રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/સતી નાગમતી

← કર્મદેવી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
સતી નાગમતી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુલતાના રઝિયાબેગમ →


१३७–सती नागमती

ચ્છ દેશના “વાગડ” પ્રાંતના અગ્નિ ખૂણામાં “કાનમેર” નામનો એક જૂનો પહાડી કિલ્લો છે, એ કિલ્લામાં ઈ○ સ○ ની અગિયારમી સદીમાં કાનસૂવો ભેડો નામનો એક બળવાન કાઠી રાજા રાજ્ય કરતો હતો. પ૦ વર્ષની વય સુધીમાં તેને કોઈ સંતાન થયું નહોતું. તેની રાણી પણ આધેડ થઈ ચૂકી હતી. પુત્રની કામનાથી રાણીએ ખેતરપાળ નાગદેવતાની બાધા રાખી અને તેનું પૂજન કર્યું. તેની કૃપાથી એને મોટી વયે એક પુત્રી અવતરી. વાંઝિયાપણું ટળ્યું તેથી રાજારાણીના હર્ષનો પાર રહ્યો નહિ. નાગદેવતાની પ્રસાદીરૂપ ગણીને તેમણે કન્યાનું નામ નાગમતી પાડ્યું. એ કન્યાનું લાલનપાલન ઘણા પ્રેમથી થવા માંડ્યું; એટલું જ નહિ પણ યોગ્ય સમયે તેને સારૂં શિક્ષણ આપવાનો પણ બંદોબસ્ત કરવામાં આવ્યો. વયની સાથે એના સૌંદર્ય અને સદ્‌ગુણ બંન્નેનો વિકાસ થવા લાગ્યો. એ સમયના લોકો એમ માનવા લાગ્યા કે, કાનસૂવા ભેડાને ઘેર દેવાંશી નાગકન્યાએ જન્મ લીધો છે.

નાગમતીના રૂપલાવણ્ય તથા ગુણની કીર્તિ ચારે તરફના પ્રદેશમાં ફેલાઈ જતાં વાર લાગી નહિ. અનેક રાજકુમારો એને પરણવાની આશા બાંધવા લાગ્યા, અનેક રાજ્યો તરફથી નાગમતીને માટે માગાં આવવા માંડ્યાં, પરંતુ કાનસૂવાએ પુત્રીને વરાવવા માટે એક વિચિત્રજ શરત રાખી હતી. તેણે બધાને ઉત્તર વાળ્યા કે, “હું મારા દેશની ખેતીની ઉન્નતિ કરવા માગું છું, માટે જે કોઈ ખેતીની કળામાં સૌથી સારૂં જ્ઞાન અને અનુભવ ધરાવતું હશે તેનેજ હું મારી પ્રિય કન્યા વરાવીશ.” આ શરત બહાર પડતાં અનેક યુવકો વાગડમાં આવીને ખેતીનું શિક્ષણ લેવા લાગ્યા. ખેતીના જ્ઞાનની પરીક્ષા એવી હતી કે, એક પ્રાજા (સરકારી માપના આઠ એકર બરોબર જમીન) જમીનના સમચોરસ ખેતરમાં સાંતીડાનો તદ્દન સીધો ચાસ કાઢવો કે જેથી ચાસની વચ્ચે એક શેઢે મૂકેલી સોપારી બીજે સેઢેથી જોઈ શકાય. રાજાએ ઉમેદવારોને ખેતીનાં સાધનો પૂરાં પાડ્યાં તથા યોગ્ય સૂચનાઓ પણ આપી. જાતે કોઈ કોઈ વખત તેમનું કાર્ય તપાસી પણ આવતો.

થોડા સમયમાં દેશમાં દુકાળ પડ્યો. મૂળે તો કચ્છમાં વરસાદ ઓછો પડે છે, તેમાં એ વર્ષે વરસાદ બિલકુલ નહિ પડવાથી પાણીના પણ સાંસા પડવા લાગ્યા. લોકો ઢોર તથા કુટુંબીઓને લઈને આસપાસના પ્રદેશમાં નાસવા લાગ્યા.

કાનસૂડો પણ સૌરાષ્ટ્રમાં સમિયાણા નામના રાજ્યમાં પોતાનાં ઢોરને લઈ જઈને સપરિવાર રહ્યો.

સમિયાણાનો રાજા ઘમ્મરવાળો એક રાજનીતિકુશળ અને ધર્મનિષ્ઠાવાળો દયાળુ રાજા હતો. એની રૈયતે નવા આવેલા લોકોને પોતાની સીમામાં ન આવવા દેવાનો ઘણો આગ્રહ કર્યો; પણ ઘમ્મરવાળો સમજુ રાજા હતા. એણે તપાસ કરાવી અને કાનસૂડો એક કુલીન રાજા છે અને વખાનો માર્યો આશ્રય લેવા આવ્યો છે, એ વાત જાણતાં એ એને મળવા સારૂ પાદરે ગયો. ભેડા રાજાએ તેનો ઘણો આદરસત્કાર કર્યો અને પોતાને ત્યાં ભોજન કરવાનો આગ્રહ કર્યો. ઘમ્મરવાળાને તેના આગ્રહને માન આપવું જ પડ્યું. ભોજન પ્રસંગે ઘમ્મરવાળાને નાગમતીને જોવાનો પ્રસંગ આવ્યો. તેનું રૂપ તથા સુશીલતા જોઈને એને એ કન્યાને પોતાની પુત્રવધૂ બનાવવાની અભિલાષા થઈ. ભેડા રાજાના નિવાસ માટે અનેક સગવડો કરી આપીને તે પાછો ફર્યો.

ઘમ્મરવાળાના પુત્ર નાગવાળાને કાને નાગમતીના રૂપ તથા ગુણની પ્રશંસા પહોંચી ચૂકી હતી. એ સુંદર કન્યાને જોવાની તેને પણ ઈચ્છા થઇ.

એક દિવસ તે સરોવરકાંઠે ફરવા ગયો હતો, ત્યાં એણે નાગમતીને સ્નાન કરતી જોઈ. તેની કાકી જે પ્રૌઢ વયની હતી તે કિનારે બેસીને તેનાં વસ્ત્ર સાચવતી હતી. નાગમતીનું સૌંદર્ય પ્રત્યક્ષ જોઈને કુમાર મુગ્ધ થઈ ગયો. નાગમતીના હૃદયમાં પણ કુમાર નાગવાળાને જોતાં એકદમ પ્રેમનો સંચાર થયો. બન્નેનાં નેત્ર ઉપરથી પ્રૌઢ કાકી તેમનો મનોભાવ સમજી ગઈ, તેને ખબર હતી કે, નાગવાળાને આલણદે નામની પત્ની હતી, તેથી તેણે કુંવરને ઠપકો આપતાં કહ્યું :—

“ઘેરી ઘોડાં વાર, અતડેથી ઉતારમાં;
ઘર આણલદે નાર, નાગમતી શું ન્યાળિયે ?”

નાગવાળો શરમાઈને ત્યાંથી ચાલ્યો ગયો. એનું ચિત્ત હવે કાબુમાં નહોતું. કોઈ કામમાં એને ગોઠતું નહિ; તેની પત્ની આલણદેને એ ઉપરથી શંકા પડી કે પતિનું ચિત્ત કોઈ પ્રમદાએ ચોર્યું છે. તેણે પતિને પૂછ્યું:—

“નાગડા ! કાં ઉપરાંઠો સૂએ, નખેં ચીતરે ભીંત ?
ગૂંથી રૂપાળી ગોરડી, (તેને) કયી ચડી છે ચિત્ત ?”

નાગવાળો તેના ઉત્તરમાં તબિયત ખરાબ હોવાનું બહાનું બતાવી તેની વાત ઉડાવી દેતો.

આખરે એક દિવસ તેણે સાહસ કરીને નાગમતીના પિતાની મુલાકાત લીધી અને વિનયપૂર્વક નાગમતીના હાથની માગણી કરી. નાગવાળાનાં શૌર્ય, વિનય વગેરે ગુણોથી ભેડા રાજા પરિચિત હતો. એવા નરને પિતાની કન્યાનું દાન કર્યાથી કન્યાનું જીવન સુધરશે, એવી એને ખાતરી હતી; છતાં પોતાની પ્રતિજ્ઞા ઉપર તે દૃઢ હતો. નાગવાળાને પણ તેણે એજ પ્રતિજ્ઞા જણાવી. રાજકુમારને માટે રાજ્ય તજી ખેતીના જ્ઞાનની પરીક્ષા આપવા જવું એ લજ્જાસ્પદ હતું, એટલે નાગવાળો નિરાશ થઈ પાછો આવ્યો.

એક દિવસ પ્રાતઃકાળે નાગમતી પોતાની પ્રૌઢ સખી કસ્તૂરી સાથે સરોવરમાં સ્નાન કરવા સારૂ ગઈ હતી, એવામાં નાગવાળો પણ ત્યાં જઈ ચડ્યો અને ઘોડાસહિત સરોવરમાં ગયો. નાગમતીની અને તેની દૃષ્ટિ એક થઈ. નાગમતીને ઘણી વાર સુધી જોવાનો પ્રસંગ મળે તેટલા માટે તેણે પોતાની આંગળી ઉપરનો સોનાનો કિંમતી વેઢ પાણીમાં નાખી દીધો અને પછી એ વેઢ કાઢી આપવાને નાગમતીને પ્રાર્થના કરી, નાગમતી તરવાની કળામાં કુશળ હતી. એ ડૂબકી મારીને સરોવરમાંથી વેઢ શેાધવા લાગી. યુવક-યુવતીની આ પ્રેમચેષ્ટાઓ નાગવાળાની પત્ની આલણદે છાનીમાની તળાવકાઠે આવીને જોઈ રહી હતી. એની આંખમાંથી ઝેર વરસવા લાગ્યું. પોતે આવી છે અને એમની ચેષ્ટા જોઈ લીધી છે એ સૂચવવા સારૂ એણે એક સોરઠો કહ્યો :—

“જળ તરસ્યો જુવાન, જળ દેખી જળમાં પડ્યો;
ભિંજે પાખર (ને) પલાણ, (તોય)નેણે હેરે નાગમતી તણાં.”

પત્નીનો આ ઠપકો સાંભળી નાગવાળો શરમાઈ ગયો. તેના મુખમાંથી એક શબ્દ નીકળ્યો નહિ, એટલે રૂપનું અભિમાન ધરાવતી આલણદેએ કહ્યું :—

“આભા મંડન વીજળી, ધરતી મંડન મેહ;
નરા મંડન નાગડો (ત્યમ) સ્ત્રિયાં આલણદેહ.”

અર્થાત્ મારા જેવી સુંદર સ્ત્રી બીજી કોઈ નથી છતાં, તું શા સારૂ આમ ફાંફાં મારે છે ? હવે નાગવાળાથી ચૂપ રહેવાયું નહિ. એણે ઉત્તર આપ્યો-

“આલણદે એંકાર (તે) કાયાનો કરિયે નહિ;
(ઈ) ઘડિયલ કાચો ધાર (તે) માટીમાં જાશે મળી.”

હવે આલણદેનો ગુસ્સો નાગમતી ઉપર ઉતરી પડ્યો. તેણે એ નિર્દોષ કન્યાને ઘણાં મેણાં માર્યાં.

નાગમતીએ વિનયપૂર્વક ઉત્તર આપ્યો કે, “બહેન ! હું તમારા પતિને બોલાવવા નહોતી ગઈ, એ અહીં આવ્યા અને એમનો વેઢ પાણીમાં પડી ગયો. હું તેને શોધી રહી છું. ચાલો, તમે પણ આવો તો આપણે બન્ને મળીને શેાધી કાઢીએ ! આલણદે એ સાંભળતાંજ પાણીમાં પડી અને તેનો ચોટલો પકડીને ખૂબ મારવા લાગી. નાગવાળાએ તેને એમ કરતાં વારી; પણ તેણે નજ માન્યું, ત્યારે આખરે નાગવાળાએ પત્નીને એક ચાબુક ખેંચી કાઢ્યો. આલણદે એ સોળને પંપાળવા લાગી, એટલે નાગમતી પોતાની દાસી સાથે ત્યાંથી ચાલી ગઈ. નાગવાળો પણ ઘોડો દોડાવતો મહેલમાં ગયો.

આજના બનાવથી આલણદેને નાગમતી ઉપર પુષ્કળ ક્રોધ ઊપજ્યો. પોતાના અપમાનનો બદલો લેવાનો એણે નિશ્ચય કર્યો અને એને મારી નાખવા માટે કેટલાંક માણસોને તૈયાર કર્યા.

કાનસૂવા ભેડાએ હવે બીજા પ્રદેશમાં જવાનો નિશ્ચય કર્યો હતો. નાગમતીએ જતા પહેલાં પ્રિયતમની છેલ્લી મુલાકાત લેવાનો વિચાર કર્યો. પિતાની આજ્ઞા લઈ, કસ્તૂરી કાકી તથા બીજી દાસીઓને સાથે લઈ રથમાં બેસી તે ગામ જેવા ગઈ, ત્યાં આગળ બજારમાં નાગવાળાનાં તેને દર્શન થયાં. નાગમતીએ એક દૂહો લખીને કસ્તૂરી કાકીને હાથે તેને પહોંચાડ્યો :—

“(અમે) આવેલ ઉભે દેશ, (પણ) કો ગંજો (ગામ) ગમિયો નહિ;
(પણ) નાગડા ! તારે નેશ, (અમારે) મનડે માળો ઘાલિયો !”

આ સોરઠો વાંચીને નાગવાળો પ્રસન્ન થયો, પરંતુ પોતાની સાથે વરવામાં જે જોખમ રહેલું હતું, તે સુકુમાર અને પરતંત્ર નાગમતી નહિ ઉઠાવી શકે એમ ધારીને એણે નિરાશાજનક ઉત્તર લખ્યો. એ વાંચીને નાગમતીએ પુનઃ લખ્યું :—

“નાગડા ! નાની મ જાણ, મોટાથી પણ મત ઘણી;
કેદિક પડશે કામ (તે દી) નોરા કરસો નાગડા !”

આટલું વાંચ્યા છતાં પણ નાગવાળાએ ઉત્તેજક ઉત્તર ન આપ્યો, ત્યારે નાગમતીએ જણાવ્યું કે, “આપણે પૂર્વજન્મનાં પતિ પત્ની છીએ. આપણો સંબંધ કાંઈ નવો નથી.

“જે દી તમે નાગપાર, તે દી અમે નાગની;
(પણ) કાળજે મારે કટાર, (તે દી) સંજોગ આપણો નાગડો !
તમે પાણી અમે પાળ, તે આઠે પહોર આ હટતાં;
તે ધુંની ટાઢાર, (આ) નવી નથી કંઇ નાગડા !”

હવે નાગવાળાએ પ્રતિજ્ઞા કરી કે હું છ મહિનામાં તેને મારી પત્ની બનાવીશ.

નાગમતી પ્રસન્ન થઈને પોતાને મુકામે પાછી ફરી.

નાગવાળાનું ચિત્ત હવે કશામાં ચોટતું નહિ. ગમે તે પ્રયાસે નાગમતીને પ્રાપ્ત કરવી, એજ એના જીવનનો એક માત્ર ઉદ્દેશ બન્યો. એક દિવસે યોગ્ય પ્રસંગ જોઈને તેણે પ્રવાસે જવાની પિતાની આજ્ઞા માગી.

એકના એક પુત્રને દેશાવર મોકલતાં પિતાનો જીવ ચાલ્યો નહિ, એટલે નાગવાળાએ કહ્યું: “પિતાજી ! આપ મારી ચિંતા ન કરશો. બાલ્યાવસ્થામાં મેં આંગણામાં એક ચંપાનું વૃક્ષ રોપ્યું છે. તે વૃક્ષને મારા જીવન સાથે સંબંધ છે. મારા જીવનનો અંત આવશે ત્યારે એ વૃક્ષ પણ સુકાઈ જશે. મને મારા પૂર્વજન્મનું સ્મરણ છે. આપની ગાદીએ આવતાં પહેલાં મારે પૂર્વજન્મનું એક ઋણ અદા કરવાનું છે. એ કાર્ય પાર પાડી હું પાછો આપની સેવામાં હાજર થઈશ.”

પિતાએ હવે પ્રસન્નતાથી પુત્રને આશીર્વાદપૂર્વક રજા આપી. નાગવાળો પોતાના પાણીદાર ઘોડા ઉપર સવાર થઈને નાગમતીના પિતાના ઉતારા ભણી ગયો. ત્યાં જતાં ખબર પડી કે એ લોકો તો વહેલાં કૂચ કરી ગયાં છે. કુમાર એમની પાછળ પાછળ ભેડાની રાજધાની કાનમેર ગયો. ત્યાં એને ખબર પડી કે કાનમેરમાં હવે વ૨સાદ સારો વરસવાથી નાગમતીને વરવા સારૂ અનેક ઉમેદવારો ખેતી કરવા સારૂ ત્યાં આવીને હાજર થયા છે. નાગમતીને પ્રાપ્ત કરવાના અભિલાષમાં એ બધા રાજકુમારો સાધારણ ખેડૂતનું કામ કરતા, એટલું જ નહિ પણ ખેડૂતની પેઠે જ છાશ અને રોટલાનું સાદું ભોજન કરતા અને સરળ જીવન ગાળતા. રાજમહેલમાંથી છાશ અને રોટલાનું ભોજન ગાડામાં ભરાઈને એમને સારૂ આવતું અને બધા આનંદપૂર્વક એ સાદો આહાર કરતા. નાગવાળો પણ એ ઉમેદવારવર્ગમાં દાખલ થયો અને ધીમે ધીમે કૃષિકર્મની બારાખડી શીખવા લાગ્યો.

રિવાજ પ્રમાણે ગાડામાં બધાને સારૂ ભોજન આવ્યું. નાગવાળાએ એ ભોજન ખાવાની ના કહી. તે ઉપરથી બીજા યુવકોએ મશ્કરી કરી કે, “ભાઈ ! એ તો આપણી પઠે નહિ ખાય. એને તો નાગમતી ભાત લાવી આપશે ત્યારે ખાશે.” કુમારે કાંઈ ઉત્તર ન દીધો અને ત્રણ ચાર દિવસ નિરાહારજ રહ્યો. આ સમાચાર નાગમતીને કાને પહોંચ્યા એટલે તેણે કસ્તૂરી કાકીને ભોજન લઈને મોકલી. નાગવાળાએ કસ્તૂરીને ઓળખી અને કહ્યું કે, “મારી પ્રતિજ્ઞા છે કે નાગમતી આવીને પોતાને હાથે જમાડે તો જમવું.”

કસ્તૂરીએ જઈને નાગમતીને એ સંદેશો કહ્યો. નાગમતી પોતાને હાથે સુંદર રસોઈ બનાવીને રથમાં બેસીને ખેતરમાં ગઈ. તેને જોઈને અનેક યુવકો આગળ આવ્યા. કસ્તૂરીએ તેમની આગળ ખુલાસો કર્યો કે, “પેલો ગાંડો રજપૂત પાંચ દિવસથી જમ્યો નથી, તેને જમાડવા રાજકુમારી આવ્યાં છે; માટે તમે બધા અહીંથી ચાલ્યા જાઓ.” નાગવાળાનું ધૂળથી ખરડાયલું શરીર તથા ઉજાગરાથી લાલચોળ થયેલી આંખો જોઈને નાગમતીને ઘણું લાગી આવ્યું. પોતાની ખાતર આ સુકુમાર રાજપુત્રને આવું સંકટ વેઠવું પડે છે, એ વિચારથી એનું હૃદય ભરાઈ આવ્યું. તે નાગવાળાને હળ છોડાવી દઇને એક વૃક્ષની પાસે લઈ ગઈ. નાગવાળાએ દાતણ કર્યું નહોતું, એટલે પોતાના કોમળ હસ્તવડે બાવળનું તાજું દાતણ તોડીને નાગવાળાને આપ્યું તથા સ્વચ્છ જળ આપીને મુખ ધોવડાવીને, ભોજન કરવાનો આગ્રહ કર્યો. નાગવાળાએ કહ્યું કે, “મારી પ્રતિજ્ઞા છે કે, તું જમાડે તો જ જમું.” નાગમતીએ પ્રેમપૂર્વક પોતાને હાથે તેને જમાડ્યો. ત્યાર પછી બન્ને જણાં વચ્ચે પ્રેમની ઘણી વાતો થઈ અને એ સંકેત નક્કી થયો કે આવતીકાલે શરદપૂર્ણિમાની રાતે મધ્ય રાત્રે ચંદ્ર બરોબર આકાશમાં આવે તે વખતે, નાગવાળાએ બે પાણીદાર અશ્વસહિત સરોવરકિનારાના શિવાલયમાં હાજર રહેવું. નાગમતીએ મહેલમાંથી ગુપ્તપણે નીકળી, એ સમયે શિવાલયમાં પહોંચવું અને ત્યાંથી બન્ને જણાંએ કોઈ ન જાણે એ રીતે વાગડની સીમાની બહાર ચાલ્યાં જવું.

પૂર્ણિમાની રાત્રિ આવી પહોંચી. નાગમતીએ સાથે લઈ જવા યોગ્ય ધન, અલંકાર, વસ્ત્ર તથા જરૂરી સામાન એક પોટલામાં કમરે બાંધી લીધાં. સાથે એક તલવાર અને કટાર પણ આત્મરક્ષણ સારૂ રાખી, મહેલની બારીએ એક રેશમની દોરી બાંધીને તેને આધારે નીચે ઉતરી પડી. કસ્તૂરી દાસીએ તેના ગયા પછી એ દોરી છોડી લઈને બાળી નાખી.

નાગમતી શહેરમાંથી નીકળી કિલ્લા પાસે આવી તો દરવાન દરવાજો બંધ કરીને સૂતો હતો. કસ્તૂરીએ પ્રથમથી એવી યોજના કરી હતી કે નાગમતીના પહોંચતાંવાર દરવાન દરવાજો ઉઘાડી દે; પણ છેલ્લી ઘડીએ દરવાન બદલાઈ ગયો. હવે એ કિલ્લાની પાસેના એક વૃક્ષ ઉપર ચઢી અને એના ઉપરથી છલંગ મારીને કોટની રંગ ઉપર આવી. હવે ત્યાંથી નીચે શી રીતે ઊતરવું એ મહાપ્રશ્ન હતો. આખરે એ વીર કન્યાએ પોતાની રેશમી સાડી કોટની રાંગમાંના બંદુકની ગોળી મારવાના એક છિદ્રમાં બાંધી અને એ સાડી પકડીને નીચે ઊતરી. સાડી ટૂંકી હતી, એટલે નાગમતીને જરાક ઊંચેથી ભૂસકો મારવો પડ્યો. એમ કરવાથી એના કોમળ અંગને ઈજા થઈ અને થોડી વાર મૂર્છા પણ આવી; પરંતુ ભાન આવતાં તે તરતજ પોતાના પ્રેમી નાગવાળાને મળવા ચાલી; પરંતુ આમ કરવામાં ધાર્યા કરતાં ઘણો વધારે સમય ચાલ્યો ગયો હતો. નાગવાળાએ નાગમતીને કહ્યું હતું કે, “મધ્યરાત્રી પછી તું જો નહિ આવે તો હું પ્રાણત્યાગ કરીશ.” નાગવાળો આતુરતાથી પ્રિયાની વાટ જોતો હતો, પરંતુ મધ્યરાત્રિનો સમય વીતી ગયો હતો અને પાછલા પહોરનો આરંભ થવા લાગ્યો હતો. નાગમતી વાયદા પ્રમાણે દોડતી પાવડિયારાના શિવમંદિરમાં ગઈ. ત્યાં જુએ છે તો બે ઘોડા બહાર બાંધેલા છે અને મહાદેવનું મંદિર અંદરથી બંધ છે. પ્રેમવિહ્‌વળા રાજકન્યાએ ઘણીએ બૂમો પાડી, પણ કાંઈ ઉત્તર ન મળ્યો. એણે કહ્યું :——

“વાળા ! જોતાં વાટ, નખતર પતિ નમી ગિયો;
(પણ) કરમેં આ કચવાટ, (મેં) નર નિરખ્યો નહિ નાગડો.”

ધક્કા મારીને બારણાં હચમચાવ્યાં, પણ કાંઈજ ઉત્તર ન મળ્યો. હવે તેના સ્નેહાળ હૃદયમાં શંકા થવા લાગી કે, નાગવાળાએ આત્મહત્યા તો નહિ કરી હોય ! એણે ફરીથી કહ્યું :—

“દરશનિયાં દે નાગ ! (હું) મોહન ! વગાડું મોરલી;
પણ કરમે કાળા ડાઘ ! મેં નર નિરખ્યો નહિ નાગડો !
દિન ઉગે દેવળ ચડાં, જેઉં વાલારી વાટ;
(પણ) આતમમાં ઉચાટ, (મન) નેણાવાળો નાગડો.!”

એને શંકા થઈ કે, નાગવાળો આ સરોવરમાં પાણી પીવા ગયો હોય અને એમાં સરી પડ્યો હોય તો ! તેથી તે બોલી:—

“નાગ નિસરણી નાખ, (અમે) કિયે આરે જઈ ઉતરિયે ?
પાવડિયારાની પાળ, (અમે) નરજ ગુમાવ્યો નાગડો.”

સરોવરની ચારે તરફ ફરતાં નાગવાળાનાં પદચિહ્‌ન કહીં પણ દેખાયાં નહિ, એટલે એ શિખરના પથ્થર કાઢીને મુશ્કેલીથી દહેરામાં ઊતરી, તો નાગવાળાને પેટમાં કટાર ખોસીને મરણ પામેલો જોયો. આખું મંદિર લોહીલોહાણ થયેલું હતું. હાય ! નાગવાળાએ પોતાની પ્રતિજ્ઞા પાળવામાં બહુજ જલદી કરી હતી. પ્રિયાને આવવામાં અણધાર્યાં વિઘ્નો નડ્યાં અને તેને લીધે સહેજ વિલંબ થયો, પણ વાળાના અનુભવશૂન્ય હૃદયમાં એથી ઘણી શંકાઓ ઉત્પન્ન થઈ. એને લાગ્યું કે, નાગમતીએ મારા વિશ્વાસનો ભંગ કર્યો છે. એમ ધારીને તેણે પોતાના જીવનનો અંત આણ્યો હતો.

નાગમતીના શોકનો પાર રહ્યો નહિ. સંગની પ્રથમ રાત્રીએ—અરે સંયોગ પહેલાં જ વિયોગ–ચિરવિયોગનું અસહ્ય દુઃખ ભોગવવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. એણે હૃદય ચીરી નાખે એવો વિલાપ કરવા માંડ્યો :—

“ નાગડા ! નાગરવેલ, (તે) થડમાંથી થાહિયેં નહિ;
પણ કટકો કુપળ મેલ, અમે આશાભર્યા આવિયાં.

***

નાગડા ! નાગરવેલ, પોળી પાથરિયે નહિ;
મોરલિયું મા મેલ, (તેને) નાટક રમાડું નાગડા.

***

નાગડા નાગરવેલ, તું કૌં રાફડ રોકી પેઓ ?
નીકળ નીકળને છેલ, હું વાદણ વગાડું મોરલી.”

નાગરવેલનું મૂળ નામ ‘નાગલતા’ છે, તેથી નાગમતી કહે છે કે, “હું નાગવલ્લી જેવી તારી પ્રિયતમા ઊભી છું અને તું કેમ ઘોર નિદ્રારૂપ રાફડામાં પડ્યો છે ? હું વિયોગના વિલાપરૂપે મોરલી વગાડું છું, માટે હે છેલ ! તું બહાર આવ.”

એણે વિલાપ આગળ ચલાવ્યો :—

“કાંધે કરંડિયો લઈ, વગાડું છત્રીશે રાગ;
(તું) જાગને વાળા નાગ ! આ વેષ જોવા વાદાણ તણો ?”

કિનારે આવેલું પોતાનું આશારૂપી વહાણ ડૂબ્યું, એ વિચારથી એ કહેવા લાગી :—

“વોળાતણાં વહાણ, આવ્યાં સાયર ઝૂલતાં;
(પણ) ઊંડા જળ એ લાણ, (ત્યાં) નાગર તૂટ્યાં નાગડા !”

એ વીર કન્યાને વળી વિચાર આવ્યો કે, સ્વામી યુદ્ધ કરતાં વીરગતિને પામ્યો હોત તો મને આટલો ખેદ ન થાત, પણ આ તો મારા પ્રેમની ખાતર આપઘાત કરીને દેહનો અંત આણ્યો, એથી મારું હૃદય ચિરાઈ જાય છે.

“શરતણિયા સુજાણ ! સૂતે રણ સજિયે નહિ;
(મુજ) વીંધે કાળજ (ને) પ્રાણ, (તું) લોહીમાં લોટ્યા કરે.”

વિલાપમાં ને વિલાપમાં રાત્રિ સમાપ્ત થઈ. એણે જોયું કે હવે આ દેહે તો નાગવાળાનો મેળાપ થવો એ અસંભવિત છે. એણે કેશ છોડી નાખ્યા અને પતિની સાથે સતી થવા નિશ્ચય કર્યો.

પેલી તરફ રાજકુમારીના ગુમ થયાના સમાચાર વહાણું વાતાંજ રાજમહેલમાં જાહેર થયા અને કાનસૂવો ભેડો શોધ કરતો કરતો પાવડિયારાના શિવાલયમાં જઈ પહોંચ્યો. ત્યાં એણે સતી થવાને તૈયાર થયેલી પુત્રીને જોઈ. પિતાને જોતાંજ નાગમતી બોલી ઊઠી:—

“અગર ચંદનનાં લાકડાં (તેની) ચૌટે ખડકાવો ચેહ;
આ નાગો મું કારણુ મુઓ, (તો) એહમાં બળશે બેહ.”

પુત્રીનો આ નિશ્ચચ જાણતાં ભેડાને ઘણો ખેદ થયો. એણે ઘણી દલીલો કરી, પણ સતી નાગમતીએ પોતાનો નિશ્ચય ફેરવ્યો નહિ. આખરે એણે પોતાના નોકરોને ચિતા ખડકવાની આજ્ઞા આપી.

એવામાં એક યોગી ત્યાં આવી પહોંચ્યો અને નાગમતીની પ્રિયતમ પ્રત્યે ભક્તિ જોઈને પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યો કે, “બેટા ! તારૂં સૌભાગ્ય અખંડ રહેશે.”

એમ કહેવાય છે કે થોડી વાર પછી શિવાલયમાંથી લોહીથી ખરડાયલાં વસ્ત્ર સહિત નાગવાળો જીવતો ઉભો થઈને બહાર આવ્યો. બધાંના હર્ષનો પાર રહ્યો નહિ. નાગમતીને માટે તો આ ખરેખર જીવનનો સૌથી ઉત્તમ દિન હતો. કાનસૂવો બધાને હર્ષપૂર્વક રાજમહેલમાં લઈ ગયો અને ત્યાં ધામધૂમથી નાગમતી અને નાગવાળાનાં લગ્ન કરી દીધાં. આ પ્રેમી દંપતીએ સુખપૂર્વક લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું.*[]

  1. * આ આખું ચરિત્ર ‘ગુજરાતી’ના દિવાળીના એક ખાસ અંકમાંથી, રા. રા. જીવરામ અજરામર રાજગુરુના ઐતિહાસિક લેખ ઉપરથી સારરૂપે-ઘણુંખરૂં તેમનાજ શબ્દોમાં લેવામાં આવ્યું છે, તે બદલ લેખક તથા પ્રકાશકના અમે ઉપકૃત છીએ. —પ્રયોજક