← શીમળો વનવૃક્ષો
ચંદનવૃક્ષ
ગિજુભાઈ બધેકા



ચંદનવૃક્ષ

નાનપણમાં ઓરશિયા ઉપર સુખડ ઘસતાં ઘણી વારે આવડેલું. ઉતારેલું ચંદન કળશિયા ઉપર લગાડી બાળકેશ્વરની પૂજા કરવા જતા, અને મહાદેવને ઠંડા પાણીથી નવરાવી તેના ઉપર ચંદન લગાડતા. મહાદેવના ઠંડે કપાળે ઠંડા ચંદનનાં ત્રિપુંડ કરતાં આંગળાંને આનંદ આવતો.

ચંદનમાં પિત્તળનું ટીલું બોળીને કપાળે ટીલું એટલા માટે બનાવતા કે મોટાભાઈ જેમ આંગળી વડે ટીલું કરતાં આવડતું નહોતું.

ઘણાં વર્ષો વહી ગયાં મહુવાના બાગમાં ૨૭ વર્ષની ઉંમરે હું ફરતો હતો. કોઈએ મને કહ્યું : "ચંદનનું ઝાડ જોયું છે ? ચાલો બતાવું." મને થયું કે તે કોણ જાણે કેવું યે હશે ! વાર્તામાં વાંચેલું કે ચંદનને ઝાડે સાપો વીંટળાયેલા રહે છે એટલે હું તો ચંદનનું ઝાડ, વીંટળાયેલા સાપ અને તેની ખુશબો માટે ઉત્સુક બનીને ઉતાવળો ચાલ્યો.

કોઈએ કહ્યું : "આ જ ચંદનનું ઝાડ."

હું પાછો પડી ગયો અને આશ્ચર્ય સાથે તેના સામે જોઈ રહ્યો. મેં પૂછ્યું : "આ જ ચંદનનું ઝાડ ?"

સાધારણ બોરડી જેવડું, ગૂંદી કે લીમડાની થડડાળ જેવું અને પાંદડે લીમડા જેવું ભૂખડું ઝાડ હતું. મને થયું : "શાસ્ત્રમાં કહ્યું છે કે आकृतिर्गुणान् कथयति એટલે આકૃતિ ઉપરથી ગુણની ખબર પડે છે, તે અહીં તો સાચું નથી લાગતું." અમે ચંદનનું છોડિયું કાપ્યું અને સૂંઘ્યું; ચંદનની સુવાસ આવતી હતી. પણ તે કઈ જાતનું હતું તેની પૂછપરછ કરવાનું સાંભર્યું નહિ. ચંદનનાં ઝાડો બે ત્રણ જાતનાં થાય છે. એક જાતને મલયગિરિ ચંદન કહે છે, બીજાને બર્બર ચંદન કહે છે, ત્રીજાને શબર ચંદન કહે છે, અને ચોથાને હરિચંદન કહે છે. વાત બરાબર છે.

સંસ્કૃતમાં કહેલું છે કે --

घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदन चारुगन्धम् ।

એટલે જેમ જેમ ચંદનને ઘસીએ તેમ તેમ તેમાંથી વધારે ને વધારે સુગંધ નીકળે. હરિચંદન વિષે ભવભૂતિએ લખેલા ઉત્તરરામચરિત નામના નાટકમાં લખેલું છે --

पश्चोतनं नु हरिचन्दनपल्लवानाम् ।

મુદ્દે વાત એમ છે કે હરિચંદન બહુ શીતળ છે; બધાં ચંદનનો ગુણ શીતળ તો છે જ. પણ નવાઈ જેવું છે કે તે બધાંનો સ્વાદ કડવો છે.

સુખડનાં ઝાડ કાઠિયાવાડમાં થાય છે એમ રખે માનતા. પણ મહુવા એ અમારા કાઠિયાવાડનો નાનકડો બાગ છે; ત્યાં એકાદ ઝાડ કોઈએ શોખથી આણેલું છે. બાકી સુખડનાં મોટાં ઝાડ મલબાર પ્રાંતમાં થાય છે. અને મલબાર પ્રાંત હિંદુસ્તાનને પશ્ચિમ કિનારે પગે લાંબો થઈ પડેલો છે.

સુખડનું ઝાડ પવિત્ર ગણાય છે. પારસી લોકો આતશબહેરામમાં હંમેશાં ચંદન જ વાપરે છે. પારસી લોકોને રંગ છે. તેઓ ઈરાનમાંથી આવ્યા ત્યારે ત્યાંથી પોતાના ઘરનો અગ્નિ સાથે લાવ્યા છે, અને સુખડનાં લાકડાંથી આજ સુધી બળતો રાખ્યો છે. એ વાતને આજે ૧૩૦૦-૧૪૦૦ વર્ષ થયાં છે. જે જગ્યાએ આ અગ્નિ રાખવામાં આવે છે તે જગ્યાએ પારસી સિવાય બીજાને જવા દેવામાં આવતાં નથી.

આપણા અગ્નિહોત્રીઓ પણ અગ્નિનું એટલું જ માન રાખે છે. અને અગ્નિ છે પણ માનનીય. એ આપણું જીવન છે.

હિંદુ લોકો પોતાના સાધુસંતોને, રાજાઓને અને મહાન પુરુષોને સુખડથી જ બાળે છે. લોકમાન્ય ટિળકને સુખડથી બાળેલા.

મહાત્મા ગાંધીજીને પણ એકલાં ચંદનનાં લાકડાં વડે જ બાળેલા.

બજારમાં સુગંધી તેલવાળાઓ સુખડનું તેલ વેચે છે. એનો ઉપયોગ જાણો છો ? કેટલાએક શોખીન લોકો સુખડનાં તેલનાં પૂમડાં કાનમાં ખોસીને ફરે છે. પણ તે કાંઈ ખરો ઉપયોગ નથી. જેને ખસ થઈ હોય તેઓ જો ચામડી ઉપર સુખડનું તેલ લગાડે તો ફાયદો થાય છે. ઉનાળામાં નાનાં બાળકોને સુખડનું તેલ લગાડવું સારું છે. તમે સમજશો કે સુખડ સુગંધી છે તેમ તેલી પણ છે.

કુદરતની પણ ખૂબી છે કે કોઈ ઝાડનાં લાકડામાંથી તો કોઈ ઝાડનાં ફૂલમાંથી તો કોઈ ઝાડનાં ફળમાંથી તો કોઈની વળી છાલમાંથી તેલ નીકળે છે. કોઈનાં મૂળિયાંમાંથી પણ તેલ નીકળે છે. વિચાર કરો જોઈએ. કયાં કયાં ઝાડો તેલ આપનારાં છે ?