લાલકિલ્લાનો મુકદ્દમો/ઊધડતી અદાલતે
લાલકિલ્લાનો મુકદ્દમો ઊધડતી અદાલતે ઝવેરચંદ મેઘાણી ૧૯૪૬ |
તહોમતનામું → |
બ્રિટિશ હિંદના ઇતિહાસમાં અજોડ એવો એક ખટલો દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાંની એક લશ્કરી 'બેરેક' – ઈમારતને બીજે માળે આજે શરૂ થયો. ન્યાયકચેરીમાં દાખલ થવા માટેના ખાસ પરવાના અગાઉથી જેમણે મેળવ્યા હતા તેવા ૧૪૦ પ્રેક્ષકો અને ૬૦ પત્રકારોથી અદાલતનો ખંડ ચિક્કાર ભરાઈ ગયો હતો. ન્યાયમૂર્તિએાએ પોતાનાં સ્થાન લીધા પછી છબીકારોને ચાર મિનિટ સુધી અદાલતની છબીઓ ખેચવા દેવામાં આવી.
છબીકારોએ વિદાય લીધી અને લશ્કરી અદાલતના પ્રમુખે ફરમાન કર્યું : 'તહોમતદારોને હાજર કરો.' કૅપ્ટન શાહનવાઝખાન, કૅપ્ટન સેહગલ અને કૅપ્ટન ધિલન દાખલ થયા અને અદાલતને એક છટાભરી સલામી કરી. આઝાદ હિંદ ફોજના ત્રણેય અફસરો લશ્કરી પોષાકમાં સજ્જ થયેલા હતા. એમના હોદ્દા દાખવતા બિલ્લાઓ એમની પાસે હતા નહિ.
હિંદી લશ્કરી કાનૂન હેઠળ આ લશ્કરી અદાલતની રચના કરતા હુકમને જજ-એડવોકેટે ઘેરા અવાજે વાંચી સંભળાવ્યો. ત્યારપછી, અદાલતના ચાલુ અને ખડા સભ્યો. શીઘ્રલહિયાઓ અને ફરિયાદપક્ષી વકીલનાં નામેાના એમણે સાદ પાડયા. એ બધાએ 'હાજર' એવો જવાબ આપ્યા પછી અદાલતે બચાવપક્ષના મુખ્ય ધારાશાસ્ત્રીનું નામ પૂછયું. સર તેજ બહાદુર સપ્રુએ જવાબ આપ્યો કે એમની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે શ્રી. ભુલાભાઈ દેસાઈને આ ખટલો ચલાવવાનું કહ્યું છે. તેમણે બીજા ધારાશાસ્ત્રીની પણ ઓળખાણ કરાવી – જેમાં પંડિત જવાહરલાલ નેહરુ, સર દલીપસીંઘ, શ્રી અસફઅલી, ડૉ. કાત્જુ, શ્રી સેન, અને રાયબહાદુર, બદ્રીદાસનો સમાવેશ થાય છે. અદાલતના પ્રમુખે ટકોર કરી કે, “હિંદી લશ્કરી કાનૂનની રૂએ આ અદાલતમાં ઊભા રહેવાની લાયકાત તમે સૌ ઘરાવતા હશો એમ હું માની લઉં છું.' શ્રી ભુલાભાઈએ હકારમાં જવાબ વાળ્યો. આ૦હિં૦ફો૦ના ત્રણેય આરોપી અફસરોને તે પછી પૂછવામાં આવ્યું કે અદાલતના પ્રમુખ કે બીજા કોઈ સભ્યને હાથે તેમને ઈન્સાફ તોળાય તે સામે તેમને કાંઈ વાંધો છે ? “ના જી,” ત્રણેયના એ જવાબ હતા. અદાલતના કામની સંપૂર્ણ નોંધ ઉતારવા માટેના શીધ્રલહિયાઓમાંના એકેયની સામે તેમને વાંધો છે કે કેમ તેવા પૂછાણના જવાબમાં પણ ત્રણેય આરોપીએાએ ના પાડી. ત્યાર પછીની દસ મિનિટ અદાલતના સભ્યોની અને શીઘ્રલહિયાએાની સોંગદવિધિમાં વીતી. અદાલતના સભ્યોના સોગંદ નીચે પ્રમાણે હતા:
'સર્વશક્તિમાન પરમેશ્વરના સોગંદપૂર્વક હું કહું છું કે, હિંદી લશ્કરી કાનૂન પ્રમાણે, અને પક્ષપાત, મહેરબાની કે પ્રીતિ વિના હું ઇન્સાફ તોળીશ, અને જે કોઈ શંકા ઊભી થશે તે મારા અંતરાત્માના કહ્યા પ્રમાણે, મારી મતિમાં ઊતરે તે રીતે અને આવા દાખલાઓમાં યુદ્ધના શિરસ્તા મુજબ વર્તીશ. આ લશ્કરી અદાલતના ફેસલાની જાહેરાત સત્તાવાળાઓ ન કરે ત્યાં સુધી હું તેની જાણ કોઈને કરીશ નહિ. વધુમાં, આ લશ્કરી અદાલતના કોઈપણ સભ્યનો મત કે અભિપ્રાય હું જાહેર કરીશ નહિ કે જાણીશ નહિ - સિવાય કે કાયદા મુજબની એ વાતની સાબિતિ કોઈ ન્યાયકોર્ટ કે લશ્કરી અદાલતમાં દેવાનું મને કહેવામાં આવે. ઈશ્વર મને મદદ કરે !'
જજ - એડવોકેટે ત્યારબાદ દસેય આરોપો વાંચી સંભળાવ્યા. હિંદી ફોઝદારી કાયદાની કલમ ૧૨૧-अ પ્રમાણેનો રાજા સામે યુદ્ધ ચલાવવાનો નાગરિક આરોપ ત્રણેય અફસરો ઉપર મૂકવામાં આવ્યો છે. બરમામાં પોપા ટેકરી ઉપર કે નજીકમાં ૧૯૪૫ના માર્ચની છઠ્ઠીએ હારસીંઘ, દુલીચંદ, દોરાઈસીંઘ અને ધરમસીંઘના ખૂન કરવાનો આરોપ કૅ. ધિલન ઉપર મૂકવામાં આવ્યો છે. કૅ. સેહગલ ઉપર આ ચાર ખૂન કરાવવાનો આરોપ અને કૅ. શાહનવાઝ ઉપર તોપચી મહમ્મદ હુસેનનું ખૂન ૧૯૪૫ ની ૨૯ મી માર્ચની આસપાસ કરાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ૦ હિં૦ફો૦ના ત્રણેય અફસરોએ તમામ આરોપોના જવાબમાં મક્કમપણે 'બિનગુન્હેગાર' કહ્યું. પછી અફસરોને બચાવના મેજની પાછળ પોતાની બેઠક લેવાનું જણાવવામાં આવ્યું. તે પછી અદાલતની કામગીરી મુલતવી રાખવાની અરજ શ્રી ભુલાભાઈએ કરી અને કહ્યું કે, છેલ્લા એક મહિના જેટલી ટુંકી મુદત દરમિયાન તમામ પુરાવાઓ અને હકીકતો મેળવવાનું કે તેની તુલના કરવાનું બચાવપક્ષથી બની શકયું નહોતું. ૧૧૨ સાક્ષીઓમાંથી હજી ૮૦ થી પણ વધુની મુલાકાત લેવાની બાકી છે. મલાયાના યુદ્ધ વિશેનો ફીલ્ડ–માર્શલ વેવલનો અહેવાલ અને બીજા સંખ્યાબંધ અગત્યના અહેવાલો મેળવવાના હજી બાકી છે. ખટલો આવો અજોડ હોઈને તેમજ કાયદાની આંટીઘૂંટીઓ એમાં સંડોવાયેલી હોઈને ત્રણ અઠવાડિયાની મુદત પાડવી જરૂરી છે એમ એમણે દલીલ કરી.
સરકારી વકીલ સર નોશીરવાન એન્જીનિયરે મુદત પાડવા સામે વાંધો લીધો નહિ પણ એવી ઇચ્છા દર્શાવી કે ફરિયાદપક્ષની રજૂઆત પોતે શરૂ કરી દે અને એક સાક્ષીની જુબાની લેવાઈ જાય ત્યારબાદ મુદત પાડવી. બચાવપક્ષને મુશ્કેલીમાં મૂકવાની એમની મુદ્દલ ઇચ્છા નથી, અને ફરિયાદપક્ષ તરફથી બચાવપક્ષને એકેએક સગવડ કેવી રીતે અપાઈ રહી છે તે તેમણે સમજાવ્યું.
ત્યારપછી અદાલત જરાવાર માટે ઊઠી. પાછા ફરીને પ્રમુખશ્રીએ કહ્યું કે કોઈ દિવાની કોર્ટની માફક લશ્કરી અદાલતમાં વખતોવખત મુદત પાડી શકાય નહિં. લશ્કરી કાનૂન પ્રમાણે લશ્કરી અદાલતને પોતાની કામગરી રોજબરોજ બજાવવાની હોય છે. અદાલતના સભ્યોને સારા પ્રમાણમાં પોતાનાં જ કામનો બેાજો રહે છે અને તે ઉપરાંત આ અદાલતના સભ્યો તરીકેની ફરજ પણ એમણે બજાવવાની હોય છે. ઈન્સાફની મુખ્ય જરૂરિયાતોમાંની એક એ છે કે તે ઝડપી હોવો જોઈએ એમ પણ તેમણે કહ્યું. પણ સંજોગોને લક્ષમાં લેતાં અમુક મુદત પાડવી જરૂરી લાગે છે એ એમણે કબૂલ કર્યું. સર નેાશીરવાનની સૂચના મુજબનો માર્ગ લેવો એ ખુદ તહોમતદારના લાભમાં હોવાનું તેમણે જણાવ્યું.
તે પછી સરકારી વકીલ સર નોશીરવાને ફરિયાદપક્ષને રજૂ કરતું પોતાનું લાંબુ ભાષણ વાંચી સંભળાવ્યું.