રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/લીલાવતી
← કાન્તિ | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો લીલાવતી શિવપ્રસાદ દલપતરામ પંડિત |
અતિમંબે → |
१२५–लीलावती
શાલિવાહન શાકે ૧૯૩૬ (વિ. સંવત ૧૧૭૧)માં કે દક્ષિણ ભારતમાં ભાસ્કરાચાર્ય નામના એક વિદ્વાન પંડિતનો જન્મ થયો હતો. ગણિત અને જ્યોતિષશાસ્ત્રમાં એમણે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી, લીલાવતી એમની કન્યા હતી.
લીલાવતી જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે ભાસ્કરાચાર્યે તેના ગ્રહ જોયા. ગ્રહ જોતાં એમને જણાયું કે લીલાવતીના ગ્રહમાં એવો અનિષ્ટ યોગ છે કે પરણ્યા પછી થોડે વર્ષે એ વૈધવ્યને અવશ્ય પ્રાપ્ત થશે.
ભાસ્કરાચાર્ય વિચારમાં પડ્યા. એમણે એવો વિચાર કર્યો કે એવું ઉત્તમ શુભ લગ્ન નિર્ધારીને લીલાવતીનું લગ્ન કરવું કે આ વૈધવ્યદોષ નડે નહિ.
ઘણો વિચાર કરીને તથા ઘણો હિસાબ ગણીને ભાસ્કરાચાર્યે શુભ લગ્ન શોધી કાઢ્યું.
યોગ્ય સમયનો નિર્ણય કરવા સારૂ એવો નિયમ ઠરાવવામાં આવ્યો કે એક નાના ઘડામાં છિદ્ર કરીને એ પાત્રને પાણીમાં તરતું મૂકવું. પાત્રના છિદ્રમાં થઈને જળ પાત્રમાં ભરાતું જાય અને જે ક્ષણે પાત્ર ડૂબી જાય તે મુહૂર્તે લગ્ન કરવું.
આ પ્રમાણે નિર્દિષ્ટ સમયે શુભ મુહુર્તમાં વિવાહ કર્યાથી કન્યા વિધવા નહિ થાય.
ભાસ્કરાચાર્યે વિવાહની તૈયારીઓ કરી. દિવસ નક્કી થયો. સમયનિર્દેશને માટે જળકૂંડીમાં છિદ્રવાળું પાત્ર મૂકવામાં આવ્યું. ઉત્કંઠિત નેત્રે બધા જોવા લાગ્યા કે પાત્ર ક્યારે ડૂબે છે.
કુતૂહલવશ લીલાવતી પણ પાત્રની પાસે બેઠી હતી. એણે એ સમયે વિવાહનાં વસ્ત્રો પહેર્યા હતાં. માથે વિવાહનો મોડ હતો. લીલાવતી પાત્રની તરફ માથું નમાવીને પાત્ર ક્યારે ડૂબે એ આતુરતાથી જોયા કરતી હતી. એવામાં એકાએક તેના મોડમાંથી એક નાનું મોતી ખરી જઇને પાત્રની વચમાં જઇ પડ્યું અને એનું છિદ્ર પુરાઈ ગયું.
મોતી એટલું નાનું હતું કે, એ તરફ કોઈનું લક્ષ ગયું નહિ.
સાધારણ પરપોટાની પેઠે મોતી ઘડાના જળ ઉપર ક્ષણવાર જણાઈને ડુબી ગયું. સાથે સાથે લીલાવતીનું સાંસારિક સુખ પણ ડૂબી ગયું.
ઘણી વાર થઈ ગઈ, પણ પાત્ર ડૂબ્યું નહિ. જળ પણ વધ્યું નહિ. બધાએ તપાસ કરીને જોયું તો માલુમ પડ્યું કે લીલાવતીના મુગટમાંથી એક નાનું સરખું મોતી ઘડાના છિદ્રમાં ભરાઈ રહ્યું છે. એ કેટલી વારથી ભરાયું છે, કેટલી વાર થયાં છિદ્રોમાંથી પાણી આવતું નથી તે કોઈ નક્કી કરી શક્યું નહિ, એટલે, વિવાહનું શુભ મુહૂર્ત નક્કી કરવાનું કામ પણ અસંભવિત થયું, બધા પ્રયત્ન નિષ્ફળ જવાથી ભાસ્કરાચાર્યને ઘણો શોક થયો.
બનવા કાળને કોઈ રોકી શકતું નથી. વિધાતાના વિધાનનું કોઈ ઉલ્લંઘન કરી શકતું નથી. કર્મોના ફળરૂપે જેને જે દુ:ખ ભોગવવાનું નિર્માણ થયું છે તે ભોગવ્યા વગર છૂટકો નથી, એવા વિચારથી ભાસ્કરાચાર્યે વધારે સંકોચ ન આણતાં લીલાવતીનો વિવાહ કરી દીધો.
વિવાહના થોડા દિવસ પછી લીલાવતી વિધવા થઈ.
પતિ કે સંતાન વગરની અભાગી લીલાવતી શૂન્ય સંસારમાં પોતાનું શૂન્ય જીવન કેવી રીતે ગાળશે, એ વિચારે ભાસ્કરાચાર્યને ઘણા આકુળવ્યાકુળ કર્યા. આખરે એમના મનમાં વિચાર ઊપજ્યો કે, “ઠીક, ત્યારે લીલાવતીને ગણિત, જ્યોતિષ આદિ વિદ્યા શા માટે ન ભણાવું? એકાંતમાં પોતાની મેળે એ વિદ્યાનો અભ્યાસ કરવાથી તેના જીવનની નીરસતા જતી રહેશે.
“ફક્ત પતિસેવા અને સંતાનપાલનની નાની સીમામાં બંધાઈ ન જવાથી લીલાવતીનું જીવનચરિત્ર ઘણું વિશાળ થશે, સાંસારિક સુખભોગથી વંચિત હોવા છતાં પણ જ્ઞાનને લીધે અમર કીર્તિ મેળવ્યાથી લીલાવતીનું આ પાર્થિવ જીવન ધન્ય થશે; લીલાવતીનું વૈધવ્ય દુઃખરૂપ થવાને બદલે ઊલટું તેના મહત્ત્વનું કારણભૂત થઈ પડશે.” આવા આવા વિચારોથી ભાસ્કરાચાર્યે ઘણી કાળજીપૂર્વક લીલાવતીને ગણિત અને જ્યોતિષશાસ્ત્રનું શિક્ષણ આપવું શરૂ કર્યું. એ વિદ્યાઓ ભણવામાં લીલાવતીએ પણ પોતાનું બધું મન પરોવ્યું. થોડા વખતમાં અંકગણિત અને બીજગણિતમાં એ ઘણી જ હોશિયાર થઈ ગઈ. (શાકે ૧૦૭૨, વિ. સં. ૧૨૦૭)
અંકગણિત, બીજગણિત અને જ્યોતિષશાસ્ત્ર સંબંધી ભાસ્કરાચાર્યે ‘સિદ્ધાંત શિરોમણી’ નામનો એક મોટો ગ્રંથ રચ્યો. એ ગ્રંથના ગણિતવિભાગનો મોટો અંશ લીલાવતીનો રચેલો છે. અંકગણિતનું તો નામજ ભાસ્કરાચાર્યે લીલાવતી રાખ્યું છે. પિતા પ્રશ્ન પૂછે છે અને લીલાવતી તેનો ઉત્તર આપે છે; એ પ્રમાણે આખું પુસ્તક રચાયું છે. હિંદુગણિત સંબંધી લીલાવતીના નિયમો યૂરોપ વગેરે દેશમાં પણ પ્રસિદ્ધ છે. ત્યાંના ગણિત જાણનારા પંડિતો પણ પ્રાચીન હિંદુ વિધવાના અંકગણિત અને બીજગણિત સંબંધી નિયમોની પ્રશંસા કરે છે. સાંભળ્યા પ્રમાણે આઠસેં વર્ષો પૂર્વે આ દેશમાં, લીલાવતીએ ગણિત સંબંધી જે ગૂંચવાડાભરેલી સમસ્યાઓના ખુલાસા કર્યા છે, તે ખુલાસા યૂરોપના પંડિતો ફક્ત થોડા સમય પૂર્વે જ શોધી શક્યા છે.
જે ઇચ્છાથી ભાસ્કરાચાર્યે બાળવિધવા કન્યાને વિદ્યાનો શેખ લગાડ્યો તે ઈચ્છા તેમની પૂર્ણ થઈ. પતિપુત્ર સાથે ઘણીએ રમણીઓ સુખમાં સાંસારિક જીવન ગાળે છે, પણ કેટલી સ્ત્રીઓ લીલાવતીની પેઠે જગતમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવીને કીર્તિવતી થઈ શકી છે? યોગ્ય પિતાએ વિધવા બાળાને યોગ્ય વ્રતમાંજ નિમગ્ન કરી, તેને પરિણામે લીલાવતીનું વૈધવ્યજીવન ઘણું ઉચ્ચ નીવડ્યું અને જગતને એ વિદુષી સ્ત્રીના જ્ઞાનથી ઘણો લાભ પહોંચ્યો.
વહાલા આર્ય વાચકો ! તમારામાંથી ઘણાઓના ઘરમાં એવી અનેક બાળવિધવા કન્યાઓ છે. તમારા પ્રયત્નના અભાવે, તમારી ઇચ્છા અને લાગણીના અભાવે આ શૂન્ય સંસારમાં તેઓ શૂન્ય, નીરસ, નિરર્થક અને દારુણ દુ:ખ તથા નિરાશાભર્યું જીવન ગાળે છે. તમારા જ દેશમાં થઈ ગયેલા મહાવિદ્વાન ભાસ્કરાચાર્યે બેસાડેલા દાખલાનું અનુકરણ કરો. તમારી પોતાની પાસે એટલી અનુકૂળતા ન હોય, તો આપણા દેશવાસી બંધુઓ અને બહેનોએ સ્થાપેલાં ‘સેવાસદન’ ‘વનિતાવિશ્રામ’ અને પ્રૉ. કર્વેના ‘વિધવાશ્રમ’ જેવી સંસ્થાઓમાં યોગ્ય શિક્ષકોના હાથમાં તેમને સોંપીને તમારી વિધવા કન્યાઓનાં શૂન્ય જીવનમાં પૂર્ણતા આણી આપો, સંસારમાં તેમના નિષ્ફળ અને નીરસ થઈ ગયેલા જીવનને જગતના હિતમાં કામે લગાડી સફળ કરો!
સ્વામીની સ્મૃતિની સદા પૂજા કરીને, પવિત્ર વિદ્યાના અભ્યાસથી લીલાવતીની પેઠે વૈધવ્યનું સાર્થક કરીને, તમારા ઘરમાંની બાળવિધવાઓ પણ આપણા હત્ભાગ્ય દેશનું મુખ ઉજ્જવલ કરે, એજ અમારી જગન્નિયંતા પ્રત્યે પ્રાર્થના છે.