← ગાંડો બાવળ વનવૃક્ષો
લીલો બાવળ
ગિજુભાઈ બધેકા
બાવળ →



લીલો બાવળ

મારા ફળિયામાં ઊગેલો છે તે ડાહ્યો બાવળે નથી ને ગાંડો બાવળે નથી. ગાંડો બાવળ ગાંડો નથી હોતો; લોકોએ એને ગાંડો શા માટે કહ્યો હશે તેનું કારણ લોકો જાણે, અને ડાહ્યા બાવળને ડાહ્યો કહેવામાં લોકોએ એમાં કયું ડહાપણ ભાળ્યું હશે તે મને તો કદી નથી સમજાયું. લોકો ડાહ્યા બાવળનાં દાતણ કરે છે અને ગાંડો બાવળ દાતણના કામમાં નથી આવતો એટલા માટે ઉપયોગી તે ડાહ્યો અને પોતાને નહિ ઉપયોગી તે ગાંડો એમ વખતે ઠરાવ્યું હોય ! લોકોનો સ્વભાવ તો એવો જ છે. જે બાળકો ઝટપટ ઊઠીને માબાપનું કામ કરે છે તેને તેઓ ડાહ્યાં કહે છે, અને જેઓ કોઈ પણ કારણે કામ નથી કરી શકતાં તેમને તેઓ ગાંડા કહે છે. લોકોનું ધોરણ ઉઘાડી રીતે સ્વાર્થનું છે. લોકોના સ્વાર્થમાં બિચારાં બાળકોને, ઝાડોને અને પોતાના સિવાય સૌને સહેવાનું.

સારું છે કે આ લીલો બાવળ લોકોના ઝપાટે નથી ચડ્યો. એનું કારણ છે. એ પરદેશી છે. કદાચ પરદેશીથી લોકો ડરે છે તેમ આ બાવળથી યે ડર્યાં હોય અને તેનું નામ ન લીધું હોય તો તે સંભવિત છે ! અગર તો તેઓ આ પરદેશથી આવનારને હજી કૌતુક અને વહેમથી જોતા હોય અને તેને વિષે કંઈ કહેતા પહેલાં સાવધાની રાખતા હોય એમ બનવું ય સ્વાભાવિક છે.

અમે એને લીલો બાવળ કહીએ છીએ કારણ કે તે બારે માસ લીલો રહે છે. પરદેશમાં આવાં કાયમી લીલાં ઝાડો છે તેમાંથી આવેલ આ ભાઈ કદાચ ને હોય ! કોઈ કહેતું હતું કે આ બાવળ ઓસ્ટ્રેલીયાનો વતની છે; કદાચ એમ હશે.

બાવળ કાયમ લીલો છે એટલે એ હમેશની શોભા છે. અને છતાં પાનખરમાં તે બૂંઠો નથી થતો એટલે જ વસંતમાં તેની શોભા વધી જતી નથી. એ એનું ભાગ્ય કહો એ દુર્ભાગ્ય કહો, પણ એ તો હમેશાં એવો ને એવો જ રહેવાનો. પાંદડાં લજામણી જેમ બિડાઈ જાય છે; અને મા બાળકને પારણે ઝૂલાવે તેમ જ ફક્ત પવનની દોરીએ તે હળુ હળુ ઝૂલે છે. લીલા બાવળને કાંટા તો છે; પણ ડાહ્યા બાવળના કાંટાની જેમ નીચે પડીપડીને માણસોને તે લાગતા નથી. ડાહ્યા કહેવાતા માણસો ય બીજાઓને ધાર્યા કરતાં વધારે લાગે છે, એની સાક્ષી ડાહ્યો બાવળ આપી શકે છે. લીલા બાવળના કાંટા ઝાડ ઉપર જ રહે છે, અને સંભાળીને ઝાડ ઉપર ચડે તો તે કોઈને લાગતા પણ નથી. કાંટા કાંટામાં યે ફેર છે. બોરડીના કાંટાને લાગ્યા વિના રહેવાય જ નહિ; ગુલાબના કાંટાનો પણ એવો જ સ્વભાવ ઘડાયેલો. આ વળી લીલા બાવળના કાંટાનો સ્વભાવ જરા સારો છે; એની કેળવણી સારી હશે.

લીલા બાવળને પરડા નથી થતા પણ શીંગો તો થાય છે. ખીજડાને જેવી સાંગરો થાય છે એવી જ સાંગરો લીલા બાવળને થાય છે. પક્ષીઓમાં પોપટ અને માણસોમાં નાના બાળકોને સાંગર બહુ ભાવે છે. પોપટને લીલી અને બાળકોને સૂકી સાંગરો બહુ ભાવે છે. એટલે તો બંનેમાં તફાવત હોય જ ના ?

લીલા બાવળનાં ફૂલો તલબાજરડાના જેવાં થાય છે. એમાં ક્યાં ને કેવી રીતે મધ રહેતું હશે તે તો સક્કરખોરાઓ જાણે; પણ સક્કરખોરા તેમાંથી મધ લેવા આવે છે ખરા ! બરાબર બારીક અવલોકન કરી નક્કી કરવા માટે એક બાયનોક્યૂલર ગળે લટકાવી જ રાખવું જોઈએ.

લીલો બાવળ અમારા આંગણાની શોભા છે. સવારે સૂર્યના તડકાને પોતાના શરીરની ચારણીમાંથી ચાળી ચાળીને અમારા ઉપર-ઘર અને ફળિયા ઉપર પાથરે છે, રાતે ચાંદનીની ધોળી ચાદરમાં કાળી ભાત પાડવાનું કામ પણ એનું જ છે. દિવસે કે રાતે આકાશને આખું જોવામાં આડે આવી ઊભો રહેનાર પણ એ જ છે.

પવન સાથે લહેરો લેવાનું લીલા બાવળને બહુ ગમે છે. હિલોળેલ જેમ હિલોળા લેતો જાય છે ને ઝીણા સુસવાટે દુહાસોરઠા લલકારતો જાય છે. એની ડાળીઓને પવનમાં નાચતી જોઈને નાનાં છોકરાંઓના પગ અને મોટાંઓનાં હૈયાં નાચવા લાગે છે.

લીલો બાવળ અત્યારે સૂતો છે; સાચે જ એ રાત્રે સૂઈ જાય છે ત્યારે એનાં પાંદડાં લજામણી જેમ બિડાઈ જાય છે; અને મા બાળકને પારણે ઝૂલાવે તેમ જ ફક્ત પવનની દોરીએ તે હળુ હળુ ઝૂલે છે.