← વારસ લીલુડી ધરતી - ૧
આડો ઘા
ચુનીલાલ મડિયા
પાછલી રાતે  →





પ્રકરણ ચૌદમું
આડો ઘા

સંતુના મનમાં ગજબની ગડમથલ થઈ રહી છે.

ગોબરે જ્યારે શરતમાં ઊતરવાનું અને ગિરનાર ચડવાનું નક્કી કર્યું ત્યારે સંતુના મનમાં પહેલવહેલો પ્રત્યાઘાત તો એ હતો કે સપરમા પરબના દિવસોમાં ગોબર મારી નજરથી આઘો ન ખસે તો સારું. પણ મુખીના આગ્રહથી ગોબર અંબામાની ટૂક સુધી પહોંચવા તૈયાર થયો જ. અને હાદા પટેલે પણ પુત્રને અંબામાને જુવારવા જવાની સૂચક આજ્ઞા કરી, ત્યારે સંતુને થયું કે હું પણ ભેગી જાઉં. અમે બન્ને ભેગાં જઈને અંબામાને પગે લાગી આવીએ. પણ એકલા પુરુષોએ યોજેલી હોડશરતમાં એક સ્ત્રી શી રીતે જઈ શકે ?...

સંતુએ નિરાશ થઈને એક નિસાસો મૂકેલો. પછી એના મનમાં બીજો એક વિચાર સ્ફૂર્યો. ગોબરને નાળિયેર ફેંકતો નિહાળવાની એને ઘણા દિવસથી હોંશ હતી. આટલાં વર્ષથી એ દર હુતાશણીએ ગુંદાસરમાં નાની નાની રમતો રમતો એ તો સંતુએ આંખો ભરીને નિહાળી હતી; પણ એ તો ગામની ચતુઃસીમાઓ વચ્ચે રમાતી સાવ સામાન્ય રમતો. નાળિયેર ફેંકતા ફેકતાં ગિરનારનું આરોહણ કરવાની રમત તો જન્મારામાં ય જોવા ન મળે, અરે, આ ખેલાડીનો વિક્રમ નિહાળવામાંથી હું જ વંચિત રહીશ ? ના, ના.

સંતુએ એક સરસ તરિકો અજમાવ્યો. પહેલવહેલું નાળિયેર  વહેલી પરોઢે પાદરમાંથી–ભૂતેશ્વરની દહેરી પરથી ફેંકાવાનું હતું. સંતુએ એ જ સમયે પાણીશેરડે પહોંચી જવાનું નક્કી કર્યું. પણ પાણિયારે જોયું તો બેડું તો ચિક્કાર ભરેલું જ પડ્યું હતું. પણ એથી મૂંઝાઈ જાય તો તો સંતુ શાની ? એણે બેડું ઉઠાવીને કશેક ખાલી કરી નાખવાનું વિચાર્યું પણ ક્યાંય લાગ ન ફાવતાં આખું બેડું નવેળામાં ઠલવવા ગઈ. ત્યાં તો ઊજમે એને પકડી પાડી.

‘એલી વવ ! આ શું કરે છે ? ભર્યું બેડું ઢોળી શું કામ નાખ છ ?’

‘તાજું ભરી આવવું છે, એટલે.’ સંતુ બોલી.

દેરાણીએ યોજેલો વ્યૂહ સમજતાં ઊજમને વાર ન લાગી : ‘એલી, એમ કહે ની કે પાણી ભરવાને બહાને પાદરમાં જઈને ગોબરભાઈને જોવો છે ?’

સંતુ સહેજ શરમાઈને આંખ નચવી રહી. એના મોઢા પરના ભાવ કહી રહ્યા : હા હા, જોવો છે. સાડીસાત વાર જોવો છે. વિજયપ્રસ્થાન કરી રહેલા સુભટને એની સહધર્મચારિણી નહિ નિહાળે તો બીજું કોણ નિહાળશે ?

સંતુના મનમાં માત્ર એટલો જ રંજ હતો કે જૂના જમાનામાં સમરાંગણે સિધાવતા યોદ્ધાના કપાળમાં થતાં શુભ શકુનસૂચક કુમકુમતિલક પોતે કરી શકે એમ નહોતી. ગોબરને લલાટે કંકુ–અક્ષત ચોડી શકે એમ નહોતી, તેથી એ અભિષેક તો એણે પાણીશેરડે ઊભીને કેવળ અમીભરી આંખ વડે જ કરવો રહ્યો હતો.

અને એ અભિષેક એણે મનભર કર્યો.

કૂવાને કાંઠે આટલા વહેલા પરોઢમાં પણ ચાર–પાંચ કામઢી વહુવારુઓ બેડાં લઈ લઈને પહોંચી હતી; એમાં ટપુ વાળંદની વહુ રૂડી પણ હતી. બેડું ઊટકતાં ઊટકતાં એ પોતાની પડખે  ઊભેલી પાણિયારી સમક્ષ ફરિયાદ કરતી હતી :

‘મુખીનો મિજાસ, કાંઈ મિજાસ ! જાણે મોટો ગવંડર !’

‘શું થયું બાઈ અટાણના પો’રમાં ?’ પેલીએ પૂછ્યું.

‘અરે અટાણના પોરમાં મારા ઝીણકાના બાપને વેઠે પકડી ગયા.’

‘ફોજદાર–બોજદારના ઉતારા હશે. તી પગપંચી કરવાની હશે.’

‘ના રે બૈ ! ના; ફોજદાર તો ભૂખે ય ઉતારો કરવા નવરો નથી. આ તો ગામના ફોજદારની પગચંપી કરવા સારું—’

‘ગામનો ફોજદાર ?—’

‘આ ઠુમરનો ગોબર, બીજો કોણ ? મોટે ઉપાડે અંબામાની ટ્રકે નાળિયેર નાખવા જાય છે, તી એમાં મારા વરને વેઠે લઈ જાય છે ભેગો.’

‘શું કામ ? આ રમનારાવનાં વતાં કરવા ?’

‘ના રે બૈ ના ! આ ક્યાં મોટા રાયજાદાની જાન જૂતી છે તી સહુનાં વતાં કરાવવાં પડે ? આ તો ગોબરભાઈને નાળિયેર ઉલાળતાં હાથ-પગમાં ક્યાંય મરડ થઈ જાય તે ઈનું ટચકિયું ફોડવા સારુ મારા વરને ભેળો લીધે છે !’ રૂડીએ સમજાવ્યું. અને પછી પોતાની પેટબળતરા વ્યક્ત કરવા માંડી : ‘જુવો તો ખરા આ દુનિયા ? રમે રમવાવાળા, ને એની પગચંપી કરે મારો વર ! અમારી વાણંદની જાત્યનો તી કાંઈ અવતાર બળ્યો છે, મારી બૈ !’

સંતુ આ સંવાદ સાંભળી રહી ને મનમાં મલકાતી રહી. એણે જોયું તો પાદરમાં અરધું ગામ એકઠું થયું હતું, ગોબર ને માંડણ, દલસુખ ને વેરસી, વલભ ને મુખી, એકબીજા જોડે મસલત કરી રહ્યા હતા. આખી શરતની જવાબદારી મુખીએ પોતાને માથે લીધી હોવાથી તેઓ હાંફળાફાંફળા ફરી રહ્યા હતા, અને છેલ્લી ઘડીની સૂચનાઓ આપી રહ્યા હતા...

સંતુએ ગોબર ઉપર નજર નોંધી. એ અત્યારે જરા વ્યગ્ર લાગતો હતો. આ શરતનું પરિણામ શું આવશે એ અંગે સચિંત જણાતો હતો. એને બિચારાને ક્યાં ખબર હતી કે અત્યારે પાણીશેરડે ઊભેલી સંતુ છાનીમાની મારા તરફ તાકી રહી છે !

ગોબર ચિંતાતુર હતો, ને સંતુ હરખાતી હતી. એ ખેલાડીને શી રીતે ખબર આપવી કે આ વિજયપ્રસ્થાનને વેળાએ બે આંખો તારા પર અમીવર્ષણ કરી રહી છે...!

સંતુએ મુખીની જોડે માંડણને પણ આમતેમ હરફર કરતો જોયો અને તુરત એ ચિંતાતુર બની ગઈ. અરે, આ કટંબના વેરીને શું કામે ભેગો લીધો હશે ? મારગમાં કાંઈ મેલી રમત રમી જાશે તો ? કાળી રાતે કાંઈ કૂડકપટ કરશે તો ? જૂનાં વેર વાળવા એ ખૂટામણ તો નહિ કરે ને ? અરેરે, મેં હજાર દાણ કીધું છે કે મૂવા માંડણિયાનો વશવા ન કરશો, પણ મારી વાત કોઈ માનતાં જ નથી ને ! કહી કહીને થાકી ગઈ કે આ દગાબાજ માણસથી દહ ગાઉ આઘા રહેજો; પણ કોઈ કાનસરો જ દેતું નથી !

સંતુએ સારી વાર સુધી ઝીણી નજરે જોયું તો માંડણિયો જાણે કે ગોબરનો જિગરજાન મિત્ર હોય એ રીતે વર્તી રહ્યો હતો. ગોબરને સલાહસૂચનાઓ આપતો હતો; રમત માટેના સરંજામની વ્યવસ્થા કરતો હતો; વેઠિયા વાણંદને હુકમ પર હુકમ છોડતો હતો. સંતુના મનમાં ફરી વાર પ્રશ્ન ઉદ્‌ભવ્યો : માંડણિયો મિત્ર છે કે શત્રુ ?

ટપુ વાણંદની વહુ બબ્બે બેડાં ભરીને ઘેર રેડી આવી તોપણ સંતુએ એક પણ ઘડો સીંચ્યો નહિ, એ તો અનિમિષ અને ભૂતેશ્વરના દેવાલય તરફ તાકતી ઊભી જ રહી, એને અભિલાષા હતી, ગોબરને નાળિયેર ફેંકતો જોવાની. ગોબરના હાથનો ઘા તો બબ્બે ત્રણ ત્રણ નાડાં વા સહેલાય છે એ વાયકા ને વાસ્તવિક રૂપે નિહાળવાના એને ઓરતા હતા.

પ્હો ફાટતાં તો ગામમાંથી બીજા વધારે માણસો ભાથાં બાંધી બાંધીને આવી પહોંચ્યા. એમને પણ ગોબરની રમત નિહાળવાના મનોરથ હતા. જોતજોતામાં તો કોઈ કિલ્લો સર કરવા જઈ રહેલા દળકટક જેવો દેખાવ થઈ રહ્યો.

મુખીએ પડકાર કર્યો કે તુરત ગોબરે ભૂતેશ્વરનાં પગથિયાં પર ઊભીને ભમ્‌મ્‌મમ્‌ કરતોક ઘા કર્યો અને નાળિયેર બે રાશ કરતાં ય વધારે આઘું જઈ પડ્યું.

સંતુએ આહ્‌લાદ અનુભવ્યો...

દડતા નાળિયેરની પાછળ ગોબર વતી માંડણ અને દલસુખ વતી વેરસી દોડ્યા. જે સ્થળે નાળિયેર જઈને અટકેલું ત્યાં આ બન્ને મદદનીશોએ ધૂળમાં લીટો આંક્યો, અને ત્યાંથી ગોબરે બીજો ઘા કર્યો.

ટોળામાંથી આનંદની ચિચિયારી ઊઠી. આ વેળા નાળિયેર વધારે દડ્યું હતું. દખણાદા ઝાંપાની લગોલગ એ પહોંચી ગયું હતું.

સંતુએ વધારે રોમાંચ અનુભવ્યો, ગોબરની રમવાની અદા, ચાલવાની છટા, બધું જ એ જાણે કે નવી નજરે નિહાળી રહી...

દખણાદે ઝાંપેથી ત્રીજો ઘા ફેંકાયો ને નાળિયેર ગઢની રાંગ પછવાડે પહોંચી ગયું... એની પાછળ ગયેલું ટોળું હવે પાણીશેરડેથી દેખાય એમ નહોતું તેથી સંતુ નિરાશ થઈ. મનમાં ને મનમાં વિચારી રહી. અઢી હજાર ઘાએ અંબાની ટૂંકે આંબી શકાશે ?

બેડું ભરીને સંતુ ઘર તરફ નીકળી. ડેલીમાં પેસતાં જ સામે ઓસરીમાં વલોણું કરી રહેલી ઊજમે હસતાં હસતાં ટકોર કરી :

‘કિયે ગામને કૂવે પાણી ગઈ’તી, વવ ?’

હવે જ સંતુને ખ્યાલ આવ્યો કે પોતે કૂવા ઉપરથી ગોબરને નિહાળવામાં ખાસ્સો કલાકેક ગાળી આવી છે.

‘ઈ તો એમ જ હોય.’ ઊજમે સંતુનો ક્ષોભ ઓછો કરવા  પોતાના જ જીવનનું એક ઉજમાળું સંભારણું યાદ અપાવ્યું. ‘ભીમાના બાપ અડીકડી વાવ્યમાં નાળિયેર નાખવા પાદરમાંથી નીકળ્યા’તા તંયે હું ય છાનીમાની પાણી ભરવાને મસે, પાલી બાજરો ભરડાય એટલી વાર, કૂવાને કાંઠે ઊભી રહી’તી.’

દેવશી અને ગોબર વચ્ચે વારંવાર સાંધણ કર્યા કરતી આવી આવી ઉક્તિઓ સંતુને ગમગીન બનાવી મૂકતી હતી, આ ખોરડે દેવશીએ શરૂ કરેલી રમતશોખની પ્રણાલી ગોબરે અવિચ્છિન રાખી હતી એ વાત સાચી, પણ ગોબરની ગતિ પણ ભવિષ્યમાં દેવશી જેવી જ થાય, ઊજમ જેમ પોતાને પણ રખે ને પતિવિયોગ ઊભો થાય, એવી એક અમંગળ કલ્પના સંતુને સતાવી જતી હતી.

આજે ઘરનાં કોઈ કામકાજમાં સંતુનું મન પરોવાતું નહોતું. ગોબર કેટલેક દૂર પહોંચ્યો હશે, એના ઘા કેવાક સહેલતા હશે, રસ્તામાં કયે કયે ઠેકાણે ઠુંગાપાણી માટે પડાવ નાખતા હશે, અંબામાની ટૂંકે પહોંચતાં કેટલા દિવસ લાગશે, વગેરે વગેરે વિચારોમાં એ હાથમાં લીધેલું કામ ભૂલતી જતી હતી.

સદ્‌ભાગ્યે થોડા થોડા સમયને આંતરે ગામમાં સમાચાર આવ્યા કરતા હતા. વહેલી ઊઠીને વગડો કરવા ગયેલી વખતી ડોશીએ આવીને કહ્યું કે હાલરું હાથિયે–પાણે પુગી ગયું છે. ગોબર તો ગોફણના ઘાની ઘોડ્યે નાળિયેર ફેંકતો જાય છે...

રોજ સવારમાં શાપરની હૉટેલોમાં દૂધનાં બોઘરણાં પહોંચાડવા જતા વેજલ રબારીએ અહેવાલ આપ્યો કે હાલરું હડમાનની ધાર વળોટી ગયું છે, ને ગોબરભાઈ તો કિલકિલા કરતો જાય છે.

સાંતી છૂટવા ટાણે ગિરનારની સાતમી ટૂંકે કાળકામાતાના થાનકમાં રહેનારો ઘૂઘરિયો બાવો લોટ માગવા આવ્યો. એણે કહ્યું કે આખો ઝમેલો અટાણે ઝીંથરીના પાદરમાં પડ્યો છે. ભેગા મુખી ભવાનદા હોવાથી ગામના પટેલિયાવ આ સહુ મહેમાનને ઠુંગાપાણી કરાવે છે. ગામેગામથી નવા નવા માણહ આ ઝમેલામાં જોડાતા જાય છે. ગાડાંની સંખ્યા વધતી જાય છે... નાળિયેરના નવા નવા કોથળા ખરીદાતા જાય છે.

ગુંદાસરમાં એકાંતરે દિવસે વહેંચાતી ટપાલનો આજે ટપાલ વાર હતો તેથી રોંઢો નમતાં બાઈસિકલ પર બેસીને હેલકારો આવી પહોંચ્યો. ત્રણ ‘શુભ’ અને બે ‘અશુભ’ પત્રો તથા એક ‘મન્યાડર’ની વહેંચણી કરતાં કરતાં એણે મારગમાં મળેલા આ ખેલાડીઓનો ‘આંખોં દેખા હાલ’ કહીને સંભળાવ્યો. ગામેગામથી ને ખેતરે ખેતરેથી કુતૂહલપ્રિય પ્રેક્ષકો ઝમેલામાં જોડાતા જાય છે, રમનારાઓએ સૂતી સીમ જગાડી મૂકી છે; ગોબરના હાથમાંથી એક ગોફણિયો છૂટે છે ને આખો વગડો ગાજી ઊઠે છે...

આટઆટલા સમાચાર આવ્યા છે, પણ સંતુને એથી સંતોષ નથી, તૃપ્તિ નથી. ઊલટાની એને વધારે ને વધારે અતૃપ્તિ જાગે છે. હવે શું થયું હશે ? અત્યારે કયે ઠેકાણે પડાવ નાખ્યો હશે ! અઢી હજાર ઘામાં જીત થશે કે હાર ? આવા આવા પ્રશ્નો એના મનમાં ઊઠ્યા કરે છે.

સાંજ પડતાં કશાક કામનું બહાનું કાઢીને સંતુ પોતાને પિયર ઘેર પહોચી ગઈ. નમતી સંધ્યાએ ટીહો શાપરમાં રેતીનાં ગાડાં ઠલવીને પાછો આવે એ સમયે એને મોઢેથી ગોબર વિષે વધારે સમાચાર જાણવાની સંતુની યોજના હતી.

પણ કોઈ દિવસ નહિ ને આજે જ ટીહો મોડો પડ્યો. સંધ્યાની રૂંઝ્યું રમી ગઈ, દીવે વાટ ચડી ગઈ તોય ડેલી બહાર, ગાડું ખખડ્યું નહિ તેથી સંતુને ઈંતેજારી અને હરખને ચિંતા વધવા લાગી. માતાએ પુત્રીને જમી લેવાનું સૂચન કર્યું, પણ સંતુને વાળુ કરવા કરતાં ગોબરનો છેલ્લો વૃત્તાંત જાણવામાં વધારે રસ હતો. તેથી જ તો એ એક વાર પોતાને ઘેર જઈને ઊજમને કહી આવી કે દોણે મેળવણ નાખી દેજો ને વાળુમાં મારી વાટ ન જોશો. આખા કણબીપાનો રખેવાળ ડાઘિયો કૂતરો મોડે મોડે ભસ્યો ત્યારે સંતુને સમજાયું કે નાકા ઉપર કોઈ માણસ કે ગાડું –ગડેરું આવી રહ્યું છે. તુરત એને કાને ટીહાના ગાડાનાં પરિચિત પૈડાંનો ખખડભભડ અવાજ આવ્યો અને એ દોડતીકને ડેલી બહાર નીકળી.

‘આટલા બધા અહૂરા ?’ સંતુએ પિતાને પૂછ્યું અને કશો ઉત્તર કે ખુલાસો સંભળાય એ પહેલાં તો એણે અધીરાઈથી બીજો પ્રશ્ન પૂછી નાખ્યો : ‘આપણા રમવાવાળાને ક્યાંય ભાળ્યા ?’

‘ઈની ભેગો ભેગો હાલ્યો એમાં જ અહૂરો થઈ ગ્યો’ ટીહાએ કહ્યું.

'સાચે જ ? તમને ઈ હંધાય ક્યાં ભેળા થ્યા ? કેટલેક આઘે પૂગ્યા ? કેટલાં નાળિયેર ફૂટ્યાં ? સહુ હેમખેમ છેને ? કોઈને કાંઈ બોલાચાલી તો નથી થઈને ? કેટલા કેટલા ગાવ હાલીને ટીમણ કરે છે ? સહુ છે તો સાજાનરવા ? ને એકેક નાળિયેર કેટલુંક આઘું સહેલે છે ? કોઈ થાકી તો નથી ગ્યા ને ?...

સંતુએ તે પ્રશ્નોની ઝડી જ વરસાવી તેથી હરખે એને ઠપકો આપ્યો :

‘એલી છોડી ! તારા બાપને જરાક વિહામો તો ખાવા દે ? હાહ તો હેઠો મેલવા દે !’

પણ આજે તો ટીહો પોતે જ આ પ્રશ્નો બાબતમાં એટલો બધો ઉત્સાહિત હતો કે એ વિસામો ખાવા કે શ્વાસ હેઠો મૂકવા પણ રોકાયા વિના સંતુને સમાચારો આપવા લાગ્યો :

'હું તો કન્ત્રાટીને કારખાને છેલ્લું ગાડું ઠાલવીને પાછો વળતો’તો ત્યાં તો પાદરમાં આપણા ગામના લાવ-લશ્કરનો પડાવ ભાળ્યો. ગિધાની હાટનાં ગાંઠિયા પેંડાના પડીકાં ઉપર પડીકાં તૂટે છે. ટપુડો વાણંદ સહુની ચાકરી કરે છે. એક કોર્ય ગાડામાં ધડકી નાખીને મુખી ભવાનદા આડે પડખે પડ્યા છે, ઓણી કોર્ય મંગાળા માંડીને નકરા દૂધની ચાયું કઢાય છે. ઓલ્યા સાઈકલ ઉપર આવ્યા’તા, ઈ અમરગઢવાળા જુવાનિયાવ સિગરેટું ટાહોડે છે. ગામમાંથી નાળિયેરના નવા નવા કોથળા ગાડામાં ઠલવાય છે... એમાં ગામના નાતપટેલને ખબર પડી કે ગુંદાસરના મુખી ગામના પાદરમાં ઊતર્યા છે. ભવાનદાની સુવાસ તો તમે જાણો છોને ! નાતપટેલ ઉઘાડે પગે પાદરમાં આવ્યા... પાઘડી ઉતારીને મુખીને પગે લાગ્યા. બોલ્યા : ‘મારા ગામના પાદરમાં થઈને મે’માન પરબારા હાલ્યા જાય તો મારું નહિ, ગામનું નાક વઢાય. વાળુપાણી કરાવ્યા વન્યા ગાડાં નહિ જૂતવા દઉં... ભાઈ ! ઈ તો નાતપટેલનો હકમ... ધડોધડ મંગાળા મંડાઈ ગ્યા... ધડોધડ મોટા મોટા દેગમાં ખીચડી ઓરાઈ ગઈ... ફટોફટ ઢોર દોવાઈ ગ્યાં... ચપોચપ ભાણાં મંડાઈ ગ્યાં... પાદરમાં તો જાણે કે મોટો જગન મંડાણો હોય એવું થઈ પડ્યું... જોયું હોય તો જાણે નાત જમવા બેઠી... વાળુપાણી પત્યાં એટલે મુખીએ નાતપટેલને કીધું કે ચાર કિશનલેટ જોયેં...’

‘કિશનલેટ તો ગિધાની હાટડીવાળી ઉતારી ગ્યા’તા ને ?’ સંતુએ ટીહાને એના વર્ણનમાં ખલેલ કરીને પૂછ્યું.

‘રાતવરતનાં નાળિયેર રેડવવાં તી કાંઈ એક જ કિશનલેટમાં સરખું સુઝે ખરું ? ગોટો ક્યાં સુધી ૨ડ્યો, કયે ઠેકાણે ભાંગ્યો, કઈ જીગાએ લીટો આંકવો, ઈ હંધુય સારીપટ ઉજાશ વન્યા કેમ કરીને સમજાય ?’ કહીને વળી ટીહાએ વર્ણન આગળ ચલાવ્યું :

‘ઈ તો મુખીના મોઢામાંથી બોલ નીકળ્યો ઈ ભેગી તો નાતપટેલે ફૂઉંઉં... ફૂઉઉં... ફૂંફાડા મારતી ચારે કિશનલેટું હાજર કરી દીધી. ટપુડા વાણંદે ગોબર જમાઈને તેલ ચોળીને સારીપટ ચાકરી કરીને તાજોમાજો કરી દીધો. મુખીએ અવાજ કર્યો કે હાલો ઝટ, રાતોરાત જુનાગઢ પુગાવી દીયો; ડુંગરની તળેટીમાં રાતવાહો કરવો છે. ને ગોબર જમાઈએ નાળિયેર ઉપાડ્યું. શાપરના પાદરમાં લીટો આંકી રાખ્યો’તો ઈંયાં કણેથી એણે નવો ઘા કર્યો... આ હા હા ! શું ઈ ઘા સહેલ્યો છે, કાંઈ ઘા સહેલ્યો છે ! આરસપહાણ જેવી  સુંવાળી ધરતી હોય ને ઢાળનો મારગ હોય તયેં ગાડું વાજોવાજ ૨ડતું જાય, ઈમ ગોબર જમાઈએ ફેંકેલું નાળિયેર રડતું ગયું...’

‘કેટલું આઘું પૂગ્યું’તું ?’ સંતુએ વળી ઉત્સુકતાથી પૂછ્યું.

‘કેટલું આઘું ? અરે, કોહના ચાર ચાર વરતના સાંધા કરો તો ય ટૂંકા પડે એટલો આઘો ગોટો રડી ગ્યો !’

‘ઈ જીતશે કે હારશે ?’

મુખી તો કે’તાતા કે ભાઈ અટાણ લગી તો આપણે જીતમાં છીએ, સીધે મારગે તો કાંઈ વાંધો આવે ઈમ નથી. ગોબર જમાઈના ઘા ધાર્યા કરતાં બમણા સહેલે છે. પણ ડુંગર ચડવા ટાણે કાંઈ કે’વાય નહિ. આડીઅવળી કેડીનાં પગથિયાંમાં બમણું નાળિયેર હોમાઈ જાય તો ના નહિ.’

‘તો ઓલ્યો અમરગઢવાળો દલસુખિયો જીતી જાશે ?’

‘ભઈ, ભવાનદા તો કે'તાતા કે અટાણે કાંઈ કે’વાય નહિ, હજી તો ચાક ઉપર પિંડો છે. એમાંથી શું ઠામડું ઊતરશે ને કેવું કે ઊતરશે ઈ તો ભગવાન જાણે.’

 ***

આખરી હારજીત અંગેની આવી અનિશ્ચિતતા સાંભળીને સંતુ ઘેર આવેલી, તેથી તો ગોબરની આગેકૂચ અંગેની વધારે વિગતો જાણવાનું કુતૂહલ શમવાને બદલે દ્વિગુણિત બની ગયું. ગિરનારની તળેટીમાં ક્યારે પહોંચ્યા હશે ? કયે ડુંગર ચડશે ? લાંબો પંથ કાપ્યા પછી થાક કેવોક લાગ્યો હશે ? શરત જિતાશે કે હારી જવાશે ?

લગભગ આખી રાત સંતુએ અજંપામાં વિતાવી. અત્યાર સુધી સાંપડેલા ગોબરની જીત અંગેના સમાચારોએ એને એટલી બધી સભાન બનાવી મૂકી હતી કે હવે એ વિજયના સંજોગોમાં જરા પણ ફેરફાર થઈ જાય, જીતની પરિસ્થિતિ છેક છેલ્લી ઘડીએ પરાજયમાં પલટાઈ ન જાય, એ અંગે એ સતત ચિંતા કર્યા કરતી હતી.

વહેલી પરોઢે ઊજમ દળણું કરવા ઊઠી ત્યારે સંતુએ વલોણું હાથમાં લેતાં કહ્યું :

‘હવે ડુંગર ચડવાનું ટાણું થ્યું હશે ?’

‘પહેલાં તો ઊજમને સમજાયું નહિ કે સંતુ શાની વાત કરે છે. પછી તુરત ગોબર અને અંબામાને પગથિયે આંબવાની શરત યાદ આવતાં એ બોલી :

‘એલી વવ ! તું તો જાગતાં ને ઊંઘતાં એક જ વાતનું રટણ લઈ બેઠી છો !’

‘હું ઊંઘતી જ નથી; આજે રાત આખી જાગી છું.

‘નાળિયેર રમવા તો મારા ભીમડાના બાપુ પણ જાતા. છેક અડીકડી વાવમાં નાળિયેર નાખી આવ્યા’તા. પણ આવા અજંપા તો અમને કોઈ દિ’ થ્યા નો’તા.’

‘અડીકડી વાવ કરતાં તો આ વધારે આવ્યું છે. અડીકડી તો ડુંગરની તળાટીમાં જ, આ તો ડુંગર ઉપર ઠેઠ ત્રીજી ટૂક લગણ જાવાનું.’ સંતુએ કહ્યું. ‘આ છેટું ય વધારે ને એમાં જોખમે ય ઝાઝું ને !’

વહેલી પરોઢથી સંતુ આ જોખમનો વિચાર કરતી રહી. ગોબર જીતશે કે હારશે એની અનિશ્ચિતતા એને અકળાવી રહી. તળેટીમાંથી ડુંગરનું આરોહણ કેવી રીતે કર્યું, કયે સમયે કર્યું, એ સમાચાર જાણવાની એને અનહદ ઈંતેજારી હોવા છતાં એ માટેનું કોઈ જ સાધન સુલભ નહોતું.

જેમતેમ કરીને એણે સાંજ તો પાડી, પણ આ વિયોગની રાત વિતાવવી મુશ્કેલ હતી. મનમાં વિચારતી રહી : રમત તો હવે પૂરી થઈ જ ગઈ હશે; શરતની હારજીત નક્કી થઈ ગઈ હશે.  હવે તો ડુંગર ઊતરી પાછા વળતાં જે વાર લાગે એટલી વાર... ગોબર જીત્યો હશે કે હાર્યો હશે ? શાપરથી નીકળ્યા ત્યારે તો આતા કહેતા હતા એમ ચાક ઉપર પિંડો હતો; એમાંથી શું ઊતરે એ કાંઈ કહી શકાય નહિ. ગોબર જીતે તો તે એને વાજતેગાજતે ગામમાં લઈ આવવાની મુખીએ વાત કરી હતી... પણ એના વિજયની ક્યારે ખબર પડે ?

સંતુની આ ઈંતેજારી હાદા પટેલ પારખી ગયા હશે તેથી કે પછી કેવળ સાંત્વન આપવા ખાતર, પણ દોણે મેળવણ નખાયા પછી ફળિયામાં ખાટલો ઢાળતાં ઢાળતાં એમણે કહ્યું :

‘કાલ્ય સાંતી છૂટવા ટાણે સહુ પાછા આવી પૂછશે એમ લાગે છે. આજની રાત્ય તો થાક્યાપાક્યા તળાટીમાં જ પડ્યા રહેશે. પ્રાગડ વાવા ટાણે પાછા વળે તો રોટલા ટાણે, નહિ તો રોંઢા ટાણે તો આવી જ પૂગશે.’

પણ સંતુને તો વળતા દિવસનું એ રોંઢાટાણું થાય શી રીતે ? એ તો આગલી રાતની જેમ આજે પણ જાગતી રહી. મોડી રાતે ઊજમની ધાંસ શમી ગઈ; શેરી બહાર ડાઘિયો કૂતરો ભસતો બંધ થઈ ગયો; હાદા પટેલે નસકોરાં ઘરડવા માંડ્યાં; તો પણ સંતુ તો જાગતી જ રહી.

મધરાતે ગજર ભાંગવા ટાણે જ ડેલી બહાર એક ગાડું ખખડભભડ અવાજ કરતું નીકળ્યું, અને ઠુમરની ખડકી સામે જ આવીને ઊભું રહ્યું.

સંતુ સફાળી ઊભી થઈ ગઈ.

‘હાદાબાપા !’ બહારથી બૂમ પડી.

એક જ સાદે હોંકારો દેનાર જાગતલ હાદા પટેલે પૂછ્યું :

‘કોણે બરક્યો ?’

‘ઈ તો હું છું. જુસ્બો... હું જુસ્બો ઘાંચી, બાપા !’

હાદા પટેલે ખડકી ઉઘાડતાં પૂછ્યું : ‘આટલો અહૂરો કાંઈ ?’ ‘હું એકો લઈને જુનેગઢ ગ્યો તો ખડપીઠમાં પાલો ઠલવવા.’

‘હા, પણ આપણાવાળા રમવા ગ્યા’તા, ઈ ક્યાંય ભેળા થ્યા તને ?’

‘એના જ સમાચાર આપવા આવ્યો છું. મુખીએ કીધું કે–’

‘ગોબરભાઈ જીત્યો કે હાર્યો ?’

‘કોઈ જીત્યું ય નહિ ને કોઈ હાર્યું ય નહિ—’

‘કેમ ? કેમ ભલા શું થયું ?’

‘ધિગાણાં જેવું થઈ ગ્યું.’

‘ધિગાણું ? ધિંગાણું થઈ ગયું ? કોની હાર્યે ?’

‘અંદરોઅંદર.’

‘કેમ કરતાં ? કિયે ઠેકાણે ?’

‘હું ખડપીઠમાં એકો છોડીને ઊંઘતો’તો ત્યાં તો માંડણને ઝોળીએ ઘાલીને ઈસ્પિતાલે લઈ જાતાં મુખી નીકળ્યા.’

‘માંડણને ? કે આપણા—’

‘માંડણને હાથને બાવડે છરીનો ઘા થ્યો છે.’

‘કોણે મારી ?’

‘ઈ ઓલ્યા અમરગઢવાળાની ભેગો હતો ને વેરસીડો, ઈ ણે.' જુસ્બે વિગતો આપી : 'કિયે છ કે એણે ઘા તો ગોબરભાઈ ઉપર ઉગામ્યો’તો, પણ માંડણે આડો હાથ ધરીને ઘા ઝીલી લીધો.’

‘માંડણે ગોબરનો આડા ઘા ઝીલી લીધો ? સાચે જ ?’

‘હા, કોણી ઉપર ઘા પડ્યો છે, પણ કાંઈ ચંત્યા નથી એમ મુખીએ કેવરાવ્યું છ.’

‘માંડણને ઘીરે વાવડ—’

‘આપીને જ આંયકણે આવ્યો છું. જીવતીને મેં કીધું કે ઈસ્પિતાલે આવવું હોય તો સવારમાં ફરીથી પાલો ભરીને જાઉં તંયે એકામાં બેહી જાજે. પણ ઈ બાઈ તો કિયેછ કે મુવો કાલ્ય મરતો હોય તો આજે ભલે મરે ! મારે ઈ કાળમખાનું મોઢું જ નથી ભાળવું.’

‘સાચે જ ?’

‘હા, ઈ તો કે’તી’તી કે પીટડિયાને કાળજે ઘા લાગવાને બદલે કોણી ઉપર શું કામ લાગ્યો ?’

જુસબ ઘાંચીને મોઢેથી સંતુ આ સમાચાર સાંભળી રહી અને રહીસહી નિદ્રા પણ ઊડી ગઈ......


*