રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/મણયલ્લદેવી
← જસમા ઓડણ | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો મણયલ્લદેવી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
લાહિની → |
११९–मयणल्लदेवी
પૃવીના કોઈ પણ દેશમાં ઉત્પન્ન થયેલા મહાન પુરુષોનાં ચરિત્રો વાંચતાં જણાઈ આવે છે કે તેમનામાં ઘણા પુરુષોના ભાવી જીવનની મહત્તા, બાલ્યાવસ્થામાં તેમની માતાઓએ પ્રેરેલા સારા સંસ્કારને આભારી હોય છે. જગન્નિયંતાએ નિર્માણ કરેલી માનવસૃષ્ટિની અધિષ્ઠાતા દેવી માતાજ છે. સુશીલ અને શિક્ષિત સ્ત્રીને જ્યારે રાજ્યમાતા થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે, ત્યારે તેના શિક્ષણ અને સદુપદેશનો લાભ કેવળ તેના સંતાનને જ નહિ પણ આખા દેશને મળે છે. દક્ષિણના ઇતિહાસથી પરિચિત પ્રત્યેક મનુષ્ય જાણે છે કે, છત્રપતિ શિવાજી મહારાજનું મહત્ત્વ કોને આભારી હતું ? નિઃસંદેહ તેમની સુશીલ માતા જીજાબાઈનેજ, અંગ્રેજીમાં એક કહેવત છેઃ “જે સ્ત્રી બાળકના પારણાને હીંચકા નાખે છે તે સ્ત્રી દુનિયા ઉપર રાજ કરે છે.” એ કહેવતનો મર્મ યથાર્થ છે.
આજ અમે જે પ્રસિદ્ધ રાજમાતાનો પરિચય આપવા માગીએ છીએ, તે સન્નારી ગરવી ગુજરાતનું રત્ન હતું. એ પ્રસિદ્ધ મહારાજા સિદ્ધરાજ જયસિંહની માતા હતી.
ઈ. સ. ૧૦૭૨ માં આપણા ગુજરાતમાં કર્ણ નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા કર્ણ સોલંકીવંશનો હતો. પ્રજાના પાલન અને સંરક્ષણ ઉપર તેણે સારૂં ધ્યાન આપ્યું હતું. ભીલ અને કોળીઓ તેની પ્રજાને જે ત્રાસ દેતા હતા તેમાંથી તેમને મુક્ત કરવાને કર્ણે યથાશક્તિ પ્રયાસ કર્યો હતો. તેણે અનેક દેવસ્થાનો તથા જલાશયો બંધાવ્યાં હતાં.
મયણલ્લદેવી દક્ષિણના રાજા જયકેશીની પુત્રી હતી. તેણે પોતાના મનપસંદ વરને વરવાને સંકલ્પ કર્યો હતે. એ સંકલ્પની સિદ્ધિ સારૂ તેણે દેશદેશાંતરના રાજાઓની છબીઓ એકઠી કરી હતી. એ સર્વ રાજાઓની છબીઓમાંથી ગુજરાતના રાજા કર્ણની છબી તેને ઘણી પસંદ પડી ગઈ. રાજા કર્ણનું રૂપ જોઈને કુમારી મયણલ્લદેવી મુગ્ધ થઈ ગઈ અને પરણું તો રાજા કર્ણને જ પરણું એવો સંકલ્પ કર્યો. કોઈની પણ સંમતિ લીધા વગર રાજા કર્ણને એ પોતાનું હૃદય સમર્પણ કરી ચૂકી; પરંતુ હવે પોતાનો મનોભાવ કર્ણને કેવી રીતે પહોંચાડવો ? મયણલ્લદેવી ઘણી ચતુર કન્યા હતી. તેણે એક સુંદર યુક્તિ શોધી કાઢી. તેણે પોતાના એક દૂતને ચિત્રકારના વેશમાં રાજા કર્ણની પાસે મોકલ્યો, એ ચિત્રકાર લાંબો પ્રવાસ કરીને રાજા કર્ણના દરબારમાં જઈ પહાંચ્યો અને વિવેકપુરઃસર રાજાને નમન કરીને બોલ્યો : “મહારાજાધિરાજ ! આપની કીર્તિ ચારે દિશામાં વ્યાપી ગઈ છે. આપની પ્રશંસા પ્રત્યેક મનુષ્યને મોંએ સાંભળ્યામાં આવે છે. આપના દર્શનની અભિલાષા હજારો મનુષ્યો રાખે છે. આ દીન દાસના મનમાં પણ શ્રીમાનનાં દર્શન કરીને કૃતાર્થ થવાની તીવ્ર ઉત્કંઠા હતી. આજે એ ઉત્કંઠા સફળ થઈ તેને માટે પ્રભુનો ઉપકાર માનું છું” એમ કહીને એ ચતુર ચિતારાએ રાજાની સન્મુખ એક સુંદર ચિત્ર મૂક્યું. એ ચિત્રમાં એક રાજાના મોં આગળ લક્ષ્મીને નાચતી ચીતરી હતી અને તેની એક બાજુએ એક કુમારિકાનું ચિત્ર કાઢ્યું હતું. તે સૌંદર્યમાં લક્ષ્મી કરતાં પણ ચડે એવું હતું. રાજાએ એ કુમારિકાના સૌંદર્યની ઘણી પ્રશંસા કરીને પૂછ્યું કે, “એ સુંદરી કયી જાતિની છે અને અને કોની કન્યા છે ?” ચિત્રકારે ઉત્તર આપ્યો “મહારાજ ! એ રાજા જયકેશીની પુત્રી છે. દક્ષિણમાં ચંદ્રપુરી નામના નગરમાં જયકેશી રાજા રાજ્ય કરે છે. તેમની આ કન્યાનું નામ મયણલ્લદેવી છે. તે પૂર્ણ યૌવનને પ્રાપ્ત થઈ છે. રાજાએ તેને વિદ્યા અને સદ્ગુણોથી વિભૂષિત કરવામાં જરા પણ ન્યૂનતા રાખી નથી. અનેક રાજાઓ અને રાજકુમારો તેને વરવાની ઈચ્છા રાખે છે, પણ એ કોઈનું માગું સ્વીકારતી નથી. સગાંસંબંધીઓ તેને કોઈ યોગ્ય વર સાથે લગ્ન કરવાને ઉપદેશ આપ્યા કરે છે પણ એ કોઈનું કહ્યું માનતી નથી અને કહે છે કે, ‘મને સર્વ પ્રકારે પસંદ આવે એવા સુંદર, સુશિક્ષિત અને પરાક્રમી પુરુષ સાથે હું લગ્ન કરીશ.’ હમણાં થોડાક દિવસ ઉપ૨ ચંદ્રપુરમાં મારા જેવો કોઈ ચિત્રકાર આવ્યો હતો; તેની પાસે આપ શ્રીમાનની છબી જઈને એ મુગ્ધ થઈ ગઈ છે અને કહેવા લાગી છે કે, ‘હું તો આ કર્ણરાજાનેજ પરણીશ.’ એ ચિત્ર જોતાંવારજ એ તો પ્રેમઘેલી થઈ ગઈ છે. એને ખાવા પીવાનું ભાન રહ્યું નથી, રાતદિવસ તમારૂં જ ધ્યાન ધરી રહી છે અને તમારી સાથે લગ્ન કરાવી આપવા ઈષ્ટદેવનું ધ્યાન ધરે છે. તેણે રાજા જયકેશીની પણ આ વિષયમાં સંમતિ મેળવી છે અને આપનો પોતાનો અંતરનો અભિલાષ જાણવા સારૂં મને અહીં મોકલ્યો છે. મહારાજ ! તમે અમારી રાજકુમારીની વિનતિ માન્ય રાખીને તેના પ્રેમાળ હૃદયને તૃપ્ત કરો.” રાજાએ ચિત્રકારની વિનતિ સ્વીકારી.
મયણલ્લદેવી પ્રસન્નચિત્તે અણહિલપુર આવી અને ત્યાં આગળ કર્ણ૨ાજા સાથે તેનાં યથાવિધિ લગ્ન થયાં; પરંતુ લગ્ન થયા પછી રાજા કર્ણે મયણલ્લદેવીને તૃપ્ત કરી નહિ. એમ કહેવાય છે કે મયણલ્લદેવીના સૌંદર્યની જેવી કલ્પના રાજાએ કરી હતી, તેવું સૌંદર્ય તેનું નીકળ્યું નહિ. અણહિલપુર આવ્યા પછી રાજાએ તેના પર લવલેશ પણ પ્રેમ બતાવ્યો નહિ. એક પણ દિવસ તેના તરફ પ્રેમથી દૃષ્ટિ કરી નહિ. મયણલ્લદેવીને બીજા અનેક પ્રકારનાં સુખ હતાં. ખાવાપીવાનું તથા રત્નાલંકારનું કાંઈ દુઃખ નહોતું; પરંતુ સ્ત્રીને આખી પૃથ્વીનું સામ્રાજ્ય મળે અને પતિના શુદ્ધ અંતઃકરણનો પ્રેમ ન મળે તો એ સામ્રાજ્ય પણ શા કામનું ? તેને મનથી આ સંસાર સૂનો થઈ ગયો હતો. ઘણી વખત તેને વિચાર આવતો કે આત્મઘાત કરીને આ હત્ભાગી જીવનનો અંત આણું; પરંતુ તેની સાસુએ તથા રાજ્યના વૃદ્ધ અમાત્યોએ સમજાવીને એવું સાહસ કરતાં અટકાવી રાખી.
એક દિવસ નમુંજલા નામની એક સુંદર નટી ઉપર રાજા કર્ણની દૃષ્ટિ પડી. તેના સૌંદર્યથી પ્રસન્ન થઈને રાજા તેના ઉપર આશક થઈ ગયો. તેણે એ નટડીને પોતાની પાસે બોલાવી લાવવાનો મંત્રીને હુકમ આપ્યો. આવો સરસ લાગ જોઈને મંત્રીએ રાણી મયણલ્લદેવીને નટીનો વેશ પહેરાવીને તથા નટીના જેવાં નાચનખરાં શીખવીને રાત્રીને સમયે રાજાના શયનગૃહમાં મોકલી. રાજા કર્ણે મયણલદેવીને નટી ધારીને તેની સાથે પ્રેમપૂર્વક ભોગવિલાસ કરીને કામની તૃપ્તિ કરી. રાણી મયણલ્લદેવી ઘણીજ ચતુર સ્ત્રી હતી. રખે આજની રાત્રીના સહવાસથી પોતાને ગર્ભ રહે અને રાજા તેના ઉપર વ્યભિચારનું મિથ્યા આળ ચોંટાડે; એવી આશંકાથી તેણે વિદાય થતી વખતે રાજા કર્ણની પાસેથી સ્મૃતિચિહ્ન તરીકે રાજાની આંગળી ઉપરની મુદ્રિકા માગી લીધી. પ્રેમપાશમાં બંધાયેલા રાજા કર્ણે પ્રસન્નતાપૂર્વક એ મુદ્રિકા મયણલ્લદેવીની સુકુમાર અંગુલી પર પહેરાવી દીધી.
રાજા કર્ણ ગમે એટલો તોય સુશીલ મનુષ્ય હતો. કામનો ક્ષણિક આવેશ શમી ગયા પછી તેને પોતાના કૃત્ય માટે ઘણો પશ્ચાત્તાપ થવા લાગ્યો અને એ વ્યભિચારના પાપનું કઠણ પ્રાયશ્ચિત્ત કરવાનો તેણે સંકલ્પ કર્યો. તેણે તપાવેલી સાત પૂતળીઓનો સ્પર્શ કરીને એ ઘોર પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનો નિર્ણય કર્યો. કર્ણ રાજાના પ્રધાન સાન્તૂ મહેતાને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેણે કહ્યું કે, “મહારાજ ! આપ જરા પણ શોક કરશો નહિ. વ્યભિચાર દોષથી આપ બિલકુલ મુક્ત છો. આપને મેં ઠગ્યા છે. આપે જે સ્ત્રી સાથે એ રાતે વિલાસ કર્યો હતો તે સ્ત્રી નમુંજલા નટી નહોતી, એ તો મહારાણી મયણલ્લદેવી હતાં.” રાજાને એકદમ એ વાત ઉપર વિશ્વાસ બેઠો નહિ, પરંતુ રાણીએ જ્યારે એ રાત્રીનો બધો વૃત્તાંત સવિસ્તાર કહી સંભળાવ્યો તથા રાજાએ નિશાની તરીકે આપેલી મુદ્રિકા બતાવી ત્યારે રાજા પ્રસન્ન થયો અને એ દિવસથી પ્રેમપૂર્વક રાણી મયણલ્લદેવી સાથે અંતઃપુરમાં રહેવા લાગ્યો.
રાણી મયણલ્લદેવી થોડા સમયમાં સગર્ભા થઈ અને ઝીંઝુવાડા નગરમાં તેણે સિદ્ધરાજ જયસિંહને જન્મ આપ્યો.
સિદ્ધરાજ બાળવયનો હતો એવામાં, ઈ. સ. ૧૦૯૪ માં રાજા કર્ણનો સ્વર્ગવાસ થયો. રાજા કર્ણના મૃત્યુ પછી ગુજરાતની રાજગાદી સંબંધી ઘણી તકરારો ઊભી થઈ હતી, પણ આખરે સિદ્ધરાજ રાજ્યસિંહાસન ઉપર બેસવા ભાગ્યશાળી થયો. સિદ્ધરાજ નાનો હતો એવામાં થોડા સમય સુધી રાજ્યની લગામ કર્ણના મામા મદનપાળના હાથમાં રહી, પણ મહામાત્ય સાન્તૂ મહેતાએ મદનપાળને મારી નખાવ્યા. ત્યાર પછી અણહિલપુરના રાજ્યની બધી સત્તા મયણલ્લદેવીના હાથમાં આવી. રાણી મયણલ્લદેવીએ રાજ્યનો પ્રબંધ ઘણી સારી રીતે કરવા માંડ્યો. યોગ્ય પ્રધાનોને મુખ્ય મુખ્ય કામ ઉપર નીમી દીધા અને પોતે રાજ્ય ઉપર સાધારણ રીતે દેખરેખ રાખવા લાગી. કુમાર સિંદ્ધરાજની કેળવણીનું કામ પણ તેણે પોતાના હાથમાં લીધુ. સિદ્ધરાજને તે કોઈ દિવસ ખરાબ છોકરાઓ કે ખુશામતિયા નોકરો સાથે ફરવા દીધો નહિ. સિદ્ધરાજ તેનો એક માત્ર પુત્ર હતો, તેના જીવનનો એક માત્ર આધાર હતો, તેની આંખોનો મણિ હતો; છતાં પણ રાણી મયણલ્લદેવીએ તેને કોઈ દિવસ ખોટાં લાડ લડાવ્યાં નહોતાં. બાલ્યાવસ્થાથી જ સિદ્ધરાજના કોમળ હૃદયમાં સારા સંસ્કાર પાડવાનો તેણે યત્ન કર્યો હતો. સિદ્ધરાજ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને ઘોડે બેસતાં, શસ્ત્ર ચલાવતાં, કુસ્તી કરતાં તથા ક્ષત્રિયને છાજે એવા અનેક કસરતના પ્રયોગો કરતાં શીખવવા માંડ્યું. સિદ્ધરાજને બળવાન અને પરાક્રમી બનાવવામાં તેણે કોઈ પણ પ્રયત્નની ખામી રાખી નહોતી. ગુજરાતના પ્રાચીન ઇતિહાસ તથા પોતાના પૂર્વજોના અસાધારણ પરાક્રમો અને બુદ્ધિકૌશલ્યની વાત એ દરરોજ પોતાની મીઠી વાણીમાં સિદ્ધરાજને કહ્યા કરતી. વિદુરનીતિ, શુક્રનીતિ આદિ ગ્રંથો દ્વારા તેણે રાજનીતિના સિદ્ધાંતો સિદ્ધરાજના મનમાં ઠસાવ્યા હતા; તથા રાજાના રાજ્યની સહીસલામતી અને મજબૂતી તેની ન્યાયપરાયણતા અને લોકપ્રિયતા ઉપર આધાર રાખે છે, એ સારી પેઠે હૃદયમાં ઠસાવી દીધું હતું. આર્યધર્મશાસ્ત્રનો અભ્યાસ પણ તેણે સિદ્ધરાજને સારી પેઠે કરાવ્યો હતો. આ બધાનું પરિણામ એ આવ્યું કે પુખ્ત ઉંમરનો થયા પછી સિદ્ધરાજ પાટણની ગાદીએ બેઠો ત્યારે તેના સુપ્રબંધને લીધે ચારે તરફ તેની પ્રશંસા થવા લાગી. આજદિન સુધી સિદ્ધરાજ જયસિંહનું નામ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયલું છે.
સિદ્ધરાજ પંદર વર્ષનો થયો ત્યારે રાણી મયણલ્લદેવી તેને લઈને રાજ્યમાં ફરવા નીકળી હતી અને કુમારને રાજ્યની ખરી હાલતથી વાકેફ કર્યો હતો. એ પ્રવાસમાં પ્રજાનાં દુઃખ તેણે જાતે સાંભળ્યાં હતાં તથા તેમને વાજબી ઈન્સાફ આપ્યો હતો.
રસ્તામાં જ્યાં કંઈ પાણીની તંગી જોતી ત્યાં તળાવ, કૂવા, વાવ વગેરે જળાશય બંધાવી આપતી. રાણી મયણલ્લદેવીએ ઘણાં પરોપકારનાં કાર્ય કર્યાં છે. વિરમગામ આગળનું મીનલસર અથવા માનસર તળાવ અને ધોળકા પાસેનું મલાવ તળાવ એ બે જળાશય રાણી મયણલ્લદેવીએ બંધાવેલાં છે.
રાણી મયણલ્લદેવી જેટલી કુશળ હતી તેટલીજ ન્યાયપરાયણ હતી. તેની ન્યાયપરાયણતાની એક દંતકથા ગુજરાતમાં સુપ્રસિદ્ધ છે. રાણી મયણલ્લદેવી ધોળકાનું તળાવ બંધાવી રહી હતી તે વખતે એક ગણિકાનું મકાન વચ્ચે નડતું હતું. એ મકાનને લીધે તળાવની શોભામાં ઘટાડો થાય એમ હતું. તેણે એ મકાન આપી દેવાને વેશ્યાને ઘણુંએ સમજાવી, મનમાન્યું દ્રવ્ય આપવાની લાલચ બતાવી; પણ તેણે સાફ ના કહી. ગણિકાએ જણાવ્યું કે, “રાણીસાહેબનું નામ તો આ મોટું તળાવ બંધાવ્યાથી અમર રહેશે, પણ મારૂં નામ આ ઘર ન આપવાને લીધે પ્રસિદ્ધ થશે.” બીજો કોઈ રાજા હોત તો જોરજુલમથી એ વેશ્યાનું મકાન તોડાવી પાડત; પણ ન્યાયી મયણલ્લદેવીએ એવો કાંઈ પણ અન્યાય કર્યો નહિ. તેણે વેશ્યાનું ઘર સહીસલામત રહેવા દીધું. તેનાં આ કૃત્યને લીધે તેની સુખ્યાતિ દેશદેશાંતરમાં પ્રસરી ગઈ. એ વખતમાં એક કહેવત પ્રચલિત થઈ ગઈ હતી કે, “જો તમારે ન્યાય જોવો હોય તો જઈને મલાવ જુઓ.”
રાણી મયણલ્લદેવીએ ઘણી યાત્રા કરી અને યાત્રાળુઓનાં અનેક સંકટો દૂર કર્યાં હતાં.
રામેશ્વર મહાદેવની પૂજા કરીને મયણલ્લદેવીએ એક હાથી, હાથમાં ત્રાજવાં ઝાલેલા એવા તુલાપુરુષની એક સોનાની મૂર્તિ અને બીજી મોટી મોટી ભેટો કરી હતી.
આ પ્રમાણે અનેક સત્કાર્યોથી પ્રજાનું મન રંજન કરીને, સિદ્ધરાજને ગાદીએ બેસાડ્યા પછી, મયણલ્લદેવી આ સંસારમાંથી સ્વર્ગલોકમાં સિધાવી. ધન્ય છે એવી રાજમાતાને ! *[૧]
- ↑ * આ તથા આ સંગ્રહમાં ગુજરાતના ઇતિહાસને લગતાં બીજાં કેટલાંક ચરિત્રો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ પ્રગટ કરેલી સાક્ષર શ્રી. રણછોડભાઈ ઉદયરામકૃત “રાસમાળા” ના ભાષાન્તરને આધારે લખવામાં આવ્યાં છે. તેને માટે એ પુસ્તકના લેખક અને પ્રકાશક મંડળનો અત્યંત ઉપકાર માનવામાં આવે છે. —પ્રયોજક