રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/વિજ્જકા
← મોરિકા | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો વિજ્જકા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
શિલા ભટ્ટારિકા → |
११६–विज्जका
સંસ્કૃત સાહિત્યમાં પ્રતિભાશાળી સ્ત્રીકવિઓમાં વિજ્જકાનું નામ ઘણું પ્રસિદ્ધ છે. એની રસભરી કવિતાનો સ્વાદ ચાખ્યાથી સહૃદય વાચકોના હૃદયમાં આનંદની લહરીઓ નાચવા લાગે છે. વાસ્તવમાં એનાં એ મીઠાં પદો ઉપરથી એની ઉજ્જવલ પ્રતિભાનો પરિચય મળી આવે છે. દિલગીરીની વાત એટલી છે કે એનાં બધાં કાવ્યો મળી આવતાં નથી. સંસ્કૃત કાવ્યના સંગ્રહરૂપ જે ગ્રંથોમાં એની કેટલીક કવિતાઓ સચવાઈ રહી છે, એ પ્રતિભાસંપન્ન સ્ત્રીકવિના જીવનની ઘટનાઓ પણ અભેદ્ય અંધકારના પડદામાં છૂપાઈ રહી છે.
એનું નામ અનેક પ્રકારે સંસ્કૃત સાહિત્યમાં મળી આવે છે, વિજ્જકા, વિજ્જાકા, વિદ્યા વગેરે, પણ એ બધાં વિજ્જકાનાં રૂપાંતર હોય એમ લાગે છે. વિજ્જકા પરમ વિદુષી હતી અને સંસ્કૃત ભાષામાં સારી કવિતા લખી શકતી. સાધારણ રીતે કવિઓમાં અહંકારની માત્રા અધિક હોય છે. પોતાની શક્તિ બીજા કરતાં વધારે સારી છે એવો એમને ફાંકો હોય છે. વિજ્જકા પણ એ દોષથી ખાલી નહોતી. શારંગધર પદ્ધતિમાં ટાંકેલા એક પદ્યમાં વિજ્જકાએ મહાકવિ દાણ્ડીની ઝાટકણી કાઢી છે. એ પ્રસિદ્ધ પદ્ય નીચે પ્રમાણે છેઃ
नीलोत्पलदलश्यामां विज्जकां मामजानता |
वृथैव दण्डिनी प्रोक्तं “सर्वशुक्ला सरस्वती” ॥
પદ્યનું ચોથું ચરણ કાવ્યાદર્શના મંગલાચરણશ્લોકનું પાદ છે. વિજ્જકા કહે છે કે, “ભૂરા કમળના પાંદડાના જેવા શ્યામ રંગવાળી મને જોયા વગરજ દણ્ડીએ નકામી સરસ્વતીને સર્વશુક્લા કહી છે.” આ અભિમાનના વચન ઉપરથી એના અસાધારણ પાંડિત્યની ખબર પડે છે અને તે સાથે એક ઐતિહાસિક વાત એ પણ જણાય છે કે વિજ્જકાનો જન્મ દણ્ડીની ૫છી થયેલો હોવો જોઈએ. કેટલા સમય પછી તે ચોક્કસપણે કહી શકાતું નથી.
વિજ્જકાનાં કેટલાંક પદ્યોને અલંકારશાસ્ત્રનાં સંસ્કૃત ગ્રંથમાં દાખલારૂપે ટાંકવામાં આવ્યાં છે. મમ્મટાચાર્યે પોતાના શબ્દવ્યાપાર વિચારમાં એના બે શ્લોક ઉતાર્યા છે. કાવ્યપ્રકાશના ચોથા ઉલ્લાસમાં પણ એનું એક પદ્ય ઉદાહરણરૂપે આપવામાં આવ્યું છે. જે જે ગ્રંથોમાં એનાં પદ્ય ઉદાહરણરૂપે આપવામાં આવ્યાં છે, તે ગ્રંથકારોના સમય ઉપરથી અનુમાન કરાય છે કે વિજ્જકાનો આવિર્ભાવ આશરે ઈ○ સ○ ૭૧૦ અને ૮૫૦ની વચમાં થયેલ હોવો જોઈએ. વિજ્જકાનો જન્મ કદાચ દક્ષિણ દેશમાં થયો હોય એમ પણ અનુમાન થાય છે.
એની ઘણી ખરી કવિતામાં શૃંગાર રસ મુખ્ય છે. ભાવ બંધબેસ્તો રાખવામાં આવે છે. સ્વાભાવોક્તિ ઘણી હોય છે.
એનાં કાવ્યનો રસ પણ જરા ચાખી લો:—
कवेरभिप्रायमशब्दगोचरं स्फुरन्तमार्द्रेषु पदेषु केवलम् ।
वदभ्दिरङ्गैः कृतरोमचिक्रियैर्जनस्य तूष्णीं भवतोऽयमंजलिः ।।
સારાંશ કે:—
“શબ્દોમાં ગોચર ન થાય એવું કવિના કાવ્યનું રહસ્ય કેવળ મૃદુ પદમાંજ સ્ફુરેલું હોય છે, માટે કવિના ગૂઢ અભિપ્રાયને જાણીને જે કોઈ રસિક શબ્દ દ્વારા કાવ્યાનંદની સૂચના નથી આપતો, પરંતુ ચૂપચાપ બેસી રહેવા છતાં પણ જેના રોમાંચિત અવયવ એના હૃદયમાં મચી રહેલી આનંદલહરીને સાફ શબ્દમાં સૂચવે છે તેજ ખરો રસિક છે અને એવા રસિક શિરામણિને હું પ્રણામ કરું છું.”
બીજા એક શ્લોકમાં કહે છે કે, “હે ચંપાના છોડ ! તને કોણે આ વાડીમાં રોપ્યો છે? જાણતો નથી કે એની આસપાસ દુષ્ટ જનોની વસ્તી છે, કે ઊગેલા નવા શાકમાં વધારો કરવાના લોભ ખાતર ગાયે ભાંગેલી વાડ સમી કરવાને લાચક તારાં પલ્લવને એ લોકો ગણે છે.”
ડાંગર છડવાનું વિજ્જકાએ સુંદર અને સ્વાભાવિક વર્ણન કર્યું છે. સ્ત્રીઓ ચીકણા તથા સુંદર સાંબેલાથી ડાંગર છડી રહી છે. એ કાર્યમાં એમના ચંચળ હાથ ચાલવાથી ચૂડીઓ પરસ્પર અથડાય છે, જેથી ઘણો જ રમણીય અવાજ ઉત્પન્ન થાય છે. તેઓ વચમાં મનોહર ‘હુંં કાર’ કરી રહી છે. એમનું ઉરસ્થળ ઘણુંજ કંપી રહ્યું છે. તાલસ્વરથી યુક્ત એ ડાંગર છડનારીઓનાં ગીત કેવાં મનોહર લાગે છે!
વિરહિણીનું વર્ણન એ નીચેના શબ્દોમાં કરે છે. એ પોતાની પ્રિય સખીને કહે છેઃ “હે સખિ ! પ્રેમનું બંધન ઢીલું પડી ગયું, હૃદયનું બહુમાન પણ ગળી ગયું, સારો ભાવ પણ હૃદયમાંથી ખસી ગયો અને સાધારણ માણસની પેઠે પ્રાણપ્યારા પણ ચાલ્યા; ચાલ્યા ગયા એટલું જ નહિ પણ આટલા દિવસ પણ વહી ગયા, તો હવે વહાલી બહેન ! કયા સુખની આશામાં આ હૃદયના ટુકડેટુકડા નથી થઈ જતા ! એજ હું વિચારી રહી છું, અર્થાત્ એવી દશામાં મરણજ શ્રેષ્ઠ છે.
વિપત્તિમાં પડેલી એક નાયિકા પોતાની સખીને નીચેના શબ્દોમાં કહે છેઃ “પ્રિય સખિ ! ચતુર કુંભારની પેઠે બ્રહ્મા ચિંંતા-રૂપી ચાક ઉપર માટીના ગોળાની પેઠે મારા મનને પરાણે મૂકીને વિપત્તિના દંડાની અણીથી મને જોરથી ફેરવી રહ્યા છે. જેવી રીતે કુંભાર માટીના લોંદાને ચાક ઉપર ખૂબ ફેરવે છે અને પછી જે ઘાટ બનાવવો હોય તેવો બનાવે છે, તેવી જ રીતે બ્રહ્મા પણ ચિંંતાના ચાક ઉપર મારા મનને ફેરવી રહ્યા છે. કોણ જાણે હવે શું બનાવશે? ” વિપત્તિમાં ચિંંતાગ્રસ્ત અબળાનું કેવું સુંદર ચિત્ર છે!
તળાવની દુર્દશા દેખીને એનું હૃદય દ્રવે છે અને એ સુકુમારી લખે છે: “મદોન્મત્ત દિગ્ગજ, હાથીઓના મદથી લિપ્ત ગંડસ્થળો ધોવાયાથી ક્ષુબ્ધ થયેલા જેના નિર્મળ તરંગો વગર રોકાયે આકાશની સીમામાં વિચરણ કરતા હતા, એજ તળાવનું જળ વખત બદલાતાં આજે એક બગલાના ચાલ્યાથી પણ બગડી જાય છે. ઘણા દુઃખની વાત છે. ભાગ્યના પરિવર્તનથી તળાવની આ દશા થઈ છે.”
આવા અનેક ઉચ્ચ ભાવ અને કલ્પનાવાળા શ્લોકો વિજ્જકાના રચેલા છે. કેટલાક વિદ્વાનોનું અનુમાન છે કે ‘વિજ્જકા’ અને કર્ણાકી ‘વિજયા’, જેણે વૈદર્ભી પદ્ધતિ પ્રમાણે શ્લોક ૨ચ્ચા છે અને જેને કાલિદાસ સાથે સરખાવીને રાજશેખર કવિએ ખૂબ વખાણી છે, તે બન્ને એક જ વ્યક્તિ છે. ફૂલકેશી બીજાના મોડા રાજકુમાર ચંદ્રાદિત્યની મહારાણી ‘વિજય ભટ્ટારિકા અને આ વિજ્જકાને એક માનીને એનો સમય ઈ. સ. ૬૬૦ નો માનવામાં આવ્યો છે; કેમકે વિજય ભટ્ટારિકાના લેખ એજ સમયના મળી આવે છે. કેટલાક વિદ્વાન એથી ઊલટો વિચાર ધરાવીને બન્નેને જુદી વ્યક્તિઓ માને છે. ગમે તે હો ! વિજ્જકા એક ઉચ્ચ પ્રકારની કાવ્યશક્તિ ધરાવનારી મહિલા હતી એ નિર્વિવાદ છે.*[૧]
- ↑ * આ તથા મોરિકા અને ફલ્ગુહસ્તિનીનાં ચરિત્રો સ્વ○ સાક્ષર રણજિતરામ વાવાભાઈ મહેતા અને પં. બલદેવ ઉપાધ્યાયના કવયિત્રી સંબંધી લેખ ઉપરથી લખવામાં આવ્યાં છે. –પ્રયોજક