રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/પુષ્પાવતી

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
પુષ્પાવતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
લલ્લાવદી →




९४–पुष्पावती

રમણી વલ્લભીપુરના યશસ્વી રાજા શીલાદિત્યની ધર્મપત્ની હતી. શીલાદિત્ય ઇ. સ. (ગુપ્ત અથવા વલ્લભી)ના છઠ્ઠા સૈકામાં રાજ્ય કરતો હતો. તે વલ્લભીપુરના પહેલા રાજા વિજયસેનનો પુત્ર હતો. શીલાદિત્ય ઘણો વીર અને બુદ્ધિમાન રાજા હતો. તેનો પ્રધાન દેશદ્રોહી અને સ્વામીદ્રોહી નીવડીને મુસલમાનોને તેના રાજ્ય ઉપર ચડાઈ કરવા બોલાવી લાવ્યો હતો. શીલાદિત્યે મુસલમાનો સાથે ઘણી જ બહાદુરીથી યુદ્ધ કર્યું હતું. એ વખતે શીલાદિત્ય રાજાની રાણી પુષ્પાવતી સગર્ભા હતી. રાણીને અંબા ભવાનીનાં દર્શન કરવાની ઈચ્છા થવાથી તેણે તેને આરાસુર પર્વત ઉપર મોકલી આપી હતી. તે આરાસુર પહોંચી ત્યાર પછી દેવગતિથી શીલાદિત્યનો પરાજય થયો અને વલ્લભીપુરનું સમૃદ્ધિવાન નગર ખેદાનમેદાન થઈ ગયું. પુષ્પાવતી રાણી પાછી આવી ત્યારે તેને પતિના મૃત્યુના સમાચાર મળ્યા. તેના શોકનો પાર રહ્યો નહિ, તરતજ પતિની સાથે સતી થવાનું તેનાથી બની શકે એમ નહોતું; કારણ કે વલ્લભી વંશનું નામ જાળવી રાખનાર બાળક તેના ગર્ભમાં હતું. દેવીએ તેને આશીર્વાદ આપ્યો હતો કે, “તારે પેટે એક પુત્રને જન્મશે.” જન્મતા પહેલાંજ પુત્રને પિતાનું અને રાજ્યનું સુખ ખોવું પડ્યું. આથી તેનું હૃદય ઘણું વ્યાકુળ થવા લાગ્યું; પરંતુ એ સમય શોક કરીને બેસી રહેવાનો નહોતો. ગર્ભનું રક્ષણ કરવાનો તથા સહીસલામત રીતે સુવાવડ થઈ શકે એવું સ્થાન શોધી કાઢવાની તેની ફરજ હતી. એ ત્યાંથી નાસીને પર્વતની ગુફામાં ગઈ. આ વખતે વડનગરની એક નાગર બ્રાહ્મણી કમળાવતીએ તેને ઘણી સારી મદદ આપી હતી. યથાસમયે પુષ્પાવતીએ પુત્રરત્નને જન્મ આપ્યો. ગુફામાં જન્મ પામ્યો એટલા સારૂ તેનું નામ ગુહો (પ્રાકૃતમાં ગુફાને ગુહા કહે છે) પાડ્યું. એ ગુહોને તેણે પોતાની બહેનપણી કમળાવતીને સુપરત કર્યો હતો અને કહ્યું હતું કે, “બહેન ! હું તો હવે પતિદેવ સાથે સ્વર્ગલોકમાં વિલાસ કરવા સારૂ અગ્નિમાં દેહસમર્પણ કરીશ. જે ઉદ્દેશને સારૂં હું જીવી હતી તે ઉદ્દેશ અંબાભવાનીની કૃપાથી ફળીભૂત થયો. આ સંસારમાં મારૂં સગુંવહાલું કોઈ નથી. જેમાં ગણું તેમાં તું જ છે. તારા ઉપર મારો પૂર્ણ વિશ્વાસ છે. તું ભણેલીગણેલી અને સમજુ છે. ગુહોને તને યોગ્ય લાગે એવા પ્રકારનું શિક્ષણ આપજે અને એ મોટો થાય ત્યારે કોઈ રજપૂત કન્યા સાથે પરણાવજે.” આ પ્રમાણે કહી ચિતા સળગાવીને એ રાણી સતી થઈ ગઈ. નાગરાણીને હાથે શિક્ષણ મેળવીને ગુહો ઘણો રાજનીતિનિપુણ અને પરાક્રમી નીવડ્યો. એ ગુહોજ હિંદુઓના સૂર્યરૂપ મનાતા, ઉદેપુરના બહાદુર અને ટેકીલા મહારાણાઓના વંશનો આદિ પૂર્વજ હતો. તે પાછળથી ગોહો, ગ્રહાદિત્ય, ઘેલોટી અને બાપારાવળના નામથી ઈતિહાસમાં પ્રસિદ્ધ થયો.