજબ પુણ્ચદાન કરવાનું એ ચૂકતો નહિ. વિધાતાએ સદ્ભાગ્યે એક ઘણી સુશીલ અને દયાળુ સ્ત્રી સાથે તેનું પાનું પાડ્યું હતું. તેની સ્ત્રીનું નામ નર્મદા હતું. નર્મદા ઘણી પતિવ્રતા હતી. એ કદી પરપુરુષનું મોં જોતી નહિ. પરપુરુષને તો એ પ્રચંડ અગ્નિ સમાન ગણતી, કે જેની પાસે જવાથીજ શરીરમાં બળતરા ઉત્પન્ન થાય છે, તો તેને સ્પર્શ કરવાની તો વાત જ શી? નર્મદા હંમેશાં પતિના ઉઠતાં પહેલાં ઊઠી સ્નાન કરતી તથા સ્વચ્છ વસ્ત્ર પહેરીને ગીતાનો પાઠ તથા ભગવદ્ભજન કરતી. પતિના ઉઠ્યા પછી એ તેને ગરમ પાણીથી સ્નાન કરાવતી, તેનાં વસ્ત્ર ધોઈને સ્વચ્છ કરતી, તેના પૂજાપાઠ તથા અગ્નિ હોમની સામગ્રી તૈયાર કરતી; અને બીજી સર્વ રીતે તનમનધનથી પતિની સેવામાં તત્પર રહેતી. સુશર્મા કોઈ દિવસ કોઈની પાસે યાચના કરવા જતો નહોતો. દક્ષિણા લેવી એ તેને ઝેરના કરતાં પણ વધારે કડવું લાગતું હતું; એટલા માટે વગર માગ્યેજ જે કાંઈ ઘેર બેઠે મળી જતું તેટલા ઉપર સંતોષ માનીને પતિપત્ની આનંદમાં ગુજરાન ચલાવતાં હતાં.
ભોજરાજા ઘણો દાની, ગુણી તથા ધાર્મિક હતો. તેણે પોતાના આખા રાજ્યમાં કોઈને મૂર્ખ અને અભણ રહેવા નહોતો દીધો. દાન અને વિદ્યાદ્વારા તેણે પ્રજાને સુપંડિત અને અવાચક બનાવી દીધી હતી. એક દિવસ તેણે કવિ કાલીદાસને મોંએ પંડિત સુશર્માની પત્ની નર્મદાના સતીત્વ અને પવિત્રત્યની પ્રશંસા સાંભળી. સતી નર્મદાના સતીત્વની પરીક્ષા કરવાના ઇરાદાથી રાજા ભોજે દ્રવ્ય આપીને લલચાવવા સારૂ પંડિત સુશર્માને બોલાવ્યો. સુશર્મા જે વખતે રાજા ભોજ પાસે જવા લાગ્યો, તે વખતે નર્મદાએ તેને હાથ જોડીને કહ્યું: “મહારાજ ! રાજા ભોજ મોટા દાની છે. એ કદાચ તમને દ્રવ્ય આપવા માંડે તો તમે લેશો નહિ; કારણકે દાન લેવાથી આપના તપમાં ભંગ પડી જશે. ભૂખે મરી જવાય તો ભલે, પણ દાન લેવું એ તે ગેરવાજબી છે.”
સુશર્મા પણ નિર્લોભી હતો. એ રાજાની સભામાં જઈને ઊભો રહ્યો એટલે રાજાએ તેનો ઘણો આદરસત્કાર કર્યો તથા વિધિપૂર્વક તેનું પૂજન કરીને ચરણોદક પીધું. પછીથી હજારો મહોરો મંગાવીને બ્રાહ્મણને અર્પણ કરી. બ્રાહ્મણે સંતુષ્ટ થઈ રાજાને આશીર્વાદ આપ્યો તથા વિનયપૂર્વક કહ્યું: “પૃથ્વીનાથ ! આજે આપની બ્રાહ્મણો ઉપરની ભક્તિત જોઈને હું પ્રસન્ન થયો છું. ઇશ્વર આપને ચિરંજીવ કરે એજ મારો ખરો અંતઃકરણનો આશીર્વાદ છે; પરંતુ આ ધનની મારે કાંઈ પણ જરૂર નથી. ધન તો રાજાઓની પાસેજ શોભે છે. હું એક દીન–દરિદ્ર બ્રાહ્મણ છું. અમારે માટે તો તપ એજ અખૂટ ધન છે અને એ તપદ્વારાજ અમારૂં પાલન થાય છે. મારે લાયક કંઈ કામકાજ હોય તો ફરમાવો.”
એટલું કહીને બ્રાહ્મણ સુશર્મા ત્યાંથી ચાલ્યો ગયો. આ પ્રયત્નમાં સફળ નહિ થવાથી ભોજરાજાએ બીજી યુક્તિ રચી. જે વખતે બ્રાહ્મણ સુશર્મા દેવમંદિરમાં દર્શન કરવા ગયો હતો તે વખતે સાધુનો વેશ ધારણ કરીને રાજા એને ઘેર પહોંચ્યો અને બારણા આગળ ઊભો રહી ‘भवति भिक्षां देहि’ની બૂમ પાડી. નર્મદા કદી કોઈ પરપુરુષ સાથે બોલતી નહોતી, પણ સાધુસંત ઉપર તેની પૂર્ણ ભક્તિ હતી, વળી અતિથિ–અભ્યાગતનો સત્કાર કરવો એ આર્ય લલનાઓનું પ્રથમ કર્તવ્ય છે, એ વાત નર્મદા સારી પેઠે જાણતી હતી, એટલે સાધુનો અવાજ સાંભળીને એ તુરત મૂઠી આટો લઈને બહાર આવી; પરંતુ સાધુરૂપ ભોજરાજાને તો એની પરીક્ષા કરવી હતી, એટલે તેણે લોટ લેવાની ના કહી અને ભોજન કરવાની ઇચ્છા પ્રગટ કરી. જો કે એ વખતે ઘરમાં ધણીધણિયાણી બેને ખાવા જેટલું જ ધાન્ય હતું, તોપણ સતી નર્મદાએ પોતાના ભાગનું ધાન્ય રાંધીને સાધુને હાથપગ ધોવરાવીને આસન પર બેસાડ્યા તથા થાળીમાં રસોઈ પીરસીને ભોજન કરવાની વિનતિ કરી, પરંતુ સાધુને કાંઈ ભોજન થોડું જ કરવું હતું. તેને તો જોવું હતું કે નર્મદામાં કેટલું પાણી છે. તેણે કહ્યું: “મીઠી વસ્તુ વગર અતિથિનો પૂરો સત્કાર નથી થતો.” સાધુનાં આ વચન સાંભળીને નર્મદાને ઘણો ખેદ થયો; કારણકે એ વખતે સાધુને ખવરાવવા જેવો કંઈ પણ મીઠો પદાર્થ ઘરમાં નહતો, તેમજ ઘરમાં પૈસા પણ નહોતા. તેણે પતિના ભાગના ચોખા બજારમાં વેચવા મોકલ્યા હતા એ પૈસામાંથી પડોશણ પાસે ખાંડ મંગાવીને સાધુને પીરસી, સાધુવેશધારી ભોજરાજા નર્મદાની સાધુભક્તિ અને સત્યનિષ્ઠા જોઈન ઘણો પ્રસન્ન થઈ ગયો. મનમાં ને મનમાં એ નર્મદાની ઘણી પ્રશંસા કરવા લાગ્યો. એણે પોતાનાં રાજચિહ્નો છુપાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ ચતુર નર્મદા તેના મોં ઉપરના તેજથી કળી ગઈ કે આ ભોજરાજા છે. તેથી તેણે કહ્યું: “નૃપતિ ભોજરાજ ! આપ ઘણા પુણ્યવાન અને બુદ્ધિના ભંડારરૂપ છો. આપ પરસ્ત્રીને માતારૂપ ગણો છો, માટે મારી પરીક્ષા લેવા આપે આ ઉપાય ગ્રહણ કર્યો, એ વ્યાજબી નથી કર્યું'.”
સતીનાં આવાં મૃદુ વચનો સાંભળીને સાધુવેશધારી ભોજરાજ ગદ્ગદ્ થઈ ગયો અને નર્મદાની પ્રદક્ષિણા કરીને નમ્રતાપૂર્વક હાથ જોડીને બોલ્યો “માતા ! મને ક્ષમા કરો. મેં તમારો માટે અપરાધ કર્યો છે. હવે દયા લાવીને મને ક્ષમા કરો અને મને આપનો સેવક સમજો.”
નર્મદાએ શાંત ભાવે ઉત્તર આપ્યો “આપ ભય ન પામશો. હું જાણું છું કે આપ કપટ કરીને મારું શિયળ ભંગ કરવાની ઈચ્છાથી અત્રે નહોતા આવ્યા. તમારો ઉદ્દેશ મારા પતિવ્રત્યની પરીક્ષા લેવાનો હતો. એટલા સારૂજ હું તમને આજે માફી આપું છું; પણ ફરીથી કોઈ દિવસ એ પ્રમાણે સતીને છળવાનો યત્ન ન કરશો. તમારે ખાતરી રાખવી કે તમે કોઈ પણ ઉપાયથી મારૂં શિયળ ભંગ કરવામાં સમર્થ ન થાત; કારણકે પતિવ્રતા સ્ત્રીનું સત્ તોડાવવાની શક્તિ સંસારમાં કોઈનામાં પણ નથી. હું કોઈ પરપુરુષ સાથે વાતચીત નથી કરતી, પણ આપને સાધુ સમજીને આટલો વાર્તાલાપ કર્યો છે; તેથી મારા પાતિવ્રત્યમાં કોઈ પણ ન્યૂનતા આવી શકે એમ નથી. પતિવ્રતા સ્ત્રીઓના ચાર પ્રકાર છે–ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અને અધમ, જે સ્ત્રીનો એવો નિશ્ચય હોય છે કે, પોતાના પતિ વગર દુનિયામાં કોઈ પુરુષજ નથી; તે ઉત્તમ પ્રકારની પતિવ્રતા છે. એ તો એમજ સમજે છે કે મારા પતિ વગર બધા નપુંસક છે. મધ્યમ શ્રેણીની પતિવ્રતા પરપુરુષને ભાઈ, પિતા અને પુત્ર સમાન ગણે છે. જે સ્ત્રીઓ પોતાના કુળની આબરૂ સાચવવા ખાતર, ધર્મથી બીને શિયળ સાચવી રાખે છે, તે નિકૃષ્ટ પતિવ્રતા છે અને જે લાગ નહિ મળવાના સબબથીજ શિયળ સાચવી શકી છે, તે અધમ પતિવ્રતા છે. હું પરાયા પછી પતિ સિવાય બીજા બધા પુરુષને નપુંસક ગણતી આવી છું. આજ દિન સુધી મેં પ્રાણનાથ સિવાય બીજા કોઈ પુરુષ સાથે વાત નથી કરી. આજ પતિ ઘર નહિ હોવાથી અતિથિ ગણીને અને અતિથિને ભિક્ષા આપ્યા વગર ખાલી હાથે પાછા મોકલવા એ શાસ્ત્રવિરુદ્ધ હોવાથી આપની સાથે વાતચીત કરી છે. મારી પૂર્ણ ખાતરી છે કે પતિદેવ મારા ઉપર આ અપરાધને માટે કદી અપ્રસન્ન નહિ થાય.”
સતી નર્મદાનો ઉપદેશ સાંભળીને ભોજરાજા ઘણોજ પ્રસન્ન થયો અને તેના શુદ્ધ પતિપ્રેમ તથા સતીત્વની અત્યંત પ્રશંસા કરીને, તને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી મહેલ ભણી રવાના થયો.
જ્યારે બ્રાહ્મણ સુશર્મા દેવદર્શન કરીને ઘેર આવ્યો ત્યારે સતી નર્મદાએ ધ્રૂજતે શરીરે હાથ જોડીને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો તથા પરપુરુષની સાથે વાર્તાલાપ કરવા માટે ક્ષમા માગી.
બ્રાહ્મણે ભોજરાજાના સદ્ગુણોનો વિચાર કરી પોતાની ગેરહાજરીમાં તેનો સત્કાર કરવા માટે નર્મદાની ઘણી પ્રશંસા કરી.