રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/રુકિમણી વા રુખમાબાઈ

← અવ્વઈ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
રુકિમણી વા રુખમાબાઈ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સંયુક્તા →



१३१–रुक्मिणी वा रुखमाबाई

○ સ○ ના તેરમા સૈકામાં દક્ષિણમાં આનંદી નામના ગામમાં સિદ્ધોપંત નામના એક પવિત્ર, સદાચારી અને જ્ઞાની પુરુષ વસતા છે હતા. એ ચોવીસ ગામના કુલકર્ણી હતા અને સારી ધનસંપત્તિના સ્વામી હતા. તેમની પત્નીનું નામ ઉમાબાઈ હતું. એ પણ પતિના જેવીજ ધર્મપરાયણ હતી. સાધુ અને અતિથિનો સત્કાર કરવાનો એને ઘણો ઉમંગ હતો. એ બંને પતિપત્નીનો સંસાર સુખમાં વ્યતીત થતો. તેમને એક કન્યા હતી. રુકિમણી અથવા રુખમાબાઈ તેનું નામ હતું. રુકિમણીને માતાપિતાએ ધર્મશાસ્ત્ર તથા દેવસેવા વગેરેનું સારૂં શિક્ષણ આપ્યું હતું. કન્યા પરણવા યોગ્ય વયની થવાથી સિદ્ધોપંત અને ઉમાબાઈ યોગ્ય વરની શોધમાં હતાં. એવામાં વિઠ્ઠલપંત નામનો એક પરમ પવિત્ર અને ધાર્મિક વૃત્તિનો કુળવાન બ્રાહ્મણયુવક તીર્થયાત્રા અને સાધુસમાગમ કરતા કરતા આલંદીમાં જઈ પહોંચ્યો અને શ્રીસિદ્ધેશ્વર મહાદેવમાં ઊતર્યો. આલંદીના કુલકર્ણી સિદ્ધોપંતની ત્યાં આગળ એમને મુલાકાત થઈ. સિદ્ધોપંત સદ્‌ગુણી અને ધાર્મિક જમાઈનીજ શોધમાં હતા. આ યુવકમાં એમણે એ બધા ગુણો જોયા. તેના અંગ ઉપર જ્ઞાન તથા વૈરાગ્યની પ્રભા ઝળકી રહી હતી. એ દરરોજ નિત્યનિયમથી પરવારીને ઉપનિષદ્‌ની કથા કરવા બેસતા. સિદ્ધોપંતે એ યુવકના કુળ તથા માબાપ આદિની તપાસ કરાવી, તો ખબર પડી કે એ દરેક રીતે પોતાની કન્યા સાથે લગ્ન કરવાને યોગ્યજ છે; છતાં પણ વધારે પરીક્ષા કરવા સારૂ એ વિઠ્ઠલપંતને પોતાને ઘેર આગ્રહ કરીને લઈ ગયા અને પંદર દિવસ સુધી એને પોતાની સાથે રાખીને એના સ્વભાવથી પૂરેપૂરા જાણીતા થયા. એ સમયમાં સિદ્ધોપંતને સ્વપ્ન પણ આવ્યું કે, “આજ યુવકને તું તારી પુત્રીનું દાન કર. એના દ્વારા દિવ્ય ગુણવાળી પ્રજા ઉત્પન્ન થશે અને એ તારા કુળનો ઉદ્ધાર કરશે.” આ સ્વપ્નને સિદ્ધોપંતે વિધાતાની સંમતિરૂપ માની લીધું અને બીજે દિવસે ન્યાતજાતના ચાર પ્રતિષ્ઠિત માણસોને બોલાવીને એમની સમક્ષ વિઠ્ઠલપંતને પોતાની કન્યા રુકિમણી આપવાની વાત કાઢી. વિઠ્ઠલપંત તો હસવા લાગ્યા: “હું તો યાત્રાએ નીકળ્યો છું કે ઘોડે ચઢવા ? હજી તો મારે રામેશ્વરની યાત્રા કરવી છે. વળી હજુ મારે માથે વડીલ બેઠાં છે, એમની આજ્ઞા વગર મારાથી લગ્ન કેવી રીતે કરાય ?” સિદ્ધોપંત શાંત થઈ ગયા. ઝાઝો આગ્રહ કરવો એ સમયે એમને યોગ્ય લાગ્યું નહિ. એજ રાતે વિઠ્ઠલપંતને સ્વપ્ન આવ્યું ને ભગવાને દર્શન દઈને એમને આજ્ઞા આપી કે, “તું આ કન્યાનું પાણિગ્રહણ કર. એ સ્ત્રી તારે માટેજ નિર્માણ થઈ છે.” એ સ્વપ્નને પણ ઇશ્વરનો સંકેત ગણીને એણે પોતાની સંમતિ જણાવી. લગ્નનું મુહૂર્ત જ્યેષ્ઠ વદમાં ઠરાવવામાં આવ્યું અને તૈયારીઓ ઝડપથી થવા લાગી. સમય ટૂંકો હોવાથી વિઠ્ઠલપંતનાં માતાપિતા આલંદીમાં પુત્રના લગ્ન પ્રસંગે આવી શક્યાં નહિ.

શુભ મુહૂર્તમાં ઘણી ધામધૂમ સહિત લગ્ન થઈ ગયાં. સિદ્ધોપંતે પુષ્કળ વસ્ત્રાલંકાર કન્યાને આપ્યાં તથા જમાઈને પણ પોતાના દરજ્જાને છાજે એવી પહેરામણી આપી.

લગ્ન સમાપ્ત થયા પછી વિઠ્ઠલપંતે પંઢરપુરમાં વિઠોબાનાં દર્શને જવાની ઈચ્છા જણાવી. સિદ્ધોપંત પણ સહકુટુંબ તેમની સાથે ગયાં અને પુત્રી તથા જમાઇને વિઠોબાને પગે લગાડ્યાં. ત્યાંથી તેઓ માર્ગમાં ભજન કીર્તન ગાતાં આલંદીમાં પાછાં આવ્યાં.

વિઠ્ઠલપંત ત્યાર પછી સાસુસસરાની આજ્ઞા લઈ દક્ષિણનાં તીર્થોની યાત્રા કરવા ગયા અને રામેશ્વર, શિવકાંચી, વિષ્ણુકાંચી વગેરે પવિત્ર સ્થળોએ જઇ પાછા આલંદી આવ્યા. હવે ઘેર જઈ માતાપિતાનાં દર્શન કરવાની તીવ્ર ઉત્કંઠા એમને થઈ રહી હતી. સિદ્ધોપંતને પણ વેવાઈને મળવાની ઈચ્છા હતી, એટલે એ પણ કન્યાને લઈને આપેગામ જવા નીકળ્યા. ઘણે લાંબે વખતે પુત્રને યાત્રા કરીને ક્ષેમકુશળ ઘેર પાછો આવેલ જોઈને માતાપિતા ઘણો હર્ષ પામ્યાં. વળી તેમણે જોયું કે પુત્ર કુળવાન ઘરની સુશીલ કન્યાને પણ પરણી લાવ્યો છે, ત્યારે એમના આનંદનો પાર રહ્યો નહિ. સિદ્ધોપંત પુત્રીને વસ્ત્રાલંકાર આપી થોડા દિવસ ત્યાં રહી પોતાને ગામ ગયો. રુકિમણી અને વિઠ્ઠલપંતનો ગૃહસ્થાશ્રમ સુખમાં ચાલવા લાગ્યો. વિઠ્ઠલપંતના પિતા ગોવિંદપંત અને માતા નિરાબાઈ પુત્ર તથા વહુને સુખી જોઈને થોડા સમયમાં મરણ પામ્યાં.

ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં વિઠ્ઠલપંતનું ચિત્ત બરાબર ચોટતું નહિ. એમની વૃત્તિ વૈરાગ્ય તરફ હતી. રાતદિવસ હરિકીર્તનમાં એમનો સમય વ્યતીત થતો. રુકિમણીએ એ વાત પિતાને જણાવી એટલે સિદ્ધોપંત પુત્રી તથા જમાઈને પોતાને ગામ તેડી લાવ્યા. રુકિમણીને અત્યાર સુધી કાંઈ સંતાન થયું નહોતું અને થવાનો સંભવ પણ ઓછોજ હતો, એટલે વિઠ્ઠલપંતે પત્નીને કહ્યું: “તમે જાણો છો કે મારા ચિત્તમાં વૈરાગ્યની ઇચ્છા છે, હું કાશી જઈને સંન્યસ્ત લેવા માગું છું. તમે રજા આપો.” રુખમાબાઈને પતિના હૃદયમાં વસેલા તીવ્ર વૈરાગ્યની ખબર હતી એટલે એણે જવાની રજા ન આપી અને બધી વાત પિતાના પિતાને જણાવી. સિદ્ધોપંતે વિઠ્ઠલપંતને કહ્યું: “હમણાં તમારે સંન્યસ્ત લેવો ઉચિત નથી. સંતાન થયા પછી ભલે કાશી જઈને પરમહંસ બનો. એ વખતે તો વિઠ્ઠલપંતે માની લીધું, પણ પછી એક વખત વિઠ્ઠલપંતે સિદ્ધોપંતને કહ્યું: “ગંગામાં સ્નાન કરવા જાઉં છું.” સસરાના મુખમાંથી સ્વાભાવિક રીતે “જાઓ” શબ્દ નીકળી ગયો. તેને આજ્ઞારૂપ જાણીને વિઠ્ઠલપંત ઉતાવળે પગલે ઘરબાર છોડીને કાશી તરફ ચાલ્યા.

કાશીમાં એ સમયે કબીરજીના ગુરુ રામાનંદ સ્વામી બિરાજતા હતા. વિઠ્ઠલપંતે તેમની સેવા કરી અને દીક્ષા આપવાની પ્રાર્થના કરી. આવા તરુણને સંન્યસ્તદીક્ષા આપવાને સ્વામીજીએ વાંધો લીધો ત્યારે વિઠ્ઠલપંતે જણાવ્યું કે, “મારે પત્ની તથા સંતાન કોઈ નથી. તમે નિઃસંકોચભાવે મને દીક્ષા આપો.” રામાનંદ સ્વામીએ વિઠ્ઠલપંતને સંન્યાસી બનાવ્યા અને તેમનું ચૈતન્યાશ્રમ નામ પાડ્યું.

આ વાત ધીમે ધીમે આલંદી પહોંચી; કેમકે કાશીનિવાસ નિમિત્ત દરેક પ્રાંતના લોકો સ્થાયીરૂપે ત્યાં વસે છે અને ગામેગામથી હજારો યાત્રાળુ પ્રતિદિન ત્યાં આવે છે. રુખમાબાઈને એ સમાચારથી ઘણો ખેદ થયો. એણે જાણ્યું કે, “મારો ગૃહસ્થાશ્રમ સમાપ્ત થયો; સંસારના સુખની આશા હવે મિથ્યા છે. પ્રભુ જે કરે તે સહન કરવું જોઈએ. પતિદેવ સંન્યાસી બન્યા તો હું ઘરમાં રહીને સંન્યાસિનીના જેવું વ્ર્ત અને તપશ્ચર્યામય જીવન ગાળીશ.” હવે એણે ચિંતા કરવી છોડી દીધી અને આખો દિવસ ધર્મકાર્યમાં ચિત્તને પરોવ્યું. પ્રાતઃકાળે ઊઠી ઇંદ્રાયણીમાં સ્નાન કરતી, બપોર સુધી પીપળાની પ્રદક્ષિણા કરતી, મુખથી રામનામ જપ કરતી, એકવેણી રહેતી અને એક જ વાર જમતી, એ લોકોની વાતો સાંભળતી પણ નહિ અને બોલતી પણ નહિં. આ પ્રમાણે ભગવાનની સેવામાં બાર વર્ષ એણે વ્યતીત કર્યા. મૂળથીજ તેનું અંગ કાંતિમાન હતું અને તેમાં વળી આ ઉગ્ર તપ સાધવામાં આવ્યું, એટલે તેનું શરીર ઘણુંજ તેજસ્વી બન્યું. મહાસતીનું આ અનુષ્ઠાન નિષ્કામ બુદ્ધિપૂર્વક હતું. નિષ્કામ વૃત્તિથી સેવા કરનારને પ્રભુ અણધાર્યા શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે.

રામાનંદ સ્વામી પોતાના છપ્પન શિષ્યો સહિત દક્ષિણની યાત્રા કરવા નીકળ્યા. ફરતા ફરતા એમનું ઝુંડ આલંદીમાં આવી પહોંચ્યું. ત્યાં આગળ રુખમાબાઈ એમનાં દર્શન કરવા સારૂ ગઈ. એનું તેજસ્વી મુખ જોઈને રામાનંદ સ્વામી સમજી ગયા કે આ કોઈ પુણ્યાત્મા સ્ત્રી છે. એમણે પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યો “पुत्रवती भव ।” આ આશીર્વાદ સાંભળતાંજ રુખમાબાઈને હસવું આવ્યું. હસવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું: “પતિએ તો કાશીએ જ સંન્યસ્ત ગ્રહણ કર્યો છે. હું પતિવ્રતા સ્ત્રી છું, તો પછી આપનો આશીર્વાદ કેવી રીતે ફળશે એ વિચારથી મને હસવું આવ્યું.” સ્વામીજીએ તેની પાસેથી સવિસ્તર વૃત્તાંત જાણી લીધો. સ્વામીજીની ખાતરી થઈ કે પોતાનો શિષ્ય ચૈતન્યાશ્રમજ આ યુવતીનો પતિ છે. રામાનંદને રુખમાબાઈ ઉપર બહુ દયા ઉત્પન્ન થઈ. એ તેના પિતાને ઘેર ગયા. સિદ્ધોપંતે શ્રદ્ધાપૂર્વક તેમનું પૂજન કરીને પોતાને ઘે૨ ભિક્ષા કરાવી. સિદ્ધોપંતે પણ વિઠ્ઠલપંતના સંન્યસ્ત ગ્રહણની વાત સ્વામીજીને જણાવી અને કહ્યું કે, “એ બનાવથી મારૂં ચિત્ત સદા ચિંંતાતુર રહે છે.” સ્વામીજીને હવે એ કુટુંબ ઉપર પૂરી દયા આવી અને રામેશ્વર જવાનો વિચાર માંડી વાળીને એ સીધા કાશી ગયા. સિદ્ધોપંત પણ પોતાની પત્ની તથા કન્યાને લઈને સાથે ગયા. રામાનંદે એમને એક જુદા મકાનમાં ઉતારો આપ્યો અને પોતે મઠમાં ગચા. ગુરુને જલદી પાછા ફરેલા જોઈને ચૈતન્યાશ્રમ આશ્ચર્ય પામ્યો. સ્વામીએ તેને કહ્યું: “ચૈતન્ય ! તારા પૂર્વાશ્રમનો સાચો વૃત્તાંત કહી સંભળાવ, હું આલંદીથી આવું છું.” આલંદીનું નામ સાંભળતાંજ ચૈતન્યાશ્રમના હોશકોશ ઊડી ગયા અને તેણે પોતાનો ખરો વૃત્તાંત કહી સંભળાવ્યો તથા નમ્રતાપૂર્વક જણાવ્યું કે, “મારે સ્ત્રી છે એમ જાણીને આપ મને દીક્ષા નહિ આપો એ ભયથી મેં આપની આગળ અસત્ય કથન કર્યું છે. ગુરુદેવ ! મને ક્ષમા કરો.” સ્વામીએ ચૈતન્યાશ્રમને આશ્વાસન આપતાં કહ્યું: “બેટા ! તેં ઘણી મોટી ભૂલ કરી છે. આવી સુશીલ, પતિપરાયણ, સાધ્વી, તરુણ સ્ત્રીનો ત્યાગ કરનાર કદાપિ સંન્યસ્તનો અધિકારી બનતો નથી. એવી શુભ સંસ્કા૨વાળી પત્નીના સમાગમમાં રહીને પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. તું તારી પત્નીને પુનઃ ગ્રહણ કર. તારૂં એ કાર્ય સમાજના નિયમ વિરુદ્ધ ગણાશે. ન્યાતજાતવાળા તને દુઃખ દેશે, પણ તું કશાની દરકાર કરીશ નહિ. આ કાર્યમાં પ્રભુની સહાયતા છે. જા, ઘેર જઈને ગૃહસ્થાશ્રમમાં પુનઃ પ્રવેશ કર અને સ્વધર્માચરણ આચરીને સુખી થા.”

વિઠ્ઠલપંતને માટે આ ધર્મસંકટ હતું. એક વખત સંન્યાસી થયા પછી પુનઃ ગૃહસ્થાશ્રમ માંડવો એ આર્યભૂમિમાં અધમમાં અધમ કૃત્ય ગણાય છે, એ પોતે જાણતો હતો. એથી કરીને લોકનિંદા અને લોકયાતના કેટલી સહન કરવી પડશે તેનું પણ તેમને ભાન હતું. બીજી તરફ ગુરુવચન એ પ્રભુની આજ્ઞા સમાન છે. એનો અનાદર કરનાર નરકગામી થાય છે એમ પણ એ માનતો. આખરે બંને બાજુનો પૂરો વિચાર કર્યા બાદ ચૈતન્યાશ્રમ ગુરુવાક્યને માથે ચડાવીને પુનઃ સંસારી થયો. વિઠ્ઠલપંત અને રુખમાબાઈને લઈને સિદ્ધોપંત આલંદી આવ્યા.

દેશમાં આવ્યા પછી તેમના ઉપર નિંંદાનો વરસાદ વરસવા લાગ્યો. લોકો એ ધાર્મિક દંપતિ ઉપર અનેક પ્રકારના દોષારોપણ કરવા લાગ્યા. કોઈ વિઠ્ઠલપંતને વિષયલંપટ કહેવા લાગ્યા, તો કોઈ રુખમાબાઈને પતિને ઉન્નતશ્રૃંગ ઉપરથી ચલાવી લાવનારી વિલાસી સ્ત્રી કહેવા લાગ્યા. વિદ્વાનોનો ક્રોધ રામાનંદ સ્વામી ઉપર પણ ઊતરી પડ્યો, કેમકે એમણે શાસ્ત્રોની આજ્ઞા વિરૂદ્ધ વિઠ્ઠલપંતને સંસારમાં પડવાની સંમતિ આપી હતી. વિઠ્ઠલપંતનાં વૈરાગ્ય, ધૈર્ય, સમતા અને જ્ઞાનની પૂર્ણ કસોટીનો આ સમય હતો, એ કસોટીમાંથી એ કેવા પાર ઉતર્યા તે મહિપતિ કવિના ‘ભક્તવિજય’ ગ્રંથ ઉપરથી જણાય છે. એ લખે છે કે, “જનનિંદાનું પૂર આવતાં વિઠ્ઠલપંતે ઉદરમાં પૂર્ણ શાંતિ ભરી દીધી અને કામક્રોધનું શમન કર્યું. દ્વિજોએ અને આપ્તોએ તેમનો પરિત્યાગ કર્યો અને તેઓ અરણ્યમાં પર્ણકુટી બાંધીને પોતાની ભાર્યા સહિત રહેવા લાગ્યા. કુટુંબપોષણાર્થે તેઓ ભિક્ષા માગી લાવતા અને રાતદિવસ અખંડ ઈષ્ટચિંતન કરતા, ગીતા ભાગવતાદિ ગ્રંથોનું શ્રવણમનન કરતા અને ચિત્તમાં સદાસર્વદા પ્રસન્ન રહેતા.” લોકવિરુદ્ધ કામ કર્યાથી સમાજ તરફથી એમને જે કષ્ટ સહન કરવું પડ્યું તેનો કાંઈક ભાસ નિરંજનમાધવના નીચેના શબ્દો ઉપરથી થાય છે: “ચૈતન્યાશ્રમે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો છે એ વાત સાંભળીને સર્વ બ્રાહ્મણોએ તેમનો પરિત્યાગ કર્યો. કોઈ તેમનું મુખ પણ જોતું નહિ. લોકો પુષ્કળ નિંદા કરતા. ધીમે ધીમે તેમને ભિક્ષા મળતી પણ બંધ થઈ. કોઈ વખત તેમને ઝાડનાં પાંદડાં ખાઈને રહેવું પડતું, તો કોઈ કોઈ વખત તેમને માત્ર એકજ વાર અન્ન મળતું અને કદી કદી વાયુભક્ષણ કરીને જ નિર્વાહ કરવો પડતો. આમ બાર વર્ષ ચાલ્યાં ગયાં, પરંતુ વિઠ્ઠલપંતને માયાનો સ્પર્શ સુદ્ધાં થયો નહિ.”

આ બધાં સંકટમાં રુકિમણીએ પતિની સાથે રહીને હર્ષપૂર્વક ભાગ પડાવ્યો. પિતાના ઘેર સુખમાં ઉછરેલી એ સન્નારીએ પોતાના મુખ ઉપર કદી શોકની છાચા ન આવવા દીધી. આ આપત્તિકાળમાં સુશીલ પત્ની એજ એક આશ્વાસન વિઠ્ઠલપંતને હતું. એ એકાંતવાસના સમયમાં રુકિમણીએ ચાર સંતાનને જન્મ આપ્યો. એમનાં નામ અનુક્રમે નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, સોપાનદેવ અને મુક્તાબાઈ હતાં. ચારે સંતાન પૂર્વજન્મના સિદ્ધાત્માઓ હતાં. કેટલાક તો કહે છે કે, એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા લક્ષ્મીના અવતારરૂપ હતાં. ગમે તેમ હો, પણ એ ચાર સંતાનોના પાછલા જીવને સાબિત કરી આપ્યું કે, એ ઉચ્ચ કોટિના જીવ હતા અને માતાપિતા તરફથી એમને સારૂં શિક્ષણ મળ્યું હતું. ન્યાતબહાર હોવાથી બહાર આવવા જવાનું થોડું થતું, એટલે વિઠ્ઠલપંત તથા રુખમાબાઈએ પોતાનો બધો સમય બાળકોને કેળવવામાંજ ગાળ્યો. નિવૃત્તિનાથ જ્યારે સાત વર્ષનો થયો, ત્યારે એને જનોઈ દેવાનો વિચાર એમને સૂઝ્યો; પણ સંન્યાસી થયા પછી ગૃહસ્થાશ્રમમાં આવનાર મનુષ્યનો દાખલો પહેલાં બન્યો નહોતો, એટલે પોતાને પુત્રને જનોઈ દેવાનો અધિકાર છે કે નહિ એ બાબત એમને શંકા ઉત્પન્ન થઈ. ધર્મપરાયણ રુકિમણીએ સલાહ આપી કે, “આપણે કાંઈ ધર્માનુષ્ઠાન કરીએ, તેથી પાપનું પ્રાયશ્ચિત્ત થશે.” આખું કુટુંબ ત્ર્યંબકેશ્વરમાં ગયું અને ત્યાં દરરોજ મધ્યરાતે નદીમાં સ્નાન કરીને બ્રહ્મગિરિની પ્રદક્ષિણા કરવા માંડી. આ પ્રમાણે છ મહિના વહી ગયા, ત્યાં આગળ દૈવયોગે નિવૃત્તિનાથ માતપિતાથી છૂટા પડી ગયા અને તેમણે શ્રીગૈનીનાથ પાથે દીક્ષા લીધી. કેટલેક દિવસે નિવૃત્તિનાથ ગુરુની રજા લઈને ઘેર આવી માતપિતાને મળ્યા.

છોકરાંઓને મોટાં થતાં જોઈને રુકિમણી તથા વિઠ્ઠલ૫ંતની તેમને ચજ્ઞોપવીત આપવાની તીવ્ર ઈચ્છા થવા લાગી. હિંદુસ્તાનમાં ન્યાતબહાર રહેવામાં કેટલું દુઃખ સમાયું છે તે તો જેણે ભોગવ્યું હોય તેજ જાણે. આ સુધરેલા જમાનામાં પણ ન્યાતબહાર રહેવાની બીકથી ઘણા સ્વતંત્રતાના અભિમાની સુશિક્ષિત નરોને નીચું મુખ કરીને શ્રદ્ધાવિહીન પ્રાયશ્ચિત્ત કરતા જોયા છે, તો પછી એ યુગમાં વિઠ્ઠલનાથ અને રુકિમણીને પોતાના બાળકોને ન્યાતજાતમાં દાખલ થઈને નિષ્કલંક જીવન ગાળતાં જોવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક જ હતું. એમને એ શંકા હતી કે અમારા જીવનમાંજ પુત્રનું યજ્ઞોપવીત નહિ થાય તો તેમને બ્રાહ્મણ વર્ણ સાથે સંબંધ તૂટી જશે અને તેથી અધઃપતન થશે. આ વિચારથી એમણે બ્રાહ્મણોની ન્યાત મેળવીને એમની આગળ મસ્તક નમાવીને પોતાનો અપરાધ વિનયપૂર્વક કબૂલ કરીને ક્ષમા આપવાની પ્રાર્થના કરી. બ્રાહ્મણોએ ઉત્તર આપ્યો કે, “તમારા અપરાધને માટે શાસ્ત્રમાં ક્યાંય પણ પ્રાયશ્ચિત્ત જણાવવામાં નથી આવ્યું અને તમારા બાળકોને ચજ્ઞોપવીત ધારણ કરવાની શાસ્ત્રની આજ્ઞા નથી. તમારો અપરાધ એવો તે ઘોર છે કે દેહાંત પ્રાયશ્ચિત્ત સિવાય બીજો કોઈ ઉપાય તમારે માટે હવે રહ્યો નથી.”

બ્રાહ્મણોનો એ નિર્ણય સાંભળીને વિઠ્ઠલપંત બાળકોના કલ્યાણ સારૂ પોતાના દેહનો અંત આણવા પણ તૈયાર થયા. તેમણે પોતાનું મન દૃઢ કર્યું. સ્ત્રીપુત્રાદિકનો મોહ છોડ્યો, બ્રાહ્મણોને વંદન કર્યું અને એકદમ પ્રયાગક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. રુકિમણીદેવી પણ પતિની પાછળ પાછળ ગયાં. પ્રયાગ જઈને ગંગાયમુનાના પવિત્ર સંગમ સ્થળમાં ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ વિઠ્ઠલપંતે દેહનું વિસર્જન કર્યું. પતિપરાયણ રુકિમણીદેવીએ પણ તરતજ સ્વામીનું અનુગમન કર્યું. દેહનો જરા પણ મોહ રાખ્યા વગર સંગમના પવિત્ર જળમાં ઝંપલાવ્યું; જોતજોતામાં તેમનો પુણ્યાત્મા નાશવંત દેહને ત્યજીને ચાલ્યા ગયો.

રુકિમણીબાઈનાં ચારે સંતાને પિતાની વિદ્વત્તા અને ભક્તિને લીધે મહારાષ્ટ્રમાં પુષ્કળ પ્રસિદ્ધિ મેળવી.

રુકિમણીબાઇના પતિવ્રતાપણું તથા ભક્તિ ખરેખર પ્રશંસાને યોગ્ય છે.x[૧]

  1. x સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયદ્વારા પ્રકાશિત ‘શ્રી જ્ઞાનેશ્વરી ગીતા’માં આપેલા શ્રીજ્ઞાનેશ્વર મહારાજના જીવનચરિત્રમાંથી સારરૂપે ઉદ્ધત. —પ્રયોજક