રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/રૂપસુંદરી (માધવપત્ની)
← દાઈ મનમેલ | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો રૂપસુંદરી (માધવપત્ની) શિવપ્રસાદ દલપતરામ પંડિત |
ગુણસુંદરી → |
१४०–रुपसुंदरी (माधवपत्नी)
ઈસવીસનના ૧૩ મા સૈકાના અંતમાં ગુજરાતમાં વાઘેલા વંશનો કરણરાજા રાજ્ય કરી રહ્યો હતો. તેના જીવનની સમાપ્તિની સાથેજ ગુજરાતની સ્વતંત્રતાની પણ સમાપ્તિ થયેલી હોવાથી, આપણા પૂજ્ય સાક્ષર સ્વર્ગસ્થ શ્રી નંદશંકરભાઈએ પોતાની ઉત્તમ નવલકથા દ્વારા તેનું ચરિત્ર ઘણીજ અસરકારક રીતે આલેખેલું છે અને તેથી ગુજરાતમાં પ્રત્યેક મનુષ્ય તેના નામથી પરિચિત છે. એ રાજાનો મુખ્ય પ્રધાન માધવ નામનો એક નાગર ગૃહસ્થ હતો. તેણે વડનગર શહેરમાં કોઈ ગરીબ કુટુંબમાં જન્મ લીધો હતો અને ૧૨ વર્ષની વયે પાટણ શહેરમાં નોકરી શોધવા આવ્યો હતો.
પહેલાં તો લશ્કરના સિપાઈઓના પગાર વહેંચવા ઉપર કારકુન રહ્યો. ત્યાં ચાલાકી, હોશિયારી તથા ઈમાનદારી બતાવી તે ઉપરથી તેને કોઠારીની જગા મળી. ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો માનીતો થઈ પડ્યો. સારંગદેવ મરી ગયો ત્યારે તેના છોકરાઓ વચ્ચે ગાદીને માટે તકરાર પડી, તેમાં માધવની હોશિયારી તથા કાવતરાથી કરણનો રાજ્યાભિષેક થયો. તે દિવસથી માધવના ભાગ્યનો ઉદય થયો અને કરણ રાજાએ ગાદી ઉપર નિર્ભય થતાંજ માધવને મુખ્ય પ્રધાનપદ આપ્યું. માધવ ઘણો જ બુદ્ધિમાન, રાજનીતિનિપુણ અને કાર્યકુશળ મંત્રી હતો. તેણે પોતાના બુદ્ધિબળે રાજા (કરણ) ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પૂછ્યા સિવાય રાજા કાંઈ કામ કરતો ન હતો. સઘળું કામકાજ તેજ કરતો. રાજા તો પૂતળા જેવો હતો અને ખરેખર રાજા તે પોતેજ હતો.
કરણ રાજાના એ મહા પ્રભાવશાળી પ્રધાનની સ્ત્રીનું નામ રૂપસુંદરી હતું. રૂપસુંદરી તેના નામ પ્રમાણે અપૂર્વ સૌંદર્યવાળી સ્ત્રી હતી. તેનું સૌંદર્ય ચીતરવાનું સાહસ અમે નહિ કરીએ, ફકત પ્રસિદ્ધ નવલકથાકારની કુશળ કલમથી આલેખાયલું ચિત્ર જ ગુજરાતી બહેનો આગળ રજૂ કરીશું. સાક્ષર શ્રી નંદશંકરભાઈ આ પ્રમાણે રૂપસુંદરીનું વર્ણન કરે છે: “તે સ્ત્રી ખરેખરી પદ્મિની હતી. તેનું મોં પૂર્ણિમાના ચંદ્ર જેવું હતું અને તેના ગાલના ગૌરવર્ણ ઉપર વખતે વખતે તેની ભરજુવાનીને લીધે જ્યારે ગુલાબી રંગ ચઢી આવતો ત્યારે તેની આગળ ગુલાબનાં ફૂલનો રંગ પણ ઝાંખો જણાતો. તેનું મોઢું ઘણું નાનું હતું તથા તે ઉપરના બે ઓઠ પાતળાં પરવાળાંના જેવા રંગના હતા. જ્યારે તે મંદ મંદ હસતી ત્યારે તેના દાંત સમાકાર ધોળા મોતીના દાણા જેવા દેખાતા. તેને નાકે ઘણાં ઊંચાં પાણીદાર મોતીની વીટલી ઘાલેલી હતી. તેનાં મોતી તેના પરવાળા જેવા ઓઠને અડકતાં, ત્યારે તે કમળની લાલ પાંદડી ઉપર ઓસનાં ટીપાં જેવાં ચળકતાં હતાં. તેના ગાલ ઉપર એક છૂંદણું હતું તેથી તેની ખૂબસૂરતી એટલી તો વધતી હતી કે જેમ ફારસી શાયર હાફિઝ, શિરાઝની એક બૈરીના ગાલ ઉપરના કાળા તલને વાસ્તે સમરકંદ તથા બોખારા શહેર આપી દેવા તૈયાર થયો હતો, તેમ તે છૂંદણાને માટે આખું ગુજરાતનું રાજ્ય કોઈ આપે તો પણ થોડું હતું. તેની આંખ જરા લાંબઘાટી હતી અને સ્વાભાવિક રીતે કાળી હતી, તેની સાથે વળી તેમાં કાજળનું ઝીણું અંજન કીધેલું હતું તેથી તે વધારે મોહ પમાડતી હતી. તેની નજર ઘણી નરમાશવાળી તથા કામથી ભરપૂર દેખાતી હતી. તે એટલી ચપળતાથી ચોગદમ ફરતી કે જે પુરુષ પર તે પડતી તેના હૃદયમાં કારી ઘા માર્યા વિના રહેતી નહિ. તેની ભમર પાતળી ઈંદ્રના ધનુષ્ય જેવી હતી અને એ ધનુષ્યમાંથી મદનદેવ પોતાનાં શસ્ત્ર ઉડાવી હજારો લોકોના મનની શાંતિનો નાશ કરતો. તેના કપાળ ઉપર જે રાતો હિંગળોકનો ચાંલ્લો હતો તે બરફના મેદાન ઉપર લોહીના ટપકા જેવો દેખાતો હતો. ચોટલો નાગની ફેણ જેવો ઘાટદાર અને તેવોજ કાળો હતો. તેના કેશ જો છૂટા મૂકે તો કમ્મર સુધી પહોંચતા. એ સિવાય તેના બીજા અવયવો પણ ઈશ્વરની બેહદ કારીગરી તથા ચાતુર્યના નમૂના હતા.”
અપૂર્વ રૂપલાવણ્યથી વિભૂષિત થયેલી રમણી રૂપસુંદરી એક દિવસ પોતાના ઈષ્ટદેવ શંકરનું પૂજન કરવા ગઈ હતી. દૈવસંયોગે રાજા કરણ પણ એ સમયે એ માર્ગે થઈને જઈ રહ્યો હતો. તેની દૃષ્ટિ રૂપસુંદરી ઉપર પડી. રૂપસુંદરીની કાંતિ જોઈને કરણ રાજા અત્યંત કામાંધ થઈ ગયો અને ગમે તે પ્રકારે એ રમણીને પોતાના અંતઃપુરમાં આણવાનો સંકલ્પ કર્યો. રૂપસુંદરી પતિવ્રતા સ્ત્રી હતી અને માધવ પણ શૂરવીર નર હતો, એટલે સીધી રીતે કોઈ પણ પ્રકારની લાલચથી પોતાનું કામ પાર નહિ પડે એમ ધારીને કરણ રાજાએ ઘણો નીચ પ્રપંચ રચ્યો. માધવ પ્રધાન ઘર આગળ ન હોય એવે પ્રસંગે પાછળથી સેના મોકલીને રૂપસુંદરીનું હરણ કરી લાવવાનો અધમ સંકલ્પ તેણે કર્યો. એક દિવસે માધવ પ્રધાન કોઈ રાજદરબારી કામને માટે બહારગામ ગયો, તે લાગ સાધીને કરણ રાજાએ પ્રધાનના ઘર ઉપર રૂપસુંદરીને લઈ આવવા માટે સૈન્ય મોકલ્યું. રૂપસુંદરી એ સમયે દેવપૂજા કરીને ભોજન તૈયાર કરવામાં નિમગ્ન હતી. એવામાં તેણે પોતાની ઘરના આગલા ચોગાનમાં શોરબકોર થતો સાંભળ્યો. નોકરને મોકલીને તપાસ કરાવી તો માલૂમ પડ્યું કે રાજ્યના સિપાઈઓએ તેના ઘરને ઘેરો ઘાલ્યો છે અને તેના ઘણા નિમકહલાલ સેવકોને ઠાર મારવા માંડ્યા છે. એ ખબર સાંભળતાં રૂપસુંદરી ઘણીજ ચિંતાતુર થઈ ગઈ. તેનો દિયેર કેશવ એ વખતે ઘરમાં હતો. કેશવ ઉ૫ર રૂપસુંદરીને ઘણો જ સ્નેહ હતો. બાલ્યાવસ્થાથી તેણે પુત્ર સમાન તેનું પાલન કર્યું હતું. કેશવ પણ મોટીભાભીને માતા સમાન ગણીને ચાહતો હતો. અંગકસરત, દાવપેચ, કુસ્તી, તલવારના પટા આદિ વીરોચિત રમતમાં તેણે પોતાની જિંદગી ગાળી હતી. તેનું શરીર કસાયેલું અને બળવાન હતું. ભાભીનું હરણ કરવા રાજાના સિપાઇઓ આવ્યા છે, તે સાંભળતાં વારજ તેની રગેરગમાં ક્રોધ વ્યાપી ગયો. તેની આંખ લાલચોળ થઈ ગઈ અને તેમાંથી ક્રોધનો અગ્નિ વરસવા લાગ્યો. તે પોતાનાં હથિયાર સજીને ભાભીની આગળ આગળ આવી ઊભો અને જીવને જોખમે પણ તેનું રક્ષણ કરવા તૈયાર થયો. જોતજોતામાં કરણ રાજાના સિપાઈઓ ઉપર ચડી આવ્યા અને રૂપસુંદરીને પોતાને સ્વાધીન કરી દેવાને કેશવને ઘણુંએ સમજાવ્યો; પરંતુ કેશવે ક્રોધથી લાલચોળ થઈ જઈને સિંહની માફક ગર્જના કરીને કહ્યું કે, “તમારા કૃતઘ્ની, અધમ,વિષયી રાજાને રૂપસુંદરી જોઈતી હોય, તો મને મારીને લઈ જાઓ. આ દેહમાં જીવ છે ત્યાંસુધી રૂપસુંદરીના દેહને સ્પર્શ કરવા કોઈ પણ મનુષ્ય સમર્થ નથી. પોતાનો જીવ બચાવવા ખાતર નાગર બચ્ચો કોઈ દિવસ કુળ, ધર્મ અને જ્ઞાતિની પ્રતિષ્ઠાને કલંક લાગવા દેનાર નથી.” કેશવનાં આ વચનો સમાપ્ત થતાંવારજ સેંકડો સિપાઈઓ તેના ઉપર તૂટી પડ્યા. એકલા કેશવે તેમની સાથે ઘણી નીડરતાથી યુદ્ધ કર્યું. કલમ ચલાવનાર નાગર યુવક તલવારના દાવપેચ પણ કેવી ઉત્તમ રીતે ખેલી શકે છે, તેનું કેશવે સારી પેઠે ભાન કરાવ્યું. તેણે રાજાના અનેક સિપાઈઓને કાપી નાખ્યા; પરંતુ એટલા બધાના પ્રહાર સામે એ એકલો કેટલી વાર સુધી ટકી શકે ? શત્રુઓના અસંખ્ય પ્રહાર ખમીને, શત્રુઓને મારતાં મારતાંજ એ ભૂમિ ઉપર પડ્યો અને એક ક્ષણમાત્રમાં વીરગતિને પામ્યો. કેશવનું મૃત્યુ થતાંવાર જ રૂપસુંદરીને મૂર્છા આવી ગઈ. એ બેહોશ હાલતમાંજ રાજાના સૈનિકો તેને રાજમહેલમાં લઈ ગયા.
રાજાએ રૂપસુંદરીને લલચાવવા અનેક પ્રકારની લાલચો બતાવી, પોતાની પટરાણી બનાવવાનું વચન આપ્યું; પણ કોઈ પણ પ્રકારની લાલચ કે ધમકીની અસર પતિવ્રતા રૂપસુંદરીના હૃદય ઉપર થઈ નહિ. રાજાની અધમ વિનંતિનો તેણે તિરસ્કાર કર્યો અને રાજા પોતાના ઉપર બળાત્કાર કરવાનો યત્ન કરશે તો આપઘાત કરીને શિયળનું રક્ષણ કરીશ, એવું સ્પષ્ટ જણાવી દીધું.
કરણ રાજાના મહેલમાં અનેક પ્રકારનાં સુખ હોવા છતાં પણ રૂપસુંદરી પતિવિયોગથી ઝૂરવા લાગી. પતિનો સત્વર મેળાપ થાય તે સારૂ રાતદિવસ એકાગ્રચિત્તે ઈષ્ટદેવની પ્રાર્થના કર્યા કરતી હતી. એ વિપત્તિના સમયમાં એક ક્ષણ માટે પણ તેણે પોતાના ચિત્તને ચળવા દીધું નહોતું અને પતિ સિવાય બીજા કોઈને પણ હૃદયમાં સ્થાન આપ્યું નહોતું. પતિની મંગળવાસનાજ તેના હૃદયમાં સર્વોપરી સ્થાન ભોગવતી હતી.
માધવ પ્રધાન પોતાના કામથી પરવારીને ઘેર પાછો ફર્યો, ત્યારે રાજા તરફથી પોતાના કુટુંબ ઉપર વરસેલા ત્રાસની તેને ખબર પડી. તેના શોકનો પાર રહ્યો નહિ. ક્રોધ અને વેરનો અગ્નિ તેના હૃદયમાં ઉત્પન્ન થઈને જોરથી સળગવા લાગ્યો. રાજાને પાયમાલ કરવાના ઉદ્દેશથી તે સીધો દિલ્હીના મુસલમાન બાદશાહ અલાઉદ્દીન પાસે ગયો અને ગુજરાતની ફળદ્રૂપતા તથા સમૃદ્ધિનું વર્ણન કરીને એ દેશને જીતવાની સલાહ આપી. અલ્લાઉદ્દીનને તો એટલું જ જોઈતું હતું. કાચા સોના જેવી ગુજરાતની રસાળ ભૂમિનો સ્વામી બનવાની ઈચ્છા તેના મનમાં ક્યારની થયા કરતી હતી, તેવામાં માધવરાવના જેવો ભોમિયો માણસ મદદ કરવાને મળી આવે એટલે પૂછવું જ શું ? તેણે સેનાપતિ અલફખાંની સરદારી હેઠળ માધવની સાથે ઘણું મોટું સૈન્ય મોકલ્યું. એ યુદ્ધમાં કરણ રાજાનો પરાજય થયો અને ઇ.સ. ૧૩૦૦માં મુસલમાન લોકોએ ગુજરાતમાં પ્રવેશ કર્યો. માધવે અલ્લાઉદ્દીનને ૩૬૦ કચ્છી ઘોડા નજર કર્યા અને દેશનો કારભાર મેળવ્યો. અલફખાંને લશ્કરી ખાતાનો સૂબો ઠરાવ્યો. કરણ રાજાને જીવ લઈને નાસવું પડ્યું. પારકી સ્ત્રી ઉપર કુદૃષ્ટિ કરનાર એ રાજાની રાણી તથા પુત્રીને અંતે મુસલમાનોને સ્વાધીન થવું પડ્યું તથા મુસલમાનો સાથે લગ્ન કરીને ભ્રષ્ટ થવું પડ્યું.
આ પ્રમાણે કરણ રાજા ઉપર મનમાન્યું વેર લઈને માધવ પોતાની પ્યારી પત્ની રૂપસુંદરીને મળવા અંતઃપુરમાં ગયો. ઘણા દહાડાના વિયોગ પછી તે પતિપત્ની પાછાં મળ્યાં. તેઓ ભેટ્યાં, રડ્યાં તથા હર્ષનાં બીજાં સઘળાં ચિહ્નો તેઓએ દેખાડ્યાં. રૂપસુંદરીને કરણ લઈ ગયો તેમાં તેની તરફનો કાંઈ વાંક નહોતો, તે માધવને સારી પેઠે માલુમ હતું. બન્નેના વિયોગમાં માધવનું દિલ રૂપસુંદરી ઉપરથી ઉતરી ગયું ન હતું પણ તેને પાછી મેળવવાની તથા તેના હરણ કરનારનું વેર લેવાની તેની આતુરતા જે પ્રમાણે પ્રબળ થતી ગઈ તે પ્રમાણે તેની ધણિયાણી ઉપરનું હેત પણ વધતું ગયું. આટલી સહેલાઈથી તેને પોતાની પ્રિયા મળશે એવી આશા નહોતી. જ્યારે રૂપસુંદરી આગળના જેટલાજ હેતથી તેને ભેટી, ત્યારે તેના હર્ષનો પાર રહ્યો નહિ. રૂપસુંદરીના સ્નેહમાં કાંઈ ફેરફાર થયેલ નહોતો. તેના અંતઃકરણની પ્રીતિનું નિર્મળ ઝરણું પોતાનો માર્ગ બદલીને બીજી દિશામાં વહ્યું નહોતું તથા તેના હેતના ખજાનાનો ભાગીદાર થવાનો બીજા કોઈનો દાવો તેણે સ્વીકાર્યો નહોતો; એ ઝરણે માધવની તરફજ અસલ માફક વહ્યાં કીધું એટલું જ નહિ પણ તે પાસે ન હોવાથી તેમાં વધારો થયો.
માધવે શાસ્ત્રીઓની સભા ભરી અને બ્રાહ્મણની સ્ત્રીનો ૨જપૂત સાથે બળાત્કારથી સ્પર્શ થયો તેનો દોષનિવારણ કરવાનું પ્રાયશ્ચિત્ત તેઓની પાસે શોધી કઢાવ્યું. પછી તે પ્રમાણે સઘળી ક્રિયા રૂપસુંદરી પાસે કરાવી, બ્રાહ્મણોને મનમાની દક્ષિણા આપી અને લાડુનું ભોજન કરાવી સઘળા બ્રહ્મદેવોને સંતોષ્યા. હવે બીજી કાંઈ હરકત રહી નહિ, તેથી માધવ તથા રૂપસુંદરી આનંદપૂર્વક દિવસો નિર્ગમન કરવા લાગ્યાં. એ પાછા મળેલા સુખની યાદગીરીને વાસ્તે માધવે વર્ધમાનનગર (વઢવાણ)માં એક વાવ બંધાવી તે હજી તેના નામથી ઓળખાય છે.
કરણ જેવા રાજાની લાલચો અને ધમકીઓની લેશમાત્ર પરવા કર્યા વગર પોતાનું પાતિવ્રત્ય અખંડ રાખવા માટે નાગર રમણી રૂપસુંદરી સર્વ સ્ત્રીઓની શ્રદ્ધાને પાત્ર છે.