રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/સુલક્ષણા
← મદાલસા | રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો સુલક્ષણા શિવપ્રસાદ દલપતરામ પંડિત |
મારુલા → |
१०९—सुलक्षणा
રાજા ભોજના સમયમાં વિષ્ણુદત્ત નામનો એક અગ્નિહોત્રી બ્રાહ્મણ ધારાનગરીમાં રહેતો હતો, એ ઘણો પંડિત અને શાસ્ત્રવિશારદ હતો. તેની સ્ત્રીનું નામ સુલક્ષણા હતું. સુલક્ષણામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતા. એ ઘણી સ્વરૂપવતી, સુઘડ, ચતુર, પતિવ્રતા, ઘરકામમાં કુશળ અને મધુરભાષી હતી. પતિની આજ્ઞા માનવામાં એ ઘણીજ દૃઢ હતી. એક વખતે વિષ્ણુદત્તે તેની પાસે પાણી માગ્યું. એ પાણીનો પ્યાલો ભરીને લાવી એટલી વારમાં વિષ્ણુદત્ત કોઈ જરૂરનું કામ સાંભરી આવ્યાથી પત્નીને ‘જરા ઊભી રહે’ એમ કહીને બજારમાં ચાલ્યો ગયો. દૈવસંયોગથી એ આખો દિવસ વિષ્ણુદત્ત કામમાંજ લાગી રહ્યો અને સાંજ સુધી તેને ઘેર જવાની પૂરસદ મળી નહિ. ઘેર આવીને જુએ છે તો તેની પત્ની સુલક્ષણા એની એ જગ્યાએ હાથમાં પાણીનું પવાલું લઇને ઊભી છે. જેઠ મહિનો હતો અને ગરમી બહુ સખ્ત પડતી હતી. જે વખતે વિષ્ણુદત્ત બજારમાં ગયો તે વખતે તો ત્યાં આગળ છાંયડો હતો, પરંતુ પાછળથી બપોરને વખતે ત્યાં ખૂબ તડકો પડવા લાગ્યો, પણ સુલક્ષણા એ તડકાથી જરા પણ કંટાળ્યા વગર પતિના શબ્દોને માન આપીને ત્યાંજ ઉભી રહી હતી. વિષ્ણુદત્ત તેને ત્યાંજ ઊભી રહેલી જોઇને ઘણું આશ્ચર્ય પામી ગયો અને તેનું કારણ પૂછવા લાગ્યો. સુલક્ષણાએ નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો : “હે નાથ ! આપ જતી વખતે કહી ગયા હતા ને કે, ‘જરા ઊભી રહે’ તો પછી હું આજ્ઞા વગર કેવી રીતે બેસી શકું ?”
વિષ્ણુદત્તને પોતાની સ્ત્રી ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એ સારી પેઠે જાણતો હતો કે સુલક્ષણા પ્રાણ જતાં સુધી પણ ધર્મને છોડે એવી નથી. એક દિવસ તેણે સુલક્ષણાની પરીક્ષા લેવા સારૂ પોતાના એક મિત્રને કોઈ બાગમાં મોકલી દીધો અને કહ્યું કે, “આ બાગમાં જે સ્ત્રી આવે તેને લલચાવીને તારે વશ કરવાનો યત્ન કરજે.” પછીથી ઘેર જઈને એણે સુલક્ષણાને ભગવાનના પૂજન માટે પુષ્પ લાવવા સારૂ એજ બાગમાં મોકલી. પતિની આજ્ઞાનુસાર સુલક્ષણા ત્યાં જઈને ફૂલની ક્યારીઓમાં પેસીને પુષ્પ તોડવા લાગી એટલામાં એક છેલછબીલા જુવાને આવીને કહ્યું: “પ્યારી ! શું કરો છો ? જરા મારી પાસે તો આવો ! આટલાં બધાં સુંદર હોવા છતાં તમે આવાં મલિન વસ્ત્ર કેમ પહેર્યાં છે ? ચાલો મારી સાથે, હું તમને સુંદર વસ્ત્રાલંકાર આપીશ.”
આ પ્રમાણે અનેક પ્રકારની લાલચો બતાવીને સુલક્ષણાને પોતાની તરફ ખેંચવાનો તેણે પ્રયત્ન કર્યો. કોઈ ભોળી સ્ત્રી હોત તો જરૂર એ પ્રપંચી યુવકની પ્રેમજાળમાં ફસાઈને પોતાના સતીત્વનો નાશ કરત, પણ સુલક્ષણા તો ખરેખરી પતિવ્રતા હતી. એણે તે ચુવકની વાત ઉપર જરા પણ ધ્યાન ન આપ્યું અને પુષ્પ લીધા વગરજ ધડકતે હૃદયે દોડતી દોડતી ઘેર પહેાંચી. તેનું મોં ઊતરેલું જોઈ પતિ વિષ્ણુદત્તે વિચાર્યું કે જરૂર કાંઈ ગોટાળો થયો છે; પણ સુલક્ષણાએ વગર પૂછ્યેજ બધા સમાચાર કહી સંભળાવ્યા તથા ભવિષ્યમાં ફૂલ વીણવા જવાની સાફ ના કહી, ત્યારેજ વિષ્ણુદત્તને ખાતરી થઈ કે સુલક્ષણા પોતાનું પાતિવ્રત્ય સાચવી શકી છે.
એક વખત રાત્રીના સમયે વિષ્ણુદત્ત સુલક્ષણાના ખેાળામાં માથું મૂકીને સૂઈ રહ્યો હતો અને સુલક્ષણા તેને પંખો નાખી રહી હતી, એટલામાં એકસ્માત્ તેનો એક દોઢ વર્ષનો કોમળ પુત્ર રમતો રમતો સળગતી આગમાં પડી ગયો. હવે સુલક્ષણા ગભરાઈ કે શું કરવું ? “જો પુત્રને બચાવવા સારૂ પતિને ખોળામાંથી ઉઠાડું છું, તો પતિની ઊંઘ ઊડી જવાથી તેમને કષ્ટ થશે અને જો નથી ઉઠાડતી તે વહાલો પુત્ર સળગીને મરી જશે !” એવા સંકટના સમયમાં તેણે હાથ જોડીને પરમેશ્વરની પ્રાર્થના કરી કે, “હે દીનાનાથ ! જગતરક્ષક સર્વાન્તર્યામી દીનદયાળ ! મેં આજ દિન સુધી મારા પતિ સિવાય બીજા કોઇ પુરુષની સ્વપ્નમાં પણ ઈચ્છા ન કરી હોય, જો મારા હૃદયમાં પ્રાણપતિ સિવાય બીજા કોઈને પણ સ્થાન ન મળ્યું હોય અને જો હું સાચી પતિવ્રતા હોઉં તો આ પ્રચંડ અગ્નિને પણ ચંદનના જેવો શીતળ કરી દે.”
એમ કહેવાય છે કે સુલક્ષણાના મોંમાંથી આ શબ્દ નીકળતાંવારજ ઈશ્વરની કૃપાથી અગ્નિ એકદમ શાંત થઈ ગયો અને તેનો પુત્ર હસતોરમતો માતાના ખોળામાં આવીને બેઠો. ભોજરાજા આ વખતે નગરચર્ચા જોવા નીકળ્યો હતો. તે કમાડનાં છિદ્રમાંથી આ બધું દૃશ્ય જોઈ રહ્યો હતો. આજનો દેખાવ જોઈને એ ઘણોજ આશ્ચર્ય પામ્યો અને સુલક્ષણાના સતીત્વની પ્રશંસા કરતો કરતો મહેલ તરફ ગયો ! ધન્ય છે એવી પતિવ્રતાઓને ! એમના સતીત્વના પ્રભાવથીજ ભારતવર્ષ હજુ પણ ટકી શક્યું છે.